લગાન : આમિર ખાને કચ્છની ધરતી પર બનેલી ફિલ્મને જ્યારે ગણાવી હતી બકવાસ વાર્તા

ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN/GETTYIMAGES
- લેેખક, મધુ પાલ
- પદ, બીબીસી ગુજરાતી માટે, મુંબઈથી
છેલ્લા બે દાયકામાં બોલીવુડની કોઈ ફિલ્મનો ગુજરાત સાથે સૌથી ઊંડો નાતો રહ્યો હોય તો બેશક આમિર ખાનની 'લગાન' ફિલ્મ કહી શકાય. જેનું ફિલ્માંકન કચ્છમાં કરવામાં આવ્યું તે નિર્દેશક આશુતોષ ગોવારિકરની ફિલ્મ લગાનને બોલીવૂડની બહેતરીન ફિલ્મો પૈકી એક માનવમાં આવે છે.
ફિલ્મમાં આમિર ખાનનું ભુવનનું પાત્ર આજે પણ લોકોના માનસમાં જીવંત છે.
આ ફિલ્મની રિલીઝને વીસ વર્ષ વીતી ચુક્યા છે.
જોકે, બહુ ઓછાં લોકોને ખબર છે કે જો આશુતોષ ગોવારિકરે લગાન ફિલ્મની કહાણી ન લખી હોત તો કદાચ આમિર ખાન ફિલ્મ નિર્માતા ન બન્યા હોત.
આશુતોષ ગોવારિકરે જ્યારે આમિર ખાનને પહેલી વાર આ ફિલ્મનો આઇડિયા આપ્યો ત્યારે આમિર ખાનને આ ફિલ્મનો આઇડિયા ખૂબ જ વાહિયાત લાગ્યો હતો અને એમણે આશુતોષને પણ આના પર કામ કરવાની મનાઈ કરી દીધી હતી.
પરંતુ જ્યારે લગાન ફિલ્મ રિલીઝ થઈ ત્યારે ન ફક્ત એણે બૉક્સઑફિસ ઉપર કમાણી કરી પણ ઑસ્કર માટે પણ નૉમિનેટ થઈ. જોકે, આ ફિલ્મને ઑસ્કર ન મળી શક્યો.

આ પટકથા માટે તે ત્રણ મહિના બરબાદ કર્યા

ઇમેજ સ્રોત, LUCY NICHOLSON/GETTYIMAGES
ફિલ્મ લગાનના રિલીઝ થયાનાં વીસ વર્ષ બાદ આમિર ખાને આ ફિલ્મને એક યાદગાર અને ખૂબસુરત સફર ગણાવી હતી.
આમિર ખાને કહ્યું, "જ્યારે લગાનની કહાણી આશુતોષે પહેલી વાર સંભળાવી ત્યારે એમણે વાર્તા બે મિનિટમાં કંઈક આવી રીતે કહી હતી. એક ગામ છે જ્યાં વરસાદ નથી થઈ રહ્યો અને તેના કારણે ગામ લોકો કર (લગાન) ચૂકવી શકે એમ નથી અને લગાન માફ કરાવવા માટે એ લોકો શરત લગાવે છે અને ક્રિકેટ રમે છે. બસ આ આઇડિયા મેં સાંભળ્યો તો મને ખૂબ ખરાબ લાગ્યો. આ શું આઇડિયા છે લોકો 1893માં ક્રિકેટ રમે છે અને લગાન માફ કરાવવા માગે છે. મેં આશુતોષને કહ્યું કે આ વાત મને નથી સમજાતી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આમિર કહે છે કે "મેં આશુતોષને સમજાવતા કહ્યું તમારી પહેલી બે ફિલ્મો નથી ચાલી. તમે થોડુંક ઠીક કામ કરી લો. મારી વાત સાંભળીને આશુતોષ ઉદાસ થઈ ગયા અને કહ્યું કે ઠીક છે. એ પછી તેઓ ત્રણ મહિના માટે ગાયબ થઈ ગયા."
આમિર ખાન કહે છે કે "ત્રણ મહિના પછી આશુતોષે મને ફોન કર્યો અને કહ્યું કે એક પટકથા સંભળાવવા માગે છે. જ્યારે મેં કહ્યું સંભળાવો તો એમણે ચોખ્ખું કહ્યું કે મળીને સંભળાવશે. મને શક થયો કે એ ફરી એ ક્રિકેટવાળી સ્ટોરી સંભળાવશે. મેં પુછ્યું પણ એમણે કોઈ જવાબ ન આપ્યો. મેં કહ્યું કે મારે નથી સાંભળવી એ પટકથા. મેં કહ્યું કે વાર્તા સાવ વાહિયાત છે અને તો પણ તમે એની પાછળ ત્રણ મહિના બરબાદ કરી દીધા. જોકે, આશુતોષ એમની જીદ પર અડગ હતા."

ગુરુદત્ત, વી. શાંતારામ, કે આસિફે દૂર કર્યો ડર

ઇમેજ સ્રોત, ARKO DATTA/GETTYIMAGES
આમિર કહે છે કે આશુતોષ દોસ્ત છે એટલે એમની જીદને કારણે તેમણે ફિલ્મની પટકથા સાંભળી લીધી.
આમિર કહે છે કે "આ વખતે એમણે વિગતવાર પટકથા સંભળાવી તો મારા હોંશ ઊડી ગયા. હું પટકથા સાંભળતા રડી રહ્યો હતો, હસી રહ્યો હતો."
" આશુતોષને કહ્યું, આ ખૂબ મોંઘી ફિલ્મ લાગી રહી છે. આને બનાવશે કોણ? હું તો ઍક્ટર છું, પ્રોડ્યુસર નથી. તમારી ફિલ્મ બાઝી ચાલી નથી તો આ ફિલ્મમાં પૈસા રોકશે કોણ? પહેલાં પ્રોડ્યુસર શોધી આવો, જો કોઈ આના પર પૈસા લગાવવા તૈયાર હોય તો હું કામ કરીશ પણ પ્રોડ્યુસરને હું કરી રહ્યો છું એવું પહેલેથી ન કહેવું. હું નથી ઇચ્છતો કે કોઈ મારા કારણે હા કહી દે. હું ઇચ્છું છું જે પણ હા પાડે એ કહાણીને કારણે પાડે."
આમિર કહે છે કે એમણે આશુતોષ ગોવારિકરને ત્યાં સુધી કહી દીધું હતું કે તે એમની રાહ ન જુએ અને જો કોઈ તૈયાર થઈ જાય આ ફિલ્મ માટે તો એની સાથે આ ફિલ્મ કરી લે.
આમિર ખાન કહે છે,"આ પછી આશુતોષે આખી ઇન્ડસ્ટ્રીમાં ઍક્ટરો અને પ્રોડ્યુસરોને આ કહાણી સંભળાવી અને કોઈને એ સમજ ન આવી. મને કહાણી પસંદ પડી ગઈ હતી એટલે હું સમયાંતરે અપડેટ લેતો રહેતો હતો. "
"આ દરમિયાન છ મહિના હું પણ આ કહાણી સાંભળી જ રહ્યો હતો અને એ રીતે મેં ત્રણ વાર આ ફિલ્મની પટકથા સાંભળી."
"દરેક વખતે વખાણ કર્યાં પણ એને બનાવવાની હિંમત ન થઈ. પછી એક વાર મેં વિચાર્યું આખરે હું આ બનાવવાથી આટલો ડરું છું કેમ? ગુરુદત્ત, વી. શાંતારામજી, કે. આસિફ, વિમલ રૉય...શું આ બનાવવાથી ડરત?"
આમિર કહે છે કે "આ સવાલ મેં પોતાની જાતને પુછ્યો જો હું એમને મારા હીરો ગણતો હોઉ અને એમની જેવો બનવા માગતો હોઉ તો તો મારે એમની જેમ હિંમત દાખવવી જોઈએ."
"મુસીબતો એમની જિંદગીમાં પણ આવી હશે પણ એમણે કરી દેખાડ્યું. ત્યાંથી મને હિંમત મળી. પછી મેં વિચાર્યું કે મારે જો આમા ઍક્ટિંગ કરવી હોય તો પ્રોડ્યુસ પણ મારે જ કરવી પડે."

'હું ક્યારેય પ્રોડ્યુસર નહોતો બનવા માગતો'

ઇમેજ સ્રોત, SAJJAD HUSSAIN/GETTYIMAGES
આમિર ખાનના પિતા તાહિર હુસૈન એક લેખક અને પ્રોડ્યુસર હતા અને આમિરે પિતાનો સંઘર્ષ ખૂબ નજીકથી જોયેલો છે.
આમિર ખાન કહે છે કે "હું કાયમ પ્રોડ્યુસર બનવાની વાતથી અંતર જાળવતો કેમ કે મેં મારા પિતાની હાલત જોઈ હતી."
તેઓ આગળ કહે છે કે "પણ હું એક વાત જાણતો હતો કે જો આ ફિલ્મમાં મારે કામ કરવું છે તો મારે એને પ્રોડ્યુસ પણ પોતે જ કરવી પડશે. ત્યારે મેં મારાં અબ્બા-અમ્મી અને મારાં પ્રથમ પત્ની રીનાને પટકથા સંભળાવી. "
"આ અગાઉ મેં આવું કદી નહોતું કર્યું. એમને એ ખૂબ ગમી પણ મારા અબ્બા સમજી ગયા કે આ ખૂબ મોંઘી ફિલ્મ છે. જોકે, એમણે કહ્યું જો વાર્તા ગમી હોય તો ફિલ્મ જરૂર કરવી જોઈએ."
આમિર ખાનને આ ફિલ્મ માટે હા કરવામાં બે વર્ષનો સમય લાગ્યો.
આમિર કહે છે કે "લગાન મારા માટે એક સફર છે, આ ફિલ્મ સાથે મારો જે નાતો છે તે ખૂબ જ ખાસ છે. અમે શૂટિંગ માટે છ મહિના કચ્છમાં રહ્યાં અને ત્યાં અમે તમામ એક બિલ્ડિંગમાં રહેતા હતા."
"આશરે 300 લોકો હતા. રોજ સવારે 4 વાગે જાગી જતા અને એ પછી શૂટિંગ માટે જવા બસમાં બેસતા. એક દિવસ બસમાં કોઈએ ગાયત્રી મંત્રનો ઑડિયો ચલાવ્યો. ત્યારથી લઈને ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થયું ત્યાં સુધી દરરોજ બસની 45 મિનિટની મુલાફરીમાં અમે ગાયત્રી મંત્ર સાંભળતા હતા. "
"ફક્ત અમે જ નહીં બસમાં અમારી સાથે જે અંગ્રેજો હતા એ પણ દરરોજ ગાયત્રી મંત્ર સાંભળતા હતા."

'કોઈ ઍવૉર્ડને ગંભીરતાથી નથી લેતો'

ઇમેજ સ્રોત, SUJIT JAISWAL/AFP via Getty Images
આમિર ખાન કેટલાંય વર્ષોથી કોઈ પણ ઍવૉર્ડ સમારોહનો હિસ્સો નથી બનતા.
ફિલ્મ ઍવૉર્ડનો ઉલ્લેખ કરતાં આમિર ખાન કહે છે કે "હું ફિલ્મ ઍવૉર્ડને ગંભીરતાથી નથી લેતો એ વાત તો તમે જાણો જ છો. ભલે ને એ કોઈ પણ ઍવૉર્ડ હોય, ઑસ્કરને પણ હું ગંભીરતાથી નથી લેતો."
"આ જ કારણ છે કે તમે મને આજની તારીખે પૂછો કે 'લગાન', 'દંગલ', 'થ્રી ઇડિયટ' અને 'તારે જમીન પર'માં કઈ ફિલ્મ સારી છે તો તુલના કરવી મુશ્કેલ છે. આ ત્રણે ફિલ્મો એક સાથે એક જ વર્ષમાં આવી હોત તો પણ ઍવૉર્ડ શોમાં 10 લોકો 'લગાન' પસંદ કરત, 10 લોકો 'તારે જમીન પર'ને પસંદ કરત અને અમુક 'દંગલ'ને."
આમિર ખાન કહે છે કે, ઍવૉર્ડ્સને એટલી ગંભીરતાથી નથી લેતા કારણ કે આ સ્પૉટર્સ ઍવૉર્ડ જેવું નથી જેમાં 100 મિટરની રેસ જે સૌથી પહેલા પૂરી કરે એ જીતે. સ્પૉર્ટ્સમાં સ્પષ્ટતા હોય છે, ફિલ્મોમાં એવું નથી હોતું, દરેકની ભાવનાઓ અલગ અલગ હોય છે.
દેશમાં યોજાનારા ઍવૉર્ડ્સ શો બાબતે આમિર કહે છે કે "આપણે ઍવૉર્ડ્સને ગંભીરતાથી લેવાને બદલે તેનો ઉત્સવ મનાવવો જોઈએ. એક-બીજાના કામની સરાહના કરવી જોઈએ."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આમિર ખાન કહે છે કે તેઓ કોઈ પણ ઍવૉર્ડ શોમાં નથી જતા એવું એમના વિશે કહેવાય છે એ પૂર્ણ સત્ય નથી.
તેઓ કહે છે કે "હું હિંદુસ્તાનમાં બે ઍવૉર્ડ્સ શોમાં જાઉ છું. એક છે લતાજીનો દીનાનાથ મંગેશકર ઍવૉર્ડ અને બીજો છે દક્ષિણનો ગોલ્લાપુડી ઍવૉર્ડ. આ બે ઍવૉર્ડ છે જેમાં હું પોતે સામેલ થાવ છું. જ્યાં મને લાગે છે કે આ ઍવૉર્ડ યોગ્ય છે તો ત્યાં હું જાવ છું. "
"ઑસ્કરમાં એટલા માટે ગયો જેથી હું મારી ફિલ્મનું માર્કેટિંગ કરી શકું. ભારતમાં તો બધાયે જોઈ પણ વિદેશમાં પણ એને ઓળખ મળે. મારી ફિલ્મ ઑસ્કર માટે નૉમિનેટ થઈ એ વાત મારા માટે ઍવૉર્ડથી કમ નથી."
ફિલ્મ લગાન બ્રિટિશ રાજની પુષ્ઠભૂમિ પર આધારિત હતી. આ ફિલ્મમાં આમિર ખાને એક યુવા ખેડૂત ભુવનની ભૂમિકા ભજવી હતી.
આ ફિલ્મમાં આમિર ખાન સાથે અભિનેત્રી ગ્રૅસી સિંહ, રઘુવીર યાદવ, રૈચેલ શૈલી, કુલભૂષણ ખરબંદા, યશપાલ સિંહ, રાજેન્દ્ર ગુપ્તા, સુહાસિની મૂળેએ મુખ્ય ભૂમિકા ભજવી હતી.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો













