ભારત-ચીન સીમાવિવાદ : શું ભારત સાથેના ઘર્ષણનો ફાયદો ચીન તાઇવાન પર દબાણ લાવવા માટે ઉઠાવી રહ્યું છે?

    • લેેખક, રૂપશા મુખરજી
    • પદ, પૂર્વી એશિયા વિશેષજ્ઞ, બીબીસી મૉનિટરિંગ

હાલના દિવસોમાં તાઇવાનના ખીણ પ્રદેશમાં ચીની સૈન્યની ગતિવિધિઓ વધવા લાગી છે અને પાછલા કેટલાક વર્ષોમાં ભારત સાથે પણ સીમા વિવાદોમાં વધારો થયો છે. આ બન્ને ઘટનાઓ બાદ આ અટકળો લગાવવામાં આવી રહી છે કે, ચીન તાઇવાન પર પોતાનો દાવો મજબૂત કરવા માટે ભારત સાથે પોતાના ઘર્ષણનો ફાયદો ઉઠાવી શકે છે.

આ મહિનાની શરૂઆતમાં પિપલ્સ લિબરેશન આર્મી (પીઆઈએ) એ તાઇવાન પાસે યુદ્ધ અભ્યાસ કર્યો. ચીન તાઇવાનને પોતાનો 'વિદ્રોહી પ્રાંત' માને છે. આ યુદ્ધ અભ્યાસને તાઇવાનમાં અમેરિકન સાંસદોના પ્રવાસના જવાબ તરીકે માનવામાં આવ્યો હતો.

શી જિનપિંગ, નરેન્દ્ર મોદી અને તાઇવાનનાં પ્રમુખ ત્સાઈ ઇંગ વેન

ઇમેજ સ્રોત, NARENDRA MODI/YOU TUBE/GETTY IMAGES/AFP

ઇમેજ કૅપ્શન, અટકળો લગાવવામાં આવી રહી છે કે, ચીન તાઇવાન પર પોતાનો દાવો મજબૂત કરવા માટે ભારત સાથે પોતાના ઘર્ષણનો ફાયદો ઉઠાવી શકે છે.

પીએલએ દ્વારા ઑક્ટોબર મહિનામાં તાઇવાનના વાયુ રક્ષા ક્ષેત્રમાં એકસાથે 200 ફાઇટર જૅટ્સ મોકલ્યા હતા.

આ તરફ ભારત સાથેની સીમા પાસે ચીની સૈનિકો ઉંચાણવાળા હિમાલયના વિસ્તારોમાં યુદ્ધ માટે વિશેષ હથિયારો અને ઉપકરણો સાથે પ્રશિક્ષણ મેળવી રહ્યા છે.

હાલમાં જ પૂરા થયેલા ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના સંમેલનમાં એક ઐતિહાસિક પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. જેમાં તાઇવાનની ચીનમાં વાપસીને 'ઐતિહાસિક મિશન' જણાવવામાં આવ્યું હતું.

line

અમેરિકાને 'આગથી ન રમવાની' ચીનની ચેતવણી

જો બાઇડન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નવૅમ્બરની શરૂઆતથી જ ચીનની સોશિયલ મીડિયા સાઇટ વીબો પર લોકો પ્રશ્નો ઉભા કરી રહ્યા છે કે, શું ચીન તાઇવાન સામે જંગ છેડી દેશે?

ચીનનું હંમેશાથી માનવાનું રહ્યું છે કે, તાઇવાન તેનો જ એક ભાગ છે. ચીન તેને 'વન ચાઇના' સિદ્ધાંત ગણાવે છે. હાલના મહિનામાં આ જ સિદ્ધાંત ચીનમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર પર છવાયેલો છે.

ચીનની સરકારી મીડિયાએ રાષ્ટ્રપતિ શી જિનપિંગની અમેરિકાને 'આગથી ન રમવાની' ચેતવણીને ખૂબ જ હાઇલાઇટ કરી હતી. 16 નવૅમ્બરના રોજ શી જિનપિંગ અને જો બાઇડને એક વર્ચ્યુઅલ મીટિંગ યોજી હતી. જેમાં બન્નેએ પરસ્પર સહયોગ અને વિવાદાસ્પદ વિષયો પર ચર્ચા કરી હતી.

બીજી તરફ તાઇવાનની સત્તાધારી ડૅમોક્રેટિક પ્રોગ્રેસિવ પાર્ટી (ડીપીપી) અમેરિકા પાસેથી ચીનના વિરૂદ્ધ સૈન્ય મદદ માગી રહી છે. પાર્ટી તાઇવાનની સ્વાયત્તા બનાવી રાખવા માટે પ્રતિબદ્ધ રહી છે.

સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટે 21 નવૅમ્બરના રોજ લખ્યું હતું કે, 'ડીપીપી તાઇવાનની અલગ ઓળખને પ્રમોટ કરી રહી છે અને ચીન વિરોધી વિચારોને હવા આપી રહી છે. તાઇવાનની રાજકીય હવા યથાસ્થિતિની તરફેણમાં છે અને સ્વાતંત્ર્ય માટે લડનારાઓ માટે બહુ ઓછી જગ્યા છે.'

આ વચ્ચે નવૅમ્બરની શરૂઆતથી જ ચીનની સોશિયલ મીડિયા સાઇટ વીબો પર લોકો પ્રશ્નો ઉભા કરી રહ્યા છે કે, શું ચીન તાઇવાન સામે જંગ છેડી દેશે?

21 નવૅમ્બરના રોજ સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટે પોતાના તંત્રીલેખમાં જણાવ્યું છે કે, 'ચીનનું તાઇવાનના વાયુ ક્ષેત્રમાં વિમાન મોકલવું અને કેટલાક સરકાર અધિકારીઓ દ્વારા વધારે પડતું બોલી જવાથી લાગ્યું કે યુદ્ધ થશે જ.'

line

ભારત સાથે સરહદો પર તણાવ

ભારતીય સૈનિક

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારત લદાખને કાશ્મીરથી જોડવા માટે એક લાંબી ટનલની કામગીરી પૂર્ણ કરવાની તૈયારી કરી રહ્યું છે.

વર્ષ 2020માં ભારતીય સેના સાથે પૂર્વ લદાખના ગલવાનમાં રક્તરંજિત સંઘર્ષ બાદ ચીને તે વિસ્તારોમાં સૈનિકો અને હથિયારોની સંખ્યા વધારી દીધી છે.

21 નવૅમ્બરે ચીનની સરકારી ન્યૂઝ ચૅનલે આ વિસ્તારોમાં ચીની સૈનિકોને યુદ્ધ અભ્યાસ કરતા બતાવ્યા હતા. આ અભ્યાસમાં સૈનિકો સ્નાઇપર રાઇફલ્સ, ગ્રેનેડ લૉન્ચર્સ અને ઍન્ટી ટૅન્ક મિસાઇલનો પ્રયોગગ કરતા જોવા મળ્યા હતા.

સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટે 19 ઑક્ટોબરના રોજ સેનાના એક સૂત્રના હવાલે લખ્યું હતું કે, ચીને ભારત સાથેની સીમા પર 100થી વધુ ઍડવાન્સ લૉન્ગ રેન્જ રૉકેટ લૉન્ચર તહેનાત કર્યા છે. અખબારે આ કામગીરીને શિયાળામાં સંભવિત તણાવની તૈયારી જણાવી હતી.

ભારત લદાખને કાશ્મીરથી જોડવા માટે એક લાંબી ટનલની કામગીરી પૂર્ણ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ ટનલ દ્વારા ભારતીય સૈનિકો અને સૈન્યના માલસામાનને શૂન્ય ડિગ્રીથી પણ ઓછા તાપમાનમ દરમિયાન બારેમાસ સરહદ સુધી પહોંચાડી શકાશે.

મીડિયામાં આવેલા અહેવાલો મુજબ, ભારત ઉંચાણવાળા વિસ્તારોમાં મિલિટરી ડ્રૉન્સ પણ તહેનાત કરશે.

line

શું હોઈ શકે છે રાજકીય ગણિત

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટની નેશનલ કૉંગ્રેસ આવતા વર્ષે યોજાશે. આ અગાઉ શી જિનપિંગ ઈચ્છશે કે, પાર્ટી પર તેમની નિર્વિવાદ પકડ બની જાય.

ઇતિહાસ પર નજર નાંખીએ તો ભારત અને તાઇવાન સાથે ચીનના વિવાદ અલગ અલગ પ્રકારના રહ્યા છે, પરંતુ હાલની વૈશ્વિક રાજનીતિ પ્રમાણે બન્ને દેશો એક જ ગઠબંધનમાં છે અને બન્નેના હિતોમાં સમાનતા પણ છે.

ચીનની કૉમ્યુનિસ્ટ પાર્ટની નેશનલ કૉંગ્રેસ આવતા વર્ષે યોજાશે. આ અગાઉ શી જિનપિંગ ઈચ્છશે કે, પાર્ટી પર તેમની નિર્વિવાદ પકડ બની જાય. ભારત અને તાઇવાન સાથેનો સંઘર્ષ તેમને ફરી એક વખત સરળતાથી પાર્ટીના મહાસચિવનો હોદ્દો અપાવી શકે છે.

ભારતીય ન્યૂઝ વેબસાઇટ ન્યૂઝ18 એ 11 નવૅમ્બરના રોજ લખ્યું છે કે, 'આ સંભવ છે કે ભારત વિરૂદ્ધ કાર્યવાહીનો સંબંધ તાઇવાન સાથે હોય. 160 કિલોમીટર લાંબી ખીણને પાર કરીને તાઇવાન પર હુમલો કરવો હજુ પણ એક સમસ્યા છે. જેની તુલનામાં હિમાલયમાં યુદ્ધ સરળ છે.'

ઈન્ડો પૅસેફિક ક્ષેત્રમાં ચીન અને અમેરિકા હાલમાં એક કડવાહટ ભરેલી રાજકીય રસાકસીમાં ગૂંથાયેલા છે.

તાઇવાન અને અમેરિકા વચ્ચે સૈન્ય ગઠબંધન છે અને તાઇવાનને જાપાન પાસેથી પણ મદદ મળે છે. આ તરફ ભારત એ 'ક્વૉડ'નો ભાગ છે. જેમાં ભારત સિવાય અમેરિકા, જાપાન અને ઑસ્ટ્રેલિયા સામેલ છે. આ ગઠબંધનને ચીન વિરોધી પ્લૅટફોર્મ પણ માનવામાં આવે છે.

line

અમેરિકાની દરમિયાનગીરી કેટલી સંભવ

તાઇવાનનાં પ્રમુખ ત્સાઈ ઇંગ વેન અને શી જિનપિંગ

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન, તાઇવાન અને અમેરિકા વચ્ચે સૈન્ય ગઠબંધન છે અને તાઇવાનને જાપાન પાસેથી પણ મદદ મળે છે.

જોકે, ક્વૉડ સદસ્ય હોવા છતા અમેરિકા, ભારત અને ચીન વચ્ચેના સીમા વિવાદમાં સીધી રીતે સામેલ થવા નહીં માગે.

જાણકારોનું માનવું છે કે, અમેરિકા પર પોતાના સહયોગીઓને સમર્થન આપવાની નીતિ પર સવાલો ઉઠાવી શકાય તેમ છે અને તેનાંથી ચીનને તાઇવાન સાથેના વિવાદ પર પણ મદદ મળશે.

ભારતે તાઇવાન અને ચીન વચ્ચેની રસાકસીથી ખુદને દૂર રાખ્યું છે. કદાચ તેની પાછળ ચીન સાથે પહેલાથી પોતાના વિવાદોને વધુ જટિલ બનવાથી અટકાવવાની આશા હોઈ શકે છે.

શિષ્ટાચારને લગતા કેટલાક સંદેશોને બાદ કરતા ભારત અને તાઇવાન વચ્ચે રાજકીય સંબંધો લગભગ ના બરાબર છે.

તાઇવાનની રાષ્ટ્રપતિ ત્સાઇ-ઇંગ-વૅને વડાપ્રધાન મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. જોકે, વડાપ્રધાન મોદી તરફથી તેનો કોઈ જવાબ આપવામાં આવ્યો ન હતો.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

4 નવૅમ્બરના રોજ ભારતીય અખબાર ડૅક્કન ક્રૉનિકલ લખે છે કે, 'તાઇવાન પર ચુપ્પીનો અર્થ ચીનના તાઇવાન નેરેટિવને સમર્થન. તેનાથી કૉમ્યુનિસ્ટ પાર્ટી વધુ ઉશ્કેરાશે.'

આગામી દિવસોમાં હવે એ જોવાનું રહેશે કે, ભારત તાઇવાન પર પોતાનો પક્ષ બદલશે કે કેમ? ડિસૅમ્બરમાં ભારત અને તાઇવાન બન્ને લોકતંત્ર પર યોજાઈ રહેલા અમેરિકન સંમેલનનો ભાગ હશે. આ બેઠક માટે ચીનને આમંત્રણ અપાયું નથી.

(બીબીસી મૉનિટરિંગ દુનિયાભરના ટીવી, રેડિયો, વૅબ અને પ્રિન્ટ માધ્યમોમાં પ્રકાશિત થતા અહેવાલો પર રિપોર્ટિંગ અને વિશ્લેષણ કરે છે. આપ બીબીસી મૉનિટરિંગના અહેવાલો ટ્વિટર અને ફેસબુક પર પણ વાંચી શકો છો )

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો