સ્ટૅચ્યૂ ઑફ યુનિટીથી લઈને સ્ટૅચ્યૂ ઑફ ઇક્વાલિટી, શા માટે ભારતની જાજરમાન મૂર્તિઓ ચીનમાં બને છે?

    • લેેખક, રામક્રિશ્ના વરીકુટ્ટી
    • પદ, બીબીસી સંવાદદાતા

તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં રામાનુજાચાર્ચની પ્રતિમા 'સ્ટૅચ્યૂ ઑફ ઇક્વાલિટી'નું લોકાર્પણ કર્યું.

આ મૂર્તિ ચાઇનીઝ કંપની દ્વારા બનાવવામાં આવી છે.

તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં રામાનુજાચાર્ચની પ્રતિમા 'સ્ટૅચ્યૂ ઑફ ઇક્વાલિટી'નું લોકાર્પણ કર્યું

ઇમેજ સ્રોત, FACEBOOK/JEEYARSWAMY

ઇમેજ કૅપ્શન, તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં રામાનુજાચાર્ચની પ્રતિમા 'સ્ટૅચ્યૂ ઑફ ઇક્વાલિટી'નું લોકાર્પણ કર્યું

કંપનીએ સાત ટન પંચધાતુનો ઉપયોગ કરીને આ મૂર્તિ તૈયાર કરી છે.

આ સિવાય વિશ્વની સૌથી ઊંચી મૂર્તિ સ્ટૅચ્યૂ ઑફ યુનિટી બનાવવામાં પણ ચાઇનીઝ કંપની જોડાયેલી હતી.

આ પહેલાં તેલંગાણા સરકારે વર્ષ 2017માં તત્કાલીન નાયબ મુખ્ય મંત્રીના અધ્યક્ષસ્થાને એક કમિટી ચીન મોકલી હતી. જે 125 ફૂટ ઊંચી આંબેડકરની કાંસાની પ્રતિમા બનાવવા માટે ગઠિત કરવામાં આવી હતી. આંધ્રપ્રદેશ સરકારે પણ વિજયવાડામાં આંબેડકરની પ્રતિમા બનાવવા માટે ચીનની કંપનીઓનો સંપર્ક કર્યો હતો.

આના પરથી પ્રશ્ન ઊભો થાય છે કે શા માટે બધા જ મોટી મૂર્તિઓ બનાવવા માટે ચીનની મદદ લે છે? શું આવી વિશાળ પ્રતિમાઓ ભારતમાં બનાવવી શક્ય નથી?

line

શા માટે વિશાળ મૂર્તિઓ બનાવવા ચીનની મદદ?

તજજ્ઞો પ્રમાણે ચાઇનીઝ કંપનીઓ ખૂબ જ વિશાળ અને ઊંચી પ્રતિમાઓ બનાવવા માટે સક્ષમ છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, તજજ્ઞો પ્રમાણે ચાઇનીઝ કંપનીઓ ખૂબ જ વિશાળ અને ઊંચી પ્રતિમાઓ બનાવવા માટે સક્ષમ છે

તજજ્ઞો પ્રમાણે ચાઇનીઝ કંપનીઓ ખૂબ જ વિશાળ અને ઊંચી પ્રતિમાઓ બનાવવા માટે સક્ષમ છે. તેઓ આમ કરવામાં માહેર પણ છે. ઊંચી કાંસ્ય મૂર્તિઓ બનાવવામાં તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ ધરાવે છે.

તેઓ પરંપરાગત કાસ્ટિંગ પદ્ધતિ અને આધુનિક ટેકનૉલૉજીના સમન્વયથી મોટી પ્રતિમા બનાવી રહ્યા છે. મોલ્ડિંગ વડે મોટાં સ્ટૅચ્યૂ બનાવવા થોડા અઘરા હોવાથી મૂર્તિના ચોક્કસ ભાગોના મોલ્ડ તૈયાર કરવામાં આવે છે, જેને એકબીજા સાથે જોડીને મૂર્તિ તૈયાર થતી હોય છે.

ચાઇનીઝ કંપનીઓ આ પ્રકારના મોલ્ડ ઝડપથી તૈયાર કરવામાં અને તેને ત્વરિત પહોંચાડવામાં સક્ષમ છે. તેઓ લાંબા સમયથી આ કામ કરતા આવ્યા છે. ચાઇનીઝ કંપની દ્વારા જ 'સ્પ્રિંગ ટૅમ્પલ બુદ્ધા' નામની મોટી પ્રતિમા તૈયાર કરવામાં આવી હતી. આ મૂર્તિની બનાવટના કારણે જે તમામ લોકો વિશાળ પ્રતિમાઓ તૈયાર કરવા ચીન તરફ વળ્યા છે.

line

ભારતમાં ડિઝાઇન, ચીનની બનાવટ

સ્ટૅચ્યૂ ઑફ ઇક્વાલિટીની ડિઝાઇન ભારતમાં તૈયાર કરવામાં આવી હતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સ્ટૅચ્યૂ ઑફ ઇક્વાલિટીની ડિઝાઇન ભારતમાં તૈયાર કરવામાં આવી હતી

સ્ટૅચ્યૂ ઑફ ઇક્વાલિટીની ડિઝાઇન ભારતમાં તૈયાર કરવામાં આવી હતી. જોકે, 216 ફૂટ ઊંચી આ પ્રતિમાનાં બાંધકામનો કૉન્ટ્રેક્ટ ચાઇનીઝ કંપનીને સોંપવામાં આવ્યો હતો. તેવી જ રીતે સ્ટૅચ્યૂ ઑફ યુનિટીની ડિઝાઇન પ્રખ્યાત સ્કલ્પટર રામ વનજી સુથારે તૈયાર કરી હતી. તેના બાંધકામનો મુખ્ય કૉન્ટ્રેક્ટ એલ ઍન્ડ ટીને સોંપવામાં આવ્યો હતો. જોકે, તેમણે પેટા કૉન્ટ્રેક્ટ ચાઇનીઝ કંપનીને આપ્યો હતો. ચાઇનીઝ કંપનીઓને કૉન્ટ્રેક્ટ આપવાનું કારણ એ હતું કે, તેઓ સરળતાથી મોટી મૂર્તિઓ માટે મોટાપાયે કાસ્ટિંગનું કામ કરી શકે છે.

જોકે, ભારત તરફથી મળેલા કૉન્ટ્રાક્ટ પર કામ કરવા તેમને ભારતીય લોકોની મદદની જરૂર પડે તેમ છે. આ માટે કૉન્ટ્રેક્ટ આપનાર ભારતીય કંપનીઓ આર્કિટૅક્ટને ચીન મોકલે છે. ચાઇનીઝ કંપનીઓ તેમની સાથે મળીને મૂર્તિના ભાગો બનાવે છે, તેને પાછા મોકલે છે અને આ આર્કિટૅક્ટોની મદદથી મૂર્તિને ઊભી કરે છે.

તાજેતરમાં લોકાર્પણ કરાયેલી રામાનુજાચાર્યની મૂર્તિમાં પણ આ જ પ્રકારે કામ થયું હતું.

line

શું ભારતમાં ઊંચી મૂર્તિઓ બનાવવી શક્ય નથી?

મેક ઇન ઇન્ડિયાની હાકલ છતાં કેમ ચીનમાં મોટાં સ્ટેચ્યૂનાં નિર્માણકાર્ય સોંપવામાં આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મેક ઇન ઇન્ડિયાની હાકલ છતાં કેમ ચીનમાં મોટાં સ્ટેચ્યૂનાં નિર્માણકાર્ય સોંપવામાં આવે છે?

ધાતુમાંથી મૂર્તિ બનાવવાની પરંપરા ભારતમાં લાંબા સમયથી છે. ભારતમાંથી પૌરાણિક કાળની કાંસાની મૂર્તિઓ પણ મળી આવી છે. હાલમાં પણ ભારતમાં દેવી-દેવતાઓની કાંસાની મૂર્તિઓ મોટાપાયે બને છે અને તેનું વેચાણ થાય છે અને નિકાસ પણ થાય છે.

જોકે, આ મૂર્તિઓ પ્રમાણમાં નાની હોય છે અને તેનો ઉપયોગ ઘરમાં રાખીને પૂજા કરવામાં જ થાય છે. ધાતુમાંથી સેંકડો ફૂટ ઊંચી મૂર્તિઓ બનાવવા માટે કેટલીક માળખાગત સુવિધાઓ અને અદ્યતન ટૅક્નોલોજીની જરૂર પડે છે.

રાજેશ વૉડેયર નામનાં એક સ્કલ્પટર કહે છે કે, "ભારતમાં આ પ્રકારની મૂર્તિઓ બનાવવા માટેની માળખાગત સુવિધાઓનો અભાવ છે. જો સરકાર જરૂરી સંસાધનો અને યોગ્ય પ્રોત્સાહન આપે તો ભારતમાં પણ આ પ્રકારની મૂર્તિઓ બની શકે છે."

તેઓ આગળ સમજાવતા કહે છે કે, જે લોકો આ પ્રકારની મૂર્તિઓનો ઑર્ડર આપે છે, તે વિચારે છે કે શું આ ભારતીય મૂર્તિકારો કરોડો રૂપિયાનું કામ સંભાળી શકશે? આ જ કારણથી કામ પણ મળતા નથી.

line

કઈ રીતે ઊંચી મૂર્તિઓ બનાવવામાં આવે છે?

મોટી મૂર્તિઓના નિર્માણ માટે ચીનની કંપનીઓને માહેર માનવામાં આવે છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, મોટી મૂર્તિઓના નિર્માણ માટે ચીનની કંપનીઓને માહેર માનવામાં આવે છે

એકસાથે ધાતુમાંથી આખી મૂર્તિ બનાવવી એ અશક્ય છે. જેથી સ્ટૅચ્યૂના વિવિધ ભાગોને અલગઅલગ તૈયાર કરીને સ્ટૅચ્યૂ સ્થાપિત કરવાની જગ્યા સુધી લાવવામાં આવે છે. જ્યાં તેમને જોડવામાં આવે છે.

મૂર્તિના વિવિધ ભાગો પણ ખૂબ મોટા હોય છે. સ્ટૅચ્યૂની ડિઝાઇન તૈયાર થયા પછી એક મૉડલ સ્ટૅચ્યૂ ઇમેજ તૈયાર કરવામાં આવે છે. આ ઇમેજ મૉડલનું થ્રીડી સ્કૅનિંગ હોય છે. જેમાં નાનાથી નાના ફેરફારો પણ કરી શકાય છે. કમ્પ્યૂટર ડિઝાઇનથી તૈયાર કરાયેલ આ ઇમેજ દ્વારા મૂર્તિની ઊંચાઈ પ્રમાણે તમામ ભાગોની ઊંચાઈ, લંબાઈ સહિતનું માપ તૈયાર કરવામાં આવે છે.

આ ડિઝાઇન તૈયાર થયા બાદ તમામ ભાગોનું એક પછી એક મોલ્ડિંગ કરવામાં આવે છે અને તૈયાર થયેલા મોલ્ડને જે જગ્યાએ મૂર્તિ સ્થાપિત કરવાની હોય, ત્યાં મોકલવામાં આવે છે. તે સ્થળ પર તમામ મોલ્ડને તેની ચોક્કસ જગ્યાઓ પરથી જોડવામાં આવે છે અને ત્યાર બાદ પૉલિશ કરવામાં આવે છે. આ રીતે મૂર્તિનું બાંધકામ પૂર્ણ થાય છે.

મૂર્તિની કિંમત તેની ઊંચાઈ, ધાતુ અને બનાવટના સ્થળથી સ્થાપનાના સ્થળ સુધીના અંતરથી નિર્ધારિત છે. હૈદરાબાદમાં તૈયાર કરાયેલું રામાનુજાચાર્યના સ્ટૅચ્યૂની કિંમત 130 કરોડ રુપિયા છે.

ફૂટર
line
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો