Family Man 2 : મનોજ વાજપેયી, સમન્થા રુથ પ્રભુ અભિનિત સિરીઝ, LTTE અને રાજીવ ગાંધીની હત્યાની કહાણી

ઇમેજ સ્રોત, Twitter/BajpayeeManoj
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ઍમેઝોન વેબસિરીઝ 'ફૅમિલી મૅન 2' ગત શુક્રવારે રિલીઝ થઈ, છતાં સોશિયલ મીડિયા પર તેના અભિનય અને વિષયવસ્તુની ચર્ચા તાજી છે.
મનોજ વાજપેયી, સમંથા રુથ પ્રભુ અને પ્રિયમણિનો અભિનય દર્શકોનું ધ્યાન ખેંચે છે. તો બીજી બાજુ, શ્રીલંકાના તામિલ બળવાખોરોને લગતા કેટલાક સવાલ ઊભા કરે છે.
શા માટે શ્રીલંકામાં તામિલોએ સશસ્ત્ર હિંસા હાથ ધરી હતી? શું તેની આત્મઘાતી ટૂકડી હતી? શું ખરેખર તેઓ પ્લેન ઉડાવી શકતા? શ્રીલંકાના આંતરિક વિદ્રોહમાં ભારતની શું ભૂમિકા હતી?
તામિલનાડુના પ્રાદેશિક પક્ષોએ માગ કરી છે કે વેબસિરીઝ પર પ્રતિબંધ મૂકી દેવો જોઈએ, કારણ કે તે શ્રીલંકાના તામિલોની ચળવળને ખરાબ રીતે ચીતરે છે.

ફૅમિલી, મૅન અને મિશન
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
થ્રૅટ ઍનાલિસિસ ઍન્ડ સર્વેલન્સ (TASC)ના એજન્ટ મનોજ વાજપેયી (શ્રીકાંત તિવારી) સરકારી નોકરી છોડીને મુંબઈમાં નવેસરથી જિંદગી શરૂ કરવા પ્રયાસરત્ છે. આમ છતાં તે એજન્સીમાં મિત્રો સાથે સતત સંપર્કમાં છે.
વિશેષ કરીને શારીબ હાશ્મી એટલે કે જશવંત કાશીનાથ તલપડે, જેને 'જેકે' તરીકે જ ઓળખે છે. મનોજ વાજપેયીનાં પત્નીની ભૂમિકા પ્રિયમણિએ (સૂચિત્રા તિવારી-સૂચિ) ભજવી છે.

પ્રિયમણિની ફિલ્મી કારકિર્દી

ઇમેજ સ્રોત, pillumani/instagram
પ્રિયમણિ 2003થી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સક્રિય છે અને 70 જેટલી તામિલ, તેલુગુ, કન્નડ તથા મલયાલમ ફિલ્મોમાં મુખ્ય કે મહેમાન ભૂમિકા ભજવી ચુક્યાં છે. આ સિવાય તેમણે પ્રાદેશિક ભાષાના 40થી વધુ રિયાલિટી શૉ કે શૉપ ઑપેરામાં કામ કર્યું છે.
પ્રિયમણિએ રક્તચરિત્ર, રક્તચરિત્ર 2, રાવણ જેવી હિંદી ફિલ્મોમાં ભૂમિકા ભજવી છતાં 'ચેન્નાઈ એક્સપ્રેસ'માં '1,2,3,4 ગેટ ઑન ધ ડાન્સ ફ્લૉર...' આઇટમ નંબરે તેમને વધુ મોટી ઓળખ આપી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફૅમિલી વનની પહેલી સિઝન દરમિયાન વર્કિંગ વુમનની ભૂમિકા ભજવનારાં પ્રિયમણિ આ સિઝનમાં 'હોમમૅકર' તથા વર્કિંગ વુમન વચ્ચેની ઓળખ વચ્ચે વહેંચાયેલાં છે.
તિવારી દંપતી 'મિડલાઇફ ક્રાઇસિસ'માંથી પસાર થઈ રહ્યું છે, જેની અસર બાળકોના ઉછેર ઉપર પડી રહી છે.

સમંથા રુથ પ્રભુ અક્કિનેની

ઇમેજ સ્રોત, samantharuthprabhuoffl/Instagram
આ સંજોગોમાં ઍન્ટ્રી થાય છે ભાસ્કરન (મીમે ગોપી) અને રાજલક્ષ્મી ઉર્ફે રાજીની (સમંથા રુથ પ્રભુ અક્કિનેની) ; મૂળ શ્રીલંકાનાં તામિલ લડાકુ રાજલક્ષ્મી ચેન્નાઈમાં બનાવટી નામથી નવું જીવન જીવી રહ્યાં છે. શ્રીલંકાના સૈનિકોના અત્યાચારનો ભોગ બને છે, જેના કારણે તેઓ તામિલ ચળવળમાં જોડાઈ જાય છે, વિદ્રોહીઓનાં નેતા ભાસ્કરને આપેલું મૅડલ તેના જીવનની મૂડી છે.
સમંથા રુથ પ્રભુએ ફિલ્મ અભિનેતા નાગાર્જુનના પુત્ર નાગા ચૈતન્ય સાથે લગ્ન કર્યાં છે. નાગાર્જુને 'શિવા', 'ખુદા ગવાહ' તથા 'ક્રિમિનલ' જેવી હિંદોમાં કામ કર્યું છે. નાગ ચૈતન્ય તેલુગુ ફિલ્મોના અભિનેતા છે. તેમના દાદા પણ તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મોટું નામ છે.
મૂળ કેરળના સમંથાએ 30થી વધુ તામિલ તથા તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની પહેલી ફિલ્મ 'યે માયા ચેસેવ'માં નાગ ચૈતન્ય હીરો હતા. 2019માં રજૂ થયેલી 'ઓહ બૅબી'માં આ કપલે ફરી સાથે કામ કર્યું હતું.
સ્ટોરી મુજબ, પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઈએસઆઈ (ઇન્ટર સર્વિસીઝ ઇન્ટેલિજન્સ)ની મદદથી શ્રીલંકાના તામિલ વિદ્રોહીઓ ચેન્નાઈ ખાતે યોજાનારી શ્રીલંકાના રાષ્ટ્રપતિ લસેત રૂપતુંગા અને ભારતનાં મહિલા વડાં પ્રધાન બસુની બેઠકને ટાર્ગેટ કરવા માગે છે.
આ મિશન માટે રાજલક્ષ્મીની પસંદગી કરવામાં આવી છે, જે એલટીએફ (લિબ્રૅશન ઑફ તામિલ ફૉર્સ)નાં વાયુદળની પાઇલટ છે. આત્મઘાતી હુમલા દ્વારા તે મીટિંગસ્થળ ઉપર ત્રાટકે તેવી યોજના છે.

રિલ લાઇફ, રિયલલાઇફ

ઇમેજ સ્રોત, AFP/GettyImages
તામિલ બળવાખોરોના નેતા ભાસ્કરનની ભૂમિકા ઘણાખરા અંશે એલટીટીઈ (લિબ્રૅશન ઑફ તામિલ ટાઇગર ઇલમ)ના વેલુપિલ્લાઈ પ્રભાકરન ઉપર આધારિત જણાય આવે છે.
જેમણે આંગળીના વેઢે ગણી શકાય તેટલા તામિલ સશસ્ત્ર સંઘર્ષકારો સાથે મળીને જોતજોતામાં ઘાતક સંગઠન બનાવી દીધું અને એને વિશ્વના અનેક દેશોએ 'આતંકવાદી સંગઠન' જાહેર કર્યું હતું.
શ્રીકાંત તિવારી ટાસ્કના એજન્ટ છે, વાસ્તવમાં આવી કોઈ સંસ્થા અસ્તિત્વમાં હોય તેવું સાર્વજનિક રીતે બહાર નથી આવ્યું, છતાં રિસર્ચ ઍન્ડ એનાલિસીસ વિંગ (રો), ઇન્ટેલિજન્સ બ્યૂરો તથા મિલિટરી ઇન્ટેલિજન્સમાં સેંકડો એજન્ટ્સનું પ્રતિનિધિત્વ કરે છે. જે ગુમનામ અને બેવડી જિંદગી જીવે છે.
તો સામે છેડે ઊભેલી રાજલક્ષ્મી ઉર્ફે રાજી, સેંકડો શ્રીલંકાની તામિલ મહિલા બળવાખોરોનું પ્રતિનિધિત્વ કરે છે, જેમણે સંઘર્ષના દિવસો દરમિયાન પુરુષો સાથે ખભેથી ખભો મિલાવીને સંઘર્ષમાં સાથ આપ્યો હતો. તેમની સૌથી ભયાનક વ્યૂહરચના હતી, આત્મઘાતી બૉમ્બવિસ્ફોટ.
તામિલ લડવૈયા પોતાની સાથે સાઇનાઇડની કૅપ્સ્યૂલ રાખતા અને પોતાના સાથીઓ કે મિશન વિશે બાતમી આપતાં પહેલાં સાઇનાઇડ ગળીથી મોતને વ્હાલું કરવાનું પસંદ કરતા હતા.
ભારતનાં મહિલા વડાં પ્રધાન બસુ મેડમ એ વાસ્તવમાં નરેન્દ્ર મોદી અને ઇંદિરા ગાંધીના સ્વભાવનું મિશ્રણ છે. જે નિર્ણય લેવામાં મક્કમ અને કંઈક અંશે જક્કી પણ છે.
જ્યારે વેબસિરીઝમાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ લસિત રુપતુંગાનો દેખાવ અને વાતવર્તન શ્રીલંકાના વર્તમાન રાષ્ટ્રપતિ મહિંદા રાજપક્ષે જેવાં છે, જેઓ આંતરિક ગૃહયુદ્ધ વખતે ત્યાંના રાષ્ટ્રપતિ હતા.જેઓ ચીનતરફી વલણ ધરાવતા હોવાની ચર્ચા થતી રહી છે.
આ બધું પણ અમુક અંશે વાસ્તવિક જીવનની ઘટનાઓથી પ્રેરિત છે.
એલટીટીઈ પર શ્રીલંકામાં એક રાષ્ટ્રપતિની હત્યા કરવાનો તથા અન્ય એક રાષ્ટ્રપતિ પર જીવલેણ હુમલો કરવાનો આરોપ છે.
આ સિવાય ભારતના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યામાં પણ સંગઠનની ભૂમિકા બહાર આવી હતી.

રિવાઇન્ડ : 1949માં શરૂઆત

ઇમેજ સ્રોત, Getty Images
શ્રીલંકાના ઉત્તર અને પૂર્વ ભાગમાં તામિલો મોટી સંખ્યામાં નિવાસ કરતા હતા.
1948માં શ્રીલંકા (તત્કાલીન સિલોન)ને બ્રિટનમાંથી સ્વતંત્રતા મળી પણ એ સમયે ત્યાં રહેતા હતા અને ચાના બગીચામાં કામ કરતા અનેક નાગરિકોને નાગરિકત્વ ન મળ્યું.
1956માં સોલોમન ભંડારનાયકે ચૂંટાઈ આવ્યા, તેમણે સિંહાલીઓ તથા બૌદ્ધોનું તૃષ્ટિકરણ કરતાં અનેક પગલાં લીધાં હતાં. જેને પગલે તામિલવિરોધી હુલ્લડ ફાટી નીકળ્યાં હતા અને સેંકડો લોકોનાં મૃત્યુ થયાં હતાં.
1958માં સિંહાલા ભાષાને રાજભાષા તરીકે સ્થાન મળતા તામિલ યુવકો માટે સરકારી નોકરીઓ મેળવવી મુશ્કેલ બની.
આ સિવાય તેમને બેટરી, પેટ્રોલ તથા અન્ય જીવનજરૂરિયાતની ચીજો તેમના સુધી પહોંચતી ન હતી અને જે મળતી તે ખૂબ જ મોંઘી બની જતી.
1958માં એક બૌદ્ધ ભિક્ષુએ સોલોમનની હત્યા કરી નાખી અને તેમનાં વિધવા સિરિમાવો ભંડારનાયકેએ પતિની સમાજવાદી યોજનાઓ ચાલુ રાખી. 1965ની ચૂંટણીમાં વિપક્ષે વિજય મેળવ્યો અને ભંડારનાયકેની સરકાર કરતાં વિપરીત નીતિઓ અપનાવી.
1970માં ફરી વખત સિરિમાવો સત્તા પર આવ્યાં, 1972માં તેમણે દેશનું નામ બદલીને શ્રીલંકા કરી નાખ્યું અને બૌદ્ધોને કેન્દ્રમાં રાખ્યા. આથી તામિલોમાં આક્રોશ ફાટી નીકળ્યો.
1976માં એલટીટીઈની સ્થાપના થઈ. એ પછીના વર્ષે તામિલોની બહુમતીવાળા વિસ્તારોમાં તામિલ યુનાઇટેડ લિબ્રેશન ફ્રન્ટે બધી બેઠકો જીતી.
ફરી એક વખત હિંસાનું ચક્ર ફરી વળ્યું અને સેંકડો તામિલોનાં મૃત્યુ થયાં.
હિંસાનો જવાબ હિંસાથી આપવા માટે કેટલાક તામિલ યુવાનો સશસ્ત્ર સંઘર્ષ કરી રહ્યા હતા. આમને વી. પ્રભાકરનનું નેતૃત્વ મળ્યું, જેણે જોત-જોતામાં એક સેના ઊભી કરી દીધી.
સગીરવયથી જ બાળકોને આ ટૂકડીમાં ભરતી કરી દેવામાં આવતાં હતાં. શરૂઆતમાં 'રો'ની મદદથી તેમને હથિયાર, તાલીમ અને નાણાં આપવામાં આવ્યાં. આ નીતિને તત્કાલીન વડાં પ્રધાન ઇંદિરા ગાંધીનું સમર્થન હાંસલ હતું.
1983માં એલટીટીઈના હુમલામાં શ્રીલંકાની સેનાના 13 સૈનિકનાં મૃત્યુ થયાં. ફરી એક વખત તામિલવિરોધી રમખાણો ફાટી નીકળ્યાં. એલટીટીઈએ દ્વારા તેને "ઇલમ માટેના પહેલા યુદ્ધ તરીકે ઓળખવામાં આવે છે."
ભીંદરાનવાલેની ખાલિસ્તાન ચળવળ જો ઇંદિરા ગાંધીની હત્યાનું કારણ બની હતી, તો શ્રીલંકામાં સીધી દખલ રાજીવ ગાંધીના હત્યાનું નિમિત બની હતી.

