કોરોના વાઇરસ : સુરતમાં જ્ઞાતિઓનાં અલગ આઇસોલેશન સેન્ટર કેમ બનાવાઈ રહ્યાં છે?

આઇસોલેશન સેન્ટર

ઇમેજ સ્રોત, Mustafa dodiya

    • લેેખક, ઋષિ બેનરજી
    • પદ, બીબીસી ગુજરાતી

ગુજરાત રાજ્યમાં કોરોના‌ વાઇરસ સંક્રમણના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેવાં શહેરોમાં અમદાવાદ બાદ બીજા ક્રમે‌ સુરત છે.

18 જુલાઈ સુધીના આંકડા અનુસાર સુરતમાં કોરોના વાઇરસના‌ સંક્રમણના 8,516 કેસ છે. જ્યારે મૃતકાંક 387થી વધારે છે.

આ મહામારી વચ્ચે શહેરમાં કાર્યરત્ અલગ-અલગ સમાજ અને જ્ઞાતિઓ દ્વારા પોતાનાં અલાયદાં આઇસોલેશન સેન્ટર્સ શરૂ કરાયાં છે.

line

કઈ-કઈ જ્ઞાતિઓનાં આઇસોલેશન સેન્ટર?

આઇસોલેશન સેન્ટર

ઇમેજ સ્રોત, Mustafa Dodiya

'ડાયમંડ સિટી' સુરતમાં રાણા, આહીર, પાટીદાર, પ્રજાપતિ અને દાઉદી‌ વહોરા સમાજ આઇસોલેશન સેન્ટર ચલાવી રહ્યા છે. જેમાં માત્ર એ સમાજના લોકોને જ મદદ કરવામાં આવે છે.

વિભિન્ન સમાજ તેમના કૉમ્યુનિટી હોલ પણ વિનામૂલ્યે આપી રહ્યા છે.

આઇસોલેશન સેન્ટરને પીપીઈ કિટ અને દવાઓ સુરત મહાનગર પાલિકા દ્વારા આપવામાં આવે છે જ્યારે દર્દીઓનાં રહેવા-જમવાની અને સારવારની સુવિધા સમાજ દ્વારા ઉપાડવામાં આવે છે.

સુરતના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આશિષ નાયક કહે છે કે દરેક સમુદાય આઇસોલેશન સેન્ટરમાં પોતાના સમાજના સભ્યોને પ્રાધાન્ય આપી શકે છે.

મેયર જગદીશ પટેલ જણાવે છે કે જે સમાજનાં આઇસોલેશન સેન્ટર નથી એવા દર્દીઓ રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકા દ્વારા સંચાલિત આઇસોલેશન સેન્ટરનો લાભ લઈ શકે છે.

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસ અને લોહી વચ્ચે શું સંબંધ છે તે તમે જાણો છો?

સુરત પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણા‌એ‌ આ‌ અંગે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, "રાણા સમાજમાંથી જે લોકોને કોવિડ-19નો ચેપ લાગ્યો છે અને આઇસોલેશનની જરૂર છે."

"તેમના માટે અમે રૂસ્તમપુરા કૉમ્યુનિટી હોલમાં વ્યવસ્થા ઊભી કરી છે. અહીં દાખલ દર્દીઓનું સમાજ તરફથી ધ્યાન રાખવામાં આવે છે."

આઇસોલેશન સેન્ટરમાં સેવા આપતાં ડૉક્ટર હિતેશ જરીવાલા કહે છે, "આ સુવિધા રાણા સમાજના લોકો માટે છે."

"સુરતમાં દરેક સમુદાયે તેમના સભ્યો માટે આઇસોલેશન સેન્ટર ઊભા કર્યા છે, જેમાં કોવિડ-19ના‌ દર્દીઓને રાખવામાં આવે છે."

વૅન્ટિલેટરની જરૂર ન હોય અને જેમનાં ઘરે આઇસોલેશનની સુવિધા નથી, તેવા દર્દીઓને આવા સેન્ટરમાં 14 દિવસ માટે રાખવામાં આવે છે.

સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના પ્રમુખ મથુર સવાણી કહે છે, "પાટીદાર સમાજમાં કોવિડ -19ના એવા ઘણા દર્દીઓ છે જે નાનાં ઘરોમાં રહે છે. જો ઘરમાં રહે તો પરિવારના બીજા સભ્યોને ચેપ લાગવાનો ડર રહે છે."

"આને ધ્યાનમાં રાખીને અમે સુરતના કતારગામમાં પાટીદાર સમાજના હોલમાં સમાજના લોકો માટે આઇસોલેશનની સુવિધા ઊભી કરી છે."

line

આઇસોલેશન સેન્ટરમાં કેવી વ્યવસ્થાઓ?

આઇસોલેશન સેન્ટર

ઇમેજ સ્રોત, Hitesh Jhariwala

ઉલ્લેખનીય છે કે બીજી જુલાઈના રોજ રાજ્યના આરોગ્યસચિવ ડૉક્ટર જયંતી રવિએ સુરતની મુલાકાત લીધી હતી, ત્યારે તેમણે કોરોના વાઇરસના દર્દીઓ માટે કૉમ્યુનિટી આઇસોલેશન સેન્ટરની વ્યવસ્થા ઊભી કરવાની વાત કરી હતી.

તેમણે જણાવ્યું હતું કે સુરતના વહીવટી તંત્ર દ્વારા આઇસોલેશન સેન્ટર શરૂ કરવા પાટીદાર સમાજ અને વટાલિયા પ્રજાપતિ સમુદાય સાથે બેઠક યોજી છે. આખા રાષ્ટ્રમાં આ પ્રકારનો પ્રથમ પ્રયોગ છે.

જે બાદ રાણા સમાજ, દાઉદી વહોરા સમાજ અને આહીર સમાજ દ્વારા 50 બેડની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.

પાટીદાર સમાજ અને વટાલિયા પ્રજાપતિ સમાજ દ્વારા 100 બેડની ક્ષમતા ધરાવતું સેન્ટર હાલ કાર્યરત છે.

આ આઇસોલેશન સેન્ટરમાં દર્દીઓને‌ સરકારી માર્ગદર્શિકા પ્રમાણે રોજિંદી ડૉક્ટરી તપાસ, દવાઓ અને બીજી આરોગ્ય સુવિધાઓ, પીવા માટે ગરમ પાણી અને બે ટાઈમ ચા-નાસ્તો અને બપોરે અને રાત્રે જમવાનું‌ આપવામાં આવે છે.

આઇસોલેશન સેન્ટર

ઇમેજ સ્રોત, Dr. Hitesh Jhariwala

આઇસોલેશન સેન્ટરમાં વૅન્ટિલેટર સપોર્ટ, ઑક્સિજન અને આઈસીયુની સુવિધા હોતી નથી.

વટાલિયા પ્રજાપતિ સમાજના અગ્રણી નિરંજન ઝાંઝમેરા સુરતના ‌પૂર્વ મેયર પણ‌ રહી ચૂક્યા છે.

તેમણે‌ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "50 વર્ષથી ઓછી ઉંમરના દર્દીઓને આઇસોલેશન સેન્ટરમાં દાખલ કરવામાં આવે છે."

વટાલિયા પ્રજાપતિ સમાજના દર્દીઓ માટે કતારગામના વસ્તાદેવડી કૉમ્યુનિટી હોલમાં આઇસોલેશન સેન્ટર અથવા કોવિડ કૅર સેન્ટર ઊભા કરવામાં આવ્યાં છે.

line

સમાજ ઉપાડી રહ્યા છે ખર્ચ

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસ હવાથી કેવી રીતે ફેલાય છે?

આઇસોલેશન સેન્ટર માટે જે ખર્ચ થઈ રહ્યો છે, તે સમાજ પોતાના ભંડોળમાંથી કરી રહ્યો છે. સમાજને દાતાઓ તરફથી પણ સહયોગ મળી રહ્યો છે.

અરવિંદ રાણાએ ખર્ચ અંગે જણાવતાં કહ્યું કે, "સેન્ટર માટે અમે દર મહિને 3-3.50 લાખ રૂપિયા ખર્ચ કરવાનો અંદાજ મૂકી રહ્યા છીએ. સમાજ આ ખર્ચ કરી રહ્યો છે અને અમને દાતાઓ તરફથી પણ સહયોગ મળી રહ્યો છે. સમાજના લોકો પણ મદદ માટે આગળ આવી રહ્યા છે."

પાટીદાર સમાજ અને વટાલિયા પ્રજાપતિ સમાજ પણ પોતાના ભંડોળથી ખર્ચ કરી રહ્યો છે.

દર્દીઓ માટે રહેવા-જમવાની સુવિધા સાથે ડૉક્ટરો અને બીજા સ્ટાફનો ખર્ચ પણ સમાજ પોતાનાં ભંડોળમાંથી ચૂકવે છે. મોટાભાગના ડૉક્ટરો સેવા આપી રહ્યા છે અથવા માનદ વેતન લઈ રહ્યા છે.

આહીર સમાજના અગ્રણી ગોપાલભાઈ આહીરે વાત‌ કરતાં બીબીસી ગુજરાતીને કહ્યું, "સુરત મહાનગર પાલિકા તરફથી અમને કૉમ્યુનિટી હોલ નિઃશુલ્ક આપવામાં આવ્યો છે અને સમાજના યુવાનો સેવા આપી રહ્યા છે. જેના કારણે બધું સરળતાથી ચાલી રહ્યું છે."

line

આ પહેલ વિશે તબીબો શું કહે છે?

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસ : ગુજરાતમાં સ્થિતિ બગડતી કેમ ગઈ?

રાણા સમાજ દ્વારા સંચાલિત આઇસોલેશન સેન્ટરમાં સેવા આપી રહેલા ડૉક્ટર હિતેશ જરીવાળા કહે છે, "સેન્ટરમાં બધા દર્દીઓ એક જ સમાજના હોવાથી તેઓ ખૂલીને વાતચીત કરે છે. પરિવારથી દૂર હોવા છતાં એકલતા અનુભવાતી નથી. સંવાદ કરવાથી દર્દીઓ માનસિક રીતે સ્વસ્થ રહે છે."

"સિવિલ હૉસ્પિટલ અથવા સ્મીમેર હૉસ્પિટલમાં દર્દીઓ વચ્ચે ભાગ્યે જ આ રીતે વાતચીત થતી હોય છે."

પાટીદાર સમાજના સેન્ટરમાં કાર્યરત્ ડૉક્ટર નવીન પટેલ કહે છે, "જે દર્દીને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા હોય તેમને મેડિકલસ્ટાફ દિવસમાં માત્ર બે વાર તપાસવા જાય છે. બાકીના સમય દર્દી મોટાભાગે એકલા હોય છે."

"પરિવારના સભ્યો પણ ન હોવાથી તેઓ પોતાની વાત કોઈને જણાવી શકતા નથી. આવા સમયે જો દર્દી સમાજના લોકોની વચ્ચે હોય તો તેઓ હળવાશ અનુભવે છે."

સુરતની સિવિલ હૉસ્પિટલમાં કાઉન્સેલિંગ આપતાં આલાપ મહેતા કહે છે, "દર્દીને 14 દિવસ પરિવારથી અલગ થઈને રહેવું પડતું હોય છે અને એટલા માટે ઘણી વાર તેઓ ડિપ્રેશનમાં સરી પડે છે."

"દર્દી પોતાના વિચારોમાં ખોવાયેલા હોય છે અને માત્ર ખપ પૂરતી વાત કરે છે. આવા સંજોગોમાં દર્દી જો કોઈની સાથે વાતચીત કરે તો તેમના માનસિક સ્વાસ્થ્ય ઉપર સારો પ્રભાવ પડે છે."

line

કોરોનાનું હોટસ્પોટ સુરત

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

અત્યાર સુધીમાં સુરત જિલ્લામાં 300થી વધારે લોકો કોરોના વાઇરસથી મૃત્યુ પામ્યા છે.

સુરત શહેરમાં સતત વધી રહેલા કોરોના વાઇરસના કેસને‌ ધ્યાનમાં રાખતાં વહીવટી તંત્રે કલમ 144 લગાવી દીધી છે, જે અંતર્ગત રાતના નવથી‌ સવારના સાત વાગ્યા સુધી કર્ફ્યૂ રહે છે.

હીરા ઘસવાનાં‌ કારખાનાં અને ટેક્સ્ટાઇલમાર્કેટને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી ચેપને વધતો અટકાવી શકાય.

અમદાવાદમાં કોરોનાના કેસો ઘટી રહ્યા છે ત્યારે સુરતમાં હજુ કેમ વધી રહ્યા છે?

આના જવાબમાં સુરતના મેયર જગદીશ પટેલ કહે છે, "સુરતમાં પીક આવતાં હજી 10-12 દિવસ લાગશે. પરિસ્થિતિ પર પર કાબૂ મેળવવા માટે વિવિધ પગલાં લઈ રહ્યા છીએ અને અમને આશા છે કે આવનારા દિવસોમાં કોરોના દર્દીઓની સંખ્યામાં ઘટાડો થશે."

તેઓ કૉમ્યુનિટી સેન્ટર વિશે કહે છે, "આ દર્દીને માનસિક રીતે મદદ કરે છે, કારણ કે બધા દર્દીઓ તેમના સમુદાયના છે. સુરતના તમામ સમુદાયો તેમના સભ્યો માટે આઇસોલેશન સેન્ટર શરૂ કરવા સંમત થયા છે અને અમે તેમને બધી રીતે મદદ કરવા તૈયાર છીએ."

"જો આ રીતે સમાજ આઇસોલેશન સેન્ટરનું સંચાલન કરે તો દર્દીના ખોરાક અને બીજી જરૂરિયાતોને સરળતાથી પૂર્ણ કરી શકાય છે."

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો