ગુજરાત : કોરોનાકાળમાં વિજય રૂપાણીની સરકારનો ચારેતરફથી વિરોધ કેમ થઈ રહ્યો છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અર્જુન પરમાર
- પદ, બીબીસી ગુજરાતી
ગુજરાતમાં થોડા દિવસો પહેલાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી દ્વારા વિજય રૂપાણીની સરકારનો વિરોધ કરવા માટે સોશિયલ મીડિયા અભિયાન આરંભાયું હતું. એ બાદ ગુજરાતના રિક્ષાચાલકો અને પોલીસકર્મીઓ સરકાર સામે આંદોલનના મૂડમાં જોવા મળી રહ્યા છે.
માત્ર વિદ્યાર્થીઓ, સરકારી કર્મચારી કે વ્યવસાયિકો જ નહીં, અન્ય વર્ગોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
જુદાજુદા મોરચે સરકારના વિરોધ થવા પાછળનાં કારણો જાણવા માટે બીબીસી ગુજરાતીએ નિષ્ણાતો અને પક્ષકારો સાથે વાતચીત કરી હતી.

અમારી ભૂલ, કમળનું ફૂલ'

હાલ ગુજરાતના રિક્ષાચાલકો રાજ્ય સરકાર વિરુદ્ધ રોષે ભરાયેલા છે. રિક્ષાચાલકોની માગ છે કે કોરોના મહામારીના લૉકડાઉનના ત્રણ મહિના પેટે રાજ્ય સરકાર દ્વારા તેમને માસિક પાંચ હજાર લેખે આર્થિક સહાય કરવામાં આવે.
રાજ્યમાં કોરોના મહામારીને કારણે થયેલી રિક્ષાચાલકોની કફોડી સ્થિતિ વિશે વાત કરતાં 'અમદાવાદ રિક્ષાચાલક એકતા યુનિયન'ના પ્રમુખ વિજય મકવાણા જણાવે છે :
"હાલ, કોરોનાને કારણે થયેલા લૉકડાઉનને કારણે પહેલાંથી આર્થિક સંકડામણનો અનુભવ કરી રહેલા ગરીબ રિક્ષાચાલકોની મુશ્કેલીમાં અત્યંત વધારો થયો છે."
"અન્ય રાજ્યોની જેમ ગુજરાત સરકાર પણ રિક્ષાચાલકો માટે આર્થિક સહાયની જાહેરાત કરે અથવા રિક્ષાચાલકો માટે સરળ લૉનની વ્યવસ્થા કરી આપે એવી અમારી માગ હતી. પરંતુ ઘણી રજૂઆતો છતાં પણ અમારી આ માગો સંતોષાઈ નથી."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આવનારા દિવસોમાં રૂપાણી સરકાર વિરુદ્ધ આંદોલન વધુ જલદ બનાવવાની ચીમકી આપતાં તેઓ જણાવે છે, "અમે અમદાવાદ શહેરમાં, રિક્ષા પાછળ 'અમારી ભૂલ, કમળનું ફૂલ'એવાં પોસ્ટરો લગાવી વિરોધ વ્યક્ત કરવાનું શરૂ કર્યું છે."
"જો અમારી માગણીઓ વહેલી તકે નહીં માનવામાં આવે તો આવનારા દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવી સમગ્ર ગુજરાતના રિક્ષાચાલકોને જોડવામાં આવશે."
જો સરકાર દ્વારા રિક્ષાચાલકોની માગણી નહીં સ્વીકારવામાં આવે તો તેવી પરિસ્થિતિમાં રિક્ષાચાલકોની આગામી રણનીતિ કેવી હશે એ અંગે વાત કરતાં તેઓ જણાવે છે કે, "જો અમારી માગણીઓ તરફ સરકાર તાત્કાલિક ધોરણે ધ્યાન નહીં આપે તો ભવિષ્યમાં યોજાનારી ચૂંટણીઓમાં અમે સમગ્ર રાજ્યમાં ભાજપ વિરુદ્ધ પ્રચાર કરીશું."

પોલીસકર્મીઓને અન્યાય?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
રિક્ષાચાલકો બાદ પોલીસકર્મીઓ પણ પોતાની માગને લઈને સરકાર સામે પડ્યા છે.
રાજ્યમાં થોડા દિવસ પહેલાં જ શિક્ષકો દ્વારા ગ્રેડ-પેમાં સુધારા માટે આંદોલન ચલાવાયું હતું. સરકારે શિક્ષકોની માગણી સ્વીકારી લીધા બાદ હવે ફરીથી ગુજરાતના પોલીસકર્મીઓ દ્વારા ગ્રેડ-પેમાં વધારા માટે ટ્વિટર પર અભિયાન શરૂ કરી દેવાયું છે.
આ અભિયાન હેઠળ '#2800ગુજરાતપોલીસ' સાથે અસંખ્ય ટ્વીટ થઈ રહ્યાં છે.
જુદાજુદા મીડિયા અહેવાલો અનુસાર રાજ્ય પોલીસમાં કાર્યરત્ કૉન્સ્ટેબલો, હેડ-કૉન્સ્ટેબલો અને એ.એસ.આઈ.ના ગ્રેડ-પેમાં વધારો કરવાની માગ થઈ રહી છે.
કૉન્સ્ટેબલો દ્વારા ગ્રેડ-પે 1800થી વધારી 2800, હેડ-કૉન્સ્ટેબલો દ્વારા ગ્રેડ-પે 3600 કરવાની અને એ. એસ. આઇનો ગ્રેડ-પે 4400 કરવાની માગણી થઈ રહી છે.
રજત નાણાવટી નામના ટ્વિટર યુઝરે લખ્યું, "આઠ કલાક નોકરી કરનારાને 4200 ગ્રેડ-પે અને 24 કલાક ફરજ સાથે બંધાયેલાને 1800 ગ્રેડ-પે?"
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
અનીલકુમાર મકવાણા નામના ટ્વિટર યુઝરે ઓછા પગાર સાથે કરવા પડતા ફરજપાલનની વાત કરી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
આ માંગણીઓનું સમર્થન કરતાં ગુજરાત રાજ્યના નિવૃત્ત ડી.જી. આર.બી. શ્રીકુમાર જણાવે છે, "પોલીસકર્મીઓની તરફેણમાં ઊઠી રહેલી આ તમામ માગણીઓ એકદમ વાજબી છે. કેન્દ્રીય પોલીસબળના સમકક્ષ હોદ્દા પર કાર્યરત પોલીસકર્મીઓ જેટલો જ પગાર રાજ્ય પોલીસને મળે એ અતિ ઇચ્છનીય છે."
પોલીસ પર કામના વધુ પડતા ભારણની સમસ્યા વિશે વાત કરતાં તેઓ જણાવે છે, "એક સામાન્ય કૉન્સ્ટેબલથી માંડીને મોટા અધિકારીઓ સુધી તમામ પોલીસ કર્મચારીઓ 12 થી 16 કલાક ફરજ પર રહે છે. પોલીસકર્મીઓને પૂરતા પ્રમાણમાં રજા પણ મળતી નથી. આવી પરિસ્થિતિમાં તેમના ગ્રેડ-પેમાં વધારાની માગણી તદ્દન વાજબી છે એવું મારું માનવું છે."

'પહેલાં રોજગારી પછી ચૂંટણી'
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 3
રાજ્યમાં ઘણા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓના આયોજનને લઈને સરકાર અને વિદ્યાર્થીનેતાઓ વચ્ચે મડાગાંઠ સર્જાયેલી છે. વિદ્યાર્થીઓએ ટ્વિટર પર સરકાર વિરુદ્ધ '#પહેલાંરોજગારીપછીચૂંટણી' એવું અભિયાન પણ શરૂ કર્યું હતું, જેના સમર્થનમાં થોડાક કલાકોમાં જ લાખો ટ્વીટ થયાં હતાં.
વિદ્યાર્થીનેતાઓ જ્યાં એક તરફ વહેલી તકે રાજ્યમાં અટકી પડેલી તમામ ભરતી પ્રક્રિયાઓ ફરીથી શરૂ કરવાની માગ કરી રહ્યા છે તો ત્યાં જ બીજી તરફ સરકાર તરફથી વિદ્યાર્થીઓની માગણી અંગે કોઈ જ સ્પષ્ટતા નથી કરી શકાઈ.
નોંધનીય છે કે કોરોનાની મહામારીને કારણે ગુજરાત સરકારની જુદી-જુદી ભરતીસંસ્થાઓ દ્વારા લેવાતી પ્રક્રિયા હાલ મોકૂફ રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓની માગ છે કે સરકાર શક્ય એટલી વહેલી તકે પરીક્ષાઆયોજન અંગેની તારીખો જાહેર કરે. આવું નહીં થાય તો વિદ્યાર્થીઓ દ્વારા આગામી સમયમાં યોજાનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારાઈ છે.
આ અંગે બીબીસી સાથેની વાતચીતમાં વિદ્યાર્થીનેતા પ્રવીણ રામે જણાવ્યું હતું કે, "ગુજરાતમાં જુદી-જુદી 23 સરકારી ભરતીઓ છેલ્લા કેટલાક સમયથી અટકી પડી છે."
"રાજ્ય સરકારના જુદા સરકારી વિભાગોમાં લગભગ 30થી 35 હજાર જગ્યાઓ ખાલી પડી છે. વિદ્યાર્થીઓની માગ છે કે સરકાર બને એટલું જલદી સરકારી વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતી અંગે નિર્ણય લે."
તેઓ વધુમાં કહે છે, "જો આવું નહીં થાય તો ગુજરાતના બેરોજગાર યુવાનો આવનારા સમયમાં યોજાનારી ચૂંટણીઓનો બહિષ્કાર કરતા પણ નહીં ખચકાય."
ગુજરાતમાં વિવિધ વર્ગો દ્વારા ચલાવાઈ રહેલાં આંદોલનોને ગુજરાત કૉંગ્રેસ 'રાજ્યમાં વ્યાપેલી કુવ્યવસ્થા અંગે સામાન્ય જનતાના મનમાં રહેલા અસંતોષનું પ્રતિબંબ ગણાવે છે.'
ગુજરાત પ્રદેશ કૉંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી ભાજપ સરકારને અહંકારી ગણાવતાં જણાવે છે, "ગુજરાતમાં રિક્ષાચાલકો હોય, વિદ્યાર્થીઓ હોય કે પછી સરકારી કર્મચારીઓ હોય, બધા સરકારનાં નિષ્ઠુર અને અસંવેદનશીલ વર્તનના શિકાર બન્યા છે."
"લોકોનાં મનમાં ગુજરાત સરકારની નીતિઓ પ્રત્યે ભારોભાર અસંતોષ જોવા મળી રહ્યો છે, જે હવે આંદોલનો સ્વરૂપે બહાર આવવા લાગ્યો છે."

વિપક્ષપ્રેરિત આંદોલનો?

રાજ્યમાં જુદા-જુદા વર્ગો દ્વારા ચલાવાઈ રહેલાં આંદોલનો અંગે સત્તાપક્ષ ભાજપ વતી પ્રતિક્રિયા આપતાં ભાજપનાં ભૂતપૂર્વ સાંસદ ભાવનાબહેન દવે જણાવે છે કે, 'દેશ અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર કોરોનાના કપરા સમયમાં સરાહનીય કામગીરી કરી રહી છે.'
હાલ સોશિયલ મીડિયા પર અને પરંપરાગતપણે ચાલી રહેલાં સરકારવિરોધી આંદોલનોને તેઓ વિપક્ષપ્રેરિત ગણાવે છે. તેઓ કહે છે કે, "ગુજરાતના યુવાનો, શ્રમિકો અને સરકારી કર્મીઓના હિત માટે સરકાર સતત કાર્યશીલ છે."
"જુદી-જુદી યોજના થકી સરકાર સામાજિક કલ્યાણ સુનિશ્ચિત કરી રહી છે. તેમ છતાં વિપક્ષ દ્વારા આવાં આંદોલનો ઊભાં કરી રાજકીય લાભ મેળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે."
તેઓ અટવાઈ પડેલી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ફરીથી શરૂ કરવા બાબતે જણાવે છે, "ગુજરાત સરકાર સ્પર્ધાત્મક પરીક્ષાઓની ભરતીપ્રક્રિયા ફરી શરુ કરવાની દિશામાં ગંભીરતાપૂર્વક વિચારી રહી છે. ટૂંક સમયમાં તેનું નિરાકરણ લાવવામાં આવશે."
તેમજ રિક્ષાચાલકો અને પોલીસકર્મીઓ દ્વારા ગ્રેડ-પેમાં સુધારાની માગણીને તેઓ વિપક્ષપ્રેરિત ગણાવે છે. તેઓ કહે છે, "રિક્ષાચાલકો સહિત અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે સરકાર દ્વારા આત્મનિર્ભર યોજના હેઠળ કરોડો રૂપિયાની લૉનરૂપી સહાય મંજૂર કરી છે. આમ, રિક્ષાચાલકો-પોલીસકર્મીઓ સહિત તમામ નાગરિકોની સહાય માટે સરકાર સતત પ્રયત્નશીલ રહી છે. સોશિયલ મીડિયા પર અને અન્ય માધ્યમો દ્વારા થઈ રહેલાં આંદોલનો અલ્પજીવી અને વિપક્ષની સત્તાલાલસાથી પ્રેરિત છે."
જોકે, મનીષ દોશીનું માનવું છે કે, "ગુજરાતનાં અસંગઠિત ક્ષેત્રોના કામદારો, વિદ્યાર્થીઓ તમામ વાજબી માગણીઓ કરનારા વર્ગોને કૉંગ્રેસ પક્ષ સંપૂર્ણ સમર્થન કરશે. આંદોલનોને વિપક્ષપ્રેરિત કાવતરું ગણવું એ પોતાની જવાબદારીમાંથી છટકવાની એક યુક્તિ માત્ર છે."


ઇમેજ સ્રોત, MohFW, GoI


તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












