હાથરસ કેસ : પીડિતાના ગામમાં અત્યાર સુધી શુંશું ઘટ્યું? – ગ્રાઉન્ડ રિપોર્ટ

- લેેખક, દિલનવાઝ પાશા
- પદ, બીબીસી સંવાદદાતા, હાથરસથી
ઉત્તર પ્રદેશના હાથરસમાં થયેલા કથિત ગૅંગરેપના ઘટનાસ્થળથી થોડે દૂર બે યુવાનો ઊભા છે. એકે કમર પર જંતુનાશક છાંટવાવાળું મશીન બાંધી રાખ્યું છે. તેઓ પોતાના પાક પર જંતુનાશક દવા છાંટવા નીકળ્યા હતા. ખેતરે જવાને બદલે તેઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા.
આ દલિત યુવાનો અત્યંત આક્રોશમાં હતા. તેઓ પીડિતાને નથી ઓળખતાં. પૂછતાં જણાવે છે કે, “અમારી બહેન સાથે ક્રૂરતા આચરાઈ છે. અમારું લોહી ઊકળી રહ્યું છે. જ્યારથી સોશિયલ મીડિયા પર આ ઘટના વિશે વાંચ્યું છે અમે બેચેન થઈ ગયા છીએ. અમે હવે આવી ઘટનાઓ નહીં સહન કરીએ. ચૂંટણી આવવા દો, આનો જવાબ આપવામાં આવશે.”
અહીં ચારેકોર બાજરીનાં ખેતરો છે. માણસ કરતાં ઊંચો પાક હવામાં લહેરાઈ રહ્યો છે. પવન ઝડપથી ફૂંકાય ત્યારે બાજરીનાં એકબીજા સાથે અથડાતાં ડૂંડાં અવાજ કરવા લાગે છે. ગામને મુખ્ય માર્ગ સાથે જોડતી સડકથી લગભગ 100 મીટર દૂર બાજરીના ખેતરમાં કથિત ગૅંગરેપની ઘટના બની હતી. ઘટનાસ્થળે પત્રકારોની અવરજવર ચાલુ છે.
અહીં મળેલા કેટલાક સ્થાનિક પત્રકારો કહે છે, “આ ઘટના એટલી મોટી નહોતી, જેટલી બનાવી દેવાઈ છે, તેનું સત્ય કંઈક અલગ પણ હોઈ શકે છે.”
જ્યારે મેં પૂછ્યું કે જો સત્ય કંઈક જૂદું છે તો, પછી તમે રિપોર્ટ કેમ ન કર્યું?
તેમણે કહ્યું : “આ ઘટનાને લઈને લોકો ભાવુક છે, આવી પરિસ્થિતિમાં અમે અમારા માટે કોઈ ખતરો કેમ ઊભો કરીએ?”
જોકે, તેમની વાતના સમર્થનમાં તેમની પાસે કોઈ નક્કર પુરાવા નહોતા. તેઓ અગાઉથી ચાલી રહેલી વાતો જ કરી રહ્યા હતા. આવી જ ‘વાતો’ આગળ ગામમાં અમને સાંભળવા મળી.

કેમ પોલીસે પરિવારને નથી સોંપ્યો મેડિકલ રિપોર્ટ?

સ્થાનિક પત્રકારો સાથે થયેલી અનૌપચારિક વાતચીત પરથી ઊઠી રહેલાં શંકા-સવાલને હાથરસના એસ. પી. વિક્રાંત વીરનું આ નિવેદન વધુ ગૂઢ બનાવે છે કે, ‘મેડિકલ રિપોર્ટ તૈયાર કરનાર ડૉક્ટરોએ અત્યાર સુધી આ મામલામાં રેપની પુષ્ટિ નથી કરી. ફૉરેન્સિક તપાસના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. તે બાદ જ આ મામલે સ્પષ્ટ અભિપ્રાય આપી શકાશે.’
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કથિત ગૅંગરેપનો શિકાર બનેલાં પીડિતાના પરિવારને પણ અત્યાર સુધી મેડિકલ રિપોર્ટ નથી અપાયો. જ્યારે પીડિતાને દિલ્હીની સફદરજંગ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં ત્યારે પણ તેમના પરિવારજનો પાસે મેડિકલ રિપોર્ટ નહોતો.
પીડિતાના ભાઈ જણાવે છે, “પોલીસે અમને બધાં દસ્તાવેજ નથી આપ્યા, અમારી બહેનનો મેડિકલ રિપોર્ટ પણ હજુ સુધી અમને નથી અપાયો.”
જ્યારે આ બાબત એસ. પી. વિક્રાંત વીરને પ્રશ્ન કરાયો ત્યારે તેમણે કહ્યું કે તે ગુપ્ત જાણકારી છે, તપાસનો એક ભાગ છે. તેઓ ઘટના સાથે જોડાયેલી દરેક વિગત મેળવી રહ્યા છીએ. ફૉરેન્સિક પુરાવા એકત્રિત કરાયા છે.
એસ. પી. વારંવાર એ વાત પર ભાર આપી રહ્યા છે કે પીડિતા સાથે એ પ્રકારનાં નરાધમ અને હિંસક કૃત્યો નથી આચરાયાં, જેનો મીડિયા રિપોર્ટોમાં દાવો કરાઈ રહ્યો છે.
તેઓ કહે છે કે, “તેમની જીભ પણ નહોતી કાપવામાં આવી. કરોડરજ્જુ પણ નહોતી તૂટી. ગળા પર દબાણ વધવાને કારણે ગળાનું હાડકું તૂટ્યું હતું, જે કારણે નર્વસ સિસ્ટિમ પ્રભાવિત થઈ હતી.”
ઘટનાની થોડી વાર પછી રેકૉર્ડ કરાયેલા એક વીડિયોમાં પીડિતાએ પોતાની સાથે થયેલા બળાત્કારની વાત નહોતી કરી. તેમાં તેમણે મુખ્ય આરોપીનું નામ લઈને હત્યાના પ્રયાસ વિશે વાત કરી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
જોકે, હૉસ્પિટલમાં રેકૉર્ડ કરાયેલ અન્ય એક વીડિયોમાં અને પોલીસને અપાયેલા નિવેદનમાં પીડિતાએ પોતાની સાથે ગૅંગરેપ થયો હોવાની વાત કરી છે. તે વીડિયોમાં પીડિતા જણાવે છે કે મુખ્ય આરોપી અગાઉ પણ તેમની સાથે છેડતી અને બળાત્કારનો પ્રયાસ કરી ચૂક્યો છે. ઘટનાના એ દિવસ વિશે વાત કરતાં તેઓ કહે છે કે, “બે લોકોએ રેપ કર્યો હતો, બાકી મારી માનો અવાજ સાંભળીને ભાગી ગયા હતા.”

'એવું લાગી રહ્યું હતું જાણે તેને લકવો મારી ગયો છે'

ઘટનાના દિવસને યાદ કરતાં પીડિતાનાં માતા જણાવે છે કે, “હું ઘાસ કાપી રહી હતી, મેં મારી દીકરીને ઘાસ એકઠું કરવાનું કહ્યું, તે ઘાસ એકઠી કરી રહી હતી. એક જ પૂળો બનાવી શકી હતી. જ્યારે તે મને ન દેખાઈ ત્યારે હું તેની શોધવા લાગી, એક કલાક સુધી તેને શોધતી રહી. મને લાગ્યું કે તે ઘરે તો નથી જતી રહી? મેં ખેતરોના ત્રણ આંટા માર્યા. પછી તે પાસેના ખેતરમાં મળી. ગળામાં દુપટ્ટો ખેંચાયેલો હતો. તે બેહોશ પડી હતી. બધાં કપડાં ઊતરેલાં પડ્યાં હતાં.”
તેઓ ગરદનની તરફ ઇશારો કરતાં જણાવે છે કે, “કરોડરજ્જુ તૂટેલી હતી. જીભ પણ કાપી નાખી હતી. એવું લાગી રહ્યું હતું કે જેમ તેને લકવો મારી ગયો હતો. મારી દીકરીમાં બિલકુલ જીવ નહોતો.”
પીડિતાએ પોતાના નિવેદનમાં સૌપ્રથમ માત્ર એક યુવકનું જ નામ લીધું હતું.
આ પ્રશ્ન અંગે તેમનાં માતા કહે છે કે, “જ્યારે અમે તેને બાજરીના ખેતરમાંથી કાઢીને લઈ આવ્યા, ત્યારે તે બેહોશ નહોતી. ત્યારે તેણે એક જ નામ બતાવ્યું હતું. ત્યાર પછી એક કલાક બાદ તે બેહોશ થઈ ગઈ. ચાર દિવસ પછી તેને હોશ આવ્યો ત્યારે તેણે સમગ્ર વાત જણાવી અને ચાર છોકરાઓ હતા એવું કીધું.”
પીડિતાના પરિવારજનો તેને હૉસ્પિટલ લઈ જતા પહેલાં ચંદપા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા.
આ પોલીસ સ્ટેશન ઘટનાસ્થળથી લગભગ પોણા બે કિલોમિટર દૂર છે. તેમનાં માતા કહે છે કે, “તે સમગ્ર રસ્તામાં લોહીની ઊલટીઓ કરી રહી હતી. જીભ પણ વાદળી પડી રહી હતી. મેં તેને પૂછ્યું કે દીકરી કંઈક જણાવ, ત્યારે તેણે માત્ર એટલું કહ્યું કે મારું ગળું દબાયેલું છે, હું નહીં બતાવી શકું. પછી તે બેહોશ થઈ ગઈ.”
સફદરજંગ હૉસ્પિટલે પીડિતાનો જે ઑટૉપ્સી રિપોર્ટ જારી કર્યો છે તેમાં, 'મૃત્યુનું કારણ તરીકે ગળા પાસેથી કરોડરજ્જુના હાડકામાં ગંભીર ઈજા અને તે પછી થયેલી મુશ્કેલીઓ'ને ટાંકવામાં આવી છે. રિપોર્ટમાં કહેવાયું છે કે 'તેમના ગળા પર દાબવાના નિશાન છે, પરંતુ મૃત્યુનું કારણ તે નથી'. મેડિકલ રિપોર્ટમાં એ પણ કહેવાયું છે કે હજુ વિસરા રિપોર્ટ આવવાનો બાકી છે અને તે બાદ મૃત્યુનું ખરું કારણ સામે આવશે.
પીડિતાના મૃત્યુ બાદ સફદરજંગ હૉસ્પિટલના પ્રવક્તાએ કહ્યું હતું, “20 વર્ષની મહિલા 28 સપ્ટેમ્બરના રોજ સાડા ત્રણ વાગ્યે નવા ઇમરજન્સી બ્લૉકમાં ન્યૂરો સર્જરી હેઠળ દાખલ થયાં હતાં. તેમને જવાહરલાલ નહેરુ મેડિકલ કૉલેજ, અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીથી રેફર કરાયાં હતાં. દાખલ કરાયા તે સમયે તેમની સ્થિતિ અત્યંત નાજુક હતી. તેમને સર્વાઇકલ સ્પાઇન ઇંજરી, ક્વાડ્રીપ્લીજિયા અને સેપ્ટીસીમિયા હતું. તમામ પ્રયાસો છતાં ગઈ કાલે 29 સપ્ટેમ્બરે સવારે 6.25 વાગ્યે તેમનું મૃત્યુ થયું.”

વારંવાર બદલાયાં નિવેદન

14 સપ્ટેમ્બરના રોજ થયેલ કથિત ગૅંગરેપના મામલામાં હવે પોલીસ અત્યાર સુધી FIRમાંની કલમોને ત્રણ વખત બદલી ચૂકી છે.
અગાઉ માત્ર હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો હતો. ત્યાર બાદ ગૅંગરેપની કલમો ઉમેરવામાં આવી. દિલ્હીની હૉસ્પિટલમાં 29 સપ્ટેમ્બરના રોજ પીડિતાના મૃત્યુ બાદ હત્યાને લગતી કલમો પણ ઉમેરવામાં આવી.
પોલીસે આ મામલામાં પ્રથમ ધરપકડ ઘટનાના પાંચ દિવસ બાદ કરી હતી.
શું પોલીસની તપાસમાં બેદરકારી થઈ છે, આ પ્રશ્ન પર પોલીસ અધીક્ષક જણાવે છે કે, “14 સપ્ટેમ્બરના રોજ લગભગ સાડા નવ વાગ્યે પીડિતા પોતાનાં માતા અને ભાઈ સાથે પોલીસ સ્ટેશન આવ્યાં હતાં. પીડિતાના ભાઈએ પોલીસને આપેલી ફરિયાદમાં કહ્યું હતું કે મુખ્ય આરોપીએ હત્યાની મંછાથી તેમનું ગળું દાબ્યું છે. સાડા નવ વાગ્યે મળેલી આ સૂચના આધારે અમે સાડા દસ વાગ્યે FIR દાખલ કરી હતી.”
એસ. પી. વિક્રાંત વીર જણાવે છે :
“પીડિતાને તરત જિલ્લા હૉસ્પિટલ મોકલી દેવાયાં. જ્યાંથી તેમને અલીગઢ મેડિકલ કૉલેજ રેફર કરાયાં. ઇલાજ પણ તરત શરૂ થઈ ચૂક્યો હતો.""માહિતી અનુસાર પ્રથમ FIR કલમ 307 અને SC-ST ઍક્ટ હેઠળ દાખલ કરાઈ હતી. ત્યાર પછી પીડિતા જ્યારે કંઈક કહેવાની સ્થિતિમાં આવ્યાં ત્યારે તપાસ અધિકારી, જેઓ સર્કલ ઑફિસર છે, તેમણે તેનું નિવેદન લીધું."
"તેમાં પીડિતાએ વધુ એક છોકરાનું નામ લીધું અને કહ્યું કે તેમની છેડતી કરાઈ છે. આ નિવેદનનાં અમારી પાસે ઑડિયો અને વીડિયો છે. આ નિવેદન બાદ વધુ એક આરોપીનું નામ રિપોર્ટમાં જોડવામાં આવ્યું.”
“ત્યાર બાદ 22 તારીખના રોજ પીડિતાએ પોતાની સાથે થયેલા દુષ્કર્મમાં બીજી ચાર વ્યક્તિ સામેલ હોવાની વાત કરી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમણે પહેલા માત્ર છેડતીની વાત જ કેમ કરી અને પહેલાં માત્ર બે વ્યક્તિનું જ નામ કેમ લીધું?""ત્યારે તેમણે કહ્યું કે તે વખતે તે બરાબર હોશમાં નહોતી. પીડિતાના નિવેદન બાદ અમે કલમ 376 D એટલે કે ગૅંગરેપની કલમો જોડી અને આરોપીઓની ધરપકડ માટે ટીમો બનાવી દીધી. ટૂંક સમયમાં જ અન્ય ત્રણ આરોપીઓને પણ પકડી લેવાયા અને જેલ મોકલી દેવાયા.”
પીડિતાએ હૉસ્પિટલમાં આપેલા નિવેદનમાં ગૅંગરેપનો ઉલ્લેખ કર્યો છે. પરંતુ શું મેડિકલ રિપોર્ટમાં ગૅંગરેપની પુષ્ટિ થાય છે?
આ પ્રશ્ન અંગે એસ. પી. જણાવે છે, “મેડિકલ રિપોર્ટ એક મહત્ત્વનો પુરાવો છે. અત્યારે જે મેડિકલ રિપોર્ટ અમને મળ્યો છે, તેમાં ડૉક્ટરોએ ઈજાઓનું અધ્યયન કર્યું છે પરંતુ સેક્શુઅલ અસૉલ્ટ એટલે કે યૌન હુમલાની પુષ્ટિ નથી કરાઈ."
"હજુ તેઓ ફૉરેન્સ્ક રિપોર્ટ મળે તેની રાહ જોઈ રહ્યા છે. તે બાદ જ તેઓ આ અંગે પોતાનો મત આપી શકશે. રિપોર્ટમાં પીડિતાના પ્રાઇવેટ પાર્ટ્સ પર પણ કોઈ ઈજાના નિશાનનો ઉલ્લેખ નથી. આ મેડિકલ રિપોર્ટ અમારી કેસ ડાયરીનો ભાગ હશે.”

રાતના અંધકારમાં અંતિમ સંસ્કાર

પોલીસે મંગળવારે મોડી રાત્રે પીડિતાના અંતિમ સંસ્કાર કર્યા હતા.
પરિવારજનોનો આરોપ છે કે તેમને ઘરમાં બંધ કરીને બળજબરીપૂર્વક તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે. જોકે, પોલીસ જણાવે છે કે પરિવારજનોની હાજરીમાં અંતિમ સંસ્કાર કરાયા છે.
આવી રીતે અડધી રાત્રે અંતિમ સંસ્કાર કરાયા બાદ પરિવારજનો અને દલિત સમુદાય ભારે ગુસ્સે ભરાયો છે.
કેટલાક લોકો આ ઘટનાને પીડિતા સાથે બળાત્કારની બીજી ઘટના ગણાવી રહ્યા છે. તેમજ પોલીસના આ કૃત્યને પુરાવા નષ્ટ કરવાના પ્રયત્ન તરીકે પણ જોઈ રહ્યા છે.
રોષે ભરાયેલા લોકોનું કહેવું છે કે પોલીસે આવી રીતે અંતિમ સંસ્કાર કરીને ‘ફરી વાર પોસ્ટમૉર્ટમ કરાવવાની સંભાવના ખતમ કરી નાખી છે.’
પીડિતાના ભાઈએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “અમારા સબંધીઓને માર મારવામાં આવ્યો. તેને બળજબરીપૂર્વક બાળી નખાઈ. અમને તો એ વાતની પણ ખબર નથી કે પોલીસે કોના અંતિમ સંસ્કાર કર્યા છે? અમને છેલ્લેછેલ્લે તેની સિકલ પણ નથી જોવા દીધી. પોલીસને આવી તે કઈ વાતની ઉતાવળ હતી?’
જ્યારે અમે એસ. પી. ને આ જ પ્રશ્ન કર્યો ત્યારે તેમણે કહ્યું કે, “મૃત્યુને ઘણી વાર થઈ ચૂકી હતી. પોસ્ટમૉર્ટમ અને પંચનામાની કાર્યવાહી થતાં થતાં 12 વાગી ગયા હતા. કેટલાંક કારણોસર પીડિતાનો મૃતદેહ તુરંત નહોતો લાવી શકાયો."
"પીડિતાના ભાઈ અને તેમના પિતા મૃતદેહ સાથે જ આવ્યા હતા. પરિવારજનોએ રાત્રે જ અંતિમ સંસ્કાર કરવાનો નિર્ણય લીધો હતો. પોલીસે અંત્યેષ્ટિ માટે લાકડાં અને અન્ય સામગ્રી એકઠી કરવામાં મદદ કરી હતી. પરિવારજનોએ જ અંતિમ સંસ્કાર કર્યા હતા. ”

આરોપીઓના પરિવારજનોનું આ મામલે શું કહેવું છે?

પીડિતાના ઘરથી આરોપીઓનું ઘર ઝાઝું દૂર નથી. એક મોટા સંયુક્ત ઘરમાં ત્રણ આરોપીઓના પરિવાર રહે છે. જ્યારે હું ત્યાં પહોંચ્યો, ત્યારે ઘરમાં માત્ર મહિલાઓ જ હતી. તેમનું કહેવું હતું કે તેમનાં બાળકોને ખોટા કેસમાં ફસાવાઈ રહ્યાં છે.
એક આરોપી 32 વર્ષના છે અને ત્રણ બાળકોનાં પિતા છે. બીજા 28 વર્ષના છે અને તેમનાં બે બાળકો છે. અન્ય બેની ઉંમર 20 વર્ષની આસપાસ છે અને તેમનાં લગ્ન નથી થયાં.
જ્યારે તેમનાં માતાઓને પૂછવામાં આવ્યું કે જો તેમના દીકરા આ અપરાધમાં સામેલ નથી તો તેમનું નામ કેમ લેવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, “આ જૂની અદાવત છે. તેમનું તો આ જ કામ છે. ખોટા આરોપો લગાવી દો. બાદમાં પૈસા લઈ લો. સરકાર પાસેથી પણ વળતર મેળવે છે અને લોકો પાસેથી પણ.”
પરિવારજનોનું કહેવું હતું કે પોલીસે તેમની ધરપકડ નહોતી કરી પરંતુ તેમને હાજર કરવામાં આવ્યા હતા. એક મહિલા જણાવે છે કે, “જ્યારે નામ આવી ગયાં ત્યારે અમે અમારાં બાળકોને પોલીસને હવાલે કરી દીધાં.”
એક આરોપીનાં માતા જણાવે છે કે, તેમનો દીકરો દૂધની ડેરીમાં કામ કરે છે અને ઘટનાના દિવસે તે ત્યાં જ હતો. તેની હાજરીની તપાસ કરી શકાય છે.
આરોપીના પરિવારજનો પોતાના ઠાકુર હોવાનો અને પીડિતાનો પરિવાર દલિત હોવાની વાત કરી રહ્યા હતા.
એક આરોપીનાં માતા જણાવે છે કે, “અમે ઠાકુર છીએ, તેઓ હરિજન છે, અમારી સાથે તેમને શો મતલબ. તેઓ અમને રસ્તામાં દેખાય તો પણ અમે તેમનાથી દૂર ખસી જઈએ છીએ, તો પછી અમે તેમને શું કામ અડકીશું? કેમ તેમના ત્યાં જઈશું?”

આરોપીઓ વિશે ગામલોકોનું શું કહેવું છે?

આરોપી અંગે ગામલોકોનો મત તેમના પરિવાર સાથેના સંબંધ પ્રમાણે અલગઅલગ છે. પાસેના જ ઠાકુર પરિવારનાં કેટલાંક મહિલાઓ જણાવે છે કે એક આરોપી તો પહેલાંથી જ આવો હતો. રસ્તે જતી છોકરીઓની છેડતી કરતો હતો.
પોતાનાં ખેતરોમાં કામ કરી રહેલા ઠાકુર પરિવારના યુવકો પણ કહે છે કે, “આ પરિવાર આવો જ છે. લડાઈ-ઝઘડા કરતા રહે છે. પરિવાર મોટો હોવાને કારણે તેમની બીકને કારણે કોઈ કશું બોલતું નથી. બધા એક સાથે થઈ જાય છે. તેમની આ વિસ્તારમાં ધાક છે. ગામમાં તેમની વિરુદ્ધ કોઈ કશું જ નહીં બોલે.”
થોડે દૂર બીજા એક ખેતરમાં કામ કરી રહેલો એક યુવક જણાવે છે કે, “સર આ ઘટના અંગે જેવી તમે વિચારી રહ્યા છો તેવું કશું જ નથી. હવે SIT તપાસ કરશે. એક અઠવાડિયામાં બધી વાત સામે આવી જશે કે શું થયું. જોતા રહો. ટીમ ગામડે આવી જ રહી છે.”
પાડોશના જ દલિત પરિવારના એક વૃદ્ધ જણાવે છે કે, “આવું પહેલી વાર નથી બન્યું કે અમારી પર આવા પ્રકારનો હુમલો થયો હોય. અમારી વહુ-દીકરીઓ એકલાં ખેતરે નથી જઈ શકતી. આ દીકરી તો પોતાનાં માતા અને ભાઈ સાથે ગઈ હતી તેમ છતાં તેની સાથે આવું થઈ ગયું. આ લોકોએ અમારું જીવન નર્ક બનાવી રાખ્યું છે. અમે જ જાણીએ છીએ આ નર્કમાં અમે કેવી રીતે રહીએ છીએ. ”

ગામમાં જાતિવાદ

રાષ્ટ્રીય પાટનગર દિલ્હીથી લગભગ 160 કિલોમિટર દૂર વસેલા આ ગામમાં મોટા ભાગે ઠાકુર અને બ્રાહ્મણ પરિવારો જ રહે છે. દલિતોનાં આ ગામમાં લગભગ એક ડઝન જેટલાં ઘર છે જે આસપાસ જ છે.
દલિતો અને ગામના અન્ય લોકો વચ્ચે સીધો સંબંધ નથી દેખાતો.
આ ઘટના બાદ પણ કહેવાતી ઉચ્ચ જ્ઞાતિના લોકોએ પીડિતાના ઘરે જઈને સાંત્વના નથી આપી. પીડિતાના સંબંધીઓ પણ આ જ વાત કરે છે કે અન્ય જ્ઞાતિના લોકો સાથે તેમને સંબંધ નથી.
એક આરોપીનો સગીર ભાઈ તેના ભાઈને નિર્દોષ ગણાવે છે. તે વારંવાર પોતાની જાતિનો ઉલ્લેખ કરે છે. તે કહે છે, “અમે ગહલોત ઠાકુર છીએ, અમારી જાતિ તેમનાથી ઘણી ઉપર છે. અમે એમને અડકીશું? તેની પાસે જઈશું?”

દલિતોમાં આક્રોશ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
પોલીસે ગામમાં આવવાના તમામ રસ્તા પર બૅરિકેડિંગ કર્યું છે.
મોટા ભાગના લોકોને બહાર જ રોકી દેવાય છે. પત્રકારોને પણ પગપાળા જ ગામમાં જવા દઈ રહ્યા છે.
દલિત સમુદાય સાથે જોડાયેલા લોકો પીડિતાના ઘરે પહોંચીને સાંત્વના આપવા માગે છે. પરંતુ પોલીસ તેમને બહાર જ રોકી રહી છે.
ઉત્તરાખંડથી આવેલા દલિતોના એક પ્રતિનિધિમંડળને પણ પોલીસે બહાર જ રોકી દીધું.
તેમાં સામેલ લોકો કહે છે, “સરકાર અમારી સાથે અત્યંત અન્યાય કરી રહી છે, અમે હવે વધુ સહન નહીં કરીએ. અમે અમારા લોકો સુધી જઈને તેમને સાંત્વના પણ નથી આપી શકતા.” આ સમૂહમાં સામેલ એક યુવાન જણાવે છે કે, “આ સરકારનું અભિમાન હવે ચૂંટણીમાં જ તૂટશે.”
મેં ગામથી મુખ્ય માર્ગ સુધી જવા માટે એક બાઇકસવાર પાસે લિફ્ટ માગી. તેઓ આ સ્થળથી લગભગ 30 કિલોમિટર દૂર સ્થિત એક ગામનો 18-20 વર્ષનો યુવાન હતો. તે નોઈડામાં નોકરી કરે છે અને ઘટનાના સમાચાર મળ્યા બાદ તે અહીં આવ્યો હતો.
તેઓ કહે છે, “જ્યારથી પોતાની બહેન સાથે થયેલા બળાત્કાર વિશે ખબર પડી છે ત્યારથી બેચેન છું. રોજ સોશિયલ મીડિયા પર આ ઘટના વિશે વાંચી રહ્યો હતો. તેમના મૃત્યુની ખબર પડતાં જ તરત ગામ પહોંચી ગયો. જો આ રાક્ષસો મારી સામે આવી જાય તો તેમને ગોળી મારી દઉં.”

SIT તપાસ
સરકારે હવે આ ઘટનાની તપાસ માટે ત્રણ સભ્યો વાળી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિંગ ટીમ બનાવી છે, જે બુધવાર સાંજે હાથરસ પહોંચી ગઈ. હવે ગામની સીમા મીડિયા સહિત બધા માટે સીલ કરી દેવાઈ છે. SITએ તપાસ શરૂ કરી દીધી છે.
એક અઠવાડિયા બાદ SITને પોતાનો રિપોર્ટ આપવાનો છે. SITની તપાસમાં જ ઘટનાનું સત્ય બહાર આવશે. ઘટનાનું સત્યુ જે પણ હોય, તેનાથી હવે ઝાઝો ફરક નહીં પડે. દલિત સમુદાયનો ગુસ્સો આ ઘટના બાદથી ભડકી ચૂક્યો છે. તેને રોકવો હવે સરળ નહીં રહે.

પોલીસની ભૂમિકા પર ઊઠી રહેલા સવાલ
આ ઘટના બાદ પોલીસની શરૂઆતની તપાસ અને ભૂમિકા પર ઘણા ગંભીર પ્રશ્નો ઉઠ્યા છે, જેના જવાબ હજુ સુધી નથી મળી શક્યા.
- પોલીસે ઘટનાસ્થળ સીલ કેમ નથી કર્યું. ઘટનાની શરૂઆતના દિવસોમાં તે સ્થળેથી પુરાવા કેમ ભેગા ન કરાયા?
- રાતના અંધકારમાં બળજબરીપૂર્વક કેમ અંતિમ સંસ્કાર કરાવાયા?
- પીડિતાના પરિવારજનોને તેમનો મેડિકલ રિપોર્ટ કેમ નથી સોંપાયો?
- તકનીકી પુરાવા કેમ નથી ભેગા કરાયા અને આરોપીઓની ધરપકડમાં મોડું કેમ થયું?
જોકે, આ પ્રશ્નો પર હાથરસના એસ. પી. વિક્રાંત વીરનું કહેવું હતું કે, “પોલીસે પોતાના કામમાં કોઈ બેદરકારી નથી કરી. તમામ પુરાવા એકત્રિત કરાયા છે અને હજુ એ પ્રક્રિયા ચાલુ જ છે. ઘટનાની વિવેચના નિષ્પક્ષતા સાથે કરાઈ રહી છે. કોઈ ગુનેગાર નહીં બચે અને કોઈ નિર્દોષને ખોટો નહીં ફસાવાય.”
તેઓ કહે છે, “અમારી તપાસ તેની ગતિથી ચાલી રહી છે. અમે આ મામલાને ફાસ્ટ ટ્રૅક કોર્ટમાં લઈ જઈને પીડિતાને ન્યાય અપાવીશું.”



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












