જ્યારે લતા મંગેશકર દિલીપકુમારની સલાહ માનીને મૌલાના પાસે ઉર્દૂ શીખ્યાં

    • લેેખક, રેહાન ફઝલ
    • પદ, બીબીસી સંવાદદાતા

જવાહરલાલ નહેરુ વિશે કહેવાતું કે તેઓ જાહેરમાં ક્યારેય રડતા નહોતા, એટલું જ નહીં, કોઈ બીજું એ રીતે રડે તે પણ એમને ગમતું નહોતું.

લતા મંગેશકર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, લતા મંગેશકરનું મુંબઈમાં નિધન થયું

પરંતુ 27 જાન્યુઆરી 1963એ જ્યારે લતા મંગેશકરે કવિ પ્રદીપે લખેલું ગીત 'એ મેરે વતન કે લોગોં' ગાયું તો તેઓ પોતાનાં આંસુને રોકી નહોતા શક્યા.

ગાયન પછી લતા સ્ટેજની પાછળ કૉફી પી રહ્યાં હતાં એવામાં નિર્દેશક મહેબૂબ ખાને આવીને લતાને કહ્યું કે તમને પંડિતજી બોલાવે છે.

મહેબૂબે લતાને નહેરુની સમક્ષ લઈ જઈને કહ્યું, "આ રહી આપણી લતા. તમને એનું ગાયન કેવું લાગ્યું?"

નહેરુએ કહ્યું, "ખૂબ જ સરસ. આ છોકરીએ મારી આંખો ભીની કરી દીધી." અને તેઓ લતાને ભેટી પડ્યા.

તરત જ એ ગાયનની માસ્ટર ટેપને વિવિધભારતી સ્ટેશને પહોંચાડવામાં આવી અને બહુ ઓછા સમયમાં એચએમવીએ એની રેકૉર્ડ બનાવીને બજારમાં મૂકી દીધી.

1949માં 'અંદાજ' રિલીઝ થયા પછીના સંગીત ચાર્ટના પહેલા પાંચ ક્રમ હંમેશા લતા મંગેશકરના નામે રહ્યા.

ઇમેજ સ્રોત, LATA MANGESHKAR IN HER OWN VOICE

ઇમેજ કૅપ્શન, ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુ સાથે લતા મંગેશકર

જોતજોતાંમાં આ ગીત એક રીતે 'નૅશનલ રેજ' બની ગયું.

1964માં જ્યારે નહેરુ મુંબઈ આવ્યા ત્યારે લતાએ એમની હાજરીમાં બ્રેબોર્ન સ્ટેડિયમમાં 'આરજૂ' ફિલ્મનું ગીત 'અજી રૂઠ કર અબ કહાં જાઈયેગા' ગાયું હતું.

ત્યારે નહેરુએ એમની પાસે એક ચિઠ્ઠી લખી મોકલીને ફરી એક વાર 'એ મેરે વતન કે લોગોં' સાંભળવાની ફરમાઇશ કરી હતી અને લતાએ એ પૂરી પણ કરી હતી.

વીડિયો કૅપ્શન, લાજવાબ લતા મંગેશકર વિશે આ જાણો છો?
line

'બરસાત' ફિલ્મ પછી કરિયરની પાંખ ખૂલી

લતા મંગેશકર

ઇમેજ સ્રોત, Prodip Guha

ઇમેજ કૅપ્શન, લતા જ્યારે 80 વર્ષનાં થયાં ત્યારે એમણે જાતે સ્વીકારેલું કે એમના કરિયરને રાજ કપૂર-નરગિસની ફિલ્મ 'બરસાત' આવ્યા પછી પાંખો ફૂટી હતી.

1949માં 'અંદાજ' રિલીઝ થયા પછીના સંગીત ચાર્ટના પહેલા પાંચ ક્રમ હંમેશા લતા મંગેશકરના નામે રહ્યા. જોકે લતા જ્યારે 80 વર્ષનાં થયાં ત્યારે એમણે જાતે સ્વીકારેલું કે એમના કરિયરને રાજ કપૂર-નરગિસની ફિલ્મ 'બરસાત' આવ્યા પછી પાંખો ફૂટી હતી.

મદન મોહને લતા વિશે લખ્યું ત્યારે તેમાં સો ટકા સાચી વાત કહી કે, "1956માં મેટ્રો-મર્ફી તરફથી અમને સંગીતકારોને ટૅલેન્ટ શોધવા માટે આખા ભારતમાં મોકલવામાં આવેલા. અમે બધા કોઈ એકને પણ એવા ન શોધી શક્યા જે પ્રતિભાની બાબતમાં લતા મંગેશકરની આજુબાજુ ફરકી શકે. એ અમારું સદ્‌ભાગ્ય હતું કે લતા અમારા જમાનામાં અવતર્યાં."

line

બડે ગુલામ અલી ખાંની ટિપ્પણી

બડે ગુમાલઅલી ખાં સાથે લતા મંગેશકર

ઇમેજ સ્રોત, NIYOGI BOOKS

ઇમેજ કૅપ્શન, બડે ગુલામ અલી ખાં સાથે લતા મંગેશકર

ખરેખર તો 1948માં જ્યારે 'મહલ' રિલીઝ થઈ ત્યારે ગીતા રૉયને બાદ કરતાં શમશાદ બેગમ, જોહરાબાઈ અંબાલાવાલી, પારુલ ઘોષ અને અમીરબાઈ કર્ણાટકી જેવાં બધાં પ્રતિસ્પર્ધી એક પછી એક એમના માર્ગમાંથી ખસતાં ગયાં.

1950માં એમણે જ્યારે 'આયેગા આને વાલા' ગાયું ત્યારે ઑલ ઇન્ડિયા રેડિયો પર ફિલ્મી સંગીત વગાડવા પર મનાઈ હતી. એ વખતે રેડિયો સિલોન પણ નહોતો. ભારતવાસીઓએ પહેલી વાર રેડિયો ગોવા પર લતાનો અવાજ સાંભળ્યો.

ગોવા ત્યારે પોર્ટુગલના કબજામાં હતું. 1961માં ભારતીય સેનાએ એને આઝાદ કરાવ્યું.

જાણીતા શાસ્ત્રીય ગાયક પંડિત જશરાજ એક રસપ્રદ કિસ્સો સંભળાવે છે : "એક વાર હું બડે ગુલામ અલી ખાંને મળવા અમૃતસર ગયો. અમે લોકો વાતો કરતા જ હતા કે ટ્રાન્ઝિસ્ટર પર લતાનું ગીત 'યે જિંદગી ઉસી કી હૈ જો કીસી કા હો ગયા' સંભળાયું. વાત કરતાં કરતાં ખાંસાહેબ અચાનક એકદમ ચૂપ થઈ ગયા અને ગીત જ્યારે પૂરું થયું તો બોલ્યા, 'કમબખ્ત ક્યારેય બેસૂરી થતી જ નથી.' આ ટિપ્પણીમાં પિતાનો પ્રેમ પણ હતો અને એક કલાકારની ઈર્ષ્યા પણ."

line

પાંચ વર્ષની ઉંમરે પિતાએ પ્રતિભા પારખી

મુરલીવાદક હરિપ્રસાદ ચૌરસિયા સાથે લતા મંગેશકર

ઇમેજ સ્રોત, The India Today Group

ઇમેજ કૅપ્શન, મુરલીવાદક હરિપ્રસાદ ચૌરસિયા સાથે લતા મંગેશકર

પાંચ વર્ષની ઉંમરે લતાએ ગાવાનું શરૂ કરેલું. નસરીન મુન્ની કબીરના પુસ્તક 'લતા ઈન હર ઓન વૉઇસ'માં લતાએ પોતે જણાવ્યું છે, "હું મારા પિતા દીનાનાથ મંગેશકરને ગાતા જોતી હતી, પણ એમની સામે ગાવાની મારી હિંમત નહોતી. એક વાર તેઓ પોતાના એક સાગરીતને રાગ પૂરિયા ધનાશ્રી શીખવતા હતા."

"કોઈ કારણે તેઓ થોડી વાર માટે ઓરડા બહાર જતા રહ્યા. હું બહાર રમતી હતી."

લતા મંગેશકર

ઇમેજ સ્રોત, LATA MANGESHKAR IN HER OWN VOICE

ઇમેજ કૅપ્શન, લતા મંગેશકરે 20 ભાષાઓમાં હજારો ગીત ગાયાં હતાં

"મેં બાબાના શિષ્યને ગાતો સાંભળ્યો. મને લાગ્યું કે છોકરો સરખું નથી ગાતો. "

"હું એની પાસે ગઈ અને એની સામે ગાઈને બતાવ્યું કે આને આ રીતે ગવાય."

તેમણે જણાવ્યું છે, "જ્યારે મારા પિતા પાછા આવ્યા ત્યારે એમણે દરવાજા પાછળથી મને ગાતી સાંભળી. એમણે મારાં માતાને બોલાવીને કહ્યું, 'આપણેને એ ખબર જ નહોતી કે આપણા ઘરમાં પણ એક સારી ગાયિકા છે.' બીજા દિવસે સવારે છ વાગ્યે બાબાએ મને જગાડીને કહ્યું હતું, તાનપુરો લે."

"આજથી તું ગાતાં શીખીશ. એમણે પૂરિયા ધનાશ્રી રાગથી શરૂઆત કરી. એ વખતે મારી ઉંમર માત્ર પાંચ વર્ષની હતી."

line

ગુલામ હૈદર અને અનિલ વિશ્વાસ પાસે શીખ્યાં

લતા મંગેશકર

ઇમેજ સ્રોત, Niyogi Books

ઇમેજ કૅપ્શન, લતા મંગેશકર માતા-પિતા અને બહેનો સાથે બાળપણમાં

એમ તો લતા મંગેશકરે ઘણા સંગીતકારો સાથે કામ કર્યું છે પરંતુ ગુલામ હૈદર માટે એમના મનમાં ખાસ જગ્યા હતી.

એમણે એમને એક શીખ આપી હતી કે 'બીટ' પર આવતા બોલ પર થોડું વધારે વજન આપવું જોઈએ. એનાથી ગીતમાં ઉઠાવ આવે છે.

મીના, ઉષા, આશા ભોંસલે અને લતા મંગેશકર

ઇમેજ સ્રોત, Hindustan Times

ઇમેજ કૅપ્શન, મીના, ઉષા, આશા ભોંસલે અને લતા મંગેશકર
line

અનિલ વિશ્વાસ પાસેથી લતા શ્વાસ પર નિયંત્રણનો ગુણ શીખ્યાં

લતા મંગેશકર

ઇમેજ સ્રોત, LATA CALENDER

ઇમેજ કૅપ્શન, લતાના સુરીલા કંઠ ઉપરાંત ઉર્દૂ ભાષાના ઉત્તમ ઉચ્ચારણે પણ બધાનું ધ્યાન એમની તરફ ખેંચ્યું. એનું શ્રેય ખરેખર તો દિલીપકુમારને આપવું જોઈએ.

હરીશ ભીમાણીએ પોતાના પુસ્તક 'લતા દીદી અજીબ દાસ્તાં હૈ'માં લખ્યું છે, "અનિલદા એ વાત પર ખૂબ ભાર મૂકતા હતા કે ગીત ગાતી વખતે શ્વાસ ક્યાં છોડવો જોઈએ, જેથી સાંભળનારને એ ખટકે નહીં."

"અનિલ વિશ્વાસે લતાને શીખવ્યું કે બે શબ્દો વચ્ચે શ્વાસ લેતી વખતે ધીમેથી ચહેરો માઇક્રોફોનથી દૂર ખસેડો, શ્વાસ લો અને તરત યથાસ્થાન પાછા આવી ગાવાનું ચાલુ રાખો."

