ચીનમાં બનેલું પાકિસ્તાની યુદ્ધજહાજ 'તુગરિલ' ભારતીય નૌસેના માટે કેટલું જોખમી?

    • લેેખક, ઉમર ફારુક
    • પદ, સંરક્ષણ નિષ્ણાત

તાજેતરમાં ચીનમાં બનેલા યુદ્ધજહાજ 'તુગરિલ'ને પાકિસ્તાની નૌકાદળમાં સામેલ કરવામાં આવ્યું છે. તેને ચીન તથા પાકિસ્તાન વચ્ચેના સૈન્ય-સહયોગના ઉદાહરણ તરીકે જોવામાં આવે છે.

ત્યારે ભારતીય મીડિયામાં આ સમાચારને મહત્ત્વ આપવામાં આવ્યું છે તથા શું આ ફ્રિગેટને (યુદ્ધજહાજ) કારણે પરંપરાગત રીતે પાકિસ્તાન કરતા ચઢિયાતા એવા ભારતીય નૌકાદળ માટે કોઈ પડકાર ઊભો થશે?

પાકિસ્તાન નેવી

ઇમેજ સ્રોત, PAKISTAN NAVY

પાકિસ્તાને ચીનમાં નિર્મિત 054એ/પી યુદ્ધજહાજ ખરીદ્યું છે અને તેને 'પીએનએસ તુગરિલ' એવું નામ આપવામાં આવ્યું છે.

પાકિસ્તાની નૌકાદળના અધિકારીઓના કહેવા પ્રમાણે, આ જહાજ જમીનથી જમીન, જમીનથી હવા તથા પાણીની અંદર પણ કાર્યવાહી કરવા માટે સક્ષમ છે.

પાકિસ્તાની નૌકાદળની મીડિયા પાંખના મહાનિદેશક કૅપ્ટન રાશિદનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે આ યુદ્ધજહાજનું નિર્માણ ચીનના શાંઘાઈના 'એચઝેડ' શિપયાર્ડ ખાતે કરવામાં આવ્યું છે. આ શ્રેણીનાં વધુ ત્રણ યુદ્ધજહાજ આગામી વર્ષના અંત ભાગ સુધીમાં પાકિસ્તાની નૌકાદળમાં સામેલ કરવામાં આવશે, જેના કારણે દેશની સૈન્યશક્તિમાં વધારો થશે.

line

'તુગરિલ એટલે યુદ્ધજહાજના પ્રદર્શનનું ઉત્તમ ઉદાહરણ'

ભારતીય નેવી

ઇમેજ સ્રોત, WWW.INDIANNAVY.NIC.IN/

જૂન-2017માં પાકિસ્તાન દ્વારા આ જહાજોનો ઑર્ડર આપવામાં આવ્યો હતો. ચીન પાસે હાલમાં આ શ્રેણીના યુદ્ધજહાજ સેવારત્ છે.

કૅપ્ટન રાશિદના કહેવા પ્રમાણે, યુદ્ધજહાજમાં લાગેલાં હથિયાર તથા સેન્સર 'પ્રદર્શનનું ઉત્તમ ઉદાહરણ' છે, જે દરિયામાં અનેક પ્રકારનાં ઑપરેશનને અંજામ આપી શકે છે. તે દરિયામાંથી જમીન પર, દરિયામાંથી હવામાં તથા પાણીની અંદર સબમરીનને પણ ટાર્ગેટ કરી શકે છે.

ચાર હજાર ટન વજનના આ જહાજની મદદથી પાકિસ્તાનને દરિયાઈ સરહદો તથા તટીય વિસ્તારોમાં સંભવિત જોખમને પહોંચી વળવામાં તથા દરિયાઈ પરિવહનના માર્ગને સુરક્ષિત બનાવવામાં મદદ મળશે.

કૅપ્ટન રાશિદના જણાવ્યા પ્રમાણે, 'પીએનએસ તુગરિલ' મનીલા, મલેશિયા તથા શ્રીલંકા સહિતના પ્રાદેશિક મથકોએ થઈને એક મહિનાના પ્રવાસ પછી પાકિસ્તાન પહોંચશે.

line

'પાકિસ્તાનનું સહયોગી ચીન'

પાકિસ્તાન નેવી

ઇમેજ સ્રોત, @PAKISTANNAVY

આ શ્રેણીનું (54એ/પી) વધુ એક યુદ્ધજહાજ આગામી છ મહિનામાં પાકિસ્તાનને મળી જશે, તે પછીના છ મહિનામાં ત્રીજું જહાજ પણ મળી જશે.

આમ એક વર્ષમાં ચીનમાં નિર્મિત ચારેય યુદ્ધજહાજોને સામેલ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી લેવાશે.

પાકિસ્તાની નૌકાદળના અધિકારીઓના કહેવા પ્રમાણે, આ જહાજોને કારણે હિંદ મહાસાગરમાં સત્તાનું સંતુલન સ્થાપિત થશે તથા શાંતિ અને સ્થિરતા જળવાશે.

બીબીસી સાથે વાત કરતા પાકિસ્તાનના સંરક્ષણ નિષ્ણાત શાહિદ રઝાના કહેવા પ્રમાણે, તુગરિલ શ્રેણીનું યુદ્ધજહાજ પાકિસ્તાની નૌકાદળના અત્યાર સુધીનાં યુદ્ધજહાજોમાંથી સૌથી આધુનિક છે, જે આધુનિક યુદ્ધ-પરિસ્થિતિમાં કાર્યવાહી કરી શકે છે.

રઝાનું માનવું છે કે આ યુદ્ધજહાજો મળવાથી પાકિસ્તાની નૌકાદળની સૈન્યશક્તિમાં અનેક ગણો વધારો થયો છે તથા તેનો વ્યાપ પણ વધ્યો છે.

પાકિસ્તાની નૌકાદળના એક વરિષ્ઠ અધિકારીના કહેવા પ્રમાણે, "આ યુદ્ધજહાજો ઉપરાંત ચીનમાં બનેલી એફ-22પી ફ્રિગેટ મળવાને કારણે પાકિસ્તાન તથા ચીનના નૌકાદળની વચ્ચેનો સહયોગ અનેક ગણો વધી જશે અને તે પાકિસ્તાનનું મોટું ભાગીદાર બની જશે."

છેલ્લાં કેટલાંક વર્ષો દરમિયાન પાકિસ્તાને તેના નૌકદાળના આધુનિકીકરણ પર ધ્યાન આપ્યું છે અને આ સંબંધે એક મોટા કાર્યક્રમ પર કામ ચાલી રહ્યું છે.

line

ભારત-પાકિસ્તાન નૌકાદળની સરખામણી

પાકિસ્તાન નેવી

ઇમેજ સ્રોત, PAKISTAN NAVY

તાજેતરમાં ભારતમાં છપાયેલા મીડિયા રિપોર્ટ્સ મુજબ, ભારતની પાસે હાલમાં 17 સબમરીન છે, જેમાંથી 16 ડીઝલચલિત છે, જ્યારે એક પરમાણુ ઊર્જાથી સંચાલિત છે.

પાકિસ્તાની અધિકારીઓના કહેવા પ્રમાણે, તેમની પાસે નવ ડીઝલ સબમરીન છે.

ભારત પાસે પાકિસ્તાન કરતાં વધુ સંખ્યામાં ફ્રિગેટ છે, પરંતુ જો ચીનના સંદર્ભમાં જોવામાં આવે તો સ્થિતિ અલગ છે.

અમેરિકાના સંરક્ષણ મંત્રાલયના એક નિવેદન પ્રમાણે, પાણીની ઉપર તરતા જહાજની સંખ્યાની દૃષ્ટિએ ચીન વિશ્વનું સૌથી મોટું નૌકાદળ છે. 1990ના દાયકામાં પાકિસ્તાનને 1970ના દાયકાની બ્રિટનના નૌકાદળમાં સેવા આપી ચૂકેલી 21 ફ્રિગેટ મળી હતી. જેના સ્થાને પાકિસ્તાને ચીન પાસેથી મળેલા 054એ/પી પ્રકારનાં જહાજોનો ઉપયોગ શરૂ કરી દીધો છે.

તેની સામે 054એ/પી શ્રેણીના યુદ્ધજહાજ સબમરીન સામેના યુદ્ધમાં નિપુણતા ધરાવે છે તથા કુશળતાની બાબતમાં તે ખૂબ જ પ્રભાવક છે. આમ છતાં સંખ્યા તથા ક્ષમતાની બાબતમાં ભારતનું નૌકાદળ ઘણું આગળ છે.

વીડિયો કૅપ્શન, પૃથ્વીને જોખમી લઘુગ્રહોથી બચાવવા નાસાનો નવો પ્રયાસ

હથિયારોના વૈશ્વિક બજારમાં ભારતને આધુનિક હથિયારનું મોટું ખરીદદાર માનવામાં આવે છે. આ વાત અમેરિકા અને રશિયા ઉપરાંત યુરોપિયન શસ્ત્રનિર્માતાઓ પણ સારી રીતે જાણે છે. એટલે તેઓ ભારતને પોતાનાં આધુનિક હથિયાર વેચવા માટે તલપાપડ હોય છે.

ભારતીય મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ભારત સરકારે આગામી 10 વર્ષમાં 56 યુદ્ધજહાજની ખરીદીને મંજૂરી આપી દીધી છે.

એક સંરક્ષણ નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે, બીજી તરફ પાકિસ્તાનનું અર્થતંત્ર સંકટ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. આથી પાકિસ્તાને આધુનિક હથિયાર, ફ્રિગેટ તથા સબમરીન મેળવવા માટે પોતાના જૂના સૈન્ય-સહયોગી ચીન તરફ મીટ માંડી છે.

સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે ચીનની હથિયારનિર્માતા કંપનીઓ દ્વારા પાકિસ્તાનને ખાસ વળતરકિંમતે હથિયાર વેચવામાં આવે છે. પાકિસ્તાન પોતાના નૌકાદળ માટે આધુનિક મિસાઇલ પ્રણાલીને કારણે ઊભા થતા જોખમને પહોંચી વળવામાં અસમર્થ છે. ત્યારે તુગરિલ શ્રેણીનાં યુદ્ધજહાજોને કારણે પાકિસ્તાનની આ ક્ષમતામાં વધારો થશે, એવું સૈન્ય નિષ્ણાતોનું માનવું છે.

line

'તુગરિલ એટલે ચેતવણીનું ઍલાર્મ'

પાકિસ્તાન નેવી

ઇમેજ સ્રોત, AFP

પાકિસ્તાનની નૌકાસેનામાં ક્ષમતા વધારો થવો એ હિંદ મહાસાગરમાં ચીનની સેનાની હાજરી કરતાં ભારત માટે વધુ જોખમરૂપ છે.

'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'ના આકલન પ્રમાણે, હિંદ મહાસાગર તથા અરબ સાગરમાં પાકિસ્તાનના નૌકાદળની હાજરી વધશે.

પાકિસ્તાનનું નૌકાદળ આધુનિકીકરણ માટે ચીન પાસેથી આઠ યુદ્ધજહાજ ખરીદશે. બ્રોકિંગ્સ ઇન્સ્ટિટ્યૂટના જૂન-2020ના રિપોર્ટ પ્રમાણે, "ગત ત્રણ દાયકા દરમિયાન ચીને હિંદ મહાસાગરમાં તેની પ્રવૃત્તિઓ તથા હિલચાલમાં ભારે વધારો કર્યો છે. ચીનના નૌકાદળની શક્તિમાં થયેલી આ વૃદ્ધિ કથિત રીતે 'દેવામાં ફસાવો'ની કૂટનીતિને કારણે અમેરિકા તથા ભારતના વ્યૂહરચનાકારોમાં ભય વધ્યો છે. તેમને લાગે છે કે આને કારણે ચીન તેની ભૌગોલિક સરહદો ઓળંગીને વધારાની સૈન્યક્ષમતા હાંસલ કરી લેશે."

હિંદ મહાસાગરમાં પાકિસ્તાન તથા ચીનના નૌકાદળની વચ્ચેનો સહયોગ પણ ભારતને માટે ચિંતાનું કારણ છે.

ગ્લોબલ ફાયર ઇન્ડેક્સ નામની વેબસાઇટ દ્વારા દુનિયાભરની સેનાઓની ક્ષમતાનું વિશ્લેષણ કરવામાં આવે છે. તેને ટાંકતા ભારતીય મીડિયા નોંધે છે કે ભારત પાસે હાલમાં 285 યુદ્ધજહાજ છે, જેની સામે પાકિસ્તાન પાસે માત્ર 100 છે.

પાકિસ્તાન નેવી

ઇમેજ સ્રોત, ARUN SANKAR

બ્રોકિંગ ઇન્સ્ટિટ્યૂટશનના એક રિપોર્ટ અનુસાર, આઈઓઆરમાં (ઇન્ડિયન ઓશન રિમ ઍસોસિયેશન) તાજેતરમાં પીએલએએન (પીપલ્સ લિબ્રેશન આર્મી નેવી)ની મોટા ભાગની યાત્રાઓ પાકિસ્તાનમાં જ થઈ છે. એવી ચર્ચા છે કે પાકિસ્તાનનાં યુદ્ધજહાજોને કરાચીના શિપયાર્ડમાં તમામ સુવિધાઓ આપવામાં આવે છે.

ચીનની હિંદ મહાસાગર માટેની રણનીતિમાં પાકિસ્તાનનું નૌકાદળ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. બીબીસી સાથે વાત કરતા ભારતના સંરક્ષણ બાબતોના જાણકાર રાજા મોહનના કહેવા પ્રમાણે, ચીન દ્વારા પાકિસ્તાનને આધુનિક યુદ્ધજહાજ તથા અન્ય સરંજામ આપવામાં આવી રહ્યાં છે. છતાં ભારત અને પાકિસ્તાનના નૌકાદળ વચ્ચેનું સંતુલન વિખેરાઈ જાય, તેની કોઈ શક્યતા નથી.

તેમના મતે ચીનની હિંદ મહાસાગર માટેની વ્યૂહરચનામાં પાકિસ્તાનના નૌકાદળની ભૂમિકા ભારત માટે ચિંતાનો વિષય હોવો જોઈએ. હિંદ મહાસાગરમાં ચીનના નૌસૈનિક શક્તિપ્રદર્શનનો હવે પાકિસ્તાન પણ ભાગ બની ગયું છે.

પાકિસ્તાની અધિકારીઓના કહેવા પ્રમાણે, પીએનએસ તુગરિલના આગમનને કારણે ચીનની સેના તથા પાકિસ્તાની નૌકાદળ વચ્ચેની સંયુક્ત પ્રણાલી હેઠળ માહિતીનું આદાન-પ્રદાન કરવું સહેલું બની જશે તથા આ ક્ષમતામાં અનેક ગણો વધારો થઈ જશે. બંને દેશોની સેનાઓએ સંયુક્ત લક્ષ્યાંકોને પાર પાડવા માટે અનેક સંયુક્ત અભિયાન હાથ ધર્યાં છે.

1993-'94 દરમિયાન પાકિસ્તાને બ્રિટિશ રૉયલ નૅવી પાસેથી ચાર યુદ્ધજહાજ ('પીએનએસ બદ્ર', 'પીએનએસ ટીપુ સુલતાન', 'પીએનએસ બાબર' તથા 'પીએનએસ શાહજહાં') ખરીદ્યાં હતાં, જેનો કાર્યકાળ પૂર્ણ થતાં તેમને સેવાનિવૃત્ત કરી દેવામાં આવ્યાં હતાં.

ભારત, ચીન, પાકિસ્તાન

ઇમેજ સ્રોત, EPA/DIVYAKANT SOLANKI

બ્રોકિંગ ઇન્સ્ટિટ્યૂટના જૂન-2020માં 'હિંદ મહાસાગરમાં ચીનની મહત્ત્વકાંક્ષા'ના શીર્ષક હેઠળ પ્રકાશિત રિપોર્ટમાં જણાવ્યું હતું કે ચીનની સેના અન્ય દેશોની નૌસેના સાથે મળીને પોતાની સહયોગક્ષમતાને વ્યાપક બનાવવાની યોજના પર કામ કરી રહી છે, જેનું મુખ્ય કેન્દ્રબિંદુ હિંદ મહાસાગરમાં આતંકવાદવિરોધી કાર્યવાહી પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે.

ફેબ્રુઆરી-2021માં ચીનના નૌકાદળે સતત આઠમી વખત પાકિસ્તાનના નેતૃત્વમાં સંયુક્ત નૌસેના કવાયત હાથ ધરી હતી. જેનો હેતુ પાકિસ્તાનના નૌકાદળને આ વિસ્તારમાં તહેનાત દુનિયાની અન્ય નૌકાશક્તિઓની સમકક્ષ મૂકવાનો હતો.

છેલ્લા અભ્યાસમાં અમેરિકા ઉપરાંત નાટો સંગઠનના અનેક સભ્યદેશોની સેનાઓએ પણ ભાગ લીધો હતો. જેથી કરીને પાકિસ્તાન તથા ચીનના નૌકાદળ જ આ વિસ્તારમાં સૈન્યઅભ્યાસ કરે છે, એવા પૂર્વાગ્રહને દૂર કરી શકાય.

ચીનની સૈન્યશક્તિમાં વધારા અંગે અમેરિકાના વિદેશ મંત્રાલય દ્વારા તાજેતરમાં પ્રકાશિત રિપોર્ટમાં એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે કે ચીનનું નૌકાદળ પાકિસ્તાનમાં તેનો બેઝ સ્થાપિત કરી શકે છે. પીએલએનો પહેલો આઉટડોર બેઝ હાલ જિબુતીમાં નિર્માણાધીન છે. જેનો ઔપચારિક ઉદ્દેશ પશ્ચિમ હિંદ મહાસાગરમાં ચાંચિયાગીરી પર લગામ કસવાનું જણાવવામાં આવ્યું હતું.

પાકિસ્તાની અધિકારીઓનું કહેવું છે કે બંને દેશના નૌકાદળ વચ્ચે વ્યાવસાયિક બાબતો પર ચર્ચા થઈ હતી, જેમાં સહયોગની પ્રક્રિયા તથા દરિયાઈક્ષેત્રે સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સિવાય જહાજ સંચાલન તાલિમ સંબંધિત પ્રવૃત્તિઓ, સંયુક્ત સત્ર, પ્રોફેશનલ મુદ્દાઓ પર ચર્ચા તથા સામાજિક પ્રવૃત્તિઓ વધે તે માટે પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી.

line
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો