વનરાજ ભાટિયા : એ કચ્છી જેમણે પરિવારનો વેપારધંધો છોડીને સંગીતને ગળે લગાડ્યું

મુંબઈના કચ્છી વેપારી પરિવારમાં જન્મેલા વનરાજ ગ્રાન્ટ રોડની ન્યૂ એરા સ્કૂલમાં ભણેલા

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, મુંબઈના કચ્છી વેપારી પરિવારમાં જન્મેલા વનરાજ ગ્રાન્ટ રોડની ન્યૂ એરા સ્કૂલમાં ભણેલા
    • લેેખક, રાજ ગોસ્વામી
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે

અલ્લા-રખા રહેમાન ઉર્ફે એ. આર. રહેમાને ભારતીય શાસ્ત્રીય સંગીત અને વૅસ્ટર્ન શાસ્ત્રીય સંગીતનું મિશ્રણ કરીને આગવું ફયુઝન સર્જીને શ્રોતાઓને મોહી લીધા, તે પહેલાં વનરાજ ભાટિયા એવા દુર્લભ સંગીતકારો પૈકીના એક હતા, જેમણે આ બંને સંગીતની પરંપરાઓનો ગહેરો અભ્યાસ કર્યો હતો.

એ જ કારણ હતું કે શ્યામ બેનેગલની 'અંકુર', 'નિશાંત', 'મંથન', 'ભૂમિકા', 'જુનૂન', 'કલિયુગ', કુંદન શાહની 'જાને ભી દો યારો', અપર્ણા સેનની '36 ચૌરંઘી લેન', પ્રકાશ શાહની 'હીપ હીપ હુર્રે', સઈદ મિર્ઝાની 'મોહન જોશી હાજીર હો', કુમાર સહાનીની 'તરંગ', વિધુ વિનોદ ચોપરાની 'ખામોશ', વિજયા મહેતાની 'પેસ્તનજી' જેવી ફિલ્મો અને ગોવિંદ નિહલાનીની 'તમસ', શ્યામ બેનેગલની 'ભારત એક ખોજ' અને કુંદન શાહની 'વાગલે કી દુનિયા' જેવી ટેલિવિઝન શ્રેણીઓમાં તેમનું યાદગાર સંગીત હતું, જેને ભારત 'ન્યૂ વૅવ' સંગીત કહે છે.

line

દોસ્તના ઘરે પિયાનો જોયો અને રસ પડ્યો

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

વનરાજ ભાટિયાનો વૅસ્ટર્ન સંગીત સાથે પરિચય અજીબ રીતે થયો હતો.

મુંબઈના કચ્છી વેપારી પરિવારમાં જન્મેલા વનરાજ ગ્રાન્ટ રોડની ન્યૂ ઍરા સ્કૂલમાં ભણેલા. ત્યાં ભારતીય શાસ્ત્રીય સંગીતનો માહોલ હતો.

તે વખતે દ્વિતીય મહાયુદ્ધમાં જાપાને સિંગાપોર પર ચઢાઈ કરી હતી, અને એમાં ઘણા ચાઇનીઝ લોકો ભાગીને મુંબઈ આવી ગયા હતા. તેમાં એક મિસ યેઓહ નામનાં સંગીત શિક્ષક હતાં.

ભાટિયાની સ્કૂલમાં કુલકર્ણી નામના સંગીત શિક્ષકનું અવસાન થયેલું હતું, તેમની ખાલી જગ્યામાં આ મિસ યેઓહ ગોઠવાઈ ગયાં.

ભાટિયાને તેમની પાસેથી વૅસ્ટર્ન સંગીતનો પરિચય થયો હતો. એ સિવાય દેવધર સ્કૂલ ઑફ મ્યુઝિકમાં તેમણે બે વર્ષ ભારતીય શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી હતી.

તેમણે જહાંગીર રેડીમની નામના પારસી દોસ્તના ઘરે પિયાનો જોયો હતો. એમાંથી તેમને પિયાનોમાં રસ પડ્યો હતો.

માનિક ભગત નામના બાળકોના એક ડૉક્ટર પાસે એ ચાર વર્ષ સુધી પિયાનો શીખ્યા હતા.

એમાં ને એમાં તેમને વૅસ્ટર્ન સંગીત વિશે ઘણું શીખવા મળ્યું. પાછળથી એ યુકે અભ્યાસ માટે ગયા, પછી વૅસ્ટર્ન શાસ્ત્રીય સંગીતકારોનો વિધિવત અભ્યાસ થયો.

line

વૅસ્ટર્ન સંગીત શીખવા વિલાયત ગયા

સિલ્ક સાડીની જાહેરખબર માટે તેમણે પહેલી વાર સંગીત કમ્પોઝ કર્યું હતું

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, સિલ્ક સાડીની જાહેરખબર માટે તેમણે પહેલી વાર સંગીત કમ્પોઝ કર્યું હતું

નૅપિયન્સી રોડ પરના તેમના નિવાસ્થાને 7મી મેના રોજ, 93 વર્ષની વયે તેમનું અવસાન થયું, ત્યારે તે વિશાળ એકલવાયા ફ્લેટમાં પિયાનો તેમના સંગાથમાં હતો.

વનરાજના પિતા કાપડના વેપારી હતા એટલે કોઈને સંગીતમાં રસ નહીં. કચ્છી માણસ ધંધો કરે, એવું પારિવારિક જ્ઞાન તેમને પણ મળેલું.

વૅસ્ટર્ન સંગીતનું ભણવા ઇંગ્લૅન્ડ જવા માટે તેમણે સ્કૉલરશિપ મેળવી ત્યારે આખી ભાટિયા જ્ઞાતિને એમાં બેવકૂફી લાગેલી.

પરિવાર તેમના સંગીતના શોખમાં ઘી હોમવાને બદલે, તેમનો પિયાનો બાળી નાખવાના પક્ષમાં હતો.

પિતા એ બાબતમાં થોડા ઘણા નરમ હતા, તો બાકીના પરિવારે પિતાનેય લીધા, "તમે આને પરદેશ જવા દો છો, પણ એ ચોપાટી પર ચણા વેચવાનો છે."

પિતાએ શરત મૂકી હતી- છ મહિના માટે હું ખર્ચો કાઢીશ. એ પછી જો સ્કૉલરશિપ ના મળી તો પાછા આવવું પડશે.

વનરાજને ત્રણ મહિનાની સ્કૉલરશિપ મળી, પણ પછી બીજી અને ત્રીજી અને ચોથી સ્કૉલરશિપ મેળવતા ગયા.

છેલ્લે એવું થયું કે 20મી સદીની સંગીતની બે મહાન સંસ્થાઓ, ઇંગ્લૅન્ડની રૉયલ એકૅડેમી ઑફ મ્યુઝિક અને ફ્રાન્સમાં નાદિયા બૌલેન્ગરની પેરિસ કન્ઝર્વેટરીમાં ભણવા માટે તેમને સ્કૉલરશિપ મળી. તેમની સંગીતની સૂઝ અને પ્રતિભાની એ કમાલ હતી.

'પેરિસ મારા માટે બેસ્ટ હતું', એવું તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું. નાદિયા બૌલેન્ગર વૅસ્ટર્ન સંગીતનાં સૌથી ઉત્તમ શિક્ષક હતાં.

તેમણે વનરાજ ભાટિયાને અનોખો પાઠ ભણાવ્યો હતો, "અત્યાર સુધી મેં તારા હાથ-પગ બાંધી રાખ્યા છે, આંખો અને મોઢું બંધ રાખ્યું છે. હવે તું કશુંક બોલે, તો તારો બેડો પાર થયો કહેવાય."

થઈ જ ગયો. વનરાજ ભાટિયા મુંબઈ પાછા આવ્યા, અને તેમનું સંગીત તેમના વતી બોલવા લાગ્યું. ચોપાટી પર ચણા વેચવાનો સમય ના આવ્યો.

થોડો સમય તેમણે દિલ્હી યુનિવર્સિટીમાં ભણાવવાનું કામ કર્યું અને જાહેરખબરો માટે જિંગલ્સ બનાવતા થયા. એ જ અરસામાં નિર્માતા-નિર્દેશક શ્યામ બેનેગલ તેમને ભટકાયા.

શ્યામબાબુ કહે છે, "1959નો એ સમય હતો. હું જાહેરખબરની ફિલ્મો સાથે સંકળાયેલો હતો. વનરાજ યુરોપથી આવ્યા હતા અને કારકિર્દીની તલાશમાં હતા. મેં તેમની પાસે અમારી જાહેરખબરો અને દસ્તાવેજી ફિલ્મો માટે સંગીત કમ્પોઝ કરાવ્યું હતું. તેમણે અમારા માટે સરસ જિંગલ્સ પણ લખ્યાં હતાં."

line

ભારતીય અને વૅસ્ટર્ન સંગીતનો સમન્વય

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

ભારત આવીને સિલ્ક સાડીની જાહેરખબર માટે તેમણે પહેલી વાર સંગીત કમ્પોઝ કર્યું હતું. 'લિરિલ સાબુ', 'ગાર્ડન વરેલી સાડી' અને 'ડુલુક્સ પૅઈન્ટ' મળીને કુલ 7,000 જિંગલ્સ લખ્યાં હતાં. શ્યામ બેનેગલની 'અંકુર' ફિલ્મથી તેમણે ફિલ્મી સંગીત ક્ષેત્રે ડેબ્યુ કર્યું.

ફિલ્મસર્જક તરીકે શ્યામબાબુની કારકિર્દી પણ ત્યારે રંગ બતાવવાની અણી પર હતી. બંનેનો સાથ અહીંથી શરૂ થયો.

શ્યામબાબુ કહે છે, "તેમનામાં ભારતીય અને વૅસ્ટર્ન સંગીતનો સુંદર સમન્વય છે. તેના કારણે તેમનામાં પ્રયોગો કરવાનું સાહસ હતું. મેં બસ્તરના આદિવાસીઓ પર એક ફિલ્મ બનાવી હતી. ત્યાંથી હું એક આદિવાસી વાંસળી લાવ્યો હતો. આપણે જે રીતે વાંસળી વગાડીએ છીએ એ રીતે એ નથી વગાડાતી. તેને ઝુલાવવાની હોય, અને એ સુંદર સૂર કાઢે. વનરાજે તેમના કમ્પોઝિશનમાં એનો ઉપયોગ કર્યો હતો."

'ભૂમિકા'નું સદાબહાર ગીત 'તુમ્હારે બિન જી ના લગે' તેમણે કમ્પોઝ કરેલું પહેલું ગીત હતું.

તેના રેકૉર્ડિંગ વખતે રેકૉર્ડિસ્ટે નારાજ થઈને કહેલું કે તમે બહુ પાતળો અવાજ લઈ આવ્યા છો.

વનરાજે કહેલું કે 'મારે આ ગીતમાં એકદમ સ્વચ્છ અવાજ જોઈએ છીએ. ' એ અવાજ પ્રીતિ સાગરનો હતો. આ ગીત વખતે તેની ઉંમર 14 વર્ષની હતી.

વનરાજ ભાટિયાએ આવાં અનેક સદાબહાર ગીતો આપ્યાં છે, પણ ફિલ્મી દુનિયાની રીત-રસમ કહો કે વનરાજ ભાટિયાની 'ધંધાદારી' સૂઝનો અભાવ કહો, તેમના સમકાલીનોની સરખામણીમાં તેમનું જોઈએ તેટલું મૂલ્ય ન થયું.

શ્યામ બેનેગલ કહે છે, "એ અત્યંત પ્રતિભાશાળી છે, પંરતુ તેમની સરખી કદર થઈ નથી." વનરાજ પાસે કોઈએ આ મુદ્દો છેડ્યો, તો તેમણે કહ્યું હતું, "મને આ બધી બાબતોનો પડી નથી."

કદાચ એટલે જ વૃદ્ધાવસ્થા માટે તેમની પાસે કોઈ બચત ન હતી.

2019માં સમાચાર આવ્યા હતા કે વનરાજ ભાટિયા ગરીબી અને શારીરિક મુશ્કેલીઓ વચ્ચે જીવી રહ્યા છે. ઍક્ટર કબીર બેદીએ તેમની મુલાકાત લીધી હતી ત્યારે વનરાજ ભાટિયાએ તેમને કહ્યું હતું કે તેમની પાસે પૈસા નથી, ઘરની ચીજો વેચીને ગુજરાન ચલાવે છે.

વનરાજ ભાટિયાએ સંગીતની સાથે-સાથે કચ્છીઓની પૈસા કમાવાની કુનેહ પણ શીખી હોત તો તેમની પાછલી જિંદગી આટલી દયનીય ન હોત.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો