અફઘાનિસ્તાન : એ પ્રાંત જ્યાં સ્ત્રી નથી બોલી કે લખી શકતી એનું પોતાનું નામ

ઇમેજ સ્રોત, "WHERE IS MY NAME?" CAMPAIGNERS
- લેેખક, મહજૂબા નવરોઝી
- પદ, બીબીસી અફઘાન સર્વિસ
અફઘાનિસ્તાનના પશ્ચિમ વિસ્તારમાં એક મહિલા છે. અમે તેમને રાબિયા કહીને બોલાવીશું. તેમને તાવ છે. માટે તેઓ ડૉક્ટર પાસે જાય છે.
ડૉક્ટરે જણાવ્યું કે તેમને કોવિડ-19ની બીમારી છે. રાબિયા ઘરે આવે છે. દર્દ અને તાવ પણ છે.
ડૉક્ટર દવાઓ માટે એક પર્ચી આપે છે, જેથી તેમના પતિ તેમના માટે દવા ખરીદી શકે.
પણ જેવું તેમના પતિ ડૉક્ટરની પર્ચી પર પત્ની નામ જુએ છે, તો ભડકી ઊઠે છે. પત્નીને મારે છે કે તેણે 'એક અજનબી'ને પોતાનું નામ બતાવ્યું.
અફઘાનિસ્તાનમાં આ સામાન્ય વાત છે. પરિવારના લોકો ઘરનાં મહિલાઓને 'બહારના લોકો'ની સામે પોતાનું નામ છુપાવવા માટે દબાણ કરે છે. ભલે તે ડૉક્ટર જ કેમ ન હોય.
જોકે આ ચલણ સામે અવાજ ઊઠવા લાગ્યો છે. કેટલાંક મહિલાઓ નામ બતાવવાના પોતાના હક માટે લડાઈ લડે છે.

'મારું નામ ક્યાં છે?'

અફઘાનિસ્તાનમાં મહિલાઓ માટે આ પરેશાની પહેલાંથી જ શરૂ થઈ જાય છે. જ્યારે એક છોકરી પેદા થાય છે. એક ઉંમર વીત્યા બાદ તેમને એક નામ મળે છે.
જ્યારે તેમનાં લગ્ન થાય ત્યારે આમંત્રણપત્ર પર તેમના જ નામનો ઉલ્લેખ નથી હોતો. જ્યારે તેઓ બીમાર પડે છે ત્યારે ડૉક્ટર પર્ચી પર તેમનું નામ લખતા નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અને જ્યારે તેમનું મૃત્યુ થાય છે ત્યારે તેમનું નામ ન તો મૃત્યુ પ્રમાણપત્ર પર હોય છે, ન તો તેમની કબર પર લાગેલા પથ્થર પર.
આ કારણે આજે કેટલાંક અફઘાન મહિલાઓ પોતાનું નામ આઝાદીથી ઉપયોગ કરી શકે એ માટે અભિયાન ચલાવી રહ્યાં છે.
તેના માટે તેઓએ એક નારો પણ આપ્યો છે, 'મારું નામ ક્યાં છે?' WhereIsMyName?ના સ્લોગનનો ઉપયોગ પોસ્ટરો અને સોશિયલ મીડિયા પર પણ થઈ રહ્યો છે.

'ભાઈ, બાપ અને મંગેતરની આબરૂ'

ઇમેજ સ્રોત, SAHAR SAMET
રાબિયા હેરાત પ્રાંતમાં રહે છે. તેમના પ્રાંતનાં એક મહિલાએ બીબીસી સાથે વાત કરી. તેઓ ન તો પોતાનું નામ જાહેર કરવા માગે છે, ન તો રેડિયો માટે અવાજ આપવા માગે છે.
જોકે પુરુષોના આ વર્તન પર તેમને કોઈ વાંધો નહોતો. તેઓ તેને યોગ્ય ઠેરવતાં હતાં.
તેઓ કહે છે, "જ્યારે કોઈ મને મારું નામ બતાવવાનું કહે છે ક્યારે મારે મારા ભાઈ, મારા પિતા અને મારા મંગેતરની આબરૂ અંગે વિચાર કરવો પડે છે. અને હું મારું નામ બતાવવાનો ઇન્કાર કરી દઉં છું. હું મારા પરિવારને શા માટે દુખી કરું. પોતાનું નામ બતાવવાની જરૂર શું છે?"
"હું ઇચ્છું કે લોકો મને ફલાણાની પુત્રી, ફલાણાની બહેન કહીને બોલાવે. અને ભવિષ્યમાં પણ પોતાના પતિની બેગમ અને બાદમાં મારા પુત્રની માતા કહીને બોલાવડાવાનું વધુ પસંદ કરીશ."
આ કહાણીઓ ચોંકાવનારી છે, પણ તેમાં કશું અદભુત પણ નથી.
અફઘાનિસ્તાનમાં મહિલાના નામના ઉપયોગ પર લોકો તૈયાર થતા નથી અને કેટલાક વિસ્તારોમાં તો લોકો તેને અપમાન સુધી સમજે છે.
ઘણા અફઘાન પુરુષો સાર્વજનિક રીતે પોતાનાં માતા, બહેન અને પત્નીનું નામ લેવાથી અચકાય છે, કેમ કે આવું કરવું શરમજનક માનવામાં આવે છે.
અફઘાન સમાજમાં મહિલાઓનો ઉલ્લેખ સામાન્ય રીતે ઘરના સૌથી મોટા પુરુષનાં માતા, પુત્રી કે બહેનના નામથી કરવામાં આવે છે.
અફઘાનિસ્તાનના કાયદા અનુસાર જન્મ પ્રમાણપત્રમાં માત્ર પિતાનું નામ નોંધ કરાવવું જોઈએ.

પતિની 'ગેરહાજરી'

ઇમેજ સ્રોત, FARIDA SADAAT
નામના ઉપયોગ પર આ બંધનથી જે વ્યાવહારિક સમસ્યા થાય છે, તેના કેટલાક ભાવનાત્મક મુદ્દા પણ છે.
ફરીદા સાદાતનાં લગ્ન બાળપણમાં કરી દેવામાં આવ્યાં હતાં. પંદર વર્ષની વયે તેઓ માતા બન્યાં હતાં. બાદમાં તેમના પતિ તેમનાથી અલગ થઈ ગયા. ફરીદા પોતાનાં ચાર બાળક સાથે જર્મની આવી ગયાં.
ફરીદાનું કહેવું છે કે તેમનાં બાળકોની જિંદગીમાં તેમના પતિનું કોઈ અસ્તિત્વ નથી.
તેના માટે તેમનું માનવું છે કે એ શખ્સને કોઈ હક નથી કે તેમનું નામ 'મારાં બાળકોનાં ઓળખપત્ર' પર રહે.
"મેં મારાં બધાં બાળકોનું પાલનપોષણ જાતે કર્યું છે. મારા પતિએ મને તલાક આપવાથી ઇન્કાર કરી દીધો. આથી હું બીજી વાર લગ્ન ન કરી શકી."
"અફઘાનિસ્તાનમાં એકથી વધુ પત્નીઓ રાખનારા અનેક પુરુષો છે. જેમ કે મારા પતિ. આવા લોકો પોતાનાં બાળકોની સારસંભાળ રાખતા નથી. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિને મારી અપીલ છે કે તેઓ કાયદો બદલે અને માતાનાં નામ તેમનાં બાળકોનાં જન્મ પ્રમાણપત્ર અને ઓળખપત્ર પર નોંધ કરાવે."

અભિયાનની શરૂઆત

ઇમેજ સ્રોત, LALEH OSMANY
જોકે ત્રણ વર્ષ પહેલાં 28 વર્ષીય એક અફઘાન મહિલા લાલેહ ઉસ્માનીએ આ સ્થિતિથી તંગ આવીને ખુદને એ કહ્યું, "આને આવી જ રીતે ચાલવા દેવાય નહીં."
લાલેહ ઉસ્માની પણ રાબિયાની જેમ હેરાતમાં રહે છે. તેમને 'મારું નામ ક્યાં છે?'નું અભિયાન શરૂ કરવાનો વિચાર આવ્યો.
જેથી અફઘાન મહિલાઓને પોતાના નામના ઉપયોગ માટે 'પાયાનો હક' હાંસલ કરવામાં મદદ મળી શકે.
લાલેહ ઉસ્માની બીબીસીની અફઘાન સેવાને કહે છે કે તેઓ અને તેમની મિત્ર અફઘાનિસ્તાનનાં મહિલાઓને માત્ર એક સવાલ કરવા માગે છે કે આખરે શા માટે તેમને તેમની ઓળખથી અલગ રાખવામાં આવે છે.
તેઓ જણાવે છે, "બાળકોનાં જન્મ પ્રમાણપત્ર પર પિતાની સાથેસાથે માતાનું નામ પણ રહે. અફઘાનિસ્તાનની સરકારને આના માટે તૈયાર કરવી અમારા અભિયાનનો ઉદ્દેશ છે અને અમે આ લક્ષ્યથી એક ડગલું દૂર છીએ."
હાલમાં જ અફઘાનિસ્તાનની સંસદનાં સભ્ય મરિયમ સામાએ પણ સંસદમાં આ અભિયાન અંગે વાત કરી હતી અને મહિલાઓના હકમાં અવાજ ઉઠાવ્યો હતો. લાલેહને લાગે છે કે તેનાથી સ્થિતિ બદલાશે.

લોકોની પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, Getty Images
લાલેહ ઉસ્માનીનો ઇન્ટરવ્યૂ બીબીસીના ફેસબુક પેજ પર પોસ્ટ થયા બાદ કેટલાક લોકોએ તેના પર સકારાત્મક પ્રતિક્રિયાઓ આપી, તો કેટલાક તેને લઈને આલોચનાત્મક હતા.
કેટલાક લોકોએ મજાક ઉડાવતાં કહ્યું કે હવે પછી લાલેહ બધા સંબંધીઓનાં નામ જન્મ પ્રમાણપત્ર પર લખાવવા માટે અભિયાન ચલાવશે.
કેટલાકે કહ્યું કે પરિવારમાં શાંતિ રાખવાને પ્રાથમિકતા આપવી જોઈએ. લાલેહનું કહેવું છે કે અફઘાનિસ્તાનની યુવાપેઢીને લઈને તેઓ નિરાશ છે.
જોકે એવું નથી કે સોશિયલ મીડિયામાં બધા આ અભિયાનનો વિરોધ કરી રહ્યા છે. કેટલાંક મોટાં નામો તેના સમર્થનમાં શરૂઆતથી છે અને કેટલાંક બાદમાં જોડાયાં છે.
અફઘાનિસ્તાનના સમાજશાસ્ત્રી અલી કાવેહ કહે છે, "પિતૃસત્તાત્મક સમાજ હોવાને કારણે આબરૂના નામ પર મહિલાઓને ન માત્ર શરીર ઢાંકવાનું કહેવામાં આવે છે, પણ નામ છુપાવવા માટે પણ મજબૂર કરવામાં આવે છે. અફઘાન સમાજમાં સૌથી સજ્જન મહિલા એ છે જેમને ન ક્યારે જોવામાં આવ્યાં હોય અને ન તો કોઈએ તેમના વિશે ક્યારેય સાંભળ્યું હોય."
"તેના માટે એવું કહેવાય છે કે 'જેણે ન આફતાબ (સૂરજ) જોયો હોય અને ન મહતાભ (ચાંદ).' જે પુરુષ વધુ કડક હશે, સમાજમાં તેની એટલી વધુ આબરૂ હશે. જો પરિવારનાં મહિલા સભ્ય આઝાદ વિચારવાળા હોય તો તેમને દુરાચારી માનવામાં આવે છે."
પ્રાંતમાં તાલિબાનની સત્તાના પતનને અંદાજે બે દશક થવા જાય છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એ પ્રયત્નો ચાલુ છે કે મહિલાઓને સાર્વજનિક જીવનમાં લાવવામાં આવે.
જોકે રાબિયા જેવાં મહિલાઓ આજે પણ ડૉક્ટરને પોતાનું નામ બતાવવા પર પતિનો માર ખાય છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














