બર્ફિલા પર્વતોમાંથી પાંચ દાયકા જૂનાં ભારતીય અખબારો મળ્યાં, અનેક રહસ્યો

ઇમેજ સ્રોત, AFP
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ફ્રાન્સની આલ્પસ પર્વતશૃંખલામાં બરફ પીગળતાં, ભારતીય અખબારો નીકળી આવ્યાં છે. એના પરની તારીખ તથા તેના સમાચારે અનેક જૂની કહાણીઓ તથા 'ષડ્યંત્રની સંભાવના'ની કહાણીઓ ઉપરની ધૂળ ખંખેરી છે.
ચૌમોનિક્સ સ્કી રિસોર્ટ વિસ્તારમાં રેસ્ટોરાં ચલાવનારા ટીમોથી મોટીને આ અખબાર સૌ પહેલાં જોયાં.
આ અખબારનો સીધો સંબંધ ઍર ઇન્ડિયાના 'કાંચનજંઘા' વિમાન સાથે હોવાનું માનવામાં આવે છે.
તા. 24 જાન્યુઆરી 1966 ઍર ઇન્ડિયાનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું, જેમાં 117 પેસેન્જર મૃત્યુ પામ્યાં હતાં.
એ દુર્ઘટનામાં ભારતના પરમાણુ વિજ્ઞાની હોમી ભાભાનું મૃત્યુ થયું હતું અને ભારતના પરમાણુ કાર્યક્રમને આંચકો લાગ્યો હતો. એ દુર્ઘટના પાછળ અનેક આશંકા વ્યક્ત કરવામાં આવે છે.

ઇમેજ સ્રોત, Empics
શું છે અખબારમાં?

ઇમેજ સ્રોત, TIFR
ટીમોથીએ ન્યૂઝ એજન્સી એ.એફ.પી. (એજન્સી ફ્રાન્સ પ્રેસ)ને જણાવ્યું, "હાલ અખબાર સારી સ્થિતિમાં છે, તેને સૂકવવા માટે મૂક્યાં છે, પરંતુ આપ એને વાંચી શકો છો."
ટીમોથીને 'નેશનલ હેરાલ્ડ' તથા 'ઇકૉનૉમિક ટાઇમ્સ'ની નકલો મળી છે. ટીમોથીના કહેવા પ્રમાણે, તેઓ આ અખબારને તેમની રેસ્ટોરાંમાં પ્રદર્શન અર્થે મૂકશે.
અખબારના 'નેશનલ હેરાલ્ડ'ના પહેલા પાને 'ઇન્દિરા ગાંધી પક્ષનાં નેતા ચૂંટાયા'નું મથાળું છે, જ્યારે અન્ય સમાચારમાં 'દેશનાં પ્રથમ મહિલા વડા પ્રધાન' એવા બીજા અહેવાલ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે દુર્ઘટનાસ્થળેથી મળેલી અનેક ચીજો પ્રદર્શન અર્થ મૂકી છે. જેમાં પન્ના, નીલમ તથા માણેક ભરેલું બૉક્સ પણ સામેલ છે. વર્ષ 2013માં તેની કિંમત એક લાખ 47 હજાર ડૉલરથી બે લાખ 79 હજાર ડૉલર વચ્ચેની અંદાજવામાં આવી હતી.
ભાભાના મૃત્યુ અને ષડયંત્રની કહાણીઓ

ઇમેજ સ્રોત, AFP
1966માં મૃત્યુ થયું તેના ગણતરીના મહિના પહેલાં હોમી જહાંગીર ભાભાએ 'ઑલ ઇન્ડિયા રેડિયો' ઉપરથી કહ્યું હતું કે 'જો મંજૂરી મળે તો દેશ 18 મહિનાની અંદર અણુબૉમ્બ બનાવી શકે છે.'
ભાભા ઇચ્છતા હતા કે દેશ પાસે કૃષિ, ઊર્જા તથા તબીબીક્ષેત્રના ઉપયોગ માટે અણુ કૌશલ્ય હોવું જોઈએ અને તેના સાથે સૈન્યક્ષમતા પણ કેળવવી જોઈએ.
આ સંદર્ભનો એક અહેવાલ અંગ્રેજી અખબાર 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'માં પ્રકાશિત થયો છે.
અમેરિકાની ગુપ્તચર સંસ્થાના સી.આઈ.એ. (સૅન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સી)ના એજન્ટ રૉબર્ટ ક્રાઉલીએ પત્રકાર ગ્રૅગરી ડગલસ સાથે વાતચીતમાં એ વાતના અણસાર આપ્યા હતા કે એ દુર્ઘટનામાં સી.આઈ.એનો હાથ હતો.
"આપ જાણતા હશો કે 1960ના દાયકામાં આપણી (અમેરિકા) અને ભારતની વચ્ચે તણાવભર્યા સંબંધ પ્રવર્તતા હતા, ભારતે અણુબૉમ્બ બનાવવાની શરૂઆત કરી હતી.....અને તેઓ રશિયા સાથે સુંવાળા સંબંધ ધરાવતા હતા."
હોમી ભાભાના સંદર્ભમાં તેઓ કહે છે, "મારું માનો તો તે (ભાભા) બહુ ખતરનાક હતો. તેનું અકસ્માતે મૃત્યુ થયું. વધુ સમસ્યા ઊભી કરવા માટે તે વિયેના જઈ રહ્યો હતો ત્યારે બૉઇંગ 707 વિમાનનો કાર્ગો વિસ્તારમાં ધડાકો થયો."
ભાભાનું મૃત્યુ થયું તેના લગભગ એક પખવાડિયા પહેલાં 11મી જાન્યુઆરીના દિવસે તત્કાલીન યુ.એસ.એસ.આર.ના તાશ્કંદમાં તત્કાલીન વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીનું સંદેહાસ્પદ રીતે મૃત્યુ થયું હતું તેમના મૃત્યુના વિશે પણ અનેક પ્રકારની થિયરી પ્રવર્તે છે.
આ દુર્ઘટનાને કારણે ભારતના અણુકાર્યક્રમને આંચકો લાગ્યો અને 18મી મે, 1974ના દિવસે ભારતે અણુપરીક્ષણ કરીને પોતાની શક્તિનો પરીચ આપ્યો.
24 વર્ષ પછી ફરી એક વખત ભારતે રાજસ્થાનના પોખરણ વિસ્તારમાં અણુ ધડાકા કર્યા.
ઇન્દિરાની યાદ તાજી કરાવી

ઇમેજ સ્રોત, Getty Images
24 જાન્યુઆરી 1966ના દિવસે ઇન્દિરા પ્રથમ વખત વડાં પ્રધાન બન્યાં.
ભારતના પ્રથમ વડા પ્રધાન જવાહરલાલ નહેરુના પુત્રી ઇન્દિરા ગાંધી 15 વર્ષ સુધી ભારતનાં વડાં પ્રધાનપદે રહ્યાં. તેમણે 1966થી 1977 એમ 11 વર્ષ સુધી વડાં પ્રધાનનું પદ સંભાળ્યું, જેમાં 1975થી 1977 દરમિયાન તેમણે દેશ ઉપર કટોકટી લાદી હતી.
ત્રણ વર્ષ સુધી સત્તાથી વંચિત રહ્યા બાદ જાન્યુઆરી-1980માં તેઓ ફરી એક વખત ભારતનાં વડાં પ્રધાન બન્યાં. પંજાબમાં શીખ ઉગ્રપંથીઓ ઉપર કાબૂ મેળવવા માટે તેમણે 'ઑપરેશન બ્લૂસ્ટાર' હાથ ધર્યું.
આથી, નારાજ તેમના જ બે શીખ સુરક્ષાકર્મીઓએ ગોળી મારીને તેમની હત્યા નીપજાવી હતી.
ઇન્દિરા આજની તારીખે ભારતના પ્રથમ તથા એકમાત્ર મહિલા વડાં પ્રધાન છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












