હાર્દિક પટેલ ગુજરાતમાં કૉંગ્રેસને ફરીથી બેઠી કરી શકશે?

ઇમેજ સ્રોત, FACEBOOK/HARDIK PATEL
- લેેખક, સુરેશ ગવાણિયા
- પદ, બીબીસી ગુજરાતી
એક સમયે પાટીદાર અનામત આંદોલનનો ચહેરો અને પછીથી કૉંગ્રેસમાં જોડાયેલા હાર્દિક પટેલને કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવાયા છે.
આગામી સમયમાં ગુજરાતમાં પેટાચૂંટણી યોજાવાની છે, ત્યારે કૉંગ્રેસ પક્ષમાં હાર્દિકને અપાયેલું આ પદ ઘણું સૂચક બની રહે છે.
શું હાર્દિક પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવવાથી ગુજરાતમાં કૉંગ્રેસને ફાયદો થશે? રાજકીય વિશ્લેષકોના મતે મૃતપ્રાય થયેલી કૉંગ્રેસને ફરી બેઠી કરી શકાશે? હાર્દિક પટેલ પાટીદારો અને યુવાઓને પોતાના તરફ વાળી શકશે ખરા?
આ સહિતના અનેક સવાલો રાજકીય વિશ્લેષકોને પૂછતાં જાણવા મળ્યું કે હાલમાં કૉંગ્રેસ પાસે કોઈ વિકલ્પ જણાતો નથી અને હાર્દિક પટેલ યુવાન હોવાથી પક્ષને થોડોઘણો ફાયદો થઈ શકે એમ છે.

હાર્દિક પટેલથી કૉંગ્રેસ કેટલો ફાયદો થશે?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
હાર્દિક પટેલ તેમની પાંચ વર્ષની ટૂંકી રાજકીય કારકિર્દીમાં નવ મહિના સુધી રાજદ્રોહના કેસમાં જેલમાં રહ્યા હતા.
તડીપારીના આદેશને લીધે છ મહિના ગુજરાતની બહાર રાજસ્થાનમાં રહ્યા હતા.
પાટીદાર આંદોલન બાદ હાર્દિક પટેલે અનેક સ્થળોએ ખેડૂતોની સમસ્યાને લઈને રેલીઓ પણ યોજી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સવાલ એ પણ છે કે કૉંગ્રેસમાં આટલા બધા સિનિયર નેતાઓ હોવા છતાં હાર્દિક પટેલની પસંદગી કેમ કરાઈ?
જાણીતાં પત્રકાર અને રાજકીય વિશ્લેષક દીપલ ત્રિવેદી બીબીસી સાથે વાત કરતાં કહે છે કે "કૉંગ્રેસનો આ છેલ્લો પ્રયત્ન હોઈ શકે છે. કૉંગ્રેસના અનેક પ્રયત્નો છતાં અત્યાર સુધીના બધા પ્રયત્નોમાં એ નિષ્ફળ નીવડી છે. આ એક બૅલેન્સિંગ ઍક્ટ છે, કેમ કે યુવાવર્ગ જે કૉંગ્રેસથી વિમુખ થઈ રહ્યો હતો અને કૉંગ્રેસ પક્ષને એવી અપેક્ષા હોય કે હાર્દિકથી ખાસ્સા યુવકોને, ખાસ્સા પટેલોને પાર્ટી તરફ વાળી શકાશે."
તેઓ કહે છે કે કૉંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને હાર્દિકના નેતૃત્વમાં જાતિગત સમીકરણમાં પણ ફાયદો થઈ શકે છે.
તો વરિષ્ઠ પત્રકાર ધીમંત પુરોહિત કહે છે કે "ગુજરાતમાં કૉંગ્રેસ અને હાર્દિક પટેલ પોતે પણ અત્યારે જે સ્થિતિમાં છે તેનાથી વધુ નુકસાનની કોઈ શક્યતા નથી."
તેઓ કહે છે, "મને લાગે છે કે હાર્દિકની કાર્યકારી અધ્યક્ષની પસંદગી કૉંગ્રેસ હાઈકમાન્ડે અજમાવેલો છેલ્લો જુગાર છે. હાર્દિક આટલી નાની ઉંમરે કાર્યકારી અધ્યક્ષ બનનારા કદાચ દેશના પહેલા નેતા હશે. કૉંગ્રેસમાં જેમણે પણ આ નિર્ણય લીધો હોય એ 'આઉટ ઑફ બૉક્સ' છે."
જાણીતા રાજકીય વિશ્લેષક હરિ દેસાઈ પણ બીબીસી સાથેની વાતચીતમાં કહે છે કે હાર્દિકથી કૉંગ્રેસને ફાયદો થવાનો છે, નુકસાન તો નથી જ."
તેઓ કહે છે, "કૉંગ્રેસનું આંતરિક રાજકારણ તેમનો કંઈ રીતે ઉપયોગ કરે છે એ જોવાનું રહેશે. હાર્દિક પટેલ યુવાનેતા છે, કૉંગ્રેસમાં યુવાનેતાઓની તંગી છે એમ કહું તો ચાલે. કૉંગ્રેસમાં, ભાજપમાં છે એવી આક્રમકતા પણ નથી."
'ધ વિક'ના અમદાવાદ ખાતેનાં સ્પેશિયલ સંવાદદાતા નંદિની ઓઝા પણ માને છે કે હાલના સમયમાં ગુજરાતમાં કૉંગ્રેસની જે નેતાગીરી છે એ સદંતર નિષ્ફળ નીવડી છે.

હાર્દિક પટેલ સામે શું છે પડકારો?

ઇમેજ સ્રોત, FACEBOOK/HARDIK PATEL
દીપલ ત્રિવેદી કહે છે, "અત્યાર સુધી હાર્દિક પટેલ એક સામાજિક નેતા હતા, પટેલોના નેતા હતા. હવે એ પોલિટિકલ લીડર થયા છે. ગુજરાતમાં જે બેરોજગારી છે, ખેડૂતોના પ્રશ્નો છે એમાં તેમણે પૂરતું ધ્યાન આપવું જોઈએ. આગામી સમયમાં પેટાચૂંટણી પણ આવી રહી છે ત્યારે હાર્દિક પટેલ તેમાં શું ફાળો આપી શકે છે, તેમની શું રણનીતિ રહેશે એ પણ એટલું જ અગત્યનું છે."
"હાર્દિકે આગામી ચૂંટણીમાં તેનો પરચો પણ બતાવવો પડશે. પણ જો હાર્દિક પટેલમાં 'સાચા ગુજરાત કૉંગ્રેસી'નો આત્મા આવી જશે તો વધુ કામ નહીં કરી શકે."
હાર્દિક પટેલ સામેના પડકારો અંગે વાત કરતાં ધીમંત પુરોહિત કહે છે, "કોરોનાને કારણે આર્થિક સ્થિતિ, લોકોની અવદશા, બેરોજગારીનો પ્રશ્ન, રાજ્યમાં ભરતી માટે આંદોલન ચલાવતા યુવાનોના પ્રશ્ન, મોંઘવારી, પેટ્રોલ-ડીઝલના ભાવવધારા- આ બધા સળગતા પ્રશ્નો હોવા છતાં કૉંગ્રેસ આ અંગે હજુ સુધી કશું કરી શકી નથી."
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
"હાર્દિક પટેલ જો આમાંનો એકાદ મુદ્દો પણ ઉઠાવે તો ગુજરાતમાં ફરી પાટીદાર આંદોલન વખતે થયેલું વાતાવરણ પેદા થઈ શકે છે. અને આ ગુજરાતમાં ભાજપ સામે એક ગંભીર પડકાર ઊભો કરી શકે છે. જોકે આ બધાં સમીકરણો શરતો સાથે છે."
તેઓ કહે છે કે "મુખ્ય શરત એ છે કે કૉંગ્રેસમાં જુદાંજુદાં જૂથો છે, એમની જૂની રીતરસમ પ્રમાણે અંદરોઅંદર લડવાને બદલે, હાર્દિકના પ્રયત્નોને પણ નિષ્ફળ કરવાને બદલે, હાર્દિક સાથે ભેગા થઈને એક પાર્ટી તરીકે કામ કરે તો ગુજરાતના રાજકારણમાં ચોક્કસ એક ટર્નિંગ પૉઇન્ટ આવી શકે છે."
ધીમંત પુરોહિત કહે છે કે પણ આખી આ વાત શરતોને આધીન છે, કેમ કે હાર્દિક પટેલની નિમણૂક પછી કૉંગ્રેસનાં અલગઅલગ જૂથોમાંથી જે પ્રતિભાવ આવવો જોઈએ એ આવ્યો નથી.
વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સ વિભાગના પ્રોફેસર અમિત ધોળકિયા કહે છે કે હાર્દિક સામે જે કેસ ચાલી રહ્યા છે એ જોતાં સરકાર તેને વધુમાં વધુ ગૂંચવી શકે છે, આથી કૉંગ્રેસ માટે તેમને તેમાંથી ઝડપથી બહાર લાવવા એ પણ બહુ જરૂરી છે.

હાર્દિક પટેલ જ કેમ?

ઇમેજ સ્રોત, Hardikpatel/fb
રાજકીય વિશ્લેષકો અનુસાર ગુજરાતમાં હાલના સમયમાં કૉંગ્રેસમાં નેતૃત્વનો અભાવ છે.
ધીમંત પુરોહિત કહે છે, "અત્યાર સુધી ગુજરાતમાં બધા જ મોટા નેતાઓએ કૉંગ્રેસને વધુમાં વધુ નીચા લઈ જવાનું કામ કર્યું છે. કૉંગ્રેસ પાસે અત્યારે ગુજરાતમાં પેટાચૂંટણી, કૉર્પોરેશન ચૂંટણી અને પછી આગામી વિધાનસભા ચૂંટણી માટે નેતૃત્વની પસંદગીનો વિકલ્પ લગભગ શૂન્યવત્ છે."
"હાર્દિક પટેલે એક સમયે પાટીદાર આંદોલન દ્વારા ગુજરાતમાં એક હવા ઊભી કરી હતી. ભાજપની સામે એક પડકાર ઊભો કર્યો હતો. અત્યારના સમયમાં ગુજરાત ભાજપમાં પણ નેતૃત્વનો શૂન્યાવકાશ છે."
હરિ દેસાઈ કહે છે કે "રાષ્ટ્રીયકક્ષાએ સત્તામાં બહુ લાંબો સમય રહ્યા પછી અને રાજ્યમાં પણ છેલ્લાં 22-25 વર્ષથી કૉંગ્રેસ સત્તામાં નથી. કૉંગ્રેસમાંથી હિજરત થઈ રહી છે, સત્તા સાથે જોડાવવા માટેની લાલચ કૉંગ્રેસના નેતાઓમાં વધારે જોવા મળે છે. એ સંજોગમાં હાર્દિક પટેલ જેવો આક્રમક ચહેરો, જેમને જો કૉંગ્રેસે હોદ્દો ન આપ્યો હોત તો હાર્દિક પટેલ મારી દૃષ્ટિએ આપ (આમ આદમી પાર્ટી)માં જતા રહ્યા હોત, કેમ કે 'આપ'ના અરવિંદ કેજરીવાલ તેમને પક્ષમાં લેવાની કોશિશમાં જરૂર હતા."
દેસાઈ વધુમાં કહે છે કે "હાર્દિક પટેલને રાજકીય રીતે ખતમ કરવા, એમની વગ ખતમ કરવા એમના બધા સાથીઓને તોડીફોડીને, લાલચ આપીને, તેમની સામે કેસો કરીને, હાર્દિક સામે જિલ્લાબંધી ફરમાવી સહિત અનેક કેસ કર્યા હોવા છતાં હાર્દિક પટેલ દબાયા નથી."
એવું પણ માનવામાં આવે છે કે ગુજરાત કૉંગ્રેસમાં સિનિયર અને જુનિયર નેતા વચ્ચે આંતરિક ખેંચતાણ પણ સર્જાઈ શકે છે.
દીપલ ત્રિવેદી કહે છે, "છેલ્લા ઘણા સમયથી ગુજરાત કૉંગ્રેસના સંગઠનમાં ઘણા નેતા હતા, પણ લીડરશિપનો શૂન્યાવકાશ હતો. હાઈકમાન્ડે હાર્દિક પટેલનું ઑપરેશન સિક્રેટ રાખ્યું અને અહીંના લીડરોને પણ ખબર નહોતી. આ રાહુલ ગાંધીનું ડાયરેક્ટ ઍક્શન લાગે છે."
"ગુજરાત કૉંગ્રેસનો રેકર્ડ એવો રહ્યો છે કે ભાજપ સામે લડવાને બદલે અંદરોઅંદર લડ્યા કરે છે. કૉંગ્રેસમાં જો તમે નવું લોહી લાવો, યુવા લોહી લાવો તો સિનિયર અને યુવા વચ્ચેની લડાઈ રાજસ્થાન, મધ્ય પ્રદેશની જેમ ગુજરાતમાં પણ હતી. પણ મૂળભૂત રીતે ગુજરાત કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓએ યુવા નેતૃત્વને વિકસિત કરવાની તક આપી જ નથી."
વડોદરાની એમએસ યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ વિભાગના પ્રોફેસર અમિત ધોળકિયા કહે છે કે "મને લાગે છે કે કૉંગ્રેસ પક્ષે આ એક જુગાર ખેલ્યો છે. તેમાં બે-ચાર કારણ છે. એક તો હાર્દિક પટેલ યુવાન છે, યુવાવર્ગને આકર્ષી શકે છે, સારા અને નિર્ભિક વક્તા પણ છે, જે કહેવું હોય એ લોકોને સારી રીતે સમજાય એ રીતે કહી શકે છે."

કૉંગ્રેસમાં હાર્દિક પટેલ પોતાને પુરવાર કરી શકશે?

ઇમેજ સ્રોત, Getty Images
દીપલ ત્રિવેદી કહે છે હાર્દિક કૉંગ્રેસમાં તો જોડાઈ ગયા પણ તેમની સામે કેસો હોવાથી તેઓ ચૂંટણી લડી શકે તેમ નથી.
"એક એવી પણ વાત છે કે કૉંગ્રેસને હાર્દિક પટેલે પાર્ટી છોડી દેવાની વાત કરી હતી, પણ મારી હાર્દિક પટેલ સાથે આ મામલે વાત થઈ ત્યારે તેમણે એ વાતનો ઇન્કાર કર્યો હતો અને આવું કંઈ ન હોવાનું જણાવ્યું હતું. તો ગુજરાત બહારના એક સિનિયર નેતા, જે આ ઑપરેશનમાં સામેલ હતા, તેમણે પણ કહ્યું હતું કે હાર્દિકે આવું કોઈ બ્લૅકમેલિંગ કર્યું નહોતું."
તેઓ કહે છે કે હાર્દિક પટેલ એ મૂળભૂત રીતે કૉંગ્રેસી નથી, કૉંગ્રેસમાં આવ્યાને તેમને બહુ ઓછો સમય થયો છે, આથી તેનું થોડું ઘણું રીએક્શન તો આવશે જ.
'ધ વિક'ના અમદાવાદ ખાતેનાં સ્પેશિયલ સંવાદદાતા નંદિની ઓઝા કહે છે "કૉંગ્રેસે એક યંગ જનરેશનને લાવવાના રૂપમાં હાર્દિક પટેલને લાવવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ કૉંગ્રેસની સમસ્યા એ છે કે ચીમનભાઈના સમયે પણ જે લોકો કૉંગ્રેસમાં આવેલા એમને પણ જુદી દૃષ્ટિએ જોવાય છે તો હાર્દિક તો હજુ હમણાં જ આવ્યા છે. આથી કૉંગ્રેસમાં તેમનો કેટલો સ્વીકાર થાય છે એ જોવાનું રહેશે."
તેઓ જણાવે છે કે હાર્દિક પટેલ સક્ષમ પુરવાર થઈ શકે છે પણ તેમનું કોણ કેટલું માને છે એના પર ઘણો આધાર છે.
કૉંગ્રેસના સિનિયર નેતાઓની નારાજગી અંગે નંદિની ઓઝા કહે છે, "નારાજગી તો સિનિયર નેતાઓમાં રહેવાની જ છે, કારણ કે એમની અવગણના કરીને કોઈ યુવાનને મૂક્યા છે અને એવા યુવાન જેમની ઉંમર કૉંગ્રેસના ક્રાઇટેરિયા પ્રમાણે હાલ એનએસયુઆઈમાં હોવાની છે. એ નેતાગીરી કરી શકે છે, લોકોને ભેગા કરી શકે છે એ એમણે પુરવાર કર્યું છે."

પાટીદાર આંદોલનથી કાર્યકારી અધ્યક્ષ સુધી

ઇમેજ સ્રોત, Reuters
પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના સ્થાપક અને સંયોજક રહેલા હાર્દિક પટેલને વીસનગરમાં 2015માં યોજાયેલી રેલીથી લોકપ્રિયતા મળવાની શરૂઆત થઈ હતી.
ગ્રૅજ્યુએટ હાર્દિક પટેલે 2015થી 2020 સુધીમાં તેમની લોકપ્રિયતામાં ઉતાર-ચઢાવ, ટોચના નેતાઓનું આકર્ષણ, વિધાનસભાની ચૂંટણીમાં પ્રભાવશાળી કામગીરી, જેલ, તડીપારી એ બધું જોયું છે.
હાર્દિક પટેલના ટેકેદારો માને છે કે આનંદીબહેન પટેલને ગુજરાતનાં મુખ્ય મંત્રીપદેથી રાજીનામું અપાવવામાં હાર્દિક પટેલે મોટો ભાગ ભજવ્યો હતો.
2015ની 25 ઑગસ્ટે અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં અનામતની માગણી સાથે હાર્દિક પટેલે એક જાહેર રેલી યોજી હતી. એ પછી હાર્દિક પટેલનું નામ દેશભરમાં જાણીતું થયું હતું.
2019માં લોકસભાની ચૂંટણી પહેલાં હાર્દિક પટેલ ગાંધીનગર જિલ્લામાં એક રેલી દરમિયાન કૉંગ્રેસના પૂર્વાધ્યક્ષ રાહુલ ગાંધીની હાજરીમાં કૉંગ્રેસમાં જોડાયા હતા.

ગત વિધાનસભામાં કૉંગ્રેસનું પ્રદર્શન અને રાજ્યસભા ચૂંટણી

ઇમેજ સ્રોત, FACEBOOK/NARHARIAMIN & TWITTER/@BHARATSOLANKEE
2017ની વિધાનસભા ચૂંટણી દરમિયાન પાટીદાર અનામત આંદોલન, પાકવીમો, પાણી જેવા મુદ્દાઓએ ગુજરાતમાં ભાજપને નુકસાન કર્યું હતું.
2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કૉંગ્રેસ અગાઉ કરતાં સારું પ્રદર્શન કર્યું હતું.
2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 99 બેઠક મળી હતી અને કૉંગ્રેસે 77 બેઠક જીતી હતી.
પ્રોફેસર અમિત ધોળકિયા બીબીસી સાથે વાત કરતા કહે છે કે 2017ની વિધાનસભાની ચૂંટણીમાં બેઠકમાં વધારો કર્યો હતો, તેની પાછળ હાર્દિક પટેલ અને પાટીદાર ફૅક્ટરે પણ મોટો ભાગ ભજવ્યો હતો.
જોકે 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. ભાજપે આ વખતે પણ ગુજરાતમાં 26માંથી 26 બેઠકો મેળવી હતી.
તાજેતરમાં ગુજરાતમાં યોજાયેલી રાજ્યસભાની ચાર બેઠકની ચૂંટણી પહેલાં પણ કૉંગ્રેસમાંથી ધારાસભ્યોનાં રાજીનામાંનો સિલસિલો શરૂ થયો હતો.
ચૂંટણી અગાઉ કૉંગ્રેસના આઠ ધારાસભ્યોએ કૉંગ્રેસ પાર્ટી છોડી દીધી હતી.
રાજ્યસભાની ચાર બેઠકમાંથી ભાજપના ત્રણ ઉમેદવાર વિજેતા થયા હતા, જ્યારે કૉંગ્રેસના શક્તિસિંહ ગોહિલનો વિજય થયો છે અને ભરતસિંહ સોલંકી પરાજિત થયા હતા.
રાજકીય નિષ્ણાતો અનુસાર હાર્દિક પટેલને કારણે ગુજરાતમાં પાટીદાર મતોને અંકે કરવામાં કૉંગ્રેસ કેટલેક અંશે સફળ થઈ શકે છે.
અમિત ધોળકિયા કહે છે કે ખેડૂતોની સમસ્યાને લઈને હંમેશાં હાર્દિક વાત કરતા રહ્યા છે. આથી હાર્દિકના આવવાથી એક ફાયદો થઈ શકે કે ખેડૂતોના જે પ્રશ્નો છે એને વધુ વાચા મળી શકે.
"કૉંગ્રેસને હાલના સમયમાં કંઈ ગુમાવવાનું નથી એટલે હાર્દિકથી આગામી ચૂંટણીમાં ફાયદો પણ થઈ શકે છે. કૉંગ્રેસમાં આંતરિક જૂથબંધીને કારણે બીજી કોઈ નેતાગીરી દેખાતી પણ નથી. પણ સવાલ એ છે કે હાર્દિકને કેટલો સપોર્ટ મળે છે. આથી જો તેને છૂટોદોર નહીં આપવામાં આવે તો તેની પાસે જે અપેક્ષા છે એ કદાચ પૂરી ન પણ કરી શકે."

ઇમેજ સ્રોત, MohFW, GoI

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