'તેઓ મને મારી નાખશે'

ઇંદિરા ગાંધીના અંગતસચિવ પીસી ઍલેક્ઝાન્ડરે તેમના પુસ્તક 'માય ડેઝ વિથ ઇંદિરા ગાંધી'માં લખ્યું છે કે વડાં પ્રધાનની હત્યા બાદ ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સિઝ (ઍઇમ્સ)ના પરિસરમાં રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી વચ્ચે બોલાચાલી થઈ હતી.
રાજીવ ગાંધી તેમનાં પત્ની સોનિયાને જણાવી રહ્યાં હતાં, 'પાર્ટી ઇચ્છે છે કે હું વડા પ્રધાન તરીકે શપથ લઉં.' જેના જવાબમાં સોનિયા ગાંધીએ કહ્યું, 'બિલકુલ નહીં. તેઓ તમને પણ મારી નાખશે.'
રાજીવ ગાંધીએ કહ્યું, 'મારી પાસે કોઈ વિકલ્પ નથી. એમ પણ માર્યો જઈશ.'
પોતાનાં કાર્યકાળ દરમિયાન રાજીવ ગાંધી પાસે પૂર્ણ બહુમતી હતી. સહાનુભૂતિની લહેરમાં કૉંગ્રેસે અભૂતપૂર્વ વિજય હાંસલ કર્યો હતો.
1987માં તેમણે શ્રીલંકાના તામિલ બહુમતીવાળા વિસ્તારમાં 'શાંતિસેના' મોકલી. આ સંધિ પર સહી કરવા માટે રાજીવ ગાંધી શ્રીલંકા ગયા હતા, ત્યારે યજમાન દેશની નૌકાદળના એક સૈનિકે 'ગાર્ડ ઑફ ઑનર' દરમિયાન તેમની પર જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ બચી ગયા હતા.
સિંહાલીઓ એ વાતે નારાજ હતા કે ભારત તેમની આંતરિક બાબતમાં દખલ દઈ રહ્યું છે, જ્યારે તામિલો એ વાતે નારાજ હતા કે તેઓ મૂળ ભારતીય હોવા છતાં તેમની સામે લડી રહ્યા છે.
શ્રીલંકામાં શાંતિ સ્થપાય તે માટે શ્રીલંકાની સરકારની સહમતીથી ભારતીય વાયુદળના હેલિકૉપ્ટરમાં બેસાડીને પ્રભાકરનને ભારત લાવવામાં આવ્યા હતા.
વિદેશસેવાના જે અધિકારી પ્રભાકરનને ભારત લાવ્યા હતા, તેઓ આગળ જતા નરેન્દ્ર મોદીની સરકારમાં પ્રધાન પણ બન્યા. આ અધિકારી એટલે નાગરિક ઉડ્ડયન પ્રધાન હરદીપસિંહ પુરી.
પ્રભાકરન સાથેની મુલાકાતમાં રાજીવ ગાંધીએ તેમને બુલેટપ્રૂફ જૅકેટ ભેંટમાં આપ્યું હતું અને કહ્યું હતું, "તમારું ધ્યાન રાખજો."

ઇમેજ સ્રોત, Surender Sangwan
શાંતિસેનામાં ભાગ લેનાર અને બાદમાં મેજર જનરલ તરીકે નિવૃત્ત થનારા શયાન સિંહ કહે છે, "અમારાં હથિયારો કરતાં તામિલ વિદ્રોહીઓના હથિયાર ખૂબ જ આધુનિક હતા. તેઓ આવતાં ત્યારે અમે અમારાં હથિયાર શરમને કારણે છુપાવી દેતા. અમારી વાયરલેસ સિસ્ટમ માંડ 10-15 કિલોમિટરની રેન્જની હતી, જ્યારે તેમની સિસ્ટમ 40-45 કિલોમિટરની રેન્જ ધરાવતી હતી."
શ્રીલંકામાં ભારતીય સેના અને તામિલ ટાઇગર્સ સામે-સામે આવી ગયાં હતાં. ભારતના લગભગ 1200થી વધુ સૈનિકોનાં મૃત્યુ થયાં અને સેંકડો ઘાયલ થયા. બૉફોર્સકૌભાંડમાં ભ્રષ્ટાચારના આરોપોને કારણે રાજીવ ગાંધીનું પુનર્રાગમન ન થઈ શક્યું. રાજકીય અસ્થિરતા અને વીપી સિંહ તથા ચંદ્રશેખરની સરકારો જોઈ.
આ અરસામાં શ્રીલંકા ખાતેથી ભારતની સેનાને પરત બોલાવી લેવામાં આવી અને દેશમાં નવી ચૂંટણીઓ ગાજવા લાગી. રાજીવ ગાંધી ફરીથી સત્તા પર આવશે તો શું થશે એ ચિંતા એલટીટીઈને હતી.
ઇંદિરા ગાંધીની હત્યાનાં સાત વર્ષ બાદ 21મી મે 1991માં રાત્રે 10.21 વાગ્યે તામિલનાડુના શ્રીપેરંબદુર ખાતે તેમના એ શબ્દો સાચા પડ્યા હતા.
એ રાત્રે મંચ શ્રીપેરંબદુર ખાતે રાજીવ ગાંધીની ચૂંટણીસભા પહેલાં મંચ પરથી ગીત વાગી રહ્યું હતું, 'રાજીવ ગાંધી કા જીવન હમારા જીવન હૈ... અગર વો જીવન ઇંદિરા ગાંધી કે બેટે કો સમર્પિત નહીં... તો જીવન કહા કા?'
એ સમયે ચૂંટણીપંચ આટલું કડક ન હતું અને રાત્રે 10 વાગ્યે ચૂંટણીસભા બંધ કરી દેવા જેવી આચારસંહિતા ન હતી એટલે મોડીરાત્રે પણ ચૂંટણીસભાઓ થતી હતી.
ત્રીસ વર્ષીય બેઠી દડીની શ્યામવર્ણી મહિલા હાથમાં ચંદનનો હાર લઈને રાજીવ ગાંધી તરફ આગળ વધી. તેમનાં ચરણસ્પર્શ કરવા જેવી ઝૂકી કે તરત જ કાનને ફાડી નાખે તેવો ધડાકો થયો.
ત્યાંથી થોડે જ દૂર એ સમયે 'ડેક્કન ક્રૉનિકલ' બેંગ્લુરુનાં પત્રકાર નીના ગોપાલ હતાં અને રાજીવ ગાંધીના સહયોગી સુમન દુબે સાથે વાત કરી રહ્યાં હતાં.

'મારી આંખ સામે બ્લાસ્ટ થયો'

ઇમેજ સ્રોત, Getty Images
એ ઘટનાને યાદ કરતાં નીનાએ અગાઉ બીબીસીને જણાવ્યું હતું, "મારી અને સુમનની વાતચીતને બે મિનિટ પણ નહોતી થઈ કે મારી આંખ સામે મોટો વિસ્ફોટ થયો. સામાન્ય રીતે હું સફેદ સાડી નહોતી પહેરતી, પરંતુ એ દિવસે ઉતાવળે મેં સફેદ સાડી પહેરી હતી."
"બૉમ્બ ફાટતા જ મેં મારી સાડીની સામે જોયું તો તે કાળી પડી ગઈ હતી, જેની ઉપર લોહી અને માંસના લોચા ચોંટેલા હતાં. હું બચી ગઈ એ ચમત્કાર જ હતો, મારી આગળના લોકો માર્યા ગયા હતા."
નીના ઉમેરે છે, "બૉમ્બ વિસ્ફોટ પહેલાં પટ-પટ જેવો ફટાકડાનો અવાજ સંભળાયો હતો. ત્યારબાદ જોરાદાર હૂશ અવાજ આવ્યો અને બૉમ્બ ફાટ્યો, જેના કારણે મોટો ધડાકો થયો. જ્યારે મેં આગળ જઈને જોયું તો મેં જોયું કે લોકોનાં કપડાંમાં આગ લાગેલી હતી. લોકો બૂમો પાડતા હતા, ચારેય તરફ નાસભાગ મચી ગઈ હતી. અમને ખબર ન હતી કે રાજીવ ગાંધી હયાત છે કે નહીં."
એ સમે તામિલનાડુ કૉંગ્રેસના ત્રણ દિગ્ગજ નેતા જીકે મૂપનાર, જયંતી નટરાજન તથા રામમૂર્તિ ત્યાં હાજર હતાં. જ્યારે ધૂમાડો ઓછો થયો કે અમે રાજીવ ગાંધીને શોધવાની તજવીજ હાથ ધરી. બાદમાં એ ઘટનાક્રમ અંગે મૂપનારે એક જગ્યાએ લખ્યું:
"વિસ્ફોટ થયો કે અમે દોડાદોડી કરવા લાગ્યા. મારી નજર સામે ક્ષત-વિક્ષત શબ પડ્યા હતા. રાજીવ ગાંધીના સુરક્ષાઅધિકારી પ્રદીપ ગુપ્તા હજુ જીવિત હતા, તેમણે મારી સામે જોયું અને કશુંક બોલ્યાં અને પ્રાણ ત્યજી દીધા."
"જાણે કે તેઓ મૃત્યુ પહેલાં કોઈને રાજીવ ગાંધીની જવાબદારી સોંપી જવા માગતા હતા."
મૂપનારથી થોડે દૂર જયંતી નટરાજન અવાચક ઊભાં હતાં. તેમણે બાદમાં ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું :
"બધા પોલીસવાળા ઘટનાસ્થળેથી નાસી છુટ્યા હતા. હું લાશોને જોઈ રહી હતી, એ આશા સાથે કે ક્યાંય રાજીવ ન દેખાય. મારી પહેલી નજર પ્રદીપ ગુપ્તા પર પડી... તેમના ઘૂંટણ પાસે જમીન તરફ મોં કરેલું એક માથું હતું.... મારા મોંમાંથી સરી પડ્યું... ઓહ માય ગોડ... ધીસ લૂક્સ લાઇક રાજીવ."
થોડી મિનિટ પહેલાં રાજીવ ગાંધી જ્યાં ઊભા હતા, તે તરફ નીના આગળ વધવાં લાગ્યાં. નીના કહે છે: "મારાથી જેટલું આગળ વધી શકાય તેમ હતું, એટલી હું આગળ વધી. મેં તેમના લોટોના જૂતાં જોયાં અને હાથ જોયો, જેની પર ગુચ્ચીની ઘડિયાળ બંધાયેલી હતી."
"હજુ થોડી વાર પહેલાં રાજીવ ગાંધીની કારમાં પાછળ બેસીને હું તેમનો ઇન્ટર્વ્યૂ કરી રહી હતી. રાજીવ ગાંધી આગળની સીટમાં બેઠા હતા અને તેમના કાંડે બંધાયેલી ઘડિયાલ વારંવાર મારી નજર સામે આવી રહી હતી."

'શું તેઓ હયાત છે?'

ઇમેજ સ્રોત, Getty Images
પૂર્વ વડા પ્રધાનના દિલ્હી ખાતેના નિવાસસ્થાન 10 જનપથ ખાતે રાત્રે 10.25 કલાકે શાંતિ પ્રસરેલી હતી. રાજીવ ગાંધીના અંગતસચિવ વિન્સેન્ટ જ્યૉર્જ પોતાના ચાણક્યપુરી ખાતેના નિવાસસ્થાને જવા નીકળી ગયા હતા. સોનિયા તથા પ્રિયંકા ગાંધી ઊંઘવાં જતાં રહ્યાં હતાં.
જ્યૉર્જ ઘરે પહોંચ્યા કે તરત જ સામે છેડેથી પરિચિત વ્યક્તિએ જણાવ્યું કે મદ્રાસ (હાલનું ચેન્નાઈ) ખાતે રાજીવ ગાંધી ખાતે અજૂગતી ઘટના ઘટી ગઈ છે. તેઓ તરત જ 10 જનપથ જવા નીકળી ગયા.
જ્યૉર્જે મદ્રાસ ખાતે પી. ચિદમ્બરમનાં પત્ની નલિની સાથે વાત કરી તો માહિતી મળી કે રાજીવ ગાંધીને ટાર્ગેટ કરીને બૉમ્બવિસ્ફોટ કરવામાં આવ્યો હતો. પરંતુ જ્યૉર્જ આ માહિતી સોનિયા સુધી પહોંચાડવાની હિંમત ન કરી શક્યા. 10.50 કલાકે ફરી એક વખત મદ્રાસ ખાતેથી ફોન આવ્યો.

જ્યારે સોનિયા ગાંધીને રાજીવ ગાંધીના મૃત્યુના સમાચાર મળ્યા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
સોનિયા ગાંધી પર જીવની લખનારા રાશિદ કિદવાઈ લખે છે, "એ ફોન ચેન્નાઈથી આવ્યો હતો. ફોન કરનારી વ્યક્તિ આ વખતે કોઈ પણ સંજોગોમાં મેડમ (સોનિયા ગાંધી) અથવા જ્યૉર્જ સાથે વાત કરવા માગતી હતી. તેણે જણાવ્યું કે તે ગુપ્તચર તંત્રમાંથી બોલી રહી છે."
"આકુળ-વ્યાકૂળ થઈ ગયેલા જ્યૉર્જે સામે વાળી વ્યક્તિને પૂછ્યું, 'રાજીવને કેમ છે?' બીજી તરફ લગભગ પાંચેક સેકંડ સુધી શાંતિ રહી. જ્યૉર્જને લાગ્યું જાણે કે આ સમય ક્યારેય સમાપ્ત જ નહીં થાય. તેમણે ઊંચા અવાજે પૂછ્યું, 'તમે કહેતા કેમ નથી કે રાજીવને કેમ છે?' ફોન કરનારે કહ્યું કે રાજીવ ગાંધી દુનિયામાં નથી રહ્યા. એ પછી લાઇન ડેડ થઈ ગઈ."
જ્યૉર્જ, 'મેડમ, મેડમ'ની બૂમો પાડતા ઘરના અંદરના ભાગમાં ગયા. સોનિયા ગાંધી તત્કાળ તેમનાં નાઇટગાઉનમાં બહાર આવ્યાં. તેમને કંઈક અમંગળ બન્યું હોવાના અણસાર આવી ગયા હતા.
સામાન્ય રીતે શાંત રહેતા જ્યૉર્જે અગાઉ ક્યારેય આવું વર્તન નહોતું કર્યું. જ્યૉર્જે કાંપતા અવાજે કહ્યું, "મેડમ, ચેન્નઈમાં બૉમ્બહુમલો થયો છે."
સોનિયાએ જ્યૉર્જની આંખમાં આંખ નાખીને પૂછ્યું, 'ઇઝ હી અલાઇવ?' (શું તેઓ હયાત છે?) જ્યૉર્જના મૌને સોનિયાને જવાબ આપી દીધો. તેઓ જોર-જોરથી વિલાપ કરવા લાગ્યાં. બહાર ગેસ્ટહાઉસમાં આવેલાં કૉંગ્રેસી નેતાઓ એ વિલાપનો અવાજ સ્પષ્ટપણે સાંભળી શકતા હતા.
સોનિયાને અસ્થમાનો ઍટેક પણ આવ્યો. પ્રિયંકા ગાંધી તેમનાં માતાને સાંત્વના આપી રહ્યાં હતાં અને તેમની દવા શોધી રહ્યાં હતાં, પરંતુ દવા મળી નહોતી રહી. સોનિયા પર કોઈ સાંત્વનાની કોઈ અસર નહોતી થઈ રહી.
ડૉ. ડી. આર. કાર્તિકેયનના નેતૃત્વમાં સીબીઆઈ (સેન્ટ્રલ બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશન)ની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કરવામાં આવ્યું. મહિનાઓની તપાસમાં એલટીટીઈના સાત શખ્સોની ધરપકડ કરવામાં આવી.
મુખ્ય આરોપી શિવરાસન સહિત અનેક આરોપીઓએ ધરપકડથી બચવા માટે સાઇનાઇડ ખાઈને આત્મહત્યા કરી લીધી. એલટીટીઈ ઇચ્છતું હતું કે આ હત્યાકાંડમાં તેનું નામ ન આવે. પરંતુ સમગ્ર ઘટનાક્રમને રેકૉર્ડ કરવા માટે તેમણે હરિબાબુ નામના એક કૅમેરામૅનને રાખ્યો હતો.
જેના કૅમેરામાંથી 10 તસવીર મળી આવી, જેને ડેવલપ કરાવવાની સાથે જ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું. માહિતી મેળવવા માટે સીબીઆઈ દ્વારા અખબારોમાં જાહેરાત આપવામાં આવી અને ટોલ-ફ્રી નંબર પણ જાહેર કરવામાં આવ્યો હતો.
લગભગ ત્રણ મહિનામાં તપાસ પૂર્ણ થઈ ગઈ, પરંતુ ફૉરેન્સિક રિપોર્ટ આવવામાં સમય લાગી ગયો. છતાં મૃત્યુની પહેલી વરસી પહેલાં ચાર્જશિટ દાખલ કરી દેવાઈ.
એ વિસ્ફોટમાં રાજીવ ગાંધી ઉપરાંત 14 અન્ય મૃત્યુ પામ્યા, જ્યારે 40થી વધુ ઘાયલ થયા. એલટીટીઈની હિંસાનો ભોગ બનનાર રાજીવ ગાંધી એકમાત્ર રાજનેતા ન હતા. શ્રીલંકામાં પણ અનેક રાજનેતાએ આ સંગઠનની હિંસાને કારણે જીવ ગુમાવ્યા હતા.

અને પછી...

ઇમેજ સ્રોત, Reuters
1993માં એલટીટીઈના હુમલામાં શ્રીલંકાના રાષ્ટ્રપતિ પ્રેમદાસાનું મૃત્યુ થયું. 1999માં મહિલા નેતા ચંદ્રિકા કુમારતુંગાને ટાર્ગેટ કરીને બૉમ્બવિસ્ફોટ કરવામાં આવ્યો, જેમાં તેમની ડાબી આંખને નુકસાન થયું.
ફેબ્રુઆરી-2002માં નૉર્વેની મધ્યસ્થીથી શ્રીલંકા અને એલટીટીઈની વચ્ચે સંઘર્ષવિરામ થયો. તામિલોએ અલગ દેશની માગ પડતી મૂકી. 2003માં તામિલો શાંતિવાર્તામાંથી ખસી ગયા, પરંતુ સંઘર્ષવિરામ યથાવત્ રહ્યો હતો.
એ વર્ષે ભયાનક પૂર આવ્યું, જેમાં 200થી વધુ લોકો મૃત્યુ પામ્યાં. 2004માં સુનામિને કારણે શ્રીલંકામાં લગભગ 30 હજાર કરતાં વધુ લોકો મૃત્યુ પામ્યા હતા. 2005માં વડા પ્રધાન મહિંદા રાજપક્ષે રાષ્ટ્રપતિ બન્યા. તેઓ ગમે તે ભોગે પ્રભાકરનનો ઉકેલ લાવવા માગતા હતા.
2006માં શ્રીલંકાના સૈન્ય મુખ્યાલય ખાતે આત્મઘાતી હુમલાનો પ્રયાસ થયો. આ હુમલો વિસ્ફોટકોથી ભરેલા વિમાન દ્વારા પ્લાન કરવામાં આવ્યો હતો, પરંતુ તે નિષ્ફળ રહ્યો. તેમાં આઠ સૈનિકોનાં મૃત્યુ થયાં. બાદ એલટીટીઈના ઠેકાણાં ઉપર હવાઈ હુમલા શરૂ કરી દેવામાં આવ્યા.
એ પછી શ્રીલંકા અને એલટીટીઈ વચ્ચે સૌથી ભયાનક લડાઈ ફાટી નીકળી. સેનાને પૂર્વીય વિસ્તારમાં બળવાખોરોને ધકેલી દેવામાં સફળતા મળી. જીનિવા ખાતે શાંતિ માટે બેઠક મળી, પરંતુ તે નિષ્ફળ રહી. 2008માં શ્રીલંકાની સરકાર સંઘર્ષવિરામમાંથી ખસી ગઈ અને આક્રમક રીતે અભિયાન હાથ ધર્યું. આ વખતે તેની સેના શસ્ત્રો તથા તાલીમથી સજ્જ હતી. મે-2009માં પ્રભાકરનનું મૃત્યુ થયું. ઑગસ્ટ મહિનામાં નવનિયુક્ત નેતા પણ ઝડપાય ગયા.
શ્રીલંકાની સેનાએ જ્યારે ઉત્તર અને પૂર્વના વિસ્તારો ઉપર પહેલી વખત પ્રભુત્વ મેળવ્યું, ત્યારે અમુક જગ્યાએ તેમને તામિલ વિદ્રોહીઓના કાયમી અને હંગામી વપરાશમાં લેવાતી હવાઈપટ્ટીઓ મળી આવી હતી.

આધુનિક હથિયારો સાથે સજ્જ તામિલ ઉગ્રપંથીઓ

ઇમેજ સ્રોત, Getty Images
યતીશ યાદવના પુસ્તક 'રો: અ હિસ્ટ્રી ઑફ ઇન્ડિયન કૉવર્ટ ઑપરેશન્સ'માં એક આખું પ્રકરણ (પેજ નંબર 152થી 185) શ્રીલંકાની આંતરિક લડાઈમાં ભારતની ભૂમિકા ઉપર કેન્દ્રિત છે.
તેઓ પુસ્તકમાં લખે છે : શ્રીલંકામાં સશસ્ત્ર લડાઈ શરૂ થઈ, ત્યારે તામિલ લડવૈયાઓને ભારતમાં તાલીમ આપવામાં આવી હતી. જેમાં ભારતની ગુપ્તચર સંસ્થા 'રો'ની પણ ભૂમિકા હતી. જ્યારે મહિંદા રાજપક્ષે શ્રીલંકાના રાષ્ટ્રપતિ હતા, ત્યારથી જ સંસ્થાને અંદાજ આવી ગયો હતો કે લોહિયાળ જંગનો કોઈ વિકલ્પ નથી.
રાજપક્ષે તથા પ્રભાકરન એકબીજાને કાણી આંખે પણ ગમતા ન હતા. પ્રભાકરનના મૃત્યુ બાદ શ્રીલંકાની સેનાએ એલટીટીઈનાં ઠેકાણાં તથા તામિલો ઉપર અત્યાચાર ગુજાર્યા હતા. કેટલાક નિર્દોષોની પણ હત્યા કરવામાં આવી રહી હતી.
બાદમાં સંયુક્ત રાષ્ટ્રોના અહેવાલમાં પણ યુએનની ભૂમિકા પર સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.
તામિલોની સુરક્ષા કરવામાં તથા નિષ્પક્ષ રીતે ચૂંટણીઓ યોજવામાં યુએનના સ્થાનિક અધિકારીઓ નિષ્ફ્ળ રહ્યા હોવાનું નોંધવામાં આવ્યું હતું.
2009ના ગૃહયુદ્ધ દરમિયાન તત્કાલીન કૉંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકાર નિષ્ક્રિય રહી. ઍમ્બેસીમાંથી માહિતી લીક થતી હતી અને ત્યાંના તામિલો ઉપર દમન વધી ગયા હતા.
પુરુષો, મહિલાઓ અને બાળકોની હત્યા, દુષ્કર્મ અને માનવાધિકાર ભંગની અનેક ઘટનાઓ નોંધાઈ હતી.
કથિત રીતે પ્રભાકરનને જીવતા પકડવામાં આવ્યા અને તેમની હત્યા કરી દેવાઈ હતી. તેમના પુત્રની પણ ઠંડા કલેજે હત્યા કરી દેવાઈ હોવાની ચર્ચા હતી.
આ સંજોગોમાં 'રો' શાંત રહી શકે તેમ ન હતું. એટલે પોતાના એજન્ટો તથા તામિલહિતો માટે કામ કરી શકે તેવા લોકોને યુદ્ધગ્રસ્ત વિસ્તારમાંથી ઍમ્બુલન્સમાં તથા માનવીયસેવાના મિશનોની આડમાં બહાર કાઢવામાં આવ્યા અને તેમને અન્યત્ર વસાવવામાં આવ્યા હતા.
હાલ મહિંદા રાજપક્ષેના નાના ભાઈ ગોટાભાયા દેશના રાષ્ટ્રપતિ છે અને તેમની પાર્ટીની સરકાર સત્તા પર છે.
તાજેતરમાં જ એક બંદર તેમણે ચીનને સોંપી દીધું હતું, જેના કારણે હિંદ મહાસાગરમાં ચીનની સ્થિતિ મજબૂત બની છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












