ચોમાસામાં કોરોના વાઇરસ અને રોગચાળાની બેવડી આફત ગુજરાતમાં આવશે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, મહેઝબીન સૈયદ
- પદ, બીબીસી ગુજરાતી
"બે મહિનામાં ડૉક્ટરો અને સરકારી તંત્ર બૅકફૂટ પર આવી જશે અને જો સ્થિતિ આવી ને આવી રહેશે તો હજી ખરાબ પરિસ્થિતિ સર્જાશે અને હૉસ્પિટલમાં દર્દીઓના ઇલાજ માટે જગ્યા નહીં બચે."
વડોદરાના ચેપી રોગના નિષ્ણાત અને પૂર્વ RMO ડૉ. ભાવેશ નાયકના આ શબ્દો છે.
દર વર્ષે ચોમાસાની સાથે ગુજરાત સહિત દેશમાં મલેરિયા અને ડેન્ગ્યુ જેવી બીમારીના કેસો નોંધાવા લાગે છે. આ દર વર્ષની કહાણી છે, પણ આ વખતે તેમાં થોડો ટ્વીસ્ટ કોરોના વાઇરસે ઉમેર્યો છે.
ગુજરાતમાં 20 જુલાઈ સુધીમાં કોરોના વાઇરસથી સંક્રમિતોની સંખ્યા 48 હજારને પાર પહોંચી ચૂકી હતી, જ્યારે 2150 કરતાં વધારે લોકોનાં મૃત્યુ થયાં હતાં.
હૉસ્પિટલોમાં ડૉક્ટરો, નર્સ અને અન્ય સ્વાસ્થ્યકર્મીઓ પહેલાંથી જ કોરોના વાઇરસના દર્દીઓની સારવારના ભાર હેઠળ દબાયેલાં છે.
તેવામાં હવે સવાલ એ થાય છે કે જુલાઈ-ઑગસ્ટમાં વરસાદની સાથે આવતી બીમારીઓનો સામનો ગુજરાત કેવી રીતે કરી શકશે?
બીમારીઓ V/S ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images
આ અંગે બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં વડોદરાના ચેપી રોગના નિષ્ણાત અને પૂર્વ RMO ડૉ. ભાવેશ નાયક જણાવે છે, "ગુજરાતમાં ડેન્ગ્યુ, મલેરિયા જેવા રોગનું સહેલાઈથી નિદાન થઈ શકે છે. કેમ કે તેમના ટેસ્ટ સહેલાઈથી થઈ શકે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"ચોમાસામાં મલેરિયા, ડેન્ગ્યુ, ટાઇફોઇડ, હૅપટાઇટિસ, કોલેરાનો ખતરો વધારે રહે છે. પણ જો આ વર્ષે કોરોના વાઇરસની સાથે આ અન્ય બીમારીઓના કેસોમાં વધારો નોંધાયો તો હૉસ્પિટલોમાં ખૂબ મોટી સમસ્યા સર્જાશે."
"રોગચાળાને કાબૂમાં લેવા માટે હૉસ્પિટલમાં દાખલ થવું જરૂરી છે. પણ હાલની સ્થિતિ પ્રમાણે એ શક્ય નથી કેમ કે આપણી પાસે એટલી વ્યવસ્થા નથી. આવી પરિસ્થિતિમાં કોરોના વાઇરસ અને અન્ય બીમારીઓ સામે લડવું અઘરું બની રહેશે."
તેઓ ઉમેરે છે, "જે રીતે ઇટાલીમાં વડા પ્રધાન રડી પડ્યા હતા અને કહ્યું હતું કે હવે તેઓ કંઈ જ નહી કરી શકે, કદાચ એવી જ સ્થિતિ અહીં પણ સર્જાઈ શકે છે. કેમ કે ઇટાલી જેવા વિકસિત દેશમાં પૈસા, હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કોઈ ખામી નથી અને નાનો એવો દેશ હોવા છતાં સ્થિતિ નિયંત્રણ બહાર હતી."
"તેની સામે ભારતની વસતી પણ વધારે છે અને લોકોમાં જાગૃતિ ઓછી છે. લોકો નાનાં ઘરોમાં મોટા પરિવાર સાથે રહે છે, તેવામાં મહામારીને રોકવી અને રોગચાળા પર નિયંત્રણ મેળવવો અઘરો છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
જોકે, આ તરફ અમદાવાદની સિવિલ હૉસ્પિલના કાર્યકારી ડીન એમ. એમ. પ્રભાકરનું આ મુદ્દે કહેવું છે કે એવી ગંભીર સ્થિતિ નહીં સર્જાય.
તેઓ કહે છે, "હૉસ્પિટલમાં તકલીફ ન પડે એટલે ડૉક્ટરોને બે ભાગમાં વહેંચી દેવાયા છે, જેમાં સાત દિવસ તેઓ કોરોના વૉર્ડમાં ફરજ બજાવશે અને બીજા સાત દિવસ નોન-કોરોના વૉર્ડમાં ફરજ બજાવશે."
"હૉસ્પિટલ પર ભાર ન વધે એના માટે દર્દીઓની તપાસ કરીને જો તેમની અંદર લક્ષણ ગંભીર ન હોય તો તેમને દવા આપીને ઘરે જ આઇસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવશે. આ જ પૅટર્ન મેલેરિયા અને ડેન્ગ્યુ જેવી બીમારી ધરાવતા દર્દીઓ માટે પણ અનુસરવામાં આવશે."
સુરત અત્યારે કોરોના વાઇરસનું હૉટસ્પૉટ બન્યું છે. દિવસે ને દિવસે સુરતમાં કોરોના વાઇરસના કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. તેવામાં ત્યાં કેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે?
આ અંગે સુરતના આરોગ્ય ખાતામાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આશિષ નાયક કહે છે કે પાણીજન્ય રોગચાળાનો સામનો કરવા માટે સુરતમાં 550 લોકોની ટીમ તૈયાર કરાઈ છે અને સુરતની હૉસ્પિટલોમાં કોઈ અગવડતા ઊભી થશે નહીં.

કોરોના અને અન્ય બીમારીઓ વચ્ચે તફાવત કેવી રીતે કરશો?

ઇમેજ સ્રોત, Getty Images
આજે કોરોના વાઇરસની મહામારીનો ડર લોકોની અંદર એટલો બેસી ગયો છે કે ડૉક્ટરો માને છે કે તે ડરથી લોકોનો જીવ જતો રહે છે.
કોરોના વાઇરસની મહામારી વચ્ચે આજે જો કોઈને સામાન્ય તાવ કે ખાંસી આવે તો કોઈ એ નથી વિચારતું કે તે મેલેરિયા કે ડેન્ગ્યુ હોઈ શકે છે, પહેલી શંકા એ જ આવે છે કે એ તાવ કોરોના વાઇરસના લીધે છે.
તેવામાં અલગ-અલગ બીમારીઓનાં લક્ષણને ઓળખવા ખૂબ જરૂરી છે.
આ અંગે ગુજરાત સરકાર દ્વારા બનાવાયેલી પૅનલમાં સામેલ ચેપી રોગના નિષ્ણાત ડૉ. તુષાર પટેલ સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી.
તેઓ કહે છે, "જ્યારે ડેન્ગ્યુની વાત કરીએ ત્યારે તેમાં તાવની સાથે ચામડી પર ઇન્ફ્રૅક્શન જોવા મળે છે. ચક્કર વધારે આવે છે અને ડિહાઇડ્રેશન થાય છે. આ લક્ષણો કોરોના વાઇરસના દર્દીઓમાં નહિવત્ પ્રમાણમાં જોવા મળ્યાં છે."
આ અંગે ડૉ. ભાવેશ નાયક કહે છે, "કોરોના વાઇરસમાં તાવ આવે તો તાપમાન સામાન્ય હોય છે, જે વધુમાં વધુ 100 ડિગ્રી સુધી જઈ શકે છે. જ્યારે મલેરિયા જેવી બીમારીમાં તાવ 100 ડિગ્રી કરતાં વધારે હોય છે અને સાથે ઠંડી પણ વધારે લાગે છે."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
"આ સિવાય મલેરિયામાં તાવ વઘારે હોય છે, પણ સરદી અને ખાંસી હોતી નથી. જ્યારે કોરોના વાઇરસમાં તાવની સાથે સરદી-ખાંસી પણ મુખ્ય લક્ષણોમાંથી એક છે. "
"ખરેખર તો કોરોના વાઇરસ સરદી-ખાંસીનું રૂપ છે. આવાં જ લક્ષણ સ્વાઇન ફ્લૂમાં પણ જોવા મળ્યાં હતાં, જેમાં ગળામાં દુખાવાનો સમાવેશ થયો હતો."
"કોરોના વાઇરસમાં પણ આ લક્ષણ છે અને તેની સાથે ડાયરિયા અને સ્વાદની ખબર ન પડવાના લક્ષણો ઉમેરાયાં છે. કોરોના વાઇરસના 32% કેસ એવા નોંધાયા છે, જેમાં લોકોને ડાયરિયા પણ હોય અને મીઠા તેમજ ખારા સ્વાદની ખબર પડતી નથી."
આ સિવાય ડૉક્ટર નાયક જણાવે છે કે જો દર્દીનું ઑક્સિજન લેવલ 95 કરતાં ઓછું છે અને તેને તાવ છે, તો કોરોના વિશે તપાસ કરાવવાની જરૂર રહે છે.
તેઓ કહે છે, "આ લક્ષણો તપાસવા માટે દરેક ઘરમાં થર્મોમિટર હોવું જોઈએ જેનાથી તાવના તાપમાન અંગે જાણી શકાય અને સાથે જ સોસાયટીમાં ઑક્સિમિટર હોવું જોઈએ જેનાથી ઑક્સિજનનું સ્તર ઘરે બેઠા જ ખબર પડી શકે."
આ સિવાય ડૉક્ટરોના મતે ડેન્ગ્યુ અને મલેરિયા જેવી બીમારીઓની લૅબ-ટેસ્ટ જલદી મળી જાય છે, એટલે તે ટેસ્ટ કરાવી લેવાય એ જરૂરી છે.
ડૉ. એમ. એમ. પ્રભાકરના જણાવ્યા પ્રમાણે હવે અમદાવાદમાં ઍન્ટીજન ટેસ્ટ પણ શરૂ થઈ ચૂકી છે, જેનાથી કોરોના વાઇરસના ટેસ્ટનાં પરિણામો પણ તાત્કાલિક ધોરણે મળી શકે છે.

જો બે રોગ ભેગા થાય તો?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
જો કોઈ કોરોના પૉઝિટિવ દર્દીને બીજી કોઈ બીમારીનો ચેપ લાગી જાય તો શું? આવા કેસ અંગે ડૉ. તુષાર પટેલે ચિંતા વ્યક્ત કરે છે.
તેમના કહેવા પ્રમાણે શરીર પર જો બે અલગ-અલગ હુમલા થાય તો શરીરની રોગપ્રતિકારક શક્તિ ઘટી જાય છે અને તેવામાં દર્દીની હાલત ગંભીર બની શકે છે.
તેઓ જણાવે છે કે જો એક વ્યક્તિને કોરોના વાઇરસ હોવાની સાથે ડેન્ગ્યુ કે મલેરિયા જેવી બીજી બીમારી થાય છે તો તેવી પરિસ્થિતિમાં જો મૃત્યુદર પાંચ ટકા હોય તો તે 10 ટકા પર પહોંચી શકે છે.

જો દર્દી હૉસ્પિટલ ન જઈ શકે તો?
જ્યારથી કોરોના વાઇરસના કેસોની સંખ્યામાં વધારો નોંધાયો છે, ત્યારથી લોકોમાં હૉસ્પિટલ જવા મુદ્દે ડર છે.
લોકો બીમાર હોવા છતાં હૉસ્પિટલ જવાનું ટાળી રહ્યા છે અને આપમેળે કોઈ દવા લઈને સાજા થવાનો પ્રયાસ કરે છે.
આ મામલે ડૉ. તુષાર પટેલ કહે છે કે મહામારીના સમયમાં સેલ્ફ મેડિકેશન વધારે ખતરનાક સાબિત થઈ શકે છે એટલે કોઈ પણ દવા લેતા પહેલાં ડૉક્ટરને બતાવવું ખૂબ જરૂરી છે.
ડૉ. નાયક પણ આ મામલે સહમતી દર્શાવતા કહે છે કે કોઈ પણ દવા લેતાં પહેલાં ડૉક્ટરની સલાહ લો અને તમને દેખાઈ આવતાં લક્ષણો ડૉક્ટરને જણાવો.
જો બહાર ન જઈ શકો, તો ઘરે બેસીને ટેલિફોન પર પણ સલાહ લઈ શકાય છે.

રોગચાળાનો સામનો કરવા આગળ શું થઈ શકે?
સરકારી આંકડા પર નજર કરીએ તો ડેન્ગ્યુ અને મલેરિયા જેવા રોગોના કેસોમાં છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘટાડો નોંધાયો છે.
ગુજરાતમાં થયેલા નેશનલ વેક્ટર બૉર્ન ડિઝિસ કન્ટ્રોલ પ્રોગ્રામ અંતર્ગત જાણવા મળ્યું છે કે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે જૂન 2020 સુધીમાં 57.04% મેલેરિયાના કેસ ઘટ્યા છે.
તો ડેન્ગ્યુના અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન હેઠળ 24%, વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશન હેઠળ 15%, વડોદરામાં 6%, કચ્છમાં 4%, ભરુચમાં 4% અને સુરતમાં પણ 4% કેસ નોંધાયા છે.
જોકે, ડૉ. નાયક જણાવે છે કે દરેક પરિસ્થિતિનો સામનો કરવા સરકારી તંત્ર દર 15 કલાકે મિટિંગ કરે છે અને સ્વાસ્થ્ય સુવિધાઓ વધારવા પ્રયાસ કરે છે.
તેઓ કહે છે, "જે જગ્યાએ 200 બેડ હતા, ત્યાં 500 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. અને જ્યાં 500 બેડ છે ત્યાં આગળ ચાલીને 1000 બેડની વ્યવસ્થા કરી શકે છે."
"આ સિવાય અન્ય હૉસ્પિટલોને પણ નૉન-કોવિડ હૉસ્પિટલ બનાવવામાં આવી રહી છે, જેનાથી અન્ય રોગોના ઇલાજ થઈ શકે અને કોઈ દર્દીને ઇમર્જન્સી સારવાની જરૂર હોય તો તે મળી શકે."
"આ સિવાય કોરોના દર્દીઓની સારવાર માટે હોટલ, રિસોર્ટ જેવી જગ્યાઓનો પણ સહારો લઈ શકાય છે."
સાથે જ તેમણે સલાહ આપી છે કે જે લોકો 65 વર્ષથી વધારે અને 10 વર્ષથી ઓછી ઉંમર ધરાવે છે તેમને અને ગર્ભવતી મહિલાઓને રસી ન મળે ત્યાં સુધી હોમ આઇસોલેટ કરવા જરૂરી છે. એ સિવાય લૉકડાઉનનો કોઈ અર્થ નથી.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 4
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














