અંતરિક્ષમાંથી હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હોવાનો દાવો ફગાવતાં ચીને શું કહ્યું?
અહેવાલો અનુસાર ચીને પરમાણુક્ષમતાથી સજ્જ એક નવી હાઇપરસોનિક મિસાઇલનું પરીક્ષણ કર્યું છે અને ખાસ વાત એ છે કે આ પરીક્ષણ અંતરિક્ષથી થયું છે.
બ્રિટનના અખબાર ફાઇનાન્સિયલ ટાઇમ્સ અનુસાર ચીને આ પરીક્ષણ ઑગસ્ટમાં કર્યું હતું પણ આ વિશે કોઈને કાનોકાન ખબર નહોતી પડવા દીધી.

ઇમેજ સ્રોત, Greg Bowker - Pool/Getty Images
અહેવાલ અનુસાર હાઇપરસોનિક તકનીક મામલે ચીને જે પ્રગતિ સાધી છે, તેનાથી અમેરિકાની ગુપ્તચર સંસ્થા સ્તબ્ધ છે.
જોકે, ચીન દ્વારા આ અહેવાલોને નકારી કાઢવામાં આવ્યો છે અને દાવો કર્યો છે કે તે અવકાશયાનનું 'રૂટિન ચેકઅપ' હતું.
સોમવારે ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાહો લિજિયાને મીડિયાને સંબોધતાં કહ્યું હતું કે જુલાઈ મહિના દરમિયાન ફરીથી વાપરી શકાય તેવાં અવકાશયાનોનું રૂટિન પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું, "એ મિસાઇલ નહીં, પણ અવકાશયાન હતું."
ચીનના વિદેશ મંત્રાલયનું કહેવું છે કે અગાઉ પણ અનેક દેશોએ સમાન પ્રકારનાં પરીક્ષણો કર્યાં છે.
જ્યારે પૂછવામાં આવ્યું કે શું 'ફાઇનાન્સિયલ ટાઇમ્સ'નો અહેવાલ સ્પષ્ટ નથી ત્યારે વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ 'હા' એવો જવાબ આપ્યો હતો.
ચીન દ્વારા તાજેતરનાં વર્ષોમાં જે રીતે સૈન્યશક્તિનું નિદર્શન કરવામાં આવ્યું છે, તેની સામે અનેક પશ્ચિમી દેશોએ ચિંતા પ્રગટ કરી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ચીન, અમેરિકા અને રશિયા સિવાય ઓછામાં ઓછા પાંચ દેશો હાઇપરસોનિક મિસાઇલ ટેકનૉલૉજી ઉપર કામ કરી રહ્યા હોવાનું નિષ્ણાતોનું માનવું છે.

ખતરનાક તકનીક અને ચીનનું આક્રમક વલણ

ઇમેજ સ્રોત, 3DSCULPTOR
બૅલેસ્ટિક મિસાઇલની જેમ જ હાઇપરસોનિક મિસાઇલો પણ પરમાણુ હથિયારથી સજ્જ હોય છે અને તેનું વહન કરવા સક્ષમ હોય છે. આ મિસાઇલ અવાજની ગતિ કરતાં પાંચગણી ઝડપથી ઊડી શકે છે.
હાઇપરસોનિક મિસાઇલ બૅલેસ્ટિક મિસાઇલની સરખામણીમાં ખૂબ ઝડપથી લક્ષ્ય સાધી શકે છે.
એટલું જ નહીં, હાઇપરસોનિક મિસાઇલને આંતરવી અને તેનાથી બચવું પણ મુશ્કેલ હોય છે.
અમેરિકા અને અન્ય અમુક દેશોએ બૅલેસ્ટિક મિસાઇલ અને ક્રૂઝ માટે રક્ષાત્મક માળખું વિકસાવી લીધું છે.
જોકે, હાઇપરસોનિક મિસાઇલની ટ્રેક કરવા અને તોડી પાડવાની તેની ક્ષમતા અંગે હજી કોઈ ચોક્કસ માહિતી નથી.
અમેરિકાના કૉંગ્રેસનલ રિસર્ચ સેન્ટર (સીઆરએસ) અનુસાર ચીન આક્રમક રીતે હાઇપરસોનિક તકનીક વિકસાવી રહ્યું છે.
આ ખબર એવા સમયે આવી છે, જ્યારે તાઇવાન મામલે ચીન આક્રમક બની રહ્યું છે અને એ કારણે અમેરિકા સાથેનો સંબંધ તણાવપૂર્ણ બન્યો છે.
આ ઉપરાંત ચીનનો ભારત સાથેનો પણ સરહદવિવાદ છે અને ભુતાન સાથેની નવી સંધિને પગલે સંબંધોમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમેરિકાના સંરક્ષણ મંત્રાલયે આ બાબતે કોઈ નિવેદન નથી આપ્યું.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












