ધારાવી : કોરોના વાઇરસને એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીએ કઈ રીતે રોક્યો?

કામની રાહ જોતાં મહિલાઓ

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, કામની રાહ જોતાં મહિલાઓ
    • લેેખક, મયંક ભાગવત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી ધારાવીએ કરી બતાવ્યું છે કે આપણે કોરોના સામેનું યુદ્ધ જીતી શકીએ છીએ.

ધારાવી બે મહિના પહેલાં દેશમાં કોરોના 'હૉટસ્પૉટ' તરીકે જાણીતું હતું, પરંતુ આ ઝૂંપડપટ્ટીએ કોવિડનો સફળતાપૂર્વક સામનો કર્યા પછી 'ધારાવી મૉડલ' દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.

'મિશન ધારાવી' એ જીત મેળવી છે. તેના માટે પાલિકા, સામાજિક સંસ્થાઓ, પોલીસ અને ડૉક્ટરોને શ્રેય જાય છે.

એપ્રિલ-મે દરમિયાન મુંબઈમાં કોરોના વાઇરસ ફેલાવવા લાગ્યો હતો. ધારાવીમાં દરરોજ કોવિડ-19ના 60, 80 અથવા ક્યારેક 100 કેસ નોંધાતા હતા.

પરંતુ યોગ્ય પગલાં લીધાં બાદ હવે ધારાવીમાં સિંગલ ડિજિટના કોરોના કેસ નોંધાય છે.

7 જુલાઈ, મંગળવારે ધારાવીમાં એક જ કોરોનાનો ચેપગ્રસ્ત દર્દી મળી આવ્યો હતો. કોરોના કેસનો ડબલિંગ રેટ લગભગ 430 દિવસનો છે.

ધારાવી : જુલાઈમાં દર્દીઓના આંકડા

  • 1 જુલાઈ- 14
  • 2 જુલાઈ- 19
  • 3 જુલાઈ- 08
  • 4 જુલાઈ- 02
  • 5 જુલાઈ- 12
  • 6 જુલાઈ- 11
  • 7 જુલાઈ- 01
  • 8 જુલાઈ- 03
line

ધારાવીની સફળતાનું કારણ શું છે?

ધારાવીમાં સાંકડી ગલીઓમાં ઘરો પાસપાસે આવેલાં છે

ઇમેજ સ્રોત, GETTY IMAGES

ઇમેજ કૅપ્શન, ધારાવીમાં સાંકડી ગલીઓમાં ઘરો પાસપાસે આવેલાં છે

ધારાવીમાં 2.5 વર્ગ કિલોમીટર વિસ્તારમાં 9 લાખથી વધુ લોકો રહે છે. આવી મુશ્કેલીવાળી સાંકડી જગ્યામાં તેઓએ કોરોનાને કેવી રીતે હરાવ્યો?

મહાપાલિકાના (બીએમસી)ના ડેપ્યુટી કમિશનર કિરણ દીઘાવકરે જણાવ્યું હતું કે "ધારાવીમાં કોરોનાના ચેપ વધતો રોકવામાં ત્રણ પરિબળોએ મહત્ત્વની ભૂમિકા નિભાવી છે."

"વધુ અને વધુ પરીક્ષણો, દરેક ઘરની મુલાકાત લઈને લોકોનું પરીક્ષણ અને હૉસ્પિટલ અથવા ક્વૉરેન્ટીન સેન્ટરમાં શંકાસ્પદ દર્દીને અલગ પાડવા."

દીઘાવકરે વધુમાં ઉમેર્યું કે "ધારાવીમાં ઘરો એકદમ નાના વિસ્તારમાં એકબીજા સાથે આવેલાં છે. એક ઘરમાં 10 લોકો રહે છે. તેથી ધારાવીમાં સોશિયલ ડિસ્ટન્સિંગ શક્ય નથી."

"મકાનો નાનાં હોવાને લીધે હોમ ક્વૉરેન્ટીનનો પણ સવાલ હતો. શંકાસ્પદ વ્યક્તિઓને જુદા કરીને તેમને ઘરમાંથી કાઢીને સંસ્થાકીય ક્વૉરેન્ટીન સેન્ટરમાં રાખવામાં આવ્યા."

