આ મિસાઇલ સિસ્ટમને કારણે ભારત પર અમેરિકા પ્રતિબંધ લગાવી શકે છે

ડોનાલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ગુરપ્રીત સૈની
    • પદ, બીબીસી સંવાદદાતા

અમેરિકા ભારત પર પ્રતિબંધ લગાવી શકે છે અને તે પણ એક મિસાઇલ માટે.

વાત એમ છે કે ભારત રશિયા પાસેથી એક મિસાઇલ-સિસ્ટમ ખરીદવાનું છે, જેનું નામ છે એસ-400.

અમેરિકાના અધિકારીઓનું કહેવું છે કે જો ભારતે આ મિસાઇલ ખરીદી તો તેને અમેરિકાના પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે.

આનો બીજો અર્થ એવો પણ થાય કે અમેરિકા અને રશિયા વચ્ચેના તણાવની કિંમત ભારતે ચૂકવવી પડી શકે.

અમેરિકાના પ્રવાસે ગયેલા ભારતના વિદેશમંત્રી એસ. જયશંકરે આ મામલે અમેરીકાને મનાવી લેવાની આશા વ્યક્ત કરી હતી.

જોકે, એ જ દિવસે અમેરિકાના વિદેશ મંત્રાલયે 'ધ હિંદુ' અખબારને ઈમેઇલ થકી જણાવ્યું કે આવો કોઈ પણ કરાર ભારત માટે મુશ્કેલીનું કારણ બની શકે છે અને અમેરિકા તેના પર પ્રતિબંધ લગાવી શકે છે.

આ ઈમેઇલમાં અમેરિકન વિદેશમંત્રાલયના એક પ્રવક્તાએ લખ્યું, "અમે અમારા સહયોગીઓને અપીલ કરીએ છીએ કે તે રશિયા સાથે એવો કોઈ પણ સોદો કરવાનું ટાળે કે જેના લીધે તેના પર 'કાઉન્ટરિંગ અમેરિકાઝ ઍડવર્સરીઝ થ્રૂ સૅન્કશન્સ ઍક્ટ' અંતર્ગત પ્રતિબંધ લાગે એવું જોખમ હોય."

line

કાઉન્ટરિંગ અમેરિકાઝ ઍડવર્સરીઝ થ્રૂ સૅન્કશન્સ ઍક્ટ (CAATSA) શું છે?

મિસાઇલ

ઇમેજ સ્રોત, Getty Images

એવું નથી કે અમેરિકા અને ભારતના સંબંધોમાં કડવાશ આવી ગઈ છે. વાત એમ છે કે આ પ્રતિબંધ એ દેશ પર લગાવવામાં આવે છે જે CAATSA કાયદાનું ઉલ્લંઘન કરે છે.

આ કાયદાના નામ પરથી જ સમજી શકાય એમ છે કે અમેરિકા તેના થકી પોતાના વિરોધીઓ પર દબાણ ઊભું કરે છે અને તેના સોદા અટકાવવાનો પ્રયાસ કરે છે.

રશિયા, ઈરાન અને ઉત્તર કોરિયા અમેરિકાના જગજાહેર વિરોધી છે. અમેરિકાનો આ કાયદો જે-તે દેશોને રશિયા પાસેથી હથિયારો ખરીદતા અટકાવે છે.

ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ અમેરિકન સંસદે વર્ષ 2017માં આ કાયદો પાસ કર્યો હતો.

2 ઑગસ્ટ 2017ના રોજ જ્યારે આ કાયદો લાગુ થયો ત્યારથી અટકળ બંધાઈ રહી હતી કે ભારત-રશિયા વચ્ચેના સરંક્ષણ સંબંધિત કરારો, ખાસ કરીને એસ-400 મિસાઇલ સિસ્ટમની સંભવિત ખરીદી પર શી અસર થશે.

આ પહેલાં અમેરિકાએ આ કાયદા અંતર્ગત ચીનના સૅન્ટ્રલ મિલિટરી કમિશનના 'ઇક્વિપમૅન્ટ ડિપાર્ટમૅન્ટ' અને તેના વહીવટદારો પર પ્રતિબંધ લગાવી દીધો હતો.

ચીને રશિયા પાસેથી એસયૂ-35 ઍરક્રાફ્ટ અને ઍસ-400 સિસ્ટમ ખરીદી હતી એટલે તેના વિરુદ્ધ આ પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા.

line

એસ-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ

એસ-400

ઇમેજ સ્રોત, Getty Images

રશિયામાં નિર્મિત 'એસ-400: લૉન્ગ રૅન્જ સરફેસ ટૂ ઍર મિસાઇલ સિસ્ટમ' ભારત ખરીદવા ઇચ્છે છે. આ મિસાઇલ જમીનમાંથી હવામાં માર કરી શકે છે.

એસ-400ને વિશ્વની સૌથી પ્રભાવક ઍર ડિફેન્સ સિસ્ટમ ગણવામાં આવે છે.

એસ-400 એક સાથે 36 જગ્યા પર નિશાન તાકી શકે છે. આ ઉપરાંત તેમાં સ્ટૅન્ડ-ઑફ જામર ઍરક્રાફ્ટ, ઍરબૉર્ન વૉર્નિંગ અને કંટ્રોલ સિસ્ટમ ઍરક્રાફ્ટ છે.

એસ-400 સિસ્ટમ બેલેસ્ટિક અને ક્રૂઝ એમ બન્ને મિસાઇલોને લક્ષ્ય પર પહોંચતાં પહેલાં હવામાં જ તોડી નાખે છે. એસ-400ને ધોરીમાર્ગે ગમે ત્યાં લઈ જઈ શકાય છે.

આ સિસ્ટમ વિશે એવું પણ કહેવાય છે કે તેને ગમે ત્યાં તહેનાત કરવામાં માત્ર પાંચથી દસ મિનિટનો સમય જ લાગે છે.

સંરક્ષણ વિશેષજ્ઞોનું માનવું છે કે એસ-400 આવવાથી ભારતીય સૈન્યની શક્તિ વધશે.

ભારતીય વાયુસેના માટે ભારતે રશિયા પાસેથી પાંચ એસ-400 સિસ્ટમ માગી છે અને આ અંગેના કરાર પણ થઈ ગયા છે.

જોકે, આ ડિફેન્સ સિસ્ટમ માટે ભારતે કેટલી કિંમત ચૂકવવી પડશે એ અંગે કોઈ અધિકૃત જાહેરાત કરવામાં આવી નથી. કેટલાક અહેવાલો અનુસાર ભારતને આ માટે 5.4 અબજ ડૉલરથી પણ વધુનો ખર્ચ કરવો પડશે.

આ અંગેનો પ્રથમ હપ્તો ચૂકવવામાં આવે એ સાથે જ ભારત પર અમેરિકાના પ્રતિબંધ લાગી શકે છે.

જોકે, આ પ્રતિબંધોથી બચવા માટેનો એક ઉપાય છે અને એ તે છે અમેરિકન રાષ્ટ્રપતિ આ મામલે ભારતને છૂટ આપી દે.

અમેરિકાના અધિકારીઓનું કહેવું છે કે ભારતને છૂટ આપવી કે કેમ એ અંગેનો નિર્ણય અમેરિકા જ લેશે.

line

કેવા પ્રતિબંધો લાગી શકે?

એસ-400

ઇમેજ સ્રોત, AFP

CAATSAની કલમ 235માં 12 પ્રકારના પ્રતિબંધોનો ઉલ્લેખ છે.

જો ભારત અને રશિયા સાથે લેણદેણ કરે તો અમેરિકાના રાષ્ટ્રપતિ સંબંધિત 12માંથી ચાર કે પાંચ પ્રતિબંધ ભારત વિરુદ્ધ લગાવી શકે છે.

જે અંતર્ગત જેના પર પ્રતિબંધ લગાવાયા છે, તેમને લૉન નહીં મળે.

જેના પર પ્રતિબંધ લગાવાયા છે, ત્યાં કોઈ સમાનની નિકાસ કરવા માટે 'નિકાસ-આયાત બૅન્ક'માંથી સહાય નહીં મળે.

જેના વિરુદ્ધ પ્રતિબંધ લગાવાયો છે એ દેશમાંથી અમેરિકાની સરકાર કોઈ સામાન કે સેવા નહીં લે અને આ અંગે નજીકથી જોડાયેલી કોઈ વ્યક્તિને વિઝા પણ નહીં આપે.

આમાંથી દસ પ્રતિબંધ એવા છે, જેની ભારત-અમેરિકા કે ભારત-રશિયાના સંબંધો પર ખાસ અસર નહીં પડે. જોકે, બે પ્રતિબંધ એવા પણ છે, જે સંબંધો પર અસર પાડી શકે છે.

આમાનો એક પ્રતિબંધ બૅન્કના વ્યવહાર પર પ્રતિબંધ લાદવા અંગેનો છે. આવું થવાથી ભારત એસ-400ની કિંમત અમેરિકન ડૉલરમાં ચૂકવી નહીં શકે.

આ સિવાય જે પ્રતિબંધનો ભારત અને અમેરિકાના સંબંધો પર અસર પડશે, એ છે નિકાસ પરનો પ્રતિબંધ છે.

એટલે કે જેના પર આ પ્રતિબંધ લાગ્યો હોય એવા કોઈ પણ દેશની કોઈ પણ વસ્તુની અમેરિકા આયાત નહીં કરે.

આ બન્ને પ્રતિબંધોને લીધે અમેરિકા અને ભારત વચ્ચેની રણનીતિ અને સંરક્ષણ સબંધિત ભાગીદારી બહુ ખરાબ રીતે પ્રભાવિત થશે.

રસપ્રદ વાત એ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ આ કાયદાને ખાસ મહત્ત્વ આપતા નથી. તેમણે પોતાની મરજીથી આ કાયદા પર હસ્તાક્ષર પણ નથી કર્યા.

તેમના મતે આ કાયદામાં કેટલાય ગોટાળા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે આશંકા વ્યક્ત કરી છે કે આ કાયદાના પ્રભાવમાં આવનારી અમેરિકાની કંપનીઓ ઉપરાંત તેનાં સહયોગી રાષ્ટ્રોને પણ નુકસાન થશે.

અહીં એક વાત એ પણ નોંધવી રહી કે જો અમેરિકા દ્વારા આ સંબંધે કોઈ પણ પગલું ભરાયું તો તેને પણ નુકસાન થશે, કારણ કે ભારત અમેરિકા પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો ખરીદે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો