લતા મંગેશકરે જ્યારે મોહમ્મદ રફી અને શોમૅન રાજકપૂર સામે બાથ ભીડી...
- લેેખક, વંદના
- પદ, બીબીસીની ભારતીય ભાષાઓનાં ટીવી એડિટર
ભારતીય સિનેમાનાં સ્વરકોકિલા લતા મંગેશકરનું નિધન થયું છે. તેમને એક મહિના પહેલાં કોરોના સંક્રમણ બાદ મુંબઈની બ્રિચ કૅન્ડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં આજે સવારે 8 વાગ્યા ને 12 મિનિટે તેમણે અંતિમ શ્વાસ લીધો. લતા મંગેશકરની સંગીતયાત્રાના મહત્ત્વના પડાવો પર એક નજર.

ઇમેજ સ્રોત, Prodip Guha
આ ઘટના 1943-44ની આસપાસની છે. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં એક ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું અને એ સમયનાં વિખ્યાત ગાયિકા નૂરજહાં પોતાનાં ગીતોના રેકૉર્ડિંગ માટે કોલ્હાપુર આવ્યાં હતાં.
એ ફિલ્મમાં એક નાની છોકરી પણ ભૂમિકા ભજવતી રહી હતી.
ફિલ્મના નિર્માતાએ એ છોકરીનો નૂરજહાં સાથે પરિચય કરાવતાં કહ્યું હતું કે આ લતા છે અને તે ગીતો પણ ગાય છે.
નૂરજહાંએ તરત જ કહ્યું, અચ્છા, કંઈક ગાઈ સંભળાવ. લતાએ શાસ્ત્રીય સંગીતથી સભર એક ગીત ગાઈ સંભળાવ્યું. પછી તો લતા ગાતાં રહ્યાં અને નૂરજહાં સાંભળતાં રહ્યાં.
છોકરીનાં ગાયનથી ખુશ થઈને નૂરજહાંએ કહ્યું, "બહુ સારું ગાય છે. બસ, રિયાઝ કરતી રહેજે, તું બહુ પ્રગતિ કરીશ."
આજીવિકા માટે ફિલ્મોમાં નાની-મોટી ભૂમિકાઓ ભજવતી એ છોકરી સમય જતાં સૂરોની સામ્રાજ્ઞી લતા મંગેશકર બની.
અહીં ગીતકાર-દિગ્દર્શક ગુલઝારે કહેલી એક વાત યાદ આવે છે. તેમણે કહેલું કે લતા માત્ર ગાયિકા જ નથી, તેઓ દરેક ભારતવાસીના દૈનિક જીવનનો એક ભાગ બની ચૂક્યાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

સંગીતકાર આનંદઘન પણ હતાં લતા
ગાયકી સિવાય લતા મંગેશકરનાં વ્યક્તિત્વનાં અનેક પાસાં છે, જેના વિશે લોકો બહુ ઓછું જાણે છે.
દાખલા તરીકે, લતા મંગેશકરનો આનંદઘન નામના સંગીતકાર સાથેનો ગાઢ સંબંધ.
આનંદઘને 1960ના દાયકાં ચાર મરાઠી ફિલ્મોમાં સંગીત પીરસ્યું હતું. એ વ્યક્તિ બીજું કોઈ નહીં, પણ લતા મંગેશકર પોતે હતાં, જેઓ નામ બદલીને ફિલ્મોમાં સંગીત આપતા હતા.

ઇમેજ સ્રોત, BBC/GOPAL SHOONYA
તેમણે પોતાના અસલી નામે પણ 1950માં એક મરાઠી ફિલ્મમાં સંગીત આપ્યું હતું. એ ફિલ્મનું નામ હતુ 'રામ રામ પાહુણે.' જોકે, એ સિલસિલો લાંબો ચાલ્યો ન હતો.
મરાઠી ફિલ્મ 'સાધી માણસ'ને સર્વશ્રેષ્ઠ સંગીતનો પુરસ્કાર મળ્યો હતો, પણ લતા મંગેશકર પોતાની બેઠક પર શાંતિથી બેઠાં રહ્યાં હતાં. એ વખતે કોઈએ જણાવ્યું હતું કે આનંદઘન બીજું કોઈ નહીં, લતા મંગેશકર જ છે.
ઋષિકેશ મુખરજીએ 'આનંદ' ફિલ્મનું સંગીત આપવા માટે લતા મંગેશકરને આમંત્રણ આપ્યું હતું, પરંતુ લતા મંગેશકરે તેનો ઇનકાર કર્યો હતો એ વાત બહુ ઓછા લોકો જાણે છે.

ઝેર આપ્યાંની આશંકા દર્શાવી હતી લતાએ

ઇમેજ સ્રોત, Prodip Guha
લેખિકા નસરીન મુન્ની કબીરે લતા મંગેશકરનો દીર્ધ ઇન્ટરવ્યૂ કરીને એક પુસ્તક લખ્યું છે.
એ પુસ્તકમાં એક ગીતના રેકૉર્ડિંગનો ઉલ્લેખ કરતાં લતા મંગેશકર કહે છે, "1962માં હું એક મહિનો બીમાર પડી ગઈ હતી. મારા પેટનો એક્સ-રે લેવામાં આવ્યો હતો અને મને જણાવવામાં આવ્યું હતું કે મને ધીમું ઝેર આપવામાં આવતું હતું એટલે હું બીમાર પડી હતી."
"અમારા ઘરે એક જ નોકર હતો, જે ભોજન રાંધતો હતો. તે નોકર એ જ દિવસે કોઈને કશું કહ્યા વિના ચાલ્યો ગયો હતો. તેણે પગાર લીધો ન હતો."
"એ વખતે અમને લાગ્યું હતું કે કોઈએ તેને અમારા ઘરમાં ઘૂસાડ્યો હતો. એ કોણ હતો તે અમે જાણતા ન હતા."
"હું ત્રણ મહિના પથારીવશ રહી ત્યારે (ગીતકાર) મઝરૂહસાહેબે મને મદદ કરી હતી."
"તેઓ રોજ સાંજે અમારા ઘરે આવતા હતા. જે હું ખાતી એ તેઓ પણ ખાતા. એ સિલસિલો ત્રણ મહિના સુધી ચાલ્યો હતો."
સંગીતના વિશ્વમાં લતા મંગેશકરના આ પ્રવાસ ભલે સફળતાના પરમ શિખર પર પહોંચવા સુધીનો રહ્યો હોય, પરંતુ એ સફરની શરૂઆત સંઘર્ષ, તિરસ્કાર અને મુશ્કેલીભરી હતી.

અભિનયથી શરૂ થઈ સફર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
લતા નાના હતાં ત્યારે જ તેમના પિતાનું અવસાન થયું હતું.
પિતાના અવસાન પછી પરિવારના ભરણપોષણ માટે લતા ફિલ્મોમાં નાની-મોટી ભૂમિકાઓ ભજવીને પૈસા કમાતાં થઈ ગયાં હતાં, પરંતુ લતાને મેક-અપ, અભિનય વગેરે બધું જરાય ગમતું ન હતું. તેમને તો બસ ગાયિકા બનવું હતું.
એ દરમિયાન તેમના જીવનમાં સંગીત દિગ્દર્શનક ઉસ્તાદ ગુલામ હૈદરનો પ્રવેશ થયો હતો.
લતાનો અવાજ સાંભળીને ઉસ્તાદ ગુલામ હૈદર તેમને દિગ્દર્શકો પાસે લઈ ગયા હતા. એ વખતે લતા માંડ 19 વર્ષનાં હતાં. તેમનો પાતળો અવાજ દિગ્દર્શકોને પસંદ પડ્યો ન હતો.
જોકે, ઉસ્તાદ ગુલામ હૈદર પોતાની વાતને વળગી રહ્યા હતા અને 'મજબૂર' ફિલ્મમાં અભિનેત્રી મુનવ્વર સુલતાના માટે લતા પાસે પાર્શ્વગાયન કરાવ્યું હતું.
લતા મંગેશકરના જણાવ્યા મુજબ, ઉસ્તાદ ગુલામ હૈદરે તેમને કહેલું કે એક દિન તુમ બહુત બડી કલાકાર બનોગી ઔર જો લોગ તુમ્હેં નકાર રહે હૈં, વહી લોગ તુમ્હારે પીછે ભાગેંગે..
નૂરજહાં અને ઉસ્તાદ ગુલામ હૈદર બન્ને દેશના વિભાજન બાદ પાકિસ્તાન ચાલ્યા ગયા, પણ લતા મંગેશકર માટે તેમણે કહેલી વાત સાચી સાબિત થઈ તે અજબ યોગાનુયોગ છે.

કિશોરકુમાર સાથે અજબ મુલાકાત

ઇમેજ સ્રોત, Hindustan Times
'મજબૂર' ફિલ્મમાં ગીત ગાયા પછી લતા મંગેશકરને કમાલ અમરોહીની ફિલ્મ 'મહલ'માં ગીત ગાવાની તક મળી હતી.
તેમણે 'આયેગા આનેવાલા' ગીત ગાયું હતું. એ પછી લતા મંગેશકરે ક્યારેય પાછું વાળીને જોવું પડ્યું ન હતું.
પોતાની કારકિર્દીના પ્રારંભિક દિવસોમાં બનેલી એક રસપ્રદ ઘટનાની વાત બીબીસીને થોડાં વર્ષો પહેલાં જણાવતાં લતા મંગેશકરે કહ્યું હતું, "1940ની દાયકામાં મેં ફિલ્મોમાં ગાવાનું શરૂ કર્યું ત્યારે હું મારા ઘરેથી લોકલ ટ્રેનમાં મલાડ જતી હતી અને સ્ટેશનથી રેકૉર્ડિંગ સ્ટુડિયો સુધી પગપાળા ચાલીને જતી હતી."
"રસ્તામાં કિશોરદા (ગાયક કિશોરકુમાર) પણ મળતા, પરંતુ તેઓ મને અને હું તેમને ઓળખતી ન હતી. કિશોરદા મને નિહાળતા રહેતા."
"ક્યારેક હસતા. ક્યારેક પોતાના હાથમાં પકડેલી લાકડી ફેરવતા રહેતા. મને તેમની રીતભાત અજબ લાગતી હતી."
"એ સમયે હું ખેમચંદ પ્રકાશની એક ફિલ્મ માટે ગીત ગાતી હતી. એક દિવસ કિશોરદા મારી પાછળ-પાછળ સ્ટુડિયોમાં પહોંચી ગયા."
"મેં ખેમચંદજીને તેમની ફરિયાદ કરી કે આ છોકરો મારો પીછો કરે છે. મને જોઈને હસ્યા કરે છે. એ સાંભળીને ખેમચંદજીએ મને કહ્યું કે આ તો આપણા અશોકકુમારનો નાનો ભાઈ કિશોર છે."
"પછી ખેમચંદજીએ મારી અને કિશોરદાની મુલાકાત કરાવી હતી. અમે એ ફિલ્મમાં એક યુગલ ગીત પણ ગાયું હતું."

મોહમ્મદ રફીના વલણનો કર્યો વિરોધ

ઇમેજ સ્રોત, Prodip Guha
એ પછીનાં વર્ષોમાં લતા મંગેશકરે અનેક મોટા સંગીતકારો અને કિશોર, રફી, મુકેશ, હેમંતકુમાર જેવા મોટા ગાયકો સાથે અનેક ગીતો ગાયાં હતાં.
બહુ નાની વયે, વ્યક્તિગત ક્ષમતાના આધારે લતા મંગેશકરે આ ઉદ્યોગમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું હતું.
મોટા મુદ્દાઓ વિશે પોતાનું આગવું વલણ લેવામાં લતા ક્યારેય ખચકાયા ન હતાં. આ માટે તેમણે દિગ્ગજો સાથે ટક્કર પણ લેવી પડી હતી.
દાખલા તરીકે, રૉયલ્ટીના મુદ્દે લતા મંગેશકરે તેમના સમયના સૌથી મોટા ગાયકો પૈકીના એક મોહમ્મદ રફી, શોમૅન રાજ કપૂર અને એચએમવી કંપની સામે પણ બાથ ભીડી હતી.
વાસ્તવમાં લતા 1960ના દાયકાથી જ ફિલ્મોમાં ગાયન ગાવા માટે રૉયલ્ટી લેવા લાગ્યાં હતાં. તેઓ ઈચ્છતાં હતાં કે તમામ ગાયકોને પણ રૉયલ્ટી મળવી જોઈએ.
તેમણે મુકેશ અને તલત મહેમૂદ સાથે મળીને એક સંગઠન બનાવ્યું હતું અને રેકૉર્ડિંગ કંપની એચએમવી તથા નિર્માતાઓ સમક્ષ માગણી મૂકી હતી કે ગાયકોને ગીતો ગાવા માટે રૉયલ્ટી મળવી જોઈએ.
જોકે, તેમની વાત સાંભળી નહીં. તેથી તેમણે એચએમવી માટે રેકૉર્ડિંગ જ બંધ કરી દીધું હતું.
મોહમ્મદ રફી રૉયલ્ટી લેવાની વિરુદ્ધમાં હતા. આ મુદ્દાના નિરાકરણ માટે બધા એકઠા થયા તો વાત વકરી ગઈ.
બીબીસીને આપેલા ઇન્ટરવ્યૂમાં લતા મંગેશકરે કહ્યું હતું કે, "રફીસાહેબ ગુસ્સે થઈ ગયા. મારી સામે જોઈને બોલ્યા કે મને શું સમજાવો છો. આ જે મહારાણી બેઠાં છે, તેમની સાથે વાત કરો. મેં પણ ગુસ્સામાં કહ્યું કે તમે મને સાચી રીતે સમજ્યા છો."
"હું મહારાણી જ છું. તેમણે મને કહ્યું કે હું તમારી સાથે ગીત જ નહીં ગાઉં. મેં તેમને વળતો જવાબ આપ્યો કે તમે આ તકલીફ લેશો નહીં. હું જ તમારી સાથે નહીં ગાઉં."
આ ઝઘડો લગભગ ત્રણ વર્ષ સુધી ચાલતો રહ્યો હતો. લતા મંગેશકરે રૉયલ્ટીના મુદ્દે રાજકપૂર સામે પણ ટક્કર લીધી હતી અને તેમની સાથે કામ કરવાનો ઇનકાર કર્યો હતો.
રાજ કપૂર તેમનાં આ પ્રિય ગાયિકા પાસે 1970ના દાયકામાં પાછા ફર્યા અને તેમની પાસે 'બૉબી' ફિલ્મનાં ગીતો ગવડાવ્યાં હતાં.

ફિલ્મફેર સાથે ટક્કર

ઇમેજ સ્રોત, Hindustan Times
પોતે કયા પ્રકારનાં ગીતો ગાશે તે લતા મંગેશકરે પોતાની ક્ષમતા અને મરજી મુજબ નક્કી કર્યું હતું. એ સમયે એક ગાયિકા માટે આવું કરવું બહુ મોટી વાત હતી.
લતા મંગેશકરે તેમની કારકિર્દીમાં અનેક ઍવૉર્ડ્ઝ જીત્યા, પણ રસપ્રદ વાત એ છે કે ફિલ્મફેર ઍવૉર્ડઝમાં સર્વશ્રેષ્ઠ ગાયન માટે કોઈ પુરસ્કાર જ ન હતો.
1957માં શંકર-જયકિશનને સર્વશ્રેષ્ઠ સંગીત દિગ્દર્શકનો પુરસ્કાર મળવાનો હતો. એ સમારંભમાં લતા મંગેશકર ગીતો ગાય એવું તેઓ ઇચ્છતા હતા.
એ પછી શું થયું તે લતા મંગેશકરે નસરીન મુન્ની કબીરના પુસ્તકમાં જણાવ્યું છે.
લતા મંગેશકરે કહ્યું હતું કે "મેં જયકિશનજીને કહ્યું કે હું ફિલ્મફેર સમારંભમાં ગાઈશ નહીં. પુરસ્કાર તમને મળી રહ્યો છે, મને નહીં. એ લોકો સર્વશ્રેષ્ઠ ગાયક કે ગીતકારને ઍવૉર્ડ આપતા નથી."
"તમે તમારા ઑર્કેસ્ટ્રાને કહો કે ગાયકના ગાયા વિના માત્ર ગીતની ધૂન વગાડી દે. પાર્શ્વગાયક અને ગીતકારો માટે પણ પુરસ્કાર નહીં જાહેર કરવામાં આવે ત્યાં સુધી હું ફિલ્મફેર માટે ગાઈશ નહીં."
સર્વશ્રેષ્ઠ ગાયન માટેનો પુરસ્કાર અપાવાનું 1959થી શરૂ થયું હતું. જોકે, ત્યારે ગાયક અને ગાયિકા માટે ત્યારે એક જ કૅટેગરી હતી.
1959માં આવો સૌપ્રથમ ઍવોર્ડ લતા મંગેશકરને 'મધુમતી' ફિલ્મના 'આજા રે, પરદેસી' ગીત માટે આપવામાં આવ્યો હતો.

લતા મંગેશકરની વિલક્ષણતા

ઇમેજ સ્રોત, Hindustan Times
લતા મંગેશકરનાં ગીતોની ખૂબીઓ વિશે વાત કરવાનું બહુ મુશ્કેલ છે. ગીતના ભાવ અને નજાકતને પોતાના અવાજમાં પરોવવામાં તેઓ ઉસ્તાદ.
દાખલા તરીકે 'બંદિની' ફિલ્મનું ગીત 'મોરા ગોરા અંગ લઈ લે..' કે પછી 'જોગી જબસે તુ આયા મેરે દ્વાર, હો મેરે રંગ ગયે સાંજ સકારે, તુ તો અંખિયો સે જાને જી કી બતિયાં, તો સે મિલના હી જુલ્મ ભયા રે.'
લતાના અવાજમાં આ ગીત સાંભળતી વખતે તમે પ્રેમમાં ગળાડૂબ કલ્યાણી (નૂતન)ના હૈયાના ધબકારા અનુભવી શકો છો.
'રઝિયા સુલ્તાન' ફિલ્મનું 'એ દિલે નાદાં' સાંભળો ત્યારે લતાના અવાજ અને વચ્ચેની ખામોશી હૃદયની આરપાર થઈ જાય છે.
'અનુપમા' ફિલ્મના 'કુછ દિલ ને કહા, કુછ ભી નહીં ...' ગીતમાં જીવનની એકલતા તથા સૂનકાર સામે ઝઝૂમતી અને અત્યંત ઉદાસ હોવા છતાં ખુદની સાથે વાત કરતી, ખુશીનો મુખવટો પહેરતી છોકરીની મનની વાત વ્યક્ત થઈ છે. આ ગીત લતાએ મનના અંતઃસ્થલને સ્પર્શી જાય એવા અવાજમાં ગાયું છે.
'અનામિકા' ફિલ્મના 'બાંહો મેં ચલે આઓ' ગીતની વાત કરીએ. એક પ્રેમિકા અંધારી રાતે ધીમે-ધીમે ગાઈ રહી છે. તમે એ ગીત સાંભળશો તો રાતને પોતાના આગોશમાં લેતી પ્રેમિકાના હૃદયના ભાવ અનુભવી શકશો.
લતા મંગેશકર 60 અને 70 વર્ષની વયનાં હતાં ત્યારે તેમણે માધુરી દીક્ષિત, કાજોલ, જૂહી ચાવલા અને પ્રીતિ ઝિન્ટા જેવી નવયૌવનાઓ માટે ગીતો ગાયાં હતાં. અલ્લડ મસ્તીભર્યાં ગીતો લતાને મળ્યાં.

ગીતના શબ્દો બાબતે ચોક્સાઈ

ઇમેજ સ્રોત, Hindustan Times
લતા મંગેશકરની અવાજમાં 'એ મેરે વતન કે લોગોં' ગીત સાંભળીને ભાવવિભોર થઈ ગયેલા તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરુની આંખમાં કઈ રીતે આંસુ આવી ગયાં હતાં એ કિસ્સો વિખ્યાત છે.
એ ગીત ગાયા પછી દિગ્દર્શક મહેબૂબ ખાન લતા મંગેશકરને જવાહરલાલ નહેરુ પાસે લઈ ગયા ત્યારે નહેરુએ કહ્યું હતું, "તેં મારી આંખો ભીની કરી દીધી."
આ ગીતના શબ્દોથી તદ્દન વિપરીત 'ઈન્તકામ' ફિલ્મનું કૅબરે સૉંગ 'આ જાને જાં, તેરા યુ હુસ્ન જવાં.' એ ગીત હેલન પર ફિલ્માવવામાં આવ્યું હતું.
ક્લબ સૉંગ્ઝ અને કૅબરે સૉંગ્ઝ ગાતાં લતા હંમેશાં ખચકાતાં રહ્યાં છે. 'આ જાને જાં' લતાના અવાજમાંના જૂજ કૅબરે સૉમગ્ઝ પૈકીનું એક હશે.
'સંગમ' ફિલ્મના 'મેં કા કરું રામ, મુજે બુઢ્ઢા મિલ ગયા' ગીતના શબ્દોને મામલે લતા મંગેશકર અને ગીતકાર હસરત જયપુરી વચ્ચે ઉગ્ર દલીલબાજી થઈ હતી, કારણ કે ગીતના શબ્દો અશિષ્ટ છે એવું લતાને લાગતું હતું.
જોકે, રાજ કપૂરના કહેવાથી તેઓ ગીત ગાવાં રાજી થયાં હતાં.
તેમનાં બહેન આશા ભોંસલેએ ગઝલ, કૅબરે, શાસ્ત્રીય સંગીત એમ તમામ પ્રકારનાં ગીતો ગાયાં છે. ઘણા લોકો આશાને વધુ વર્સેટાઈલ ગાયિકા માને છે અને બેમાં વધુ વર્સેટાઈલ કોણ છે તેની ચર્ચા ચાલુ જ છે.

'લતા લોકપ્રિય ગાયિકા છે, પણ મહાન નથી'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
વિખ્યાત ચિત્રકાર એમ. એફ. હુસૈનનો પણ આ સંદર્ભે આગવો અભિપ્રાય હતો. અનેક ફિલ્મો બનાવનાર હુસૈને બીબીસીને એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે લતા લોકપ્રિય ગાયિકા છે, પણ મહાન નથી.
પાર્શ્વગાયનની દુનિયામાં લતાનો એવો દબદબો રહ્યો કે બીજી અનેક ગાયિકાઓને ઉભરવાનો મોકો ન મળ્યો. આ વિશે વારંવાર વિવાદ સર્જાતા રહ્યા, પણ લતા મંગેશકર તેનો હંમેશાં ઇનકાર કરતાં રહ્યાં.
આવા વિવાદોથી દૂર રહેતાં લતાના કરોડો ચાહકો ભારતમાં અને વિશ્વના અન્ય દેશોમાં પણ છે.

લતા મંગેશકરનું અંગત જીવન

ઇમેજ સ્રોત, The India Today Group/Getty
નસરીન મુન્ની કબીરે તેમનાં પુસ્તક 'લતા મંગેશકર, ઈન હર ઓન આઈઝ'માં તેમને લગ્ન વિશે પણ સવાલ કર્યાં છે.
આ સંદર્ભમાં લતા મંગેશકરે કહ્યું હતું કે, "મારા પિતાએ મારી જન્મકુંડળીનો અભ્યાસ કર્યો હતો અને કહ્યું હતું કે હું અકલ્પનીય રીતે વિખ્યાત થઈશ."
"આખા પરિવારનું ધ્યાન રાખીશ અને લગ્ન નહીં કરું. આ જ જીવન છે. જન્મ, મરણ અને લગ્ન પર કોઈનું નિયંત્રણ હોતું નથી."
"મેં લગ્ન કર્યાં હોત તો મારું જીવન અલગ હોત. હું ક્યારેય એકલતા અનુભવતી નથી. હું હંમેશાં પરિવાર સાથે જ રહી છું."

બાળપણના રસપ્રદ કિસ્સા

ઇમેજ સ્રોત, The India Today Group
લતા મંગેશકરના પરિવારને સંગીત સાથે કાયમ ગાઢ સંબંધ રહ્યો છે.
તેમના પિતા દીનાનાથ મંગેશકર ગાયક પણ હતા અને ડ્રામા કંપની પણ ચલાવતા હતા. એ ઉપરાંત અનેક વિદ્યાર્થીઓને સંગીતની તાલીમ પણ આપતા હતા.
અલબત, પોતાનું જ એક સંતાન અત્યંત પ્રતિભાશાળી એ વાતથી તેઓ અજાણ હતા.
બીબીસીને આપેલા એક ઇન્ટરવ્યૂમાં લતા મંગેશકરે કહ્યું હતું કે, "એક વખત મારા પિતાજી તેમના શાગિર્દને સંગીત શીખવી રહ્યા હતા. સાંજે કામસર ક્યાંક જવું પડ્યું ત્યારે તેમણે તેમના શિષ્યને કહ્યું કે તમે રિયાઝ ચાલુ રાખો, હું આવું છું."
"હું ઘરની બાલ્કનીમાં બેસીને પિતાજીના શાગિર્દને સાંભળતી હતી. થોડી વાર પછી હું તેમની પાસે ગઈ અને તેમને કહ્યું કે આ બંદિશ તમે ખોટી રીતે ગાઈ રહ્યા છો."
"મેં તેમને એ બંદિશ ગાઈ સંભળાવી હતી. થોડી વારમાં પિતાજી પાછા આવી ગયા એટલે હું ત્યાંથી ભાગી છૂટી હતી. એ વખતે હું ચાર-પાંચ વર્ષની હતી અને પિતાજીને ખબર ન હતી કે હું ગાઉં છું."
"શાગિર્દના ગયા પછી પિતાજીએ મારા માને કહ્યું કે આપણા જ ઘરમાં એક ગાયિકા છે અને આપણે બહારના લોકોને શીખવાડીએ છીએ. બીજા દિવસે સવારે છ વાગ્યે મને જગાડીને પિતાજીએ મારા હાથમાં તાનપુરો પકડાવી દીધો હતો."
લતા મંગેશકરનો જન્મ 1929ની 28 સપ્ટેમ્બરે મધ્ય પ્રદેશના ઈન્દોરમાં થયો હતો.
લતા મંગેશકરે તેમના પિતા સાથે સૌપ્રથમ સ્ટેજ પર્ફોર્મન્સ આપ્યું ત્યારે તેઓ માત્ર નવ વર્ષનાં હતાં. એ વખતે તેમણે રાગ ખંબાવતી ગાયો હતો.
લતા ફિલ્મો વગેરેમાં ગીતો ગાય એવું તેમના પિતા ઈચ્છતા ન હતા, પરંતુ 1942માં પોતાના એક મિત્રની વિનંતીને માન આપીને લતાને ફિલ્મમાં ગીત ગાવાની છૂટ આપવા તૈયાર થઈ ગયા હતા.
લતાએ માર્ચ-1942માં એક મરાઠી ફિલ્મ માટે ગીત ગાયું હતું. બન્યું એવું કે એ ગીત રેકૉર્ડ તો થયું હતું, પણ ફિલ્મ બની નહીં અને ગીત રેકૉર્ડ થયાના એક મહિના પછી લતાના પિતાનું અવસાન થયું હતું.
તેથી પરિવારનું ગુજરાન ચલાવવાની જવાબદારી લતા મંગેશકર પર આવી પડી હતી અને તેમને માસ્ટર વિનાયકનો સહારો મળ્યો હતો. માસ્ટર વિનાયક અભિનેત્રી નંદાના પિતા હતા.
માસ્ટર વિનાયકે લતાને ફિલ્મોમાં અભિનેત્રી તરીકે કામ આપ્યું હતું અને તેમને ઉસ્તાદ અમાન અલી ખાનનાં શિષ્યા બનાવ્યાં હતાં.
લતા ઉસ્તાદ અમાન અલી ખાન પાસેથી ગાયન શીખ્યાં હતાં અને તેમને મરાઠી ફિલ્મોમાં ગાવાની તક મળી હતી.

સંગીત પ્રત્યે અદભુત લગની

ઇમેજ સ્રોત, The India Today Group
સંગીત માટેની લગની બદલ બધા લતા મંગેશકરને દાદ આપે છે.
'લતા, એક સૂર ગાથા' નામના પુસ્તકમાં લેખક યતીન્દ્ર મિશ્ર લખે છે કે "હિન્દી ફિલ્મોના દિગ્ગજ સંગીતકાર અનિલ બિસ્વાસ એક દિવસે સુરિન્દર કોર સાથે ગીત રેકૉર્ડ કરી રહ્યા હતા."
"અનિલદાએ બહુ પ્રેમથી કહેલું કે 'લતિકે, ઈધર આઓ, તુમ કોરસ મેં ગાઓ. ઈસ સે ગાના અચ્છા હો જાએગા.' લતાજીએ કહ્યું હતું કે દાદાએ મને કોણ જાણે કેવા મૂડમાં અત્યંત પ્રસન્નતા સાથે આ વાત કહી હતી કે મને લાગ્યું હતું કે તેઓ તેમના મનની વાત કરી રહ્યા છે."
"મારી વાત માનજો કે એ દિવસે મને કોરસમાં ગાવાની પણ એટલી જ મજા પડી હતી, જેટલી મજા ફિલ્મના મુખ્ય પાત્રો માટે રચાયેલાં ગીતો ગાવામાં આવતી હતી."
એ એવી સમયની વાત છે, જ્યારે લતા મુખ્ય ગાયિકા તરીકે પોતાનું આગવું સ્થાન બનાવી ચૂક્યાં હતાં.
વિખ્યાત શાસ્ત્રીય ગાયક પંડિત જસરાજે એક વખત લતા મંગેશકર વિશે કહ્યું હતું કે "મેં કભી-કભી સોચતાં હુ, યાર કમાલ હૈ. હમ એક શિષ્ય કો બુલાતે હૈં, ઉસકો સિખાને કી કોશિશ કરતે હૈં. યહાં લતાજીસે તો પૂરી દુનિયા કો એસે હી સીખતી રહેતી હૈ. ચાર પીઢિયોં કી ગુરુ બનના કોઈ મામૂલી બાત નહીં."
ફિલ્મસંગીતમાં લતા મંગેશકરના યોગદાનની વાત કરીએ ત્યારે લતા મંગેશકરના જ શબ્દો યાદ આવે છે.
ભારતીય ફિલ્મ ઉદ્યોગને 2013માં 100 વર્ષ પૂરાં થયાં ત્યારે લતા મંગેશકરે કહ્યું હતું કે, "ફિલ્મઉદ્યોગને 100 વર્ષ થયાં છે તો તેમાં 71 વર્ષ મારાં પણ છે."


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














