કૌમુદી મુનશીનું નિધન : જેમણે ગુજરાતને લોકપ્રિય ગરબો 'સાચી રે મારી સત રે ભવાનીમાં…' આપ્યો

ઇમેજ સ્રોત, Minalben Patel
- લેેખક, સૌમિલ મુનશી
- પદ, બીબીસી ગુજરાતી માટે
પોતાની ગાયકીથી ગુજરાતી સુગમ સંગીતને નવા મુકામે પહોંચાડનારાં ગાયિકા કૌમુદીબહેન મુનશીનું મુંબઈમાં 93 વર્ષની વયે અવસાન થયું છે.
ગુજરાતના જાણીતા સુગમ સંગીત ગાયક શ્યામલ-સૌમિલ પૈકી સૌમિલ મુનશીએ બીબીસી ગુજરાતી માટે લખેલો કૌમુદીબહેનના સંગીત વિશેનો લેખ.
કૌમુદીબહેન મુનશી ગુજરાતી સુગમ સંગીતનું પ્રતિષ્ઠિત નામ છે. તેમણે બનારસ ઘરાનાના સંગીતકારો પાસેથી તાલીમ લીધી હતી.
સંગીતમાં દિગ્ગજ ગણાતાં સિદ્ધેશ્વરી દેવી પાસેથી પણ તેમણે તાલીમ મેળવી હતી. બનારસના સંગીતમાં જે રીતે ઠુમરી, દાદરા, ચૈતી વગેરે ગવાય છે, એ શૈલી તેમણે પોતાની ગુજરાતી ગાયકીમાં પ્રયોજી હતી.
એથી જ તેમની ગાયકી નોખી ભાત પાડતી હતી. તેઓ ગઝલ ગાય તો તેમાં પણ ઠુમરીની ઝલક સંભળાય.

ગુજરાતી સુગમ સંગીતનો જે રાજમાર્ગ તૈયાર કર્યો

ઇમેજ સ્રોત, Rekha Trivedi
ગુજરાતી સુગમ સંગીતનો જે રાજમાર્ગ તૈયાર થયો, એમાં કૌમુદીબહેન જેવાં કલાકારોની મોટી ભૂમિકા રહી છે.
કૌમુદીબહેન તેમજ તેમની પેઢીનાં સંગીતકારોએ જ પછીની પેઢી માટે ગુજરાતી સુગમ સંગીતનો રાજમાર્ગ તૈયાર કરી આપ્યો છે.
એ જમાનામાં તો છાકો પાડી દેવાની કે છવાઈ જવાનું ગ્લૅમર હતું નહીં. તેમની પાસે માત્ર ગાયકી હતી અને એ પાસું ખૂબ સબળ હતું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હાર્મોનિયમ, તબલાં અને સારંગી જેવાં એકાદ સહાયક વાદ્ય સાથે તેમનાં કૉન્સર્ટ થતાં હતાં.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
કૌમુદીબહેન મુનશીના અવાજની નોખી જ તાસીર હતી. તેઓ ઠહેરાવવાળી શાસ્ત્રીય સંગીત આધારીત રચના ગાય ત્યારે એમના અવાજનું લાવણ્ય બખૂબી ઝળકતું હતું.
હવે તો ઠહેરાવવાળી રચનાઓ જ સાંભળવા મળતી નથી. કૌમુદીબહેન મુનશીની રચનાઓ યુટ્યૂબ વગેરે ડિજિટલ પ્લૅટફૉર્મ પર ઉપલબ્ધ છે. તેથી નવા કલાકારોએ એકલવ્યની જેમ આ બધું શીખવું જોઈએ.
કૌમુદીબહેન સાથે ઘણી વખત સંગીત વિશે ચર્ચા કરવાનો મોકો મળ્યો હતો.
આનંદની વાત એ છે કે 2003માં અમે અમદાવાદના પૉલિટેકનિક વિસ્તારમાં અમારા નવા ઘર કર્મણ્યેમાં રહેવા ગયા, એ પછી સૌ પ્રથમ પધારેલા મહેમાન કૌમુદીબહેન હતાં.

ઇમેજ સ્રોત, Minalben Patel
શ્યામલ-સૌમિલના સંગીત સાથે તો તેમનાં સંભારણાં છે જ પરંતુ અમારા ઘર સાથે પણ તેમનાં સંભારણાં છે.
એ વખતે જાણીતા સંગીતકાર અને કૌમુદીબહેનના પતિ નીનુ મઝુમદાર વિશેનો એક કાર્યક્રમ કરવાનો હતો એ નિમિત્તે કૌમુદીબહેન અને ઉદય મઝુમદારને અમે બોલાવ્યાં હતાં.
80ના દાયકામાં ક્ષેમુ દિવેટિયાએ અમદાવાદમાં રમણીકભાઈ અંબાણીને ત્યાં કૌમુદીબહેનનો એક કાર્યક્રમ યોજ્યો હતો. રમણીકભાઈ એટલે ધીરૂભાઈ અંબાણીના ભાઈ.
કૌમુદીબહેન પોતે હાર્મોનિયમ ખૂબ સરસ વગાડતાં હતાં, પણ એ કાર્યક્રમમાં તેમણે કહ્યું કે મારી સાથે હાર્મોનિયમ વગાડવા માટે કોઈ સંગત જોઈશે.
હું ખૂબ નસીબદાર હતો કે ત્યારે મને તેમની સાથે હાર્મોનિયમ સંગતની તક મળી હતી.
એ વખતે ગાયક-સંગીતકાર તરીકે મારી કારકિર્દીના શરૂઆતના દિવસો હતો. શરૂઆતી દિવસોમાં આવી તક મળે એટલે કેટલું પોરસ ચઢે.
કૌમુદીબહેને 70ના દાયકામાં અમેરિકામાં એક કાર્યક્રમ કર્યો, તેની એક કૅસેટ અમારી પાસે આવી હતી. એ મેં ખૂબ સાંભળી હતી.
એમાં જે હાર્મોનિયમની હરકતો હતી, તે મને તંતોતંત યાદ હતી. તેથી જ્યારે કૌમુદીબહેન સાથે હાર્મોનિયમ સંગત કરી એ વખતે તેમને ખૂબ આશ્ચર્ય અને આનંદ થયો હતો.
એ વખતે ક્ષેમુભાઈ દિવેટિયાએ કહ્યું હતું કે આ શ્યામલ અને સૌમિલ અમદાવાદમાં સુગમ સંગીતમાં ખૂબ સરસ કામ કરે છે. તેઓ ખૂબ રાજી થયાં હતાં.
એ પછી તો તેમને મળવાના ઘણા અવસર મળ્યા હતા.

કથનશૈલી ગાયકીમાં ઝળકવી જોઈએ

ઇમેજ સ્રોત, Minalben Patel
તેમણે મને એક વાત ખૂબ પાયાની કહી હતી કે ગાયન ત્યારે મંજાયેલું અને ઊજળું બને જ્યારે એક ને એક અભિવ્યક્તિ કેટલી અલગ-અલગ રીતે ગાઈ શકો છો?
જેમકે, આપણે એક જ વાત પત્નીને કે ભાઈને કે પપ્પાને કહેવાની હોય તો એ કહેવાની શૈલી અલગ-અલગ હોવાની.
સંગીતમાં પણ આ જે કહેણ છે, એ ગાયકીમાં ડોકાવવું જોઈએ. જાણે આપણે કોઈને કહેતાં હોઈએ એવો ભાવ છલકાવો જોઈએ.
તેથી સંગીતમાં એક જ વાત તમે અલગ-અલગ આરોહ અવરોહથી રજૂ કરી શકો તો દર્શકોના દિલમાં રાજ કરી શકો એવું તેઓ કહેતાં હતાં.
તેમનું ગાયેલું વૃંદાવન વાટે સખી જાતાં ડર લાગે…સાંભળો તો તેમની ગાયકીમાં જે કથનશૈલી છે એની પ્રતિતિ થશે.
1966થી 69ની સાલમાં મુંબઈમાં આ માસનાં ગીતો એવો કાર્યક્રમ થતો. એ ખૂબ વખણાયેલો અને ઉત્કૃષ્ટ કાર્યક્રમ હતો.
આપણા જાણીતા સંગીકાર ક્ષેમુ દિવેટિયાએ મને કહ્યું હતું કે એમાં કૌમુદીબહેન 'આજ મારા હૈયામાં' ગાતાં ત્યારે તેમને અનેક વખત વન્સમોર મળતા હતા.
આપણા જાણીતા સંગીતકાર સ્વ. દિલીપ ધોળકિયા પણ કૌમુદીબહેનની ગાયનશૈલીના ભારોભાર વખાણ કરતા હતા.
કૌમુદીબહેને ગાયેલાં 'કોઈ આઘે આઘેથી વેણુ વાય છે…', 'આ રંગભીના ભમરાને કહોને કેમ કરી ઉડાડું?…' કે 'વૃંદાવન વાટે…' વગેરે ગીતો સાંભળો તો એમાં કોઈ ઑર્કેસ્ટ્રાની ભરમાર નથી.
એ ગીતોની મેલડી અને ગાયકી જ એટલી ચોટડૂક છે કે તમે સાંભળો એટલે હૈયામાં અંકિત થઈ જાય.
કૌમુદીબહેનનો ગાયેલો ગરબો 'સાચી રે મારી સત રે ભવાનીમાં…' આજે પણ નોરતામાં હૈયા ડોલાવે છે અને આવનારા સમયમાં પણ ડોલાવતો રહેશે.
નીનુ મઝુમદારે સીતાયન તૈયાર કર્યું હતું એની કેટલીક રચના કૌમુદીબહેને ખૂબ સરસ ગાઈ હતી.
નીનુભાઈના જ સ્વરાંકનમાં કૌમુદીબહેને ગાયેલી રચના 'ચોર્યાંસી ભાતનો સાથિયો રે માંડ્યો કે લાલ રંગ ખૂટ્યો સાહેલડી જી રે…' અદ્ભુત છે.

કૌમુદીબહેન પાસેથી નવા કલાકારોએ શું શીખવાનું છે?

ઇમેજ સ્રોત, Mina;ben Patel
આજના સોશિયલ મીડિયાના તેમજ ડિજિટલ જમાનામાં લોકપ્રિયતા ખૂબ સરળ થઈ ગઈ છે, ત્યારે કૌમુદીબહેન જેવાં દંતકથા સમાન કલાકારો પાસેથી એ શીખવાની જરૂર છે કે તેઓ ખૂબ રિયાઝ કરતાં હતાં.
80-90 વર્ષે પણ તેઓ રિયાઝ માટે ચોક્કસ સમય ફાળવતા હતા.
છેલ્લાં વર્ષોમાં તેઓ પર્ફૉર્મ ખાસ નહોતાં કરતાં પણ સંગીતવાંચ્છુઓને શીખવાડતાં હતાં.
મને એક પ્રસંગ યાદ આવે છે, કૌમુદીબહેન પાસે એક વ્યક્તિ સંગીત શીખવા આવી હતી. તેમણે કહ્યું કે કૌમુદીબહેન તમે મને રેકૉર્ડ કરીને આપોને, હું ઘરે જઈને સાંભળીને શીખીશ.
એ વખતે કૌમુદીબહેને કહ્યું હતું કે હું અત્યારે તને સાંભળીને જે કહીશ તે સીડી તને નહીં કહે.
સંગીત શીખતી વખતે ઉપજ, બઢત તેમજ શ્વાસ કેવી રીતે લેવો એ બધું સંગીતના શિક્ષણનો ભાગ છે.
સીડી એ બધું તો તમને શીખવવાની નથી, તેથી સંગીત માટે પાત્રતા જોઈએ.
આજે ફલાણા ગાયક જેવું તમે ગાઈ લેવાનો કૉપીપેસ્ટ કવરવર્ઝનનો ટ્રૅન્ડ હોય ત્યારે કૌમુદીબહેન જેવાં કલાકારોનું મહત્ત્વ આગામી અનેક વર્ષો સુધી રહેવાનું છે.
કૌમુદીબહેનને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે ગણાશે જ્યારે તેમનાં ગીતો નવાં વાદ્યવૃંદ સાથે નવા ગાયકો રજૂ કરતા રહે.
કૌમુદીબહેન જેવાં કલાકાર પોતાનામાં એક યુગ સંઘરીને બેઠાં હતાં અને તેમનું સંગીત આગામી પેઢીઓને માર્ગદર્શન પૂરું પાડતું રહેશે.
(સૌમિલ મુનશીની બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય સાથે થયેલી વાતચીતના આધારે.)



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













