પાકિસ્તાન અફઘાન નાગરિકોને દેશમાંથી બહાર કેમ કાઢી રહ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અઝીઝુલ્લાહ ખાન
- પદ, બીબીસી સંવાદદાતા
"અચાનક ભય ખૂબ વધી ગયો છે. મને ભવિષ્યનો ડર તો છે જ, સાથે મને મારા શિક્ષણની પણ ચિંતા છે કારણ કે જો હું પાછી અફઘાનિસ્તાન જતી રહી તો હું ભણી નહીં શકું."
અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યા પછી પાકિસ્તાનમાં શરણ લેનારા સાદિયા (નામ બદલેલું છે) આ સમયે તણાવમાં છે.
જ્યારથી પાકિસ્તાન સરકારે એ જાહેરાત કરી છે કે પાકિસ્તાનમાં રહેનારા એ અફઘાન નાગરિકોને તેમના દેશ પરત મોકલી દેવાશે જેમની પાસે પાકિસ્તાનમાં રહેવા માટે દસ્તાવેજો નથી. ત્યારથી સાદિયા સહિત કેટલાય અફઘાન નાગરિકો ભયમાં જીવી રહ્યા છે.
સાદિયા કહે છે, "રાતની ઊંઘ ઊડી ગઈ છે અને એક ભય મને ઘેરી વળે છે. મારા અને મારા પરિવારના લોકોના વિઝાની મુદત પૂરી થઈ રહી છે. ખબર નથી કે વિઝા ઍક્સટેન્સન મળશે કે નહીં અને એ વિચારથી જ ડર લાગે છે કે પહેલી નવેમ્બર પછી અમારી સાથે શું થશે."
પાકિસ્તાનમાં રહેતા અફઘાન નાગરિકો આ સમયમાં એક અનિશ્ચિતતાની સ્થિતિમાં જીવી રહ્યા છે અને તેમને ખબર નથી કે સરકાર પહેલી નવેમ્બર પછી તેમની સાથે કેવો વ્યવહાર કરશે.
પાકિસ્તાન સરકારે ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી નાગરિકોને 31 ઑક્ટોબર સુધીમાં દેશ છોડી દેવાની સૂચના આપી હતી. પહેલી નવેમ્બરથી તેમને દેશમાંથી બહાર ધકેલી દેવા દેશવ્યાપી ઑપરેશનની ચેતવણી આપી છે.
પાકિસ્તાને અફઘાન નાગરિકોને પાછા મોકલવાનો નિર્ણય કેમ કર્યો?

પ્રભારી કેન્દ્રીય ગૃહમંત્રી સરફરાઝ બુગતી અનુસાર પાકિસ્તાનમાં આશરે 17 લાખ અફઘાન નાગરિકો ગેરકાયદેસર રીતે રહે છે અને તેમની પાસે પાકિસ્તાનમાં રહેવાના દસ્તાવેજો પણ નથી.
સંયુક્ત રાષ્ટ્રસંઘની શરણાર્થીઓ કામ કરતી સંસ્થા અનુસાર પાકિસ્તાનમાં અલગ અલગ સંસ્થાઓમાં નોંધણી કરાવેલા હોય તેવા અફઘાન નાગરિકોની સંખ્યા 31 લાખ સુધીની છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પાકિસ્તાનમાં હિંસાની ઘટનાઓ અને અપરાધ દરમાં વૃદ્ધિ, ડૉલરની દાણચોરી અને અન્ય ઘટનાઓમાં કથિત રીતે કેટલાક અફઘાન નાગરિકો સામેલ હોવાની સૂચના મળી હતી.
જોકે પાકિસ્તાનની સરકારે આ બાબતે કોઈ પુરાવાઓ લોકો માટે રજૂ નથી કર્યા પણ કેન્દ્ર અને રાજ્ય સ્તરે ઍક્શન કમિટીની બેઠકોમાં અફઘાન નાગરિકોને પાછા મોકલવા બાબતે કેટલાય નિર્ણયો કરવામાં આવ્યા હતા.
તેમાં એક નિર્ણય એ હતો કે પાકિસ્તાનમાં ગેરકાયદેસર રીતે રહેતા અફઘાન નાગરિકોને પાકિસ્તાનમાંથી તેમના દેશ પાછા મોકલાશે અને આ માટે ઑક્ટોબરની 31મી તારીખ નક્કી કરાઈ હતી. આ પછી આવા અફઘાન નાગરિકો સામે ફૉરેન ઍક્ટ હેઠળ કાર્યવાહી કરાશે.
આ માટે પાકિસ્તાનની સરકારે પહેલી નવેમ્બર 2023થી ગેરકાયદેસર રીતે પાકિસ્તાનમાં રહેતા અફઘાન શરણાર્થીઓ સામે કાર્યવાહીની જાહેરાત કરી હતી અને આ કાર્યવાહી ફૉરેન ઍક્ટ 1946ના સેક્શન ત્રણ હેઠળ કરાશે.
અફઘાનિસ્તાનની સરકારનું વલણ

ઇમેજ સ્રોત, Getty Images
અફઘાનિસ્તાનમાં પ્રભારી સરકારના પ્રવક્તા ઝબિઉલ્લાહ મુજાહિદે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટમાં કહ્યું હતું કે અફઘાન શરણાર્થીઓને પાકિસ્તાનનાંથી હાંકી કાઢવાનો નિર્ણય સ્વીકાર્ય નથી.
તેમનું કહેવું હતું કે પાકિસ્તાનનું આ વલણ પણ યોગ્ય નથી કે પાકિસ્તાનમાં રહેતા અફઘાન નાગરિકો ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ છે. તેમણે કહ્યું કે અફઘાન નાગરિકોની પરત ફરવાની પ્રક્રિયા તેમની ઇચ્છા પર આધારિત હોવી જોઈએ.
અફઘાનિસ્તાનની પ્રભારી સરકારના કતારમાં રાજકીય કાર્યાલયના ઇન્ચાર્જ સુહૈલ શાહીને બીબીસીને કહ્યું કે અફઘાન સરકાર દેશ પાછા આવનારા નાગરિકોનું દેશમાં સ્વાગત કરશે.
તેમણે કહ્યું,"સંબંધિત અધિકારીઓએ આ વિષયમાં કમિટી બનાવી દીધી છે જેથી પાછા આવનારા અફઘાન નાગરિકોને વસવાટ કરવામાં મદદ કરી શકાય અને તેમની જરૂરિયાતોનું ધ્યાન રાખવામાં આવશે."
“મને મારા પરિવાર સાથે મારા શિક્ષણની પણ ચિંતા”

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પેશાવરના એક એવા વિસ્તાર જેમાં મોટા ભાગે અફઘાન પરિવારો રહે છે ત્યાં સાંકડી શેરીઓમાં થઈને અને એક મકાન બહાર પહોંચ્યા.
અહીં છ લોકોનો એક અફઘાન પરિવાર રહે છે જે એક વર્ષના વિઝા પર પાકિસ્તાન આવ્યો હતો.
સાદિયા (નામ બદલેલું છે) મોટ દીકરી છે જે એક સ્થાનિક કૉલેજમાં અભ્યાસ કરી રહી છે. તેમણે બીબીસીને કહ્યું કે કે તેમના માટે પાકિસ્તાનમાં રહેવાની એક મોટું કારણ એ છે કે તેઓ અહીં શિક્ષણ મેળવી શકે છે.
તેઓ જણાવે છે, "મારાં લગ્ન અફઘાનિસ્તાનમાં થયા છે પણ હું ત્યાં ખુશ નહોતી એટલે માતા-પિતાના ઘરે પાછી આવી ગઈ."
"અફઘાનિસ્તાનમાં તાલિબાનના આવ્યા પછી અમે અમારા ઘરો સુધી સીમિત થઈ ગયા હતા. રોજીંદી જીવનજરૂરી વસ્તુઓ લેવા પણ ઘર બહાર ના નીકળી શકીએ. નાછૂટકાની સ્થિતિમાં ભાઈ કે પિતા સાથે બહાર નીકળી શકતા હતા."
તેઓ કહે છે, "અમારી શાળા બંધ થઈ ગઈ હતી. છોકરીઓના શિક્ષણ પર પ્રતિબંધ લાદી દેવાયો. કાબુલમાં તેની વિરુદ્ધ પ્રદર્શન થયાં પણ કોઈ ફાયદો ન થયો. બસ છોકરીઓને શિક્ષણ મેળવવાની છૂટ નહોતી અપાઈ."
સાદિયાએ કહ્યું, "અમારી સ્થિતિ દરેક પસાર થતાં દિવસ સાથે બદતર થતી જતી હતી. સમજાતું નહોતું કે શું કરીએ. બહુ પ્રયત્ન કર્યા કે કોઈ રીતે અફઘાનિસ્તાનમાં સ્થિતિ સુધરે અને કોઈ પણ રીતે દેશ છોડીને બહાર રહેવા ન જવું પડે પણ આવું કંઈ થતું દેખાતું નહોતું."
પછી તેમના ભાઈ અને પિતાએ પાકિસ્તાન જવા માટે પ્રયત્ન શરૂ કર્યા અને તેમનો પરિવાર પાકિસ્તાન આવી ગયો.
આ પરિવાર પહેલા ઇસ્લામાબાદ પહોંચ્યો અને પછી પેશાવરમાં રહેવા લાગ્યો હતો. "અહીં અમને કોઈ ઓળખતું નથી. શરૂઆતમાં તકલીફ પડી હતી પણ લગાતાર પ્રયાસથી સ્થિતિ થોડી સુધરી હતી."
"જીવનની ગાડી ચાલી નીકળી હતી. મારું શિક્ષણ શરૂ થયું હતું. ભાઈ પણ વેપાર શરૂ કરવાની તૈયારી કરી રહ્યો હતો એવામાં પાકિસ્તાન સરકારે જાહેરાત કરી કે ગેરકાયદેસર રીતે રહેતા વિદેશીઓને પહેલી નવેમ્બરે પાછા મોકલી દેવાશે."
તેઓ જણાવે છે, "એ દિવસ છે અને આજનો દિવસ છે. હું માનસિક તાણનો શિકાર છું અને સતત એ જ વિચારોમાં ખોવાયેલી રહું છું કે હવે શું થશે? શું અમને અફઘાનિસ્તાન પાછા મોકલી દેવાશે જ્યાં અમારે જોખમોનો સામનો કરવો પડશે? અને બીજી એક વાત એ કે મારું શિક્ષણ છૂટી જશે."
તેઓ કહે છે, "હવે ઘરના લોકો પરેશાન છે કે શું કરવામાં આવે. અમે અન્ય કોઈ દેશમાં નથી જઈ શકતા. અફઘાનિસ્તાન પાછા જવામાં જોખમ છે અને પાકિસ્તાનમાં હવે સરકાર અમને રહેવા દેશે નહીં."
ઘર ઘરની કહાણી

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનમાં ગેરકાયદેસર રીતે રહેતા વિદેશી લોકો હાલના સમયમાં અસમંજસમાં છે કે હવે તેઓ શું કરે. સરકાર તરફથી આ કાર્યવાહી વિદેશીઓ વિશે કહેવાઈ રહી છે પણ હકીકતમાં આ કાર્યવાહી ગેરકાયદેસર રીતે પાકિસ્તાનમાં રહેતા અફઘાન નાગરિકો સામે હોવાનું સ્પષ્ટ દેખાય છે.
જોકે અફઘાનિસ્તાનમાં તાલિબાન સત્તામાં આવ્યું તે પહેલા પણ પાકિસ્તાનમાં મોટી સંખ્યામાં એવા અફઘાન શરણાર્થી હતા જેમની પાસે પ્રવાસના કે પાકિસ્તાનમાં રહેવાના જરૂરી દસ્તાવેજો નહોતા.
હાલ એવા અફઘાન નાગરિકો જેમની પાસે પાકિસ્તાનમાં રહેવાના જરૂરી દસ્તાવેજો નથી તેમના માટે સ્થિતિ મુશ્કેલ છે. સજ્જાદ (નામ બદલેલું છે) પણ આવી જ મુશ્કેલીઓનો શિકાર બનેલા છે.
2017માં જ્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘની શરણાર્થીઓની સંસ્થા તરફથી એક ઝૂંબેશ શરૂ થઈ જેમાં પોતાની મરજીથી પાછા જનારા શરણાર્થીઓને સહાયતા અપાઈ રહી હતી તો તેઓ પાછા જતા રહ્યા હતા.
તેમનું કહેવું હતું કે તેઓ એ વિચારીને ગયા હતા કે હવે અફઘાનિસ્તાનમાં શાંતિ રહેશે અને રાષ્ટ્રપતિ અશરફ ગનીની સરકાર પાછા આવનારા અફઘાન નાગરિકોને સુવિધાઓ પણ આપી રહી છે તો તેઓ અફઘાનિસ્તાન પાછા જતા રહ્યા હતા.
તેમણે જણાવ્યું કે આના માટે તેમના પાકિસ્તાનમાં રહેવાના દસ્તાવેજ ખતમ કરી દેવાયા હતા. એટલે કે તેમનું પ્રૂફ ઑફ રજીસ્ટ્રેશન કાર્ડ કૅન્સલ કરી દેવાયું હતું.
તેઓ કહે છે, "શરૂઆતમાં હું મારાં બાળકોને સાથે લઈને નહોતો ગયો. તેઓ પાકિસ્તાનમાં હતા. અફઘાનિસ્તાન પહોંચીને ખબર પડી કે ત્યાં વેપાર નહોતો અને ના કોઈ કામ હતું ને સ્થિતિ પણ ખૂબ ખરાબ હતી."
"મને અહેસાસ થયો કે આ તો મોટી ભૂલ થઈ ગઈ છે. હવે પાકિસ્તાન પાછો કેવી રીતે જઉં? આ પણ એક મુશ્કેલી હતી."
સજ્જાદે કહ્યું કે તેઓ મહા મુસીબતે પાકિસ્તાન પાછા પહોંચ્યા અને અહીં આવી સંયુક્ત રાષ્ટ્રસંઘની શરણાર્થીઓની સંસ્થામાં બીજી વાર અરજી કરી. જે પછી તેમને બધી માહિતીની નોંધણી કરી એક ટોકન નંબર અપાયો હતો.
"હવે મારી પાસે એ ટોકન છે પણ કોઈ કાર્ડ નથી તો મારાં બાળકો પાસે અહીં રહેવાનું કાર્ડ છે."
સજ્જાદ અત્યારે એ અસમંજસમાં છે કે તેમની સાથે શું થશે. એટલે તેઓ ઘર અને ઘરેથી કામના સ્થળ સુધીનો જ પ્રવાસ કરે છે. તો સોદો લાવવાના અને અન્ય કામો માટે બાળકોને બહાર મોકલે છે.
માત્ર સજ્જાદ જ નહીં તેમના કામના સ્થળે તેમના સિવાયના પણ અન્ય અફઘાન નાગરિકો કામ કરે છે જેમની પાસે પાકિસ્તાનમાં રહેવાના દસ્તાવેજ નથી.
અબ્દુસ્સલામ (નામ બદલેલું છે) એક યુવા અફઘાન છે. જેઓ ઘરે ઘરે જઈ ભંગારનો સામાન વેચે છે.
અબ્દુસ્સલામે જણાવ્યું કે તેમની પાસે પીઓઆર કાર્ડ છે. તેમનો જન્મ પાકિસ્તાનમાં થયો છે. તેમના પિતા નાની ઉંમરે જ પાકિસ્તાનમાં આવી ગયા હતા અને તેમણે અહીં જ લગ્ન કર્યાં હતાં.
તેઓ કહે છે કે હવે આ વિસ્તારમાં ડર છે કે શું જેમની પાસે કાર્ડ છે એમને પણ અફઘાનિસ્તાન પાછા મોકલી દેવાશે?
તેમણે કહ્યું કે તેમને કહેવાયું છે કે જેમની પાસે પાકિસ્તાનમાં રહેવાના કાર્ડ છે તેમને શરૂઆતના તબક્કે તો પાછા મોકલવામાં નહીં આવે પણ પછી તેમના વિશે પણ કોઈને કોઈ નિર્ણય લેવામાં આવશે.
આ કારણે તેઓ બધા જ પરેશાન છે. જો તેમની સામે કાર્યવાહી થશે તો તેઓ શું કરશે? તેઓ તો અફઘાનિસ્તાનમાં પણ કોઈને ઓળખતા નથી.
અફઘાન કલાકારોનું શું થશે?

ઇમેજ સ્રોત, Getty Images
અફઘાનિસ્તાનમાં બે વર્ષ પહેલાં તાલિબાને પોતાની સરકાર બનાવી ત્યારે તે સમયે અફઘાનિસ્તાન છોડીને નીકળી જનારા લોકોમાં વૈચારિક વિરોધી અથવા અગાઉની સરકાર સાથે અને વિદેશીઓ સાથે કામ કરનારાઓ સાથે-સાથે મોટી સંખ્યામાં સંગીત સાથે જોડાયેલા લોકો પણ અફઘાનિસ્તાન છોડીને નીકળી ગયા હતા.
તેમાંથી મોટાભાગના લોકો પાકિસ્તાન પહોંચ્યા હતા. આ કલાકારો અનુસાર માત્ર પેશાવર અને તેની આસપાસમાં આશરે 800 અફઘાન કલાકારો રહે છે જેમાં મોટાભાગના પાસે પાકિસ્તાનમાં રહેવાના દસ્તાવેજ નથી.
સોહેલ (નામ બદલ્યું છે) એક અફઘાન ગાયક છે જે ફારસી અને પશ્તોમાં ગીતો ગાય છે. તેમના ભાઈ પણ નામચીન કલાકાર છે.
તેઓ અફઘાનિસ્તાનમાં બે વર્ષ પહેલાં તાલિબાન સરકાર બન્યા પછી પાકિસ્તાન પહોંચી ગયા હતા.
કાબુલથી ઇસ્લામાબાદ સુધી તેમની યાત્રા કોઈ ઍડવેન્ચરથી કમ ન હતી. આ એ સમય હતો જ્યારે કાબુલના મહેલમાં તાલિબાન આવી ગયા હતા અને બધી બાજુથી ડરનો માહોલ હતો. લોકો ભાગી રહ્યા હતા. જે જહાજો પર વિદેશીઓ સવાર હતા તેમની સાથે સ્થાનિકો પણ દોડ લગાવી રહ્યા હતા.
સોહેલ ઘરના લોકો સાથે મુશ્કેલીથી ઇસ્લામાબાદ પહોંચ્યા હતા. હાલ તેમની પાસે પણ શરણાર્થીઓ માટે કામ કરતી સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થાનો પરવાનો છે પણ હજુ સુધી તેમને બધા દસ્તાવેજ કે કાર્ડ નથી અપાયા.
સોહેલે બીબીસીને જણાવ્યું કે હાલ એક અવિશ્વાસનો માહોલ છે. તેઓ કહે છે, "અમે કલાકાર તો એવું વિચારીએ છીએ કે અફઘાનિસ્તાનમાં હાલની સ્થિતિમાં તો અમારી માટે કોઈ સ્થાન નથી કારણ કે અમે સંગીત સાથે જોડાયેલા લોકો છીએ અને અફઘાનિસ્તાનમાં તાલિબાન સંગીતની પરવાનગી ના આપે તો આ સ્થિતિમાં અમે ત્યાં જઈ કરીએ શું? અમને તો બીજું કંઈ કામ પણ નથી આવડતું."
તેઓ કહે છે, "અમે અહીં અમારા ઘરથી વધારે દૂર જતા નથી. બસ રોજીંદી જરૂરિયાતનો સામાન નજીકમાંથી જ લઈ આવીએ છીએ. આવી રીતે જીવન ચલાવીએ છીએ."
"જોકે હાલ સુધી તો અમને પોલીસ કે કોઈ અન્ય સંસ્થા તરફથી કંઈ કહેવાયું નથી પણ એવું લાગે છે કે આ અભિયાન સોશિયલ મીડિયાના કારણે છે જેના કારણે અહીંના લોકોમાં ડર છે."
તેમનું કહેવું હતું, "અમે હવે કંઈક કામ શરૂ કરી શકવાની સ્થિતિમાં પહોંચ્યા હતા. અમને અહીં સંગીતના કાર્યક્રમોમાં અને લગ્નપ્રસંગોમાં બોલાવાતા હતા પણ હવે આ નવી જાહેરાત પછી અમારી માટે સ્થિતિ સારી નથી રહી."
પેશાવર સદર, તહકાલ અને કિસ્સાખાનીના વિસ્તારોમાં એવા અફઘાન કલાકારો રહે છે જે મકાન ભાડે રાખી રહે છે. એમાં મોટાભાગના સંગીત ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો છે.
એ લોકોમાં ડર અને અવિશ્વાસની એટલી હદે વ્યાપ્ત હતો કે તેઓ મીડિયા સાથે વાત કરવા પણ તૈયાર ન હતા. આ ઉપરાંત તેમનું કહેવું હતું કે સ્થિતિ એવી નથી કે તેઓ મીડિયા સાથે વાત કરે. "બસ અમે સ્થિતિનો તાગ મેળવી રહ્યા છીએ. જોઈએ છીએ કે શું થાય છે."
આ રીતે જ ઇસ્લામાબાદ, ક્વેટા અને કરાચીમાં પણ સંગીત કે કલા સાથે જોડાયેલા લોકો હાલના સમયમાં સામે નથી આવી રહ્યા પણ તેમનામાં ડર પણ દેખાય છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘ શું કરે છે?

ઇમેજ સ્રોત, Getty Images
આ સમયે અફઘાન શરણાર્થીઓએ ખૂબ મોટા પ્રમાણમાં રજીસ્ટ્રેશન માટે પોતાના દસ્તાવેજો સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થામાં જમા કરાવ્યા છે પણ હજુ સુધી તેમને કોઈ સ્પષ્ટ આદેશ નથી આપવામાં આવી રહ્યા.
પેશાવરમાં રહેનારા અફઘાન નાગરિકોએ જણાવ્યું કે તેમની પાસે માત્ર ટોકન છે જે તેમને યૂએનએચસીઆર દ્વારા આપવામાં આવ્યા છે પણ તેમની પાસે કોઈ કાર્ડ નથી.
યૂએનએચસીઆર તરફથી બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં કહેવાયું છે કે પાકિસ્તાન સરકારે ચાર દાયકાથી વધારે સમય સુધી અફઘાન શરણાર્થીઓને પોતાને ત્યાં રાખ્યા છે અને વૈશ્વિક સ્તરે તેને સારી દૃષ્ટિએ જોવાય છે પણ તેમાં હજી વધારે પ્રયાસોની જરૂર છે.
આ નિવેદનમાં કહેવાયું છે કે શરણાર્થીઓનું પરત જવું એ તેમની ઇચ્છાના આધારે હોવું જોઈએ અને આ માટે સંયુક્ત રાષ્ટ્રસંઘ પાકિસ્તાન સરકાર સાથે પ્રક્રિયા નક્કી કરવા માગે છે.
શું આ જ વધારે સારો નિર્ણય છે?

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનની ગેરકાયદેસર રીતે રહેતા અફઘાન શરણાર્થીઓને પરત મોકલવાની કાર્યવાહી બાબતે મિશ્રિત પ્રતિક્રિયા વિશ્લેષકો આપી રહ્યા છે.
નિષ્ણાતોનું કહેવું છે કે અફઘાનિસ્તાનમાં કાર્યકારી તાલિબાન સરકારને માન્યતા નથી મળી છતાં આનાથી વ્યૂહરચના પ્રભાવિત થઈ શકે છે અને આના કારણે બંને દેશોમાં તણાવ વધી શકે છે.
પેશાવરમાં ઉદ્યોગપતિ મોહમ્મદ ઇશફાકે જણાવ્યું કે કેટલી હદે આ નિર્ણયની અસર વેપાર પર પડશે પણ આ અસર એટલી નહીં થાય કારણ કે 2017માં જ્યારે પાકિસ્તાનમાં ગેરકાયદેસર રીતે રહેતા અફઘાન નાગરિકો સામે કાર્યવાહી કરાઈ હતી ત્યારે મોટાભાગના અફઘાની લોકોએ તેમના વેપારને અફઘાનિસ્તાનમાં ખસેડી દીધો હતો.
પાકિસ્તાનમાં અફઘાન શરણાર્થીઓ માટે બનેલી કચેરીના એક અધિકારીએ નામ ના જણાવવાની શરતે કહ્યું કે પાકિસ્તાન સરકાર માટે આ યોજના પર કામ કરવું ખૂબ મુશ્કેલ હશે કારણ કે એ અફઘાન નાગરિકોને પાછા મોકલવા માટે રૂપિયા ઉપરાંત ટ્રાન્સપોર્ટ અને અન્ય વ્યવસ્થાઓની જરૂર હશે. બીજી બાજુ તેની પ્રતિક્રિયા પણ કડક હોઈ શકે છે.
સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ સરકારના આ નિર્ણયનું સમર્થન કરતા કહ્યું કે કાયદાનો અમલ થવો જોઈએ અને જે લોકો ગેરકાયદેસર પાકિસ્તાનમાં રહે છે તેમના વિશે સરકારે યોગ્ય નિર્ણય લેવો જોઈએ.














