રવીન્દ્ર જૈન : 'ચિતચોર'થી 'રામ તેરી ગંગા મૈલી' સુધી

ઇમેજ સ્રોત, RAJSHRI FILMS
- લેેખક, યતીન્દ્ર મિશ્ર
- પદ, સંગીત અને કળાસમીક્ષક
રવીન્દ્ર જૈન જેવા વિલક્ષણ સંગીતકારના સંપૂર્ણ કાર્યને એક એવા પ્રબુદ્ધ કળાકારના યોગદાનની માફક રેખાંકિત કરી શકાય કે જે કળાકારે સંગીત દિગ્દર્શનની સાથે ગીત તથા કવિતા લખવાનું બહુ સફળ તથા સાર્થક કામ પણ કર્યું છે.
રવીન્દ્ર જૈન એવા જૂજ વિરલ સંગીતકારો પૈકીના એક છે કે જેમણે કવિતા, શાયરી તથા ગીતની સમજણ આત્મસાત્ કરીને આગવો માર્ગ કંડાર્યો અને કેટલુંક ગંભીર કામ કર્યું છે.
આ સંદર્ભે રવીન્દ્ર જૈનને એક એવા સંગીતકાર ગણવા જોઈએ કે જેમણે ગ્રામીણ તથા શહેરી મનોભાવને ફિલ્મી ધૂનોમાં સાંકળીને અમર બનાવ્યા છે.

ગીત ગાતા ચલ

ઇમેજ સ્રોત, RAJSHRI FILMS
રવીન્દ્ર જૈનની આંખો બાળપણથી જ નબળી હતી. તેથી તેઓ સાહિત્ય અને કવિતા બીજા લોકો પાસેથી સાંભળીને મોટા થયા હતા.
આ કારણે તેમની અંદર એક અલગ જ પ્રકારની દુનિયા આકાર પામી, જેણે તેમના માનસને ફળદ્રુપ બનાવીને વાચિક પરંપરાના માર્ગે આગળ ધપાવ્યું.
તેઓ જે કંઈ સાંભળતાં એ તેમને યાદ રહી જતું હતું. તેમણે તેમની સંગીતની નોંધપોથી અને નોટબુકોને પણ સ્મૃતિ સ્વરૂપે સંઘર્યાં હતાં. અભ્યાસ માટે સહજ બનાવ્યાં હતાં.
આ બાબત રવીન્દ્ર જૈનના સંગીતવિશ્વને કલ્પનાશીલ બનાવવાની સાથે તેમને અલગ જ પ્રકારના સંગીતકાર બનાવે છે.
તેમની સર્જકતા અને સ્મરણશક્તિની દેશી અભિવ્યક્તિ કેટલાંક ગીતોમાં જોઈ શકાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એવાં ગીતોમાં 'ચિતચોર' ફિલ્મના ગીત 'જબ દીપ ઢલે આના, સબ શામ ઢલે જાના' તથા 'ગીત ગાતાં ચલ' ફિલ્મના 'શ્યામ તેરી બંસી પુકારે રાધા નામ' તેમજ 'રામ તેરી ગંગા મૈલી' ફિલ્મના 'એક રાધા, એક મીરા, દોનોં ને શ્યામ કો ચાહા' મોખરે છે.

બંગાળનો જાદુ

ઇમેજ સ્રોત, RAVINDRA JAIN
રવીન્દ્ર જૈને સંગીતની સુક્ષ્મ ખૂબીઓનું જ્ઞાન બાળપણમાં પંડિત ઘમંડીલાલ, પંડિત જનાર્દન શર્મા અને પંડિત નાથુરામ શર્મા પાસેથી મેળવ્યું હતું.
તેમણે પ્રયાગ સંગીત સમિતિ પાસેથી શાસ્ત્રીય સંગીતની પદ્ધતિસરની દીક્ષા પણ લીધી હતી.
તેઓ અત્યંત કુશળ હાર્મોનિયમવાદક હતા અને બંગાળના લોકસંગીત પ્રત્યે સમર્પિત રહીને તેમણે રવીન્દ્ર સંગીતને પોતાની સંગીતયાત્રામાં વિશેષ સ્થાન આપ્યું હતું.
તેમના પરના બંગાળના સૂર-પ્રભાવને 'સુનયના' ફિલ્મના ગીત 'મેઘા ઓ રે મેઘા' અને 'સૌદાગર' ફિલ્મના ગીત 'તેરા મેરા સાથ રહે'માં બખૂબી સાંભળી શકાય છે.
બંગાળના આ જાદુનો વિસ્તાર તેમની અન્ય વ્યાવસાયિક ધૂનોમાં પણ જોવા મળે છે. એ ધૂનો બહુ લોકપ્રિય બની છે અને તેને આજે પણ રવીન્દ્ર જૈનનાં સર્વશ્રેષ્ઠ ગીત સ્વરૂપે ગણવામાં આવે છે.

ઉષ્મા અને રંગત

ઇમેજ સ્રોત, RAVINDRA JAIN
રવીન્દ્ર જૈને ઓછી ફિલ્મોમાં સંગીત આપ્યું છે. એ પૈકીની મોટા ભાગની ફિલ્મો ઘરેલુ કે ગ્રામીણ પૃષ્ઠભૂમિ ધરાવતી રાજશ્રી પ્રોડક્શનની હતી.
તેમ છતાં તેમની પ્રતિભા અને સંગીતમાં વૈવિધ્ય ખોળતી તેમની દૃષ્ટિએ આ ફિલ્મોમાં પણ આધુનિક રીતે સંગીત માટે ઉષ્મા તથા રંગત ઉમેરી છે.
આપણે કોઈ રૂપક કે પ્રતીકના આધારે કહીએ તો રવીન્દ્ર જૈનનું સંગીત એ સૂરનો સંકેત છે, જે ગામના સીમાડા પરના પોતાના કલરવને વ્યાપક સ્વરૂપમાં ચરિતાર્થ કરે છે.
એ 'ગીત ગાતા ચલ'નું સંગીત હોય કે યેસુદાસના સ્વરમાં 'ગોરી તેરા ગાંવ બડા પ્યારા' ગીત સાંભળવાનું સહજ લાગે એ 'ચિતચોર'નો એકદમ પારંપરિક સ્વર... અને 'અંખિયોં કે ઝરોખોં સે'ના કર્ણપ્રિય શીર્ષક ગીત તો ધૂન તો આજે પણ એકદમ નવીનક્કોર લાગે છે.

નદિયા કે પાર
ગામડાના માહોલથી અલગ, શહેરી પરિવેશ માટે તેમણે રચેલું સંગીત પણ એટલું જ દિલચસ્પ છે.
તેમણે મોટા ભાગની ફિલ્મોમાં સંગીત મારફત એવી શાલીનતા હાંસલ કરી છે, જેને કોઈ સંગીતજ્ઞ માટે મુશ્કેલ કામ ગણવામાં આવે છે.
એક બાજુ તેમણે લતા મંગેશકર, આશા ભોસલે તથા કિશોર કુમાર જેવા પ્રતિષ્ઠિત ગાયક-ગાયિકાઓ માટે ગીતો રચ્યાં, જ્યારે બીજી તરફ તેમણે આરતી મુખરજી, હેમલતા, જસપાલ સિંહ અને યેસુદાસને તેમની કારકિર્દીની શ્રેષ્ઠ ધૂનો આપી. એ ધૂનો આજે પણ ફિલ્મસંગીતનો સોનેરી ઈતિહાસ રચે છે.
આ કથનનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ 'દુલ્હન વહી જો પિયા મન ભાયે', 'ચિતચોર', 'બ્રજભૂમિ' અને 'નદિયા કે પાર' જેવી ફિલ્મો છે.

'હિના'નું સંગીત

ઇમેજ સ્રોત, RK FILMS
લોકપ્રિયતાના શિખર પર આરોહણ કરતાં રવીન્દ્ર જૈને તેમના સંગીત દિગ્દર્શનની સૌથી મોટી સફળતાનું પ્રતિપાદન રાજ કપૂર બેનરની ફિલ્મ 'રામ તેરી ગંગા મૈલી' દ્વારા કર્યું હતું.
કારકિર્દીની દૃષ્ટિએ ખૈયામ માટે 'ઉમરાવજાન' અને શિવ-હરિ માટે 'સિલસિલા'નું જે સ્થાન રહ્યું છે એ સ્થાન રવીન્દ્ર જૈન માટે 'રામ તેરી ગંગા મૈલી'નું છે.
કર્ણપ્રિયતાની અત્યંત મનોહર તથા તાજગીભરી અદાયગી સાથે રવીન્દ્ર જૈને રાગ કિરવાની, પહાડી અને અહિર ભૈરવ વગેરે જેવા રાગનો સરાહનીય ઉપયોગ કરીને 'રામ તેરી ગંગા મૈલી'નું સંગીત રચ્યું હતું.
એ સંગીત આજે પણ વખણાય છે.
વળી લતાજી અને સુરેશ વાડકરના અવાજના માધુર્યે તેને વધારે સ્મરણીય બનાવ્યું છે.

રાજ કપૂરનો આત્મા

ઇમેજ સ્રોત, RK FILMS
રવીન્દ્ર જૈને રાજ કપૂરની ફિલ્મ 'હિના' માટે પણ ઉત્તમ સંગીત રચ્યું હતું. આ ફિલ્મના એક ગીતની ધૂન માટે કહેવાય છે કે એ ધૂનમાં રાજ કપૂરનો આત્મા વસતો હતો.
આ એ ગીત છે જેમાં દર્દ અને પ્રેમનું આકર્ષણ ગાયકી તથા સંગીતના કારણે છલકાઈ શક્યું હતું, જેને રવીન્દ્ર જૈને રચીને અમર બનાવ્યું હતું.
રવીન્દ્ર જૈન તો નથી, પણ તેમની ખ્યાતિ છે અને એ કર્ણમંજૂલ ધૂનો પણ છે, જેને સ્વર આપીને લતા મંગેશકરે અમર બનાવી દીધી છે.
'ચિઠ્ઠીયે દર્દ ફિરાક વાલિયે'વાળી 'હિના'ને યાદ કરતાં રવીન્દ્ર જૈન જેવા વિલક્ષણ બંદિશ સર્જક સંગીતકારને વારંવાર યાદ કરવા જોઈએ.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












