ગુજરાતમાં ઠેર-ઠેર સ્વયંભૂ લૉકડાઉન, શું ફરી સંપૂર્ણ લૉકડાઉન લગાવાશે?

લૉકડાઉન

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી ગુજરાતી

પાછલા સાત દિવસથી ગુજરાતમાં પ્રતિદિન 900 કરતાં વધુ કોરોનાના દર્દીઓ નોંધાઈ રહ્યા છે. હવે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં કોરોનાનો પગપેસારો જોવા મળી રહ્યો છે.

અમદાવાદ, સુરત જેવાં મહાનગરોની હદ વટાવી હવે કોરોના વાઇરસ ગુજરાતનાં નાનાં શહેરો અને ગ્રામીણ વિસ્તારો સુધી પણ પહોંચવા લાગ્યો છે.

રાજ્યમાં સતત વધી રહેલા કોરોનાના કેસોને જોતાં કેટલાંક શહેરો અને વિસ્તારોમાં સામાન્ય જનતા દ્વારા સ્વયંભૂ લૉકડાઉન પાળવામાં આવી રહ્યું છે.

સાથે જ રાજ્યનાં ઘણાં શહેરો અને ગામોમાં સ્થાનિક અધિકારીઓ, આગેવાનો અને વેપારીમંડળોની સમજાવટને પગલે પણ સજ્જડ બંધ પાળવામાં આવી રહ્યા છે.

તાજેતરમાં જ મહેસાણા જિલ્લાની બહુચરાજી વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય ભરતજી ઠાકોરે પણ મુખ્ય મંત્રી વિજય રૂપાણીને પત્ર લખી સમગ મહેસાણા જિલ્લામાં કોરોનાની વણસતી પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે 15 દિવસીય લૉકડાઉન જાહેર કરવાની ભલામણ કરી હતી.

કોરોના સામેની લડતમાં હવે જ્યારે લોકો રાજ્યમાં અનેક સ્થળોએ બંધ પાળી રહ્યા છે. ઘણી જગ્યાએથી જનતા અને તેમના પ્રતિનિધિઓ દ્વારા લૉકડાઉન બહાલ કરવાની માગણી કરાઈ રહી છે.

એ સ્થિતિમાં પ્રશ્ન એ થાય છે કે શું રાજ્યમાં વધતા જતા કોરોનાના પ્રસારને રોકવા માટે ગુજરાત સરકાર ફરી એક વાર લૉકડાઉન લાદશે? કે પછી જનતાની સમજાવટ થકી આગળ પણ આવી જ સ્વયંશિસ્તથી લૉકડાઉન પાળવાની નીતિને આગળ વધારશે?

આ મુદ્દે વધુ સ્પષ્ટતા મેળવવા માટે બીબીસી ગુજરાતીએ વેપારીઓ, તબીબો, નિષ્ણાતો અને અધિકારીઓ સાથે વાતચીત કરી.

line

સ્વૈચ્છિક લૉકડાઉન

વીડિયો કૅપ્શન, લૉકડાઉનમાં ગુજરાતના ખેડૂતોની સ્થિતિ કેવી થઈ?

કોરોનાની મહામારીથી બચવા માટે લદાયેલા દેશવ્યાપી લૉકડાઉન બાદ સમગ્ર દેશમાં અનલૉકની પ્રક્રિયા શરૂ થઈ.

મીડિયા અહેવાલો અનુસાર ગુજરાત સહિત સમગ્ર ભારતમાં અનલૉકની પ્રક્રિયા બાદથી કોરોના કેસોમાં ઝડપથી વધારો થવા લાગ્યો.

હવે જ્યારે સરકાર દ્વારા લદાયેલું લૉકડાઉન હળવું બનાવી દેવાયું છે, રોજગાર-ધંધા ફરી પાટે આવવાં લાગ્યા છે ત્યારે રાજ્યના અનેક વિસ્તારોમાં કોરોનાના સંક્રમણને રોકવાના હેતુથી સામાન્ય જનતા દ્વારા 'સ્વયંભૂ લૉકડાઉન' પળાઈ રહ્યું હોવાના સમાચારો સામે આવી રહ્યા છે.

જુદા-જુદા મીડિયા અહેવાલો પ્રમાણે, રાજકોટ, ભાવનગર, જામનગર, સુરેન્દ્રનગર, પાટણ, દાહોદ , ઊંઝા, અરવલ્લી અને બનાસકાંઠામાં પણ વેપારી ઍસોસિયેશનો, જુદાં-જુદાં વેપારીમંડળો, અધિકારીઓ અને પાલિકાની સૂચના પ્રમાણે સ્વૈચ્છિક લૉકડાઉન પાળવાનો નિર્ણય લેવાયો છે.

આ સિવાય હાલ તબક્કે સુરતમાં કોરોનાનું સંક્રમણ સતત વધતું જઈ રહ્યું છે. જેને પગલે સ્થાનિક તંત્ર, નેતાઓ અને આગેવાનો દ્વારા વેપારીઓ અને સામાન્ય લોકોને સ્વયંશિસ્ત જાળવી સ્વયંભૂ લૉકડાઉનનું પાલન કરવા સમજાવાય છે.

line

આપમેળે બંધ પાળી રહ્યા છે લોકો

લૉકડાઉન

ઇમેજ સ્રોત, Getty Images

છેલ્લા કેટલાક દિવસથી એક સમયે કોરોનાનું હૉટસ્પૉટ ગણાતા અમદાવાદ કરતાં પણ વધુ કેસો સુરત જિલ્લામાં નોંધાઈ રહ્યા છે.

મીડિયા અહેવાલો પ્રમાણે અનલૉક બાદ સુરતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં ભારે વધારો જોવા મળ્યો છે.

આ પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે સુરતમાં સ્થાનિક તંત્ર અને પોલીસ અધિકારીઓ દ્વારા સ્થાનિકોને સ્વયંશિસ્ત જાળવી સ્વયંભૂ લૉકડાઉનનું પાલન કરવા માટે સમજાવવામાં આવી રહ્યા છે.

ગુજરાત સરકાર દ્વારા સુરતમાં વણસતી જઈ રહેલી કોરોનાની પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે રાજ્ય સરકાર તરફથી IPS હરેશ દૂધાતને સુરત મોકલવામાં આવ્યા છે.

સુરતમાં કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે પોલીસ અધિકારી હરેશ દૂધાત પણ સ્વયંભૂ લૉકડાઉનની જ રણનીતિ અપનાવી રહ્યા છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, "હાલ અમે જુદી-જુદી સોસાયટીઓમાં મિટિંગો ગોઠવીને ત્યાંના રહીશોને કામ વગર બહાર નીકળવાનું ટાળવા માટે સમજાવી રહ્યા છીએ."

સ્વૈચ્છિક બંધની આ રણનીતિના પ્રતિસાદ અંગે વાત કરતાં તેઓ જણાવે છે કે, "અમને સુરતના રહીશો તરફથી સારો પ્રતિસાદ સાંપડ્યો છે. અમારી સમજાવટ બાદ હવે લોકો કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે."

"અમારી સમજાવટ બાદથી લોકો હવે સ્વેચ્છાએ લૉકડાઉન પાળી રહ્યા છે."

વીડિયો કૅપ્શન, લૉકડાઉન બાદ આપણી ભવિષ્યની મુસાફરી કેવી હશે?

તેઓ આગામી સમયની રણનીતિ વિશે વાત કરતાં જણાવે છે કે, "હજુ સુધી અમે બજારોમાં સ્વૈચ્છિક બંધ પાળવા અંગે વાત કરી નથી, પરંતુ આગામી સમયમાં અમે બજારના પ્રતિનિધિઓ અને વેપારીઓ સાથે પણ વાત કરીશું."

આ સિવાય સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાના સંક્રમણને ફેલાતો રોકવા માટે કંઈક આવી જ રણનીતિ અપનાવાઈ રહી છે.

એ વિશે વાત કરતાં બારડોલી ડિવિઝનનાં ડીવાયએસપી રૂપલ સોલંકી જણાવે છે કે, "એસ.ડી.એમ. દ્વારા જિલ્લા કલેક્ટરની સૂચનાથી લોકોને જાતે જ સ્વયંશિસ્ત જાળવી બંધ પાળવા માટે વીડિયો બનાવી અપીલ કરાઈ હતી."

"જેથી અમે પણ અમારા વિસ્તારમાં પોલીસની પી. સી. આર. વાન ઠેરઠેર ફેરવી બજારો અને દુકાનો માત્ર સવારના સાત વાગ્યાથી લઈને એક વાગ્યા સુધી ચાલુ રાખવા માટે અપીલ કરી હતી."

"અમારી અપીલ બાદ છેલ્લા એક અઠવાડિયાથી વિસ્તારની તમામ બજારો અને દુકાનો આપમેળે એક વાગ્યે જડબેસલાક બંધ થઈ જાય છે. અમારે કોઈનેય સમજાવવા જવું પડતું નથી."

line

સ્વયંભૂ લૉકડાઉનથી તૂટશે કોરોનાની ચેઇન?

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

સ્વયંભૂ લૉકડાઉનના મહત્ત્વ અંગે વાત કરતાં રૂપલ સોલંકી જણાવે છે કે, "હાલ કોરોનાની સાથોસાથ કૉમન ફ્લૂના કેસો પણ ઘણા જોવા મળી રહ્યા છે. તેથી જો બપોરે એક વાગ્યાથી લઈને બીજા દિવસે સવારે સાત વાગ્યા સુધી બજારો બંધ રહેતા હોય તો આવી પરિસ્થિતિમાં સામાન્ય લોકો એકબીજાના સંપર્કમાં ઓછા આવશે."

"આ પગલાની સાથે જ આરોગ્યવિભાગ દ્વારા મોટા પાયે સૅમ્પલિંગનું કામ કરાઈ રહ્યું છે. તેથી ઝડપથી પૉઝિટિવ કેસો સામે આવશે, જે લોકો કોરોનાથી ગ્રસ્ત હોય તેમની સારવાર ઝડપથી કરી શકાશે અને જે લોકોને ચેપ નથી તેઓ પોતાના ઘરે જ સુરક્ષિત રહેશે."

આ સિવાય ઊંઝાના વેપારી મનોજ પટેલ પણ સ્વૈચ્છિક લૉકડાઉનને કોરોનાને રોકવા માટે ઉપયોગી ગણાવે છે.

તેઓ જણાવે છે કે, "આસપાસના વિસ્તારોમાં કોરોનાના કેસો આવવાને કારણે APMCના વેપારીઓએ સર્વાનુમતે એક અઠવાડિયા માટે વેપાર બંધ રાખવાનું ઠરાવ્યું છે."

સ્વૈચ્છિક લૉકડાઉનની જરૂરિયાત અંગે વાત કરતાં તેઓ જણાવે છે કે, "પાછલા કેટલાક દિવસોથી APMCમાં અવરજવર અને ભીડ ખૂબ જ વધી ગઈ હતી. સાથે જ આસપાસ કોરોના પૉઝિટિવ કેસો આવતાં આ નિર્ણય લેવાયો છે."

"આ પગલાથી વિસ્તારમાં કોરોનાની પરિસ્થિતિમાં સુધારો આવશે કે કેમ એ અંગે તો કશું કહી ન શકાય, પરંતુ વેપારીઓને સુરક્ષા માટેનું આ પગલું યોગ્ય લાગ્યું."

"આ પગલાથી કોરોનાની ચેઇન તૂટે કે નહીં પણ લોકોને માનસિક રાહત જરૂર રહેશે."

સ્વયંશિસ્ત અને સ્વૈચ્છિક લૉકડાઉનના મહત્ત્વ વિશે વાત કરતાં પોલીસ અધિકારી હરેશ દૂધાત જણાવે છે કે, "જો લોકો સ્વયંશિસ્ત રાખીને કામ વગર બહાર નીકળવાનું ટાળે, કટોકટીની પરિસ્થિતિ સિવાય બહાર ન નીકળે અને એકબીજાના સંપર્કમાં ન આવે તો નિશ્ચિતપણે કોરોનાની ચેઇન તૂટશે."

line

ધંધા પર હાવી કોરોનાની બીક

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

રાજકોટના દાણાપીઠ વેપારી ઍસોસિયેશન દ્વારા પણ દાણાપીઠ બજારમાં સાંજે દુકાનો ત્રણ કલાક વહેલી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.

આ અંગે વાત કરતાં દાણાપીઠ વેપારી ઍસોસિયેશનના પ્રમુખ બીપિનભાઈ કેસરિયા જણાવે છે કે, "બજારમાં થતી ભીડ ઓછી કરવા માટે વેપારીમંડળ દ્વારા 31 જુલાઈ સુધી સાંજ પાંચ વાગ્યા સુધી જ દુકાનો ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે, જેથી સાંજે થતી ભીડ ઓછી થઈ શકે."

સ્વયંભૂ લૉકડાઉનની મહત્તા વિશે વાત કરતાં તેઓ જણાવે છે કે, "સ્વૈચ્છિક લૉકડાઉનને કારણે ભીડ ઓછી થવાની સાથે લોકો પરિસ્થિતિ અંગે જાગૃત પણ થશે. કોરોનાની મહામારીથી બચવા માટે સાવચેતી રાખવા સાથે ધંધાનો સમય ઘટાડવો એ યોગ્ય વિકલ્પ લાગી રહ્યો છે. સમય ઘટે ઓછા લોકો સાથે સંપર્ક થશે, જેથી કોરોનાની માનસિક બીક ઘટશે."

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસ : લૉકડાઉન ખૂલતાં રાજકોટમાં દારૂની દુકાનો પર લાગી લાઇન

આ વાત સાથે ભાવનગરના વેપારી મનોજકુમાર પણ સંમત થાય છે.

તેઓ જણાવે છે કે, "ભાવનગર ચેમ્બર ઑફ કૉમર્સ દ્વારા બપોરના ત્રણ વાગ્યા સુધી જ દુકાનો ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે, જે સાથે મોટા ભાગના વેપારીઓ સંમત છે. આ પગલું અત્યંત જરૂરી હતું."

"આદર્શ રીતે તો સરકારે જ ભાવનગરમાં અમુક દિવસો માટે લૉકડાઉન જાહેર કરવાની જરૂર હતી, કારણ કે શહેરમાં કેસોમાં ખૂબ જ વધારો થઈ રહ્યો છે."

સ્વયંભૂ લૉકડાઉન થકી સમય ઘટાડવાની રણનીતિને કોરોના સામે ઉપયોગી ગણાવતાં તેઓ જણાવે છે કે, "જો બજાર ઓછા સમય માટે ખૂલશે તો ત્યાં ભીડ પણ ઓછી જામશે. જેથી લોકો ઘરે રહીને સુરક્ષિત રહી શકશે."

કોરોના પર કાબૂ મેળવવા માટે એકબીજાના સંપર્કમાં ન આવવા માટે તેઓ સ્વયંભૂ લૉકડાઉનનાં આ પગલાં કારગત અને ઉપયોગી હોવાનું માને છે.

line

લૉકડાઉન જ છે ઉપાય?

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસ : ગુજરાતના ઉંઝામાં કેમ લાગુ કરાયું ફરીથી લૉકડાઉન?

IMA સુરતની કોરોના ઍક્શન કમિટીના ચૅરમૅન ડૉ. નિર્મલ ચોરારિયા કોરોના વાઇરસના ફેલાવાને રોકવા માટે લૉકડાઉનને કાયમી અને રામબાણ ઇલાજ માનવાનો ઇન્કાર કરે છે.

તેઓ લૉકડાઉન અંગે પોતાનો મત વ્યક્ત કરતાં જણાવે છે કે, "લૉકડાઉન ચાલુ રાખવાથી માત્ર કોરોનાના પ્રસારની ઝડપ ઓછી થશે. આ માંદગીથી છુટકારો તો તેની રસી વિકસિત થયા પછી જ મળશે."

"તેથી કહી શકાય કે લૉકડાઉન ચાલુ રાખવા માત્રથી આ વાઇરસ જતો નહીં રહે."

લૉકડાઉનના આર્થિક પાસાં અંગે ચિંતા વ્યક્ત કરતાં તેઓ જણાવે છે કે, "આટલા સમયના સંપૂર્ણ લૉકડાઉન બાદ ફરીથી સજ્જડ લૉકડાઉન લાગુ કરવું એ લોકોને આર્થિક રીતે પોષાય એમ નથી."

તેઓ સ્વયંભૂ લૉકડાઉનને સારો ઉપાય ગણાવતાં જણાવે છે કે, "કોરોનાથી બચવા માટે ભલે સંપૂર્ણ લૉકડાઉન ન કરી શકાય, પરંતુ લોકો ઘરમાંથી બિનજરૂરી રીતે બહાર નીકળવાનું ટાળી શકે છે, જે સ્વયંભૂ લૉકડાઉનની પૂર્વશરત છે."

"બને તેટલા ઓછા લોકોના સંપર્કમાં આવવાથી આ બીમારી એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાવવાના જોખમમાં અતિશય ઘટાડો કરી શકાય છે."

જોકે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થના ડાયરેક્ટર પ્રોફેસર ડૉ. દિલીપ માવળંકર સ્વયંભૂ કે સ્વૈચ્છિક લૉકડાઉનના પગલાને અંગે અલગ મત ધરાવે છે.

તેઓ જણાવે છે કે, "સ્વયંભૂ લૉકડાઉનથી સ્થિતિ સુધરવાને બદલે બગડી પણ શકે છે, કારણ કે ઓછા સમય માટે દુકાનો ખૂલી રહેશે, તેથી ઓછા સમયમાં વધુ ભીડ ભેગી થવાનો ભય ઊભો થશે."

"લૉકડાઉનનો હેતુ ભીડ ઓછી કરવાનો હોય છે, ના કે ભીડ વધુ કરવાનો. તેથી આ પગલાનો તર્ક હું સમજી નથી શક્યો."

તેઓ પણ ડૉ. ચોરારિયાની માફક લૉકડાઉનને કોરોનાની સમસ્યા માટે અકસીર ઉપાય નથી માનતા.

તેઓ કહે છે કે, "કોરોનાના કેસો આવવાથી ગભરાઈ જઈને માત્ર બધું બંધ કરી દેવાથી પરિસ્થિતિ કાબૂમાં નહીં આવે. પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે આવા કેસોની કૉન્ટેક્ટ ટ્રેસિંગ અને સમયસર સારવાર કરવી પડે."

line

શું ફરી વાર લાગી શકે છે લૉકડાઉન?

ગુજરાતમાં હવે કોરોનાની પરિસ્થિતિનો સામનો કરવા માટે અનેક વિસ્તારોમાં સ્વયંભૂ લૉકડાઉનની પાળવામાં આવી રહ્યું છે.

તેવી પરિસ્થિતિમાં ગુજરાતમાં કોરોનાની આગેકૂચ અટકાવવા માટે સરકાર દ્વારા આગામી સમયમાં કોરોના પર કાબૂ મેળવવાની રણનીતિ તરીકે ફરીથી રાજ્યવ્યાપી લૉકડાઉનની વ્યવસ્થા પર ભરોસો કરાશે કે કેમ એ જાણવા માટે બીબીસી ગુજરાતીએ રાજ્યના નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ સાથે વાત કરી.

તેમણે ફરીથી રાજ્યવ્યાપી લૉડાઉનની અટકળો પર પૂર્ણવિરામ મૂકતાં બીબીસી ગુજરાતીના સહયોગી ભાર્ગવ પરીખને જણાવ્યું હતું કે, "પરિસ્થિતિ નિયંત્રણમાં આવી રહી છે. તેથી હાલ રાજ્યમાં લૉકડાઉન લાદવાનો કોઈ વિચાર નથી."

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો