અમેરિકાનું એવું પ્રથમ શહેર જેનું પ્રશાસન મુસ્લિમોના હાથમાં છે
- લેેખક, ઝાઓયિન ફેંગ
- પદ, બીબીસી ન્યૂઝ, મિશિગન
મિશિગનના હૅમટ્રૅમ્ક શહેરની ગલીમાંથી પસાર થતાં સમગ્ર દુનિયાના પ્રવાસે નીકળ્યા હો તેવો જ કંઈક અનુભવ થાય છે.
અહીં પોલૅન્ડનું સૉસેજ સ્ટોર, પૂર્વ યુરોપની બેકરી, યમનનું ડિપાર્ટમેન્ટલ સ્ટોર અને બંગાળી કપડાંની દુકાન બધું એક જ લાઇનમાં દેખાય છે. અહીં ચર્ચના ઘંટ અને અજાનનો અવાજ એકસાથે કાને પડે છે.
હૅમટ્રૅમ્કના પાંચ વર્ગ કિલોમીટરના વિસ્તારમાં ત્રીસ કરતાં વધુ ભાષાઓ બોલવામાં આવે છે. બે વર્ગ માઇલના આ શહેર વિશે કહેવાય છે કે આ શહેર નહીં એક વિશ્વ છે અને અહીં આવીને તેનો અહેસાસ પણ થાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
28 હજારની વસતીવાળા આ મધ્ય-પશ્ચિમમાં આવેલા શહેરે આ અઠવાડિયે ઇતિહાસ રચ્યો છે. અહીંની સિટી કાઉન્સિલમાં તમામ મુસ્લિમ લોકો ચૂંટાઈ આવ્યા છે.
અહીંના મેયર પણ મુસ્લિમ છે. આ અમેરિકાનું એવું પહેલું શહેર બની ગયું છે જ્યાનું નગરીય પ્રશાસન મુસ્લિમના હાથમાં છે.
એક સમયે અહીંના મુસ્લિમોને ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો. હવે તેઓ એક બહુવંશીય સમુદાયનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બની ચૂક્યા છે. શહેરની અડધી વસતી હાલ મુસ્લિમ છે.
આર્થિક પડકારો અને ગંભીર સાંસ્કૃતિક ચર્ચા છતાં આ શહેરના લોકો શાંતિ અને પ્રેમથી રહે છે.
અમેરિકાની વિવિધતામાં વધારો થઈ રહ્યો છે અને આ શહેરને સારા ભવિષ્યના ઉદારહરણ તરીકે જોવામાં આવી રહ્યું છે. પરંતુ અહીં પ્રશ્ન એ છે કે શું હૅમટ્રૅમ્ક એક અપવાદમાત્ર બનીને તો નહીં રહી જાય ને?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જર્મન પ્રવાસીઓનું આ શહેર અમેરિકામાં પ્રથમ મુસ્લિમ બહુમતી ધરાવતું શહેર પણ છે.
અહીંની દુકાનોની બહાર અરબી અને બંગાળીમાં બોર્ડ લાગેલાં છે. બાંગ્લાદેશી કપડાં શાનથી વેચાય છે. આટલું જ નહીં મુસ્લિમ શહેરીઓ પોલૅન્ડના કસ્ટર્ડ ભરેલા ડોનટ પાજ્ખી ખાવા માટે લાઇનમાં ઊભેલા દેખાય છે.

'અલગ છે ઓળખ'

ઇમેજ સ્રોત, Getty Images
ડેટ્રોઇટની સરહદ સાથે જોડાયેલું આ શહેર એક સમયે અમેરિકાના કારઉદ્યોગનું કેન્દ્ર હતું. અહી જનરલ મોટરના મોટા પ્લાન્ટ હતા જે ‘મોટરસિટી’ની સરહદ સાથે જોડાયેલા હતા.
કેડિલૅકની લક્ઝરી કાર એલ્ડોરાડો 80ના દાયકામાં હૅમટ્રૅમ્કના પ્લાન્ટમાંથી જ નીકળી હતી.
વીસમી સદીમાં અહીં પોલૅન્ડથી આવેલા લોકો વસ્યા અને તે લિટલ વૉરસૉ પણ ઓળખાવા લાગ્યું. 1987માં જ્યારે પોલૅન્ડ પોપ જૉન પૉલ દ્વિતીય અમેરિકાની યાત્રા કરી હતી ત્યારે તેઓ અહીં પણ આવ્યા હતા.
1970ના દાયકામાં આ શહેરમાં રહેનારા 90 ટકા લોકો મૂળ પૉલૅન્ડના હતા.
પરંતુ પાછલા અમુક દાયકામાં જ્યારે અમેરિકાના કારઉદ્યોગનું પતન થવાનું શરૂ થયું ત્યારથી મૂળ પોલૅન્ડના યુવાન લોકો અહીંથી બહાર જવા લાગ્યા.
આ પરિવર્તન હૅમટ્રૅમ્કને મિશિગનનાં સૌથી ગરીબ શહેરો પૈકી એક બનાવી દીધું. પરંતુ અહીંની સસ્તી જીવનશૈલીએ પ્રવાસીઓને પોતાની તરફ જરૂર આકર્ષ્યા.
પાછલાં 30 વર્ષોમાં આ શહેર ફરીથી બદલાઈ ગયું છે. અહીં આરબ અને એશિયન મૂળના પ્રવાસી ભારે સંખ્યામાં આવી રહ્યા છે, ખાસ કરીને યમન અને બાંગ્લાદેશથી.
હાલ શહેરની 42 ટકા વસતીમાં અમેરિકાની બહાર પેદા થયેલા લોકો છે. એવું માનવામાં આવે છે કે આ શહેરના અડધા કરતાં વધુ લોકો ઇસ્લામ ધર્મના અનુયાયી છે.
હૅમટ્રૅમ્કની આ નગરીય સરકાર શહરની બદલાતી વસતિને પ્રતિબિંબિત કરે છે. કાઉન્સિલમાં હવે બે બંગાળી સભ્ય છે, ત્રણ મૂળ યમનના અમેરિકન છે જ્યારે એક મૂળ પોલૅન્ડના છે જેમણે હાલમાં જ ઇસ્લામ ધર્મ અંગીકાર કર્યો છે.
68 ટકા વોટ મેળવીને અમીર ગાલિબ અમેરિકામાં પ્રથમ મૂળ યમનના મેયર બન્યા છે. 41 વર્ષના ગાલિબ કહે છે કે, "મને ગર્વ છે અને હું સન્માનિત અનુભવી રહ્યો છું પરંતુ આ એક મોટી જવાબદારી પણ છે."
યમનના એક ગામમાં પેદા થયેલા ગાલિબ 17 વર્ષની ઉંમરે અમેરિકા પહોંચ્યા હતા. તેમણે હૅમટ્રૅમ્ક પાસે કારના પ્લાસ્ટિકના પાર્ટ બનાવતી એક ફેકટરીમાં કામ શરૂ કર્યું હતું.
બાદમાં તેમણે અંગ્રેજી શીખી અને મેડિકલ ટ્રેનિંગ હાંસલ કરી અને હવે તેઓ હેલ્થકેર ક્ષેત્રે કામ કરે છે.
કાઉન્સિલ માટે ચૂંટાયેલા અમાંડા જૅકોવ્સ્કી કહે છે કે, "આ કોઈ મેલ્ટિંગ પૉટનું સલાડ બોલ નથી પરંતુ શહેર સાત સ્તરોવાળા કૅક જેવું છે જેના પ્રત્યેક સ્તરની પોતાની એક સાંસ્કૃતિક ઓળખ છે, તેમ છતાં લોકો એકમેક સાથે સંપીને રહે છે."

'લોકો વચ્ચે મતભેદ પણ છે'

ઇમેજ સ્રોત, COURTESY OF AMANDA JACZKOWSKI
29 વર્ષનાં જૅકોવસ્કી કહે છે કે, "જ્યારે આપ એકબીજાના આટલા નજીક રહો છો ત્યારે એકમેક સાથે મતભેદ સર્જાવાની સંભાવના વધી જાય છે."
પરંતુ આ શહેર કોઈ 'ડિઝનીલૅન્ડ માફક' નથી. 15 વર્ષ સુધી મેયર પદ પર રહેલાં કૅરેન માજેવ્સ્કી કહે છે કે આ એક નાનું શહેર છે જ્યાં લોકો વચ્ચે મતભેદ પણ છે.
2004માં મતદાન દ્વારા શહેરમાં ઇસ્લામમાં પ્રાર્થનાના આગ્રહ એટલે કે અજાનને અનુમતિ અપાઈ હતી. ત્યારે થોડો તણાવ પણ સર્જાયો હતો. અમુક નગરવાસીઓ એવું પણ કહ છે કે મસ્જિદોની નજીક બાર પર પ્રતિબંધ લગાવવાથી સ્થાનિક અર્થતંત્રને નુકસાન થાય છે.
છ વર્ષ પહેલાં હૅમટ્રૅમ્કની પ્રથમ મુસ્લિમ બહુમતીવાળી સરકાર ચૂંટાઈ આવી હતી ત્યારે સમગ્ર વિશ્વના મીડિયાકર્મી અહીં આવ્યા હતા. તે સમયે કેટલાક મીડિયા રિપોર્ટોમાં તેને તણાવપૂર્ણ શહેર પણ ગણાવાયું હતું જ્યાં ભારે સંખ્યામાં મુસાફરો આવી રહ્યા હતા.
એક ટીવી ઍન્કરે તો ભૂતપૂર્વ મેયર માજેવ્સ્કીને એવું સુધ્ધાં પૂછી લીધું હતું કે તેમને મેયર બનવાને કારણે ડર લાગી રહ્યો છે કે કેમ? કેટલાકે એવી આશંકા વ્યક્ત કરી હતી કે મુસ્લિમ બહુમતી કાઉન્સિલ શહેરમાં શરિયા વ્યવસ્થા જાહેર કરી શકે છે.
માજેવ્સ્કી કહે છે કે, "અહીંના લોકો આ વાતે નજર ફેરવી લે છે."

'મુસ્લિમોને લઈને નકારાત્મક મત'

ઇમેજ સ્રોત, Getty Images
તેઓ એ વાતને લઈને સંતુષ્ટ છે કે અહીંના લોકો એકબીજાનું સ્વાગત કરે છે. તેઓ કહે છે કે એ સ્વાભાવિક છે કે નાગરિકોએ એ લોકોને પસંદ કર્યા જેઓ તેમની સંસ્કૃતિ અને ભાષાને સારી રીતે સમજે છે.
અમેરિકામાં વસતિગણતરી વિભાગ લોકોના ધર્મ અંગેના આંકડા એકઠા નથી કરતો, પરંતુ થિંક ટૅંક પ્યૂ રિસર્ચ સેન્ટરનું અનુમાન છે કે અમેરિકામાં લગભગ 38.5 લાખ મુસ્લિમો રહે છે. એટલે કે અમેરિકામાં મુસ્લિમોની વસતિ કુલ વસતિના 1.1 ટકા છે.
એક અનુમાન પ્રમાણે વર્ષ 2040 પ્રમાણે અમેરિકામાં ખ્રિસ્તી બાદ મુસ્લિમો સૌથી મોટો ધાર્મિક સમૂહ બની જશે.
પોતાની વધતી મોજૂદગી છતાં અમેરિકામાં મુસ્લિમોને ઘણા પ્રકારના પૂર્વાગ્રહોનો સામનો કરવો પડે છે. 9/11ના હુમલાનાં 20 વર્ષ બાદ પણ મુસ્લિમાનોએ ઇસ્લામ પ્રત્યે નફરતનો સામનો કરવો પડે છે.
પ્યૂના સંશોધનમાં સામેલ થનારા લગભગ અડધા યુવાન મુસ્લિમોનું કહેવું હતું કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મુસ્લિમ બહુમતીવાળા દેશોના પ્રવાસીઓનું અમેરિકા આવવા પર પ્રતિબંધ લગાવ્યા બાદ તેમણે કોઈને કોઈ પ્રકારના ભેદભાવનો સામનો કરવો પડ્યો હતો.
સંશોધનકર્તાઓને જોવા મળ્યું કે અમેરિકાનાં તમામ ધાર્મિક સમૂહોમાં મુસ્લિમોને લઈને અમેરિકન જનતાનો મત સૌથી હકારાત્મક છે.
અડધા કરતાં વધુ અમેરિકન લોકોનું કહેવું છે કે તેઓ વ્યક્તિગતપણે કોઈ મુસ્લિમને નથી ઓળખતા. પરંતુ લોકો જેઓ વ્યક્તિગતપણે મુસ્લિમોને ઓળખે છે તેમનો મત છે કે ઇસ્લામ બીજા ધર્મોની સરખામણીએ હિંસાને વધુ પ્રેરિત નથી કરતો.
હૅમટ્રૅમ્ક શહેર એ વાતનું ઉદાહરણ છે કે વ્યક્તિગત સંબંધ ઇસ્લામોફોબિયાને ખતમ કરી શકે છે.
9/11 હુમલાના કેટલાક દિવસો બાદ જ્યારે શહાબ અહમદે કાઉન્સિલના સભ્યનું ફૉર્મ ફર્યું તો તેમને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો.
બંગાળી મૂળના અમેરિકન શહાબ અહમદ કહે છે કે, "શહેરમાં પોસ્ટર લાગ્યાં હતાં કે હું વીસમો હાઇજેકર છું જે વિમાનો સુધી નહોતો પહોંચી શક્યો."
અહમદ એ ચૂંટણી તો હારી ગયા પણ તેમણે ઘરે-ઘરે જઈને પોતાનો પરિચય આપ્યો. બે વર્ષ બાદ તેમણે કાઉન્સિલ માટે ચૂંટવામાં આવ્યા. તેઓ શહેરની કાઉન્સિલમાં પ્રથમ મુસ્લિમ સભ્ય હતા. જે બાદ શહેરમાં મુસ્લિમો પ્રત્યે સમર્થન વધતું જ ગયું છે.

લોકોમાં સંપ વધ્યો

વર્ષ 2017માં જ્યારે ટ્રમ્પે મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોમાંથી મુસાફરોના આગમન પર પ્રતિબંધ લાદ્યો હતો ત્યારે હૅમટ્રૅમ્કના લોકોએ તેનો વિરોધ કર્યો હતો.
'હૅમટ્રૅમ્ક USA' ડૉક્યુમેન્ટરી ફિલ્મના સહ-નિર્દેશક રઝી જાફરી જણાવે છે કે, "એક પ્રકારે લોકો આના કારણે એક થયા, કારણ કે લોકોને લાગ્યું કે જો તમારે હૅમટ્રૅમ્કમાં રહેવું હોય તો સંપીને રહેવું પડશે."
દેશના રાષ્ટ્રીય રાજકારણમાં પણ હાલ મુસ્લિમોની હાજરી વધી છે. 2007માં ડેમૉક્રૅટ નેતા કીથ એલિસન મિનોસેટાથી કૉંગ્રેસ પહોંચ્યા અને પ્રથમ મુસ્લિમ સાંસદ બન્યા. પરંતુ અન્ય શહેરોની જેમ અહીં પણ ગંભીર અને ઉત્તેજક સાંસ્કૃતિક ચર્ચા થઈ રહી છે.
જૂનમાં જ્યારે શહેર પ્રશાસને સિટી સેન્ટર બહાર સમલૈંગિક ઝંડા ફરકાવવાની અનુમતિ આપી તો ઘણા લોકોએ તેનો વિરોધ કર્યો.
એ સમયે ઘરો અને દુકાનો બહાર ફરકાવાઈ રહેલા ઘણા સતરંગી ઝંડા ફાડી નાખવામાં આવ્યા.
ભૂતપૂર્વ મેયર મેજેવ્સ્કીના કાપડ સ્ટોરની બહાર લાગેલો ધ્વજ પણ ફાડી નખાયો. જે વિશે તેઓ કહે છે કે, "આ લોકોને એક ચિંતાજનક સંદેશ આપે છે."
ગાંજાના કારણે પણ અહીં વિવાદ થયો છે. હૅમટ્રૅમ્કમાં ગાંજો વેચનારી ત્રણ ડિસ્પેન્સરી ખૂલવાથી મુસલમાનો જ નહીં પરંતુ કૅથલિક ખ્રિસ્તી પણ નારાજ થયા.
તેમજ કેટલાક મુસ્લિમ સમુદાયોમાં મહિલાઓના રાજકારણમાં ઓછી ભાગીદારીને લઈને પણ ચિંતિત છે.
મેયર પદની ચૂંટણી જીત્યા બાદ થયેલી ઉજવણીમાં લોકો કબાબ અને બકલાવા ખાતાં નવા મેયર સાથે ઉજવણી કરી રહ્યા હતા. લગભગ સો લોકોની આ ભીડમાં એક પણ મહિલા નહોતી.
ગાલિબ કહે છે કે તેમના અભિયાનમાં મહિલાઓએ ભાગ લીધો હતો પરંતુ મહિલાઓ અને પુરુષોનું અલગ-અલગ રહેવું એ ઇસ્લામી સંસ્કૃતિનો એક ભાગ છે.
ગાલિબ કહે છે કે હવે ભારે સંખ્યામાં યુવાન મુસ્લિમો અમેરિકાની લાઇફસ્ટાઇલ અપનાવી રહ્યા છે.
હૅમટ્રૅમ્ક સામે આર્થિક પડકારો પણ છે. શહેરની લગભગ અડધી વસતિ ગરીબી રેખા હેઠળ છે. અહીંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જૂનું થઈ રહ્યું છે. અને શહેરની નવી સરકારે આ નવા પડકારોનો સામનો કરવાનો રહેશે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