"લોકો ડૉક્ટરો પાસે આવે તેની રાહ જોયા વિના ડૉક્ટરો દરેક ઘરે ગયા અને કેસની ઓળખ કરી. આ ધારાવીના કેસોની સંખ્યાને ઘટાડવાનો મહત્ત્વનો મુદ્દો બની ગયો."

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, MAYANKBHAGWAT

કોરોનાનો ધારાવીમાં પ્રવેશ એ દરેક માટે ખતરાની ઘંટી સમાન હતું. જો આ ગીચ વિસ્તારના લોકોને ચેપ લાગ્યો હોત અને તે કોઈ સમુદાયમાં ફેલાયો હોત તો પરિસ્થિતિ કાબૂમાંથી બહાર થઈ હોત.

તેથી વહીવટીતંત્રે ધારાવી પર ધ્યાન કેન્દ્રિત કર્યું. કોરોના તીવ્રતાથી ફેલાય છે, તેથી ધારાવીમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થવા લાગ્યો. પણ જૂન મહિના પછી ધારાવીમાં કોરોના નિયંત્રણમાં આવી ગયો.

આઈપીએસ અધિકારી નિયતિ ઠાકર-દવે મુંબઈના ઝોન-5નાં ડેપ્યુટી પોલીસ કમિશનર હતાં અને ધારાવી તેમના અધિકારક્ષેત્રમાં આવતો હતો.

તેમણે બીબીસી મરાઠી સાથે વાતચીતમાં જણાવ્યું કે કેવી રીતે ધારાવીએ કોવિડ-19 સામે લડત ચલાવી.

"ધારાવીમાં યુવાઓની વસ્તી મોટી છે. આ યુવાઓને માસ્કનો ઉપયોગ કરવા અને વારંવાર હાથ ધોવાના મહત્ત્વ વિશે જાગૃત કરવામાં આવ્યા હતા. તેઓએ આ સાવચેતીઓનું પાલન કર્યું."

"મને લાગે છે કે ધારાવીમાં લોકો કોવિડ-19 સામે આંશિક રીતે પ્રતિરક્ષક બની ગયા હશે. તેથી કોરોના ચેપગ્રસ્ત દર્દીઓની સંખ્યા નિયંત્રણમાં આવી છે."

નિયતિ ઠાકર-દવેએ ઉમેર્યું, "ધારાવીમાં કોરોના કેસમાં ઘટાડો થવા પાછળ મજૂરોનું વતન સ્થળાંતર પણ એક મહત્ત્વપૂર્ણ પરિબળ છે."

"મારા અનુમાન મુજબ, આશરે 2 લાખ લોકો પરિવહનનાં વિવિધ માધ્યમોથી તેમનાં ગામોમાં પાછા ફર્યા છે. આનાથી ધારાવીમાં વસ્તી ઓછી થઈ અને તેનો ફાયદો પણ થયો."

નાયબ પોલીસ કમિશનર નિયતિ ઠાકર-દવે હવે કેન્દ્ર સરકાર સાથે ડેપ્યુટેશન પર કામ કરી રહ્યાં છે.

ધારાવીની વર્તમાન પરિસ્થિતિ

  • કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા- 2335
  • ડિસ્ચાર્જ - 1723
  • ઍક્ટિવ કેસ - 352
  • 11 હજારથી વધુ લોકો સંસ્થાકીય ક્વૉરેન્ટીન
  • ડબલિંગ રેટ- 430 દિવસ

(સ્રોત- બીએમસી)

કિરણ દીઘાવકર કહે છે, "જૂન અને જુલાઈમાં ધારાવીમાં કોરોનાના દર્દીઓનો વૃદ્ધિદર અનુક્રમે 0.83 અને 0.38 ટકા હતો. જુલાઈમાં વરસાદને ધ્યાનમાં રાખીને તાવશિબિરો કાર્યરત્ રહેશે."

"ધારાવી પણ ધીમેધીમે શરૂ થવા લાગી છે. નાનાં કારખાનાંઓ ખૂલી ગયાં છે, તેમ છતાં કોરોનાના કેસની સંખ્યા વધી નથી."

line

ધારાવીમાં કોરોના સંબંધિત આંકડા

ધારાવીમાં સાંકડી ગલીઓમાં ઘરો પાસપાસે આવેલાં છે

ઇમેજ સ્રોત, MAYANKBHAGWAT

મુંબઈનાં મેયર કિશોરી પેડનેકરે કહ્યું, "ધારાવીમાં લોકો જાહેર શૌચાલયોનો ઉપયોગ કરે છે. તેથી એ નક્કી કરવામાં આવ્યું હતું કે કોવિડ સામેની લડતના ભાગરૂપે જાહેર શૌચાલયોની નિયમિતપણે સફાઈ કરવામાં આવે."

"નાગરિકોએ વહીવટતંત્રને સારી રીતે સહકાર આપ્યો. લોકો સ્વચ્છતાનું મહત્ત્વ સમજી ગયા. લોકજાગૃતિથી હજારો લોકો આ લડતમાં સામેલ થયા હતા."

ધારાવીની સફળતામાં ડૉક્ટરોનો સિંહફાળો છે. ધારાવીમાં લગભગ 350 ખાનગી તબીબો છે. તેમાંના એક 60 વર્ષીય ડૉ. અનિલ પાચનેકર છે.

ડૉ. પાચનેકર માર્ચ મહિનાથી તેમના ક્લિનિકમાં દર્દીઓની સારવાર કરી રહ્યા છે.

બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું કે, "પ્રથમ તબક્કામાં ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યો હતો."

"બીજા તબક્કામાં શંકાસ્પદ દર્દીઓને અલગ રાખવામાં આવ્યા હતા, ત્રીજા તબક્કામાં ડૉક્ટરોએ તેમનું ક્લિનિક ખોલ્યું અને શંકાસ્પદ દર્દીઓની ઓળખ કરી. આથી ધારાવીએ બતાવ્યું કે અમે કોરોનાને હરાવી શકીએ છીએ."

ડૉ. પાચનેકર કહે છે, "લોકો તાવ, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ લઈને અમારી પાસે આવે છે."

"અમે તેમનું નિરીક્ષણ કરીએ છીએ અને પાલિકાને જાણ કરીએ છીએ. ધારાવીમાં એક જ શૌચાલયનો ઉપયોગ લગભગ 1200થી 1400 લોકો કરે છે. તેથી, અમે પાલિકાને જાણ કરીને તેને સાફ રાખ્યાં."

ડૉ. પાચનેકર કહે છે, "મ્યુનિસિપલ હૉસ્પિટલ્સમાં દર્દીઓની સંખ્યા વધારે હોવાથી ભારણ ઘણું વધારે હોય છે. તો જે દર્દીઓને ડાયેરિયા કે ઊલટી થતી હોય તો તેમને સેલાઇન પર રાખવામાં આવે છે."

"તમામ ડૉક્ટરો મ્યુનિસિપલ પ્રશાસનને બને તેટલો સહકાર આપી રહ્યા છે."

માટુંગા લેબર કૅમ્પ ધારાવીમાં કોવિડ-19નું હૉટસ્પૉટ હતું.

માટુંગા લેબર કૅમ્પમાં આરોગ્યસેવા પ્રદાન કરનારા ડૉ. નવકેતન પેડનેકરે કહ્યું, "મજૂરશિબિરની પરિસ્થિતિ જોખમી હતી. દર ત્રણ ઘરમાં એક દર્દી મળી આવતો હતો."

"પરીક્ષણ માટે દરરોજ ત્રણસો દર્દીઓ આવતા હતા. પણ હાલની પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. કેસમાં ઘણો ઘટાડો થયો છે."

line

શું હર્ડ ઇમ્યુનિટી વિકસિત થઈ છે?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

શું ધારાવીના લોકોમાં હર્ડ ઇમ્યુનિટી વિકસિત થઈ છે? શું આ કેસ ઘટવા પાછળનું કારણ છે?

ડૉ. પેડનેકર કહે છે, "કેસ ઘટવા પાછળ હર્ડ ઇમ્યુનિટી એક કારણ હોઈ શકે છે. હું તેનો ઇન્કાર નથી કરતો. જે યુવાઓને કોઈ બીમારી નથી, તેઓએ કદાય રોગપ્રતિકાર શક્તિ વિકસાવી લીધી છે."

ધારાવીની પોતાની એક અલગ અર્થવ્યવસ્થા છે. અહીં ઉત્પાદિત માલ વિદેશી દેશોમાં નિકાસ થાય છે.

ધારાવીનું વાર્ષિક ટર્નઓવર અંદાજે 650 મિલિયન ડૉલરથી વધુ છે.

ધારાવીમાં પાંચ હજારથી વધુ નાનાં કારખાનાં આવેલાં છે અને 10 હજારથી વધુ ફેક્ટરીઓ એક નાના ઓરડામાંથી ચલાવવામાં આવે છે.

line

ધારાવીમાં ફરી હલચલ શરૂ થઈ છે

ધારાવી

ઇમેજ સ્રોત, MAYANKBHAGWAT

ત્રણ મહિનાના લૉકડાઉન દરમિયાન ધારાવીમાં આર્થિક પ્રવૃત્તિઓ સંપૂર્ણ સ્થગિત થઈ ગઈ હતી. કારખાનાંઓ બંધ થઈ ગયાં હતાં. કામ ન હોવાથી મજૂરો તેમનાં ગામોમાં પરત ફર્યા હતા.

ત્રણ મહિના પછી ધારાવી ફરીથી પાટા પર આવવાનો પ્રયાસ કરી રહી છે. રસ્તા પર લોકો જોવા મળી રહ્યા છે. દુકાનો આંતરે દિવસે ખોલવામાં આવે છે. ચામડાં, બ્રોકેડ અને કપડાંની ફેક્ટરીઓ ફરીથી કાર્યરત્ થવા લાગી છે.

પરંતુ સ્થાનિકોનું માનવું છે કે ધારાવીને ફરીથી ધમધમતી થવામાં થોડો સમય લાગશે.

ધારાવીના એક સામાજિક કાર્યકર ગણેશ સોનવણે કહે છે, "ધારાવીને ફરીથી ધમધમતી થવામાં કેટલાક મહિના લાગશે. કારખાનાંઓ ખૂલ્યાં છે, પરંતુ મજૂરો નથી. માલ તૈયાર છે, પરંતુ વેચાણ નથી."

"ડરને કારણે કોઈ ધારાવીના લોકોને નોકરી આપવા તૈયાર નથી. જ્યાં સુધી આ સ્થિતિ નહીં બદલાય ત્યાં સુધી ધારાવી ફરીથી તેના પગ પર ઊભી રહેવામાં સક્ષમ નહીં થાય."

line

રાખડી બનાવનારાઓને નુકસાન

ધારાવી

ઇમેજ સ્રોત, MAYANKBHAGWAT

ધારાવીમાં રાખડીનું બજાર મોટું છે. એક સમયે અહીંથી મુંબઈની બહાર અને શહેરમાંથી રાખડીઓ ખરીદનારાઓની ભીડ જામતી.

પરંતુ કોરોનાને કારણે રાખડી બજાર તેનું આકર્ષણ ગુમાવી ચૂક્યું છે. રાખડીઓની દુકાનો ખોલવામાં આવી છે, પરંતુ નવ દિવસ બાદ પણ સામાન્ય વેચાણ થયું નથી, એવી ઉત્પાદકોની ફરિયાદ છે.

62 વર્ષીય અયોધ્યા પ્રસાદ છેલ્લાં 40 વર્ષથી ધારાવીમાં ધંધો કરે છે.

તેમણે બીબીસીને કહ્યું, "બહારનો ધંધો માત્ર એક દિવસનો હોય છે. રક્ષાબંધનથી પહેલાં અમારી સિઝન શરૂ થાય છે, પરંતુ કોરોનાએ બધું નાશ કરી નાખ્યું."

"એક સમયે આ ધંધામાં 200 કરોડ રૂપિયાનું ટર્નઓવર થયું હતું, પરંતુ આ વર્ષે કંઈ થશે નહીં. ભયનું બીજું નામ ધારાવી છે. આથી વેપારીઓ આવશે નહીં અને ખરીદી કરશે નહીં."

રાખી બજારમાં વેપારીઓને મુશ્કેલીનો સામનો કરતા જોયા છે. લોકો આવીને રાખડીઓ ખરીદશે તેવી આશા સાથે દુકાનો ખોલાઈ છે, પરંતુ ત્યાં કોઈ ગ્રાહક નથી.

28 વર્ષીય સંદીપ પટવા કહે છે, "હું સવારે દુકાન ખોલું છું. છેલ્લા 10 દિવસથી આ ચાલુ છે. હું આખો દિવસ દુકાન ખુલ્લી રાખું છું, પરંતુ બોણી પણ થઈ નથી. કોઈ પણ ધારાવી પાસેથી માલ ખરીદવા તૈયાર નથી."

"આ સિઝન વિનાશકારી હોય તેવું લાગે છે. અમારા મજૂર પાછા તેમના વતનમાં ગયા છે. હવે અમારા પરિવારના સભ્યોએ અમારી દુકાનમાં કામ કરવું પડશે."

"અમારી એકમાત્ર આશા છે કે લોકો કમસે કમ રક્ષાબંધનના દિવસે આવશે અને અમે કંઈક કમાઈશું."

સંદીપ કહે છે, "ચાર-પાંચ લોકો રાખડી બનાવવાનું કામ કરે છે. કોરોના એક ચેપી રોગ છે. તેથી કોઈ કામ કરવા તૈયાર નથી. બધા ભયભીત છે. મારા બે ભાઈ મને મદદ કરી રહ્યા છે."

અશોક કુમારની પણ આવી જ કહાણી છે. દુકાન ખૂલી છે, રાખડીઓ તૈયાર છે. માલ ડિલિવરી માટે બોક્સમાં ભરેલો છે, પરંતુ ગ્રાહકો ક્યાં છે?

અશોક કુમાર કહે છે, "પહેલાં અમારો ચાનો રોજનો હજાર રૂપિયાનો ખર્ચ થતો હતો. કોરોનાનું સંકટ આવતાં અમારી રોજની કમાણી 700 રૂપિયા થઈ છે. મજૂરોને આપવા માટે અમારી પાસે પૈસા નથી."

"રક્ષાબંધન ઑગસ્ટમાં છે, પણ લોકો એકબીજાની મુલાકાત લઈ નહીં શકે. તેઓ તહેવારની ઉજવણી નહીં કરે. તો પછી રાખડીઓ કોણ ખરીદશે? અમે થોડા દિવસ વધુ રાહ જોઈશું અથવા દુકાન બંધ કરીને અમારા ગામમાં પાછા જઈશું."

line

ધારાવીમાં ચર્મઉદ્યોગ

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

ધારાવીનો ચામડાનો ઉદ્યોગ દુનિયાભરમાં પ્રખ્યાત છે. ધારાવીમાં ઉત્પાદિત માલની યુરોપ અને અખાતના દેશોમાં સારી માગ છે.

પણ આ વર્ષે યુરોપ સુધી કોરોનાસંકટ હોવાને કારણે ધારાવીનો ચર્મઉદ્યોગ પણ ધીમી ગતિના સંકટનો સામનો કરી રહ્યો છે.

ધારાવીમાં ચર્મઉદ્યોગનું અંદાજે ટર્નઓવર 2000 કરોડ રૂપિયા છે.

આંતરરાષ્ટ્રીય ફૂટ-પ્રિન્ટ કંપનીના મોહન ગજકોશ કહે છે, "ચામડાની ચીજોની યુરોપમાં ભારે માગ છે, પરંતુ આ વર્ષે યુરોપ પણ ગંભીર રીતે કોરોનાનો સામનો કરી રહ્યું છે. તેથી, હાલમાં અમારી પાસે વિદેશથી એક પણ ઑર્ડર નથી."

"અમે ફેક્ટરી ફરીથી ખોલી છે, પરંતુ અમે ફક્ત નમૂના આપવા માટે જ માલનું ઉત્પાદન કરી રહ્યા છીએ."

મોહન કહે છે, "ત્રણ મહિનાથી કોઈ કામ ન હોવાથી કામદારો ડરના માર્યા ચાલ્યા ગયા છે. ધારાવીમાં સંક્રમણ ઘણું ઓછું થઈ ગયું છે. તેથી, કામદારો ધીમેધીમે પાછા આવી શકે છે. અત્યારે 30 ટકા કર્મચારી કામ કરી રહ્યા છે. ધંધાને સામાન્ય ગતિ મેળવવામાં એક વર્ષ લાગશે."

મોહને માસ્ક મૅન્યુફૅક્ચરિંગનો પૂરક વ્યવસાય પણ શરૂ કર્યો છે. તેઓ કહે છે, "માસ્કના ઉત્પાદનથી અમારા મજૂરોને કામ મળ્યું છે અને તે સમયની જરૂરિયાત પણ છે."

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો