ડિપ્થેરિયા : ગુજરાતમાં કોરોના જેવો વધુ એક જીવલેણ રોગ ત્રાટક્યો?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના આણંદ જિલ્લા ખાતે 11 વર્ષીય બાળકીનું ડિપ્થેરિયાથી મૃત્યુ થયું છે. સ્થાનિક અખબારોનાં અહેવાલ અનુસાર પાછલા 10 દિવસમાં ડિપ્થેરિયા જેવાં જ લક્ષણોથી જિલ્લામાં ચાર બાળકોનાં શંકાસ્પદ મૃત્યુ થયાં છે.
નોંધનીય છે કે આરોગ્યતંત્ર દ્વારા ડિપ્થેરિયાનો કેસ નોંધાયા બાદ ચાર ટીમો બનાવીને આસપાસના વિસ્તારમાં સઘન ટ્રૅકિંગની કાર્યવાહી હાથ ધરી છે. જેથી આ રોગને ફેલાતો અટકાવી શકાય.
એક તરફ રાજ્યમાં કોરોનાની સ્થિતિ થાળે પડવાનું નામ નથી લઈ રહી, ત્યારે આ નવા રોગે માથું ઊંચકતાં સ્થાનિક આરોગ્યતંત્ર દોડતું થઈ ગયું છે.
ડિપ્થેરિયામાં મૃત્યુ પામનાર બાળકીની સારવાર કરનાર ડૉ. પરાગ ડગલી આ ઘટનાને ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ગણાવે છે.
તેઓ કહે છે, "જે રોગની રસી સરકાર મફતમાં પૂરી પાડે છે, તે રોગમાં લોકો પોતાની ગેરમાન્યતા અને ગેરસમજને કારણે પોતાનાં બાળકો ગુમાવે એ બાબત ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે."
ડિપ્થેરિયાને કારણે મૃત્યુ પામનાર બાળકીની સ્થિતિ વિશે વાત કરતાં તેઓ કહે છે કે, "ડિપ્થેરિયાને કારણે આ બાળકીના હૃદય પર ગંભીર અસર થઈ હતી, જે કારણે યોગ્ય સારવાર આપવા છતાં તેનું મૃત્યુ નીપજ્યું હતું."

શું છે ડિપ્થેરિયા?

ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)ની વેબસાઇટ પર અપાયેલી માહિતી અનુસાર 'બૅક્ટેરિયમ કોરીનબૅક્ટેરિયમ ડિપ્થેરાઈ'ના કારણે આ રોગ થતો હોય છે.
ચેપ લાગ્યાના બેથી પાંચ દિવસની અંદર આ બૅક્ટેરિયાની શરીર પર અસર થવા લાગે છે. દર્દીમાં શરૂઆતમાં આ સૂકું ગળું અને તાવ જેવાં સામાન્ય લક્ષણો દેખાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડિપ્થેરિયાના ગંભીર કેસમાં બૅક્ટેરિયા ઝેરી દ્રવ્ય ઉત્પન્ન કરે છે જેના કારણે ગળાના પાછળના ભાગે આછો ડાઘ પડી જાય છે. ગળાના ભાગે સોજો ચઢી જવાને કારણે દર્દીને શ્વાસ લેવામાં અને ગળવામાં તકલીફ પડે છે. તેમજ ભારે ઊધરસ થવા લાગે છે.
દર્દીના શરીરમાં ઉત્પન્ન થયેલું આ ઝેરી દ્રવ્ય ગંભીર પ્રકારના કેસોમાં લોહીમાં ભળી જતાં હૃદયના સ્નાયુઓ પર સોજો ચઢી શકે છે તેમજ તેને નુકસાન થવાની સંભાવના રહેલી છે.
આ સિવાય ચેતાતંત્ર, કિડનીમાં સોજો અને રક્તસ્ત્રાવ પણ થઈ શકે છે. હૃદયના સ્નાયુઓમાં સોજાને કારણે અનિયમિત ધબકારાની સમસ્યા થઈ શકે છે. તેમજ ચેતાતંત્રની તકલીફને કારણે દર્દી લકવાગ્રસ્ત પણ થઈ શકે છે.

ડિપ્થેરિયા કેવી રીતે ફેલાય છે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ડિપ્થેરિયા એક ચેપી રોગ છે. તે એક દર્દીમાંથી બીજા દર્દીમાં પ્રત્યક્ષ સંપર્ક થકી તેમજ શ્વસનક્રિયા મારફતે ફેલાઈ શકે છે. સંક્રમિત દર્દી આ ખાંસતી કે છીંકતી વખતે કાળજી ન રાખે તો આ રોગ ફેલાઈ શકે છે.
આ સિવાય તે બૅક્ટરિયાવાળાં કપડાં કે અન્ય વસ્તુઓ થકી પણ સ્વસ્થ વ્યક્તિના શરીરમાં પ્રવેશી શકે છે.

ડિપ્થેરિયાનું નિદાન અને સારવાર
ડિપ્થેરિયાની પ્રાથમિક તપાસ માટે ગળાના ભાગે રચાયેલ આછા પટલ પર ધ્યાન આપવામાં આવે છે.
શંકાસ્પદ કેસોમાં નિયત લૅબોરેટરી ટેસ્ટ કરાવવાની ભલામણ કરાઈ શકે છે. જેથી દર્દીની તાત્કાલિક સારવાર થઈ શકે.
ડિપ્થેરિયાની સારવારની વાત કરીએ તો તેની સારવાર માટે ડિપ્થેરિયા ઍન્ટિટોક્સિન આપવામાં આવે છે. આ ઍન્ટિટોક્સિન દર્દીની નસમાં કે સ્નાયુ પર મૂકવામાં આવે છે.

ડિપ્થેરિયા સામે રક્ષણ

ઇમેજ સ્રોત, Getty Images
WHOની વેબસાઇટ પર અપાયેલ માહિતી અનુસાર ડિપ્થેરિયા સામે રક્ષણ માટે દરેક બાળકને ફરજિયાતપણે ત્રણ ડોઝવાળી રસી બાળપણમાં જ અપાવવી જોઈએ, જેથી આ જીવલેણ સામે આજીવન રક્ષણ મળી શકે.
આ સિવાય કિશોરાવસ્થામાં પણ ત્રણ બૂસ્ટર ડોઝ આપવાની ભલામણ કરાઈ છે.
જોકે, બાળપણમાં કે કિશોરવસ્થામાં જેમને આ રોગના પ્રતિકાર માટે રસી મૂકવામાં ન આવી હોય તેઓ ગમે તે ઉંમરે તેની સામે પ્રતિકાર માટેની રસી મુકાવી શકે છે.
અપૂરતાં કે અધૂરાં રસીકરણને કારણે ઘણા દેશોમાં તાજેતરના સમયમાં આ રોગે માથું ઊંચક્યું હોવાનું માલૂમ પડે છે.
એક અનુમાન પ્રમાણે સમગ્ર વિશ્વમાં 86 ટકા લોકોને બાળઅવસ્થા દરમિયાન ડિપ્થેરિયા સામે રક્ષણ આપતી રસી સફળતાપૂર્વક મૂકવામાં આવે છે. જ્યારે બાકીના 14 ટકા લોકોને આ રોગ સામે રક્ષણ આપતી રસી અપૂરતા પ્રમાણમાં મૂકવામાં આવે છે.
ડિપ્થેરિયાની પ્રસાર જેવી પરિસ્થિતિનો સામનો કરવા માટે ડૉક્ટરો અને નર્સિંગ સ્ટાફે પણ કાળજી રાખવી પડ છે. કારણ કે તેમને આ રોગની સારવાર કરતી વખતે ચેપ લાગવાનો ભારે ખતરો રહેલો હોય છે.
તેથી આ રોગના નિદાન અને સારવાર સાથે સંકળાયેલા મેડિકલ સ્ટાફના રસીકરણને પ્રાધાન્ય આપવું ઇચ્છનીય છે.

'લોકોએ સમજવાની જરૂર'
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
ડૉ. પરાગ ડગલી જણાવે છે કે "ભારતમાં સરકાર દ્વારા વર્ષ 1975થી ત્રિગુણી રસી જેમાં ડિપ્થેરિયાની રસીનો સમાવેશ થાય છે તે મફત પૂરી પાડવામાં આવે છે. પરંતુ રસી મુકાવાને કારણે બાળકને તાવ આવશે કે તે બીમાર પડશે તે બીકથી માતાપિતા આ રસી મુકાવતાં નથી."
"આ ગેરસમજને કારણે આજે પણ ડિપ્થેરિયા જેવા સારવાર યોગ્ય રોગમાં પણ લોકો પોતાનાં બાળકો ગુમાવી રહ્યા છે."
ડિપ્થેરિયાના કેસો અને તેના કારણે નોંધાઈ રહેલાં મૃત્યુ માટેનાં કારણો અંગે વાત કરતાં તેઓ કહે છે કે, "સરકાર રસી મફતમાં પૂરી પાડે છે, તેનાથી વધુ કશું જ ન થઈ શકે. આવા રોગો માટે લોકોએ જાતે જાગૃત થવાની જરૂર છે. "
ડિપ્થેરિયાની રોકથામ માટેના ઉપાયો વિશે વાત કરતાં તેઓ કહે છે કે, "બાળપણમાં સરકાર દ્વારા અપાતી રસી સિવાય દર દસ વર્ષના ગાળે ડિપ્થેરિયાની રસી મૂકવામાં આવે તો આ જીવલેણ રોગને રોકી શકાય છે."
"લોકો પોતાના અને પોતાનાં બાળકોના સ્વાસ્થ્ય બાબતે આટલી ગંભીરતા દાખવતા નથી, જે દુર્ભાગ્યપૂર્ણ છે."
ડિપ્થેરિયાની ગંભીરતા વિશે વાત કરતાં તેઓ કહે છે, "ડિપ્થેરિયા એ અત્યંત ચેપી અને ઘાતક બીમારી છે. જો તેની અસર વધારે પ્રમાણમાં થાય તો મૃત્યુ થઈ શકે છે. જેવું આ કેસમાં બન્યું છે."
કોરોના વાઇરસની મહામારીને કારણે રસીકરણ કાર્યક્રમમાં પડેલ વિઘ્ન વિશે વાત કરતાં તેઓ કહે છે, "કોરોના મહામારીની કારણે ડિપ્થેરિયા અને તેના જેવી બીજી બીમારીઓ સામે રક્ષણ આપતી રસીઓ મુકાવવાના દરમાં ઘટાડો નોંધાયો છે. જેથી રાજ્યમાં ડિપ્થેરિયા જેવી બીમારીઓ ફરીથી માથું ઊંચકે તેવી ભીતિ છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