"માઇક સાથે સંતાકૂકડીની આ ક્રિયામાં છેલ્લા શબ્દનો છેલ્લો અક્ષર અને નવા શબ્દનો પહેલો અક્ષર બંને જરા મોટેથી ગાવો જોઈએ."

line

ઉચ્ચારણ સુધારવામાં દિલીપકુમારનો હાથ

લતા મંગશકરે 13 વર્ષની ઉંમરે મરાઠી ફિલ્મો માટે ગાવાનું શરૂ કર્યું હતું
ઇમેજ કૅપ્શન, લતા મંગશકરે નાની ઉંમરે મરાઠી ફિલ્મો માટે ગાવાનું શરૂ કર્યું હતું

લતાના સુરીલા કંઠ ઉપરાંત ઉર્દૂ ભાષાના ઉત્તમ ઉચ્ચારણે પણ બધાનું ધ્યાન એમની તરફ ખેંચ્યું. એનું શ્રેય ખરેખર તો દિલીપકુમારને આપવું જોઈએ.

હરીશ ભીમાણીએ પોતાના પુસ્તક 'લતા દીદી અજીબ દાસ્તાં હૈ'માં લખ્યું છે, "એક દિવસ અનિલ વિશ્વાસ અને લતા મુંબઈની લોકલ ટ્રેનમાં ગોરેગાંવ જતાં હતાં. અચાનક જ બાંદ્રા સ્ટેશનેથી દિલીપકુમારે એ જ ટ્રેન પકડી."

"જ્યારે અનિલ વિશ્વાસે દિલીપકુમારને નવી ગાયિકાની ઓળખાણ આપી તો તેમણે કહ્યું 'મરાઠી લોકોના મોંમાંથી દાળભાતની સુગંધ આવે છે. તેઓ ઉર્દૂનો વઘાર શું જાણે?"

લતા મંગેશકર અને દિલીપ કુમાર

ઇમેજ સ્રોત, Niyogi Books

ઇમેજ કૅપ્શન, લતા મંગેશકર અને દિલીપ કુમાર

"આ ટકોરને લતાએ એક પડકારરૂપે લીધી. ત્યાર બાદ શફીસાહેબે એમના માટે એક મૌલવી ઉસ્તાદની વ્યવસ્થા કરી, જેમનું નામ મહેબૂબ હતું. એમની પાસેથી લતા ઉર્દૂ ઉચ્ચારની ખાસિયતો શીખ્યાં."

એના થોડા સમય પછી 'લાહૌર' ફિલ્મનું શૂટિંગ ચાલતું હતું, ત્યાં જદ્દનબાઈ અને એમનાં દીકરી નરગિસ પણ હાજર હતાં.

લતાએ સ્ટુડિયોમાં 'દીપક બગૈર કૈસે પરવાનેં જલ રહે હૈં' ગીતનું રેકર્ડિંગ શરૂ કર્યું.

રેકર્ડિંગ પછી જદ્દનબાઈએ લતાને બોલાવીને કહ્યું, "માશાઅલ્લાહ શું ખ્વાબ કહ્યું છે. આવાં ઉચ્ચારણ હરકોઈનાં નથી હોતાં બેટા."

line

મહેબૂબ ખાનને ફોન પર 'રસિક બલમા' ગાઈ સંભળાવ્યું

લતા મંગેશકર અને પંડિત જસરાજ

ઇમેજ સ્રોત, Mail Today

ઇમેજ કૅપ્શન, લતા મંગેશકર અને પંડિત જસરાજ 2009માં

લતાના અવાજની બીજી એક ખાસિયત હતી, એનું સતત યુવા થતા જવું. 1961માં આવેલી 'જંગલી' ફિલ્મમાં જ્યારે સાયરાબાનો માટે એમણે 'કાશ્મીર કી કલી હૂં મૈં' ગાયું હતું, ત્યારે એમનો સ્વર જેટલો માદક અને સુકુમાર લાગતો હતો, એટલો જ એનાં બાર વરસ પછી ફિલ્મ 'અનામિકા'માં પણ લાગ્યો હતો, જ્યારે એમણે જયા ભાદુરી માટે 'બાહોં મેં ચલે આઓ' ગાયું હતું.

એમના વિશે એક કહાણી પ્રખ્યાત છે કે 1958માં મહેબૂબ ખાન અમેરિકામાં ઑસ્કર સમારોહમાં ભાગ લેવા લૉસ એન્જિલસ ગયા હતા. સમારોહના બે દિવસ પછી એમને હૃદયરોગનો હુમલો આવેલો.

લતા મંગેશકર

ઇમેજ સ્રોત, NIYOGI BOOKS

ઇમેજ કૅપ્શન, લતા મંગેશકર નાનપણમાં

રાજૂ ભારતને લતા મંગેશકરના જીવનચરિત્રમાં લખ્યું છે, "લતાએ એમને મુંબઈથી ફોન કર્યો. ક્ષેમકુશળ પૂછ્યા બાદ મહેબૂબસાહેબે કહ્યું કે તમારું એક ગીત સાંભળવાનું બહુ મન થાય છે, પણ આ દેશમાં એની રેકર્ડ ક્યાંથી લાવું?"

"લતાએ એમને પૂછ્યું કે તેઓ કયું ગીત સાંભળવા માગે છે અને પછી મહેબૂબસાહેબની ફરમાઇશ પર ટેલિફોન પર જ 'રસિક બલમા' ગણગણી લીધું."

"એક અઠવાડિયા પછી લતાએ ફરી એક વાર એ ગીત મહેબૂબને સંભળાવ્યું. મહેબૂબસાહેબ સાજા થયા એમાં આ ગીતનું કેટલું યોગદાન હતું એ તો ઈશ્વર જ જાણે, પણ ત્યારથી લતા માટે આ ગીત સ્પેશિયલ બની ગયું."

line

વાઘા બૉર્ડરે લતા અને નૂરજહાંની મુલાકાત

લતા મંગેશકર

ઇમેજ સ્રોત, Hindustan Times

ઇમેજ કૅપ્શન, ગાયિકા નૂરજહાં સાથે લતા મંગેશકરની મુલાકાત વાઘા બૉર્ડર પર થઈ હતી

પહેલાં ભારતમાં રહ્યાં અને પછી પાકિસ્તાન જતાં રહેલાં નૂરજહાં અને લતા મંગેશકર વચ્ચે અંગત મૈત્રી હતી.

1952માં લતા જ્યારે અમૃતસર ગયેલાં ત્યારે એમને ઇચ્છા થઈ કે તેઓ નૂરજહાંને મળે, જે માત્ર બે કલાકના અંતરે લાહોરમાં રહેતાં હતાં. તરત જ એમને ફોન કર્યો અને બંનેએ કલાકો સુધી ફોન પર વાતો કરી અને પછી નક્કી થયું કે બંને ભારત-પાકિસ્તાનની સરહદે એકબીજાને મળશે.

સુપ્રસિદ્ધ સંગીતકાર સી રામચંદ્રને પોતાની આત્મકથામાં લખ્યું છે, "મેં મારી ઓળખાણથી આ મુલાકાત 'અરેન્જ' કરાવી."

"આ મુલાકાત વાઘા બૉર્ડર પાસે એ જગ્યાએ થઈ જેને સેનાની ભાષામાં 'નો મૅન્સ લૅન્ડ' કહેવાય છે."

"નૂરજહાંએ જેવાં લતાને જોયાં કે તેઓ દોડતાં આવ્યાં અને કોઈ વિખૂટા પડી ગયેલા મિત્રની જેમ એમને જોરથી ભીંસી લીધાં."

"બંનેની આંખોમાં આંસુ વહેતાં હતાં. અમે લોકો પણ જેઓ એ દૃશ્ય જોતા હતા, અમારાં આંસુ ન રોકી શક્યા."

લતા મંગેશકર અને નૂરજહાં

ઇમેજ સ્રોત, NIYOGI BOOKS

ઇમેજ કૅપ્શન, પહેલાં ભારતમાં રહ્યાં અને પછી પાકિસ્તાન જતાં રહેલાં નૂરજહાં અને લતા મંગેશકર વચ્ચે અંગત મૈત્રી હતી.

"એટલે સુધી કે બંને તરફના સૈનિકો પણ રડવા લાગ્યા."

"નૂરજહાં લતા માટે લાહોરથી બિરયાની અને મીઠાઈ લાવેલાં. નૂરજહાંના પતિ પણ એમની સાથે હતા."

"લતાની સાથે એમની બંને બહેનો, મીના અને ઉષા, અને એમની એક સખી મંગલા હતી. આ ઘટના એ દર્શાવે છે કે સંગીત માટે કોઈ પણ વસ્તુ અવરોધ નથી હોતી."

line

મોહમ્મદ રફી સાથે મનદુઃખ

લતા મંગેશકર અમિતાભ બચ્ચન સાથે

ઇમેજ સ્રોત, INDRANIL MUKHERJEE

ઇમેજ કૅપ્શન, લતા મંગેશકર અમિતાભ બચ્ચન સાથે

એમ તો લતાએ ઘણા ગાયકો સાથે ગીત ગાયાં પરંતુ મોહમ્મદ રફીની સાથે ગાયેલાં એમનાં ગીતોને લોકોએ ખૂબ પસંદ કર્યાં.

રફી વિશે વાતો કરતાં લતાએ એક રસપ્રદ કિસ્સો સંભળાવેલો : "એક વખત હું અને રફીસાહેબ સ્ટેજ પર ગાતાં હતાં. ગીતની કડી હતી 'ઐસે હંસ હંસ કે ના દેખા કરો તુમ સબ કી તરફ, લોગ ઐસી હી અદાઓં પર ફિદા હોતે હૈં'". રફીસાહેબે આ લાઇન આ રીતે વાંચી, 'લોગ ઐસે હી ફિદાઓ પે અદા હૈં'."

"એ સાંભળતાં જ લોકો જોરથી હસી પડ્યા. રફીસાહેબ પણ હસવા લાગ્યા અને પછી મારાથી પણ હસી પડાયું. પરિણામ એ આવ્યું કે અમે એ ગીત પૂરું ગાઈ ના શક્યાં અને આયોજકોએ પડદા પાડીને કાર્યક્રમ સમાપ્ત કરવો પડ્યો."

મદનમોહન અને લતા મંગેશકર

ઇમેજ સ્રોત, Lata Calender

ઇમેજ કૅપ્શન, સંગીતકાર મદનમોહન અને લતા મંગેશકર

સાઠના દાયકામાં એમનાં ગીતોની રૉયલ્ટી બાબતે રફીસાહેબ સાથે મતભેદ થયો.

એ ઝઘડામાં મુકેશ, તલત મહેમૂદ, કિશોરકુમાર અને મન્ના ડે લતાની સાથે હતા, જ્યારે આશા ભોંસલે મોહમ્મદ રફીને સાથ આપતાં હતાં.

ચાર વર્ષ સુધી બંનેએ એકબીજાનો 'બૉયકૉટ' કર્યો અને પછી સચિનદેવ બર્મને બંનેનું સમાધાન કરાવ્યું.

line

સચીનદેવ બર્મને લતાને પાન આપ્યું

સંગીતકાર સચીનદેવ બર્મન સાથે લતા મંગેશકર

ઇમેજ સ્રોત, FB @LATA MANGESHKAR

ઇમેજ કૅપ્શન, સંગીતકાર સચીનદેવ બર્મન સાથે લતા મંગેશકર

સચીનદેવ બર્મન પણ લતાને ખૂબ પસંદ કરતા હતા.

જ્યારે તેઓ એમના ગાયનથી ખુશ થતા ત્યારે એમની પીઠ થાબડતા અને એમને પાન આપતા.

સચીનદા પાનના શોખીન હતા અને એમની સાથે હંમેશા એક પાનદાની રહેતી.

પરંતુ તેઓ ક્યારેય કોઈને પાન નહોતા આપતા. જો તેઓ કોઈને પાન આપે તો સમજવું કે તેઓ એમના પર ખૂબ ખુશ છે. પરંતુ એક વાર સચીનદેવ બર્મન અને લતા મંગેશકર વચ્ચે ઝઘડો થઈ ગયો.

થયું એવું કે, 'મિસ ઇન્ડિયા' ફિલ્મમાં લતાએ એક ગીત ગાયું. બર્મને કહ્યું કે તેઓ ઇચ્છે છે કે લતા એને 'સૉફ્ટ મૂડ'માં ગાય.

રફી, લતા અને મુકેશ

ઇમેજ સ્રોત, NIYOGI BOOKS

ઇમેજ કૅપ્શન, મોહમ્મદ રફી અને મુકશ સાથે લતા મંગેશકર

લતાએ કહ્યું, "હું ગાઈ આપીશ. પરંતુ અત્યારે હું થોડી વ્યસ્ત છું." થોડા દિવસો પછી બર્મને રેકર્ડિંગની તારીખો નક્કી કરવા માટે કોઈને લતા પાસે મોકલ્યા.

એ વ્યક્તિએ સચીનદા બર્મનને લતા વ્યસ્ત છે, એમ કહેવાને બદલે એમ કહ્યું કે લતાએ આ ગીત ગાવાની ના પાડી. દાદા નારાજ થઈ ગયા અને બોલ્યા કે લતાની સાથે તેઓ ફરી ક્યારેય કામ નહીં કરે.

લતાએ પણ એમને ફોન પર કહ્યું, "તમારે એ એલાન કરવાની જરૂર નથી. હું ખુદ તમારી સાથે કામ નહીં કરું."

ઘણાં વર્ષો પછી બંને વચ્ચેની ગેરસમજ દૂર થઈ અને પછી લતાએ 'બંદિની' ફિલ્મમાં એમના માટે 'મોરા ગોરા અંગ લૈ લે' ગાયું.

line

ક્રિકેટનો શોખ

લતા મંગેશકર અને સચીન તેંડુલકર

ઇમેજ સ્રોત, Hindustan Times

ઇમેજ કૅપ્શન, લતા મંગેશકર ક્રિકેટના શોખીન હતાં (લતા મંગેશકર અને સચીન તેંડુલકર)

લતા મંગેશકર ક્રિકેટનાં ખૂબ જ શોખીન હતાં.

એમણે 1946માં પહેલી વાર મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ટેસ્ટ મૅચ જોઈ હતી. એક વાર એમણે ઇંગ્લૅન્ડમાં ઓવલ મેદાન પર રમાયેલી ઇંગ્લૅન્ડ અને પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ મૅચ પણ જોઈ હતી.

ક્રિકેટમા મહાન ખેલાડી ડૉન બ્રેડમૅને એમને પોતાની સહી કરેલું ચિત્ર ભેટ આપ્યું હતું.

લતા મંગેશકરની પાસે કારોનું સારું એવું કલેક્શન હતું. એમણે પોતાની પહેલી કાર સિલેટિયા રંગની હિલમેન ખરીદી હતી, જેના માટે એમણે એ જમાનામાં 8,000 રૂપિયા ખર્ચ્યા હતા.

એ જમાનામાં એમને પ્રત્યેક ગીત માટે 200થી 500 રૂપિયા મળતા હતા.

1964માં આવેલી 'સંગમ' ફિલ્મથી એમને દરેક ગીત માટે 2,000 રૂપિયા મળવા લાગ્યા હતા. પછી એમણે હિલમેન વેચીને વાદળી રંગની શેવરલે કાર ખરીદી હતી.

જ્યારે લતાએ યશ ચોપડાની ફિલ્મ 'વીર ઝારા' માટે ગીત ગાયાં ત્યારે ચોપડા દ્વારા એમને અપાયેલા મહેનતાણાનો એમ કહીને અસ્વીકાર કર્યો કે તેઓ તો એમના ભાઈ જેવા છે.

જ્યારે એ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે યશ ચોપડાએ એમને ભેટસ્વરૂપે એક મર્સિડીઝ કાર મોકલી આપી. પોતાના જીવનના અંતિમ દિવસ સુધી લતા એ જ કારમાં બેસતાં રહ્યાં.

line

હીરા અને જાસૂસી કથાઓ પસંદ

લતા મંગેશકર અને નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Hindustan Times

ઇમેજ કૅપ્શન, લતા મંગેશકરને મીઠાઈઓમાં જલેબી સૌથી પ્રિય હતી. એક જમાનામાં એમને ઇંદોરનાં ગુલાબજાંબુ અને દહીંવડા પણ ખૂબ ભાવતાં હતાં. (લતા મંગેશકર અને નરેન્દ્ર મોદી)

લતા મંગેશકરને હીરા અને પન્નાનો ખૂબ જ શોખ હતો. 1948માં એમણે પોતાની કમાણીમાંથી 700 રૂપિયામાં પોતાના માટે હીરાની વીંટી બનાવડાવી હતી. એને તેઓ પોતાના ડાબા હાથની ત્રીજી આંગળી (અનામિકા)માં પહેરતાં હતાં.

એમને સોના માટે ક્યારેય ખાસ લગાવ નહોતો. હા, તેઓ સોનાની સાંકળી પહેરી રાખતાં હતાં.

એ પહેરવાની સલાહ એમને પ્રસિદ્ધ ગીતકાર નરેન્દ્ર શર્માએ આપી હતી. લતાને જાસૂસી નવલકથાઓ વાંચવાનો ઘણો શોખ હતો અને એમની પાસે શેરલૉક હોમ્સનાં બધાં પુસ્તકો હતાં.

લતા મંગેશકરને મીઠાઈઓમાં જલેબી સૌથી પ્રિય હતી. એક જમાનામાં એમને ઇંદોરનાં ગુલાબજાંબુ અને દહીંવડા પણ ખૂબ ભાવતાં હતાં.

ગોવન ફિશકરી અને દરિયાઈ ઝીંગા પણ તેમને અતિપ્રિય હતાં. તેઓ સોજીનો શીરો ખૂબ સરસ બનાવતાં હતાં.

એમના હાથે બનેલું મટન પસંદા જેમણે પણ ખાધું હતું તેઓ એનો સ્વાદ ક્યારેય ભૂલી નથી શક્યા.

તેમને સમોસાં પણ ભાવતાં હતાં, પરંતુ બટાટાનાં નહીં, બલકે કીમાનાં. બહુ ઓછા લોકોને ખબર હશે કે લતા મંગેશકરને પાણીપૂરી બહુ ભાવતી હતી.

એમને લીંબુનું અથાણું અને જુવારનો રોટલો પણ ભાવતાં હતાં.

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

line

2001માં ભારતરત્ન

લતા મંગેશકર

ઇમેજ સ્રોત, LATA MANGESHKAR IN HER OWN VOICE

ઇમેજ કૅપ્શન, લતાને 1989માં ફિલ્મોના સૌથી મોટા સન્માન દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી અને 2001માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્નથી સન્માનિત કરાયાં હતાં.

આજે ભારતમાં લતા મંગેશકરને પૂજવા જેટલો પ્રેમ કરાય છે. ઘણા બધા લોકો એમના અવાજને ઈશ્વરની સૌથી મોટી દેણ માને છે.

લતાને 1989માં ફિલ્મોના સૌથી મોટા સન્માન દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી અને 2001માં ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારતરત્નથી સન્માનિત કરાયાં હતાં.

લતા મંગેશકરને સૌથી મોટી ટ્રિબ્યૂટ મશહૂર ગીતકાર મજરૂહ સુલ્તાનપુરીએ આપી હતી.

'લતા મંગેશકર' શીર્ષકથી લખેલી નજમમાં એમણે લખ્યું છે-

જહાં રંગ ન ખુશ્બૂ હૈ કોઈ

તેરે હોઠોં સે મહક જાતે હૈં અફકાર મેરે

મેરે લફ્ઝોં કો જો છૂ લેતી હૈ આવાઝ તેરી

સરહદેં તોડ કર ઉડ જાતે હૈં અશઆર મેરે.

ફૂટર
line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો