સ્ટેચ્યૂ ઑફ યુનિટી : 5.25 કરોડ રૂપિયાનું કૌભાંડ કેવી રીતે આચરવામાં આવ્યું?

સ્ટેચ્યૂ ઑફ યુનિટી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, સ્ટેચ્યૂ ઑફ યુનિટી

નર્મદા જિલ્લા પોલીસે સ્ટેચ્યૂ ઑફ યુનિટી પર રોજિંદું કૅશ કલેક્શન કરતી કંપની રાઇટર બિઝનેસ સર્વિસીઝ પ્રાઇવેટ લિમિટેડના કર્મચારીઓની વિરુદ્ધ સ્ટેચ્યૂ ઑફ યુનિટી અને તેને સંલગ્ન અન્ય પ્રોજેક્ટ્સમાંથી લગભગ 5.25 કરોડ રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધી છે.

આ કંપનીના કર્મચારીઓ પર નવેમ્બર 2018થી માર્ચ 2020 સુધીમાં કથિત રૂપે 5.25 કરોડ રૂપિયા ચોરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

કેવડિયા પોલીસ સ્ટેશનમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટીના નાણાકીય લેવડદેવડમાં ગરબડની તપાસ શરૂ કરાઈ છે.

પોલીસ ફરિયાદમાં કહેવાયું છે કે સ્ટેચ્યૂ ઑફ યુનિટી માટે વડોદરા સ્થિત એચડીએફસી બૅન્કના અધિકારીઓ તરફથી રોજિંદા કૅશ કલેક્શન માટે એક એજન્સી નક્કી કરાઈ હતી. રોજિંદા પાર્કિંગ અને ઑફલાઇન ટિકિટ વેચાણથી થતી આવકના પૈસા બૅન્ક સુધી પહોંચાડવા માટે આ એજન્સીની પસંદગી કરવામાં આવી હતી.

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ મુજબ રાઇટર બિઝનેસ સર્વિસિઝ પ્રાઇવેટ લિમિટેડ 2003થી એચડીએફસી બૅન્ક માટે કામ કરી રહી છે, તેને બૅન્કના ગ્રાહકો પાસેથી રોજિંદી રોકડ રકમ કલેક્ટ કરીને બૅન્કમાં તેમના ખાતામાં જમા કરાવવાની જવાબદારી આપવામાં આવી છે.

એચડીએફસી દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદમા કહેવાયું છે કે રાઇટર બિઝનેસ સર્વિસીઝ પ્રાઇવેટ લિમિટેડના કર્મચારીઓ 2018થી સ્ટેચ્યૂ ઑફ યુનિટીના પાર્કિંગ અને ઑફલાઇન ટિકિટ કાઉન્ટર્સ પર દરરોજ ભેગી થનાર રકમને કલેક્ટ કરીને બૅન્ક અકાઉન્ટમાં જમા કરાવવા માટે લઈ જતા હતા પરંતુ એ આખી રકમ બૅન્ક અકાઉન્ટમાં જમા કરાવતા નહોતા.

કોરોના મહામારી દરમિયાન હાલમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટીના અધિકારીઓએ ઑડિટ કરાવ્યું ત્યારે 2018થી 2020 વચ્ચેના હિસાબમાં ગરબડની ખબર પડી હતી. આ હિસાબમાં પાર્કિંગ અને ઑફલાઇન ટિકિટ કાઉન્ટર પર ભેગી થયેલી રકમ અને બૅન્કમાં જમા કરેલી રકમમાં તફાવત જણાયો હતો.

કેવડિયાનાં ડીવાઇએસપી વાણી દુધાતે કહ્યું કે મંગળવારે રાત્રે એચડીએફસી બૅન્કના એક અધિકારીએ કેવડિયા કોલોની ખાતે તેમના ગ્રાહકના અકાઉન્ટમાં આવક પ્રમાણે રકમ ડિપૉઝિટ નહીં થઈ હોવાની ફરિયાદ લખાવી છે. ફરિયાદમાં જણાવવામાં આવેલી રકમ છે 5 કરોડ 24 લાખ 77 હજાર 375 રૂપિયા જેટલી છે.

તેમણે આગળ કહ્યું કે એચડીએફસીએ સ્ટેચ્યૂ ઑફ યુનિટીને ડોર-સ્ટેપ બૅન્કિંગ સર્વિસ આપી હતી. જેમાં ગ્રાહક એચડીએફસી દ્વારા અધિકૃત કલેક્શન એજન્ટને દિવસભરનું આખું કૅશ કલેક્શન હૅન્ડઓવર કરતો હોય છે અને પછી એ એજન્ટે યોગ્ય સુરક્ષા હેઠળ એ રકમ એચડીએફસી બૅન્કના અકાઉન્ટમાં ડિપૉઝિટ કરવાની હોય છે. પરંતુ ગ્રાહકે જે રકમ એજન્ટને આપી એમાંથી અમુક ભાગ ગ્રાહકના ખાતામાં જમા નથી કરવામાં આવ્યો. આ અંગે તપાસ ચાલુ કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું, "ગ્રાહક દ્વારા અધિકૃત ટિકિટિંગ એજન્સીના કર્મચારીઓ તમામ જગ્યાએથી કૅશ કલેક્ટ કરતા હતા અને કૅશ કલેક્શન એજન્સીને યોગ્ય કાગળો સાથે સોંપી દેતા હતા."

ફરિયાદમાં આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 406, 407, 408, 409, 418, 420 અને 210 (બી) મુજબ ગુનો નોધાયો છે.

બૅન્ક અધિકારીઓ આરોપ લગાવ્યો છે કે કૅશ કલેક્શન એજન્સીના કર્માચારીઓએ બૅન્કને ગ્રાહક પાસેથી કલેક્ટ કરવામાં આવેલી રકમ વિશે અંધારા રાખી હતી.

line

બૅન્કે નુકસાનની રકમ ચૂકવી

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

એચડીએફસી બૅન્ક અધિકારી મુજબ છેતરપિંડીના આ મામલામાં સ્ટેચ્યૂ ઑફ યુનિટીના ખાતાને કોઈ નુકસાન નહીં વેઠવું પડે. પોલીસ ફરિયાદ મુજબ બૅન્કે બાંહેધરી આપી છે કે પાંચ કરોડ 24 લાખ 77 હજાર 375 રૂપિયાની રકમની ભરપાઈ કરવામાં આવશે અને બૅન્કને આટલી રકમનું નુકસાન ભોગવવું પડશે.

સ્ટેચ્યૂ ઑફ યુનિટીના એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું કે "આ બાબત બૅન્ક અને તેની ડોર સ્ટેપ બૅન્કિંગ એજન્સી વચ્ચેની બાબત છે. સ્ટેચ્યૂ ઑફ યુનિટીને આ સુવિધા બૅન્ક તરફથી આપવામાં આવી હતી અને પૈસાની ઉચાપતની બાબત અમારી આંતરિક ઑડિટમાં ઉજાગર થઈ હતી."

તેમણે કહ્યું કે બૅન્ક તરફથી સ્ટેચ્યૂ ઑફ યુનિટીને નુકસાનની ભરપાઈ વ્યાજ સહિત કરી આપવામાં આવી છે. સ્ટેચ્યૂ ઑફ યુનિટીએ આ અંગે કોઈ નુકસાની ભોગવવી પડી નથી.

સ્ટેચ્યૂ ઑફ યુનિટીના મુખ્ય પ્રબંધક નીલેશ દુબેએ એક નિવેદનમાં કહ્યું છે કે, સ્ટેચ્યૂ ઑફ યુનિટીમાં ઑનલાઇન ટિકિટને પ્રોત્સાહન આપવામાં આવે છે પરંતુ ઑફલાઇન ટિકિટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. પાર્કિંગ અને ઑફલાઇન ટિકિટના વેચાણમાં જે રૂપિયા ભેગા થતા હતા તેના જમા કરાવવા માટે બૅન્કે આ સુવિધા આપી હતી. હાલ રોકડ રકમની ઉચાપતની જે બાબત સામે આવી છે તેની પૂર્ણ જવાબદારી એચડીએફસી બૅન્કની છે. સ્ટેચ્યૂ ઑફ યુનિટીને આ બાબતે કોઈ લેવાદેવા નથી.

આ નિવેદનમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે સ્ટેચ્યૂ ઑફ યુનિટીના ઑફલાઇન ટિકિટ વેચાણ અને પાર્કિંગની આવકમાં ચાર કરોડ રૂપિયાની ઉચાપતના મીડિયામાં આવેલા અહેવાલો ખોટાં છે. સ્ટેચ્યૂ ઑફ યુનિટી પાસે ટિકિટ વેચાણ અને પાર્કિંગથી થતી આવકની રકમ બૅન્કના પ્રતિનિધિને સોંપાઈ હોવાની પાવતીઓ છે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો