કોરોના : જો વાઇરસ ન હોત તો માણસ ઈંડાં મૂકતો હોત

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રૈચેલ નુવર
- પદ, બીબીસી ફ્યૂચર
હાલમાં આખી દુનિયા કોવિડ-19 મહામારીની ઝપેટમાં આવી ગઈ છે, તેના માટે એક નવો વાઇરસ જવાબદાર છે. આ નવા કોરોના વાઇરસને SARS CoV-2 એવું નામ આપવામાં આવ્યું છે.
માનવજાત ઉપર કેર વર્તાવનાર કોરોના પહેલો વાઇરસ નથી. આ પહેલાં 1918માં ઇન્ફ્લુએન્ઝા વાઇરસે કોપ વર્તાવ્યો હતો, જેમાં 5થી 10 કરોડ લોકો મૃત્યુ પામ્યાં હતાં. 20મી સદી દરમિયાન શીતળાને કારણે ઓછાંમાં ઓછાં 20 લાખ લોકોનાં મૃત્યુ થયાં હતાં.
આ બધું જાણીને એવું લાગે કે વાઇરસ આપણાં માટે ખૂબ જ જોખમી છે અને તેને ધરતી ઉપરથી સમાપ્ત કરી દેવા જોઈએ. આપણને કોઈ જાદુઈ લાકડી મળે અને તે ફરતાની સાથે જ ધરતી ઉપરથી તમામ વિષાણુનો નાશ થઈ જાય, એવો વિચાર પણ કોઈને આવે.
પરંતુ, ધરતી ઉપરથી વાઇરસનો સફાયો કરવાનો વિચાર કરતાં પહેલાં સાવધ થવા જેવું ખરું. જો એવું થયું તો આપણે પણ જીવી નહીં શકીએ. વાઇરસ વગર માનવજાત જ નહીં, પરંતુ પૃથ્વી પરનો કોઈપણ જીવ જીવી ન શકે.
અમેરિકાની વિસ્કૉન્સિન-મેડિસિન યુનિવર્સિટી ખાતે મહામારીના નિષ્ણાત ટોની ગોલ્ડબર્ગના કહેવા પ્રમાણે, "જો પૃથ્વી ઉપરથી તમામ વાઇરસ નાબૂદ થઈ જાય, તો પૃથ્વી પરના તમામ જીવોને મરવામાં માત્ર એક કે દોઢ દિવસનો સમય લાગે."
"જીવન ચલાવવા માટે વાઇરસ જરૂરી છે અને તેના માટે વાઇરસોની માઠી અસરોને અવગણવી રહી."

વાઇરસનું ગેબી વિશ્વ
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
દુનિયામાં અત્યારે કુલ કેટલા પ્રકારના વાઇરસ અસ્તિત્વ ધરાવે છે, તે અંગે આપણે નક્કરપણે કશું નથી જાણતાં, છતાં એક વાત નિશ્ચિત છે કે મોટાભાગના વાઇરસ આપણને કોઈ નુકસાન નથી પહોંચાડતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હજારો વાઇસ એવા છે કે જે ધરતીની ઇકૉસિસ્ટમને ચલાવવામાં મદદરૂપ થાય છે. ચાહે તે કીડી-મંકોડા, ગાય-ભેંસ હોય કે પછી માણસ પોતે.
મેક્સિકો નેશનલ ઑટોનૉમસ યુનિવર્સિટીમાં વાઇરસ વિશેષજ્ઞ સુસાના લોપેજ શૈરેટનના કહેવા પ્રમાણે, "ધરતી ઉપર વાઇરસ કે અન્ય જીવો સંતુલિત વાતાવરણમાં રહે છે અને વાઇરસ વગર આપણે જીવી ન શકીએ."
મોટાભાગના લોકો એ વાત નથી જાણતા કે ધરતી ઉપર જીવનનું ચક્ર ચલાવવામાં વાઇરસ કેટલી મોટી ભૂમિકા ભજવે છે. તેનું મુખ્ય કારણ એ છે કે આપણે એવા વાઇરસ વિશે જ રિસર્ચ કરીએ છીએ, જેનાથી બીમારી ફેલાય છે.

ઇમેજ સ્રોત, Getty Images
જોકે, કેટલાક સાહસિક વિજ્ઞાનીઓએ વાઇરસની અજાણી દુનિયામાં ડોકિયું કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે.
હજુ સુધી આપણે અમુક હજાર વાઇરસ વિશે જ જાણીએ છીએ, વાસ્તવમાં કરોડોની સંખ્યામાં વાઇરસ અસ્તિત્વ ધરાવે છે અને તેમના વિશે આપણે કશું જાણતા નથી.
પૅન્સિલ્વેનિયા સ્ટેટ યુનિવર્સિટીના મૈરિલિ રુસિંકના કહેવા પ્રમાણે, "વિજ્ઞાન માત્ર રોગજન્ય વિષાણુઓનો જ અભ્યાસ કરે છે. આ વાત અફસોસજનક છે, પરંતુ એ જ સત્ય છે."
આપણે મોટાભાગના વાઇરસો અંગે જાણતા નથી, એટલે તે વાઇરસ ખતરનાક છે કે નહીં એના વિશે પણ માહિતી નથી મળતી.
બ્રિટિશ કૉલંબિયા યુનિવર્સિટીમાં વિષાણુ વૈજ્ઞાનિક કર્ટિસ સટલ કહે છે, "જો વાઇરસની કુલ પ્રજાતિ સાથે સરખામણી કરવામાં આવે તો, માનવજાત માટે ખતરનાક વાઇરસની સંખ્યા શૂન્ય આસપાસ આવે.

ઇકૉસિસ્ટમના કેન્દ્રમાં વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images
આપણાં માટે બૅક્ટેરિયાને સંક્રમિત કરનારા વાઇરસ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. તેને 'ફેગસ' કહેવાય છે, જેનો મતલબ ગળી જનાર એવો થાય છે.
ટોની ગોલ્ડબર્ગના કહેવા પ્રમાણે, દરિયામાં બૅક્ટેરિયાની વસતીને કાબૂમાં રાખવામાં ફેગસનો મોટો ફાળો છે. જો આ વાઇરસ ખતમ થઈ જાય તો અચાનક જ દરિયાઈ જીવસૃષ્ટિનું સંતુલન ખોરવાઈ જશે.
સમુદ્રના 90 ટકા જીવ માઇક્રૉબ એટલે કે નાના એક કોષીય જીવ છે. જે ધરતી ઉપર અડધોઅડધ ઓક્સિજન બનાવે છે. આ કામ વાઇરસ વિના શક્ય નથી. સમુદ્રના વાઇરસ અડધા બૅક્ટેરિયા તથા 20 ટકા માઇક્રૉબ્સને દરરોજ મારી નાખે છે.
જેનાથી થકી સમુદ્રમાં લીલ, શેવાળ તથા અન્ય વનસ્પતિને ખોરાક મળે છે, જેનાથી તેઓ ફોટોસિન્થેસિસની પ્રક્રિયા દ્વારા સૂર્યપ્રકાશની મદદથી ઓક્સિજન બનાવે છે, જે પૃથ્વી ઉપર જિંદગી ચલાવવામાં મદદ કરે છે.
જો વાઇરસ નાબૂદ થઈ જાય, તો દરિયા થકી પૂરતી માત્રામાં ઓક્સિજન નહીં બને અને પૃથ્વી ઉપર જીવનચક્ર ચાલી નહીં શકે.
કર્ટિસ સટલના કહેવા પ્રમાણે, "જો મોત ન હોય તો જીવન પણ શક્ય નથી, કારણ કે જિંદગી એ ધરતી ઉપર મૌજુદ તત્વોના રિસાઇક્લિંગ ઉપર આધાર રાખે છે અને આ કામ વાઇરસ કરે છે."
દુનિયામાં વસતીને નિયંત્રિત રાખવા માટે પણ વાઇરસ જરૂરી છે. જ્યારે કોઈ જીવની વસતી વધે છે, ત્યારે વાઇરસ તેની ઉપર હુમલો કરીને તેમની વસતીને કાબૂમાં રાખે છે.
જેમ કે મહામારીઓ મારફત માનવજાતની વસતી કાબૂમાં રહે છે. વાઇરસ ન હોય તો ધરતી ઉપર જીવોની સંખ્યા અનિયંત્રિત થઈ જશે અને એક જ પ્રજાતિ છવાઈ જાય અને જૈવવૈવિધ્ય નાશ પામે.

ઇમેજ સ્રોત, Getty Images
કેટલાક જીવોનું અસ્તિત્વ જ વાઇરસ ઉપર આધાર રાખે છે, જેમ કે ગાય તથા વાગોળનાર અન્ય જીવ. વાઇરસ આ જીવોને ઘાસમાં રહેલાં સેલ્યુલોઝને ખાંડમાં રૂપાંતરિત કરવામાં મદદ કરે છે. જે તેમના શરીર ઉપર માંસ વધારવામાં અને તેના દૂધ આપવામાં મદદ કરે છે.
માનવજાત તથા અન્ય જીવોમાં બૅક્ટેરિયાની વૃદ્ધિને નિયંત્રિત કરવામાં વાઇરસ ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.
અમેરિકાના વિખ્યાત યલોસ્ટોન નેશનલ પાર્કનું ઘાસ ભારે ગરમી પણ સહન કરી શકે છે, જેના માટે વાઇરસ જવાબદાર છે. રુસિંક તથા તેમની ટીમે સંશોધન દ્વારા આ વાતને સાબિત કરી દીધી છે.
હલાપેનોના બીજમાં પણ વાઇરસ હોય છે, જે છોડના રસને ચૂંસી લેતી જીવાતથી બચાવે છે. રુસિંક તથા તેમની ટીમના સંશોધન પ્રમાણે, કેટલાક છોડ તથા ફૂગ એક પેઢીમાંથી બીજી પેઢીને વાઇરસ સોંપી દે છે, જેતી કરીને તેમનું સુરક્ષાચક્ર જળવાઈ રહે. જો વાઇરસ લાભકારક ન હોત, તો છોડ આવું કરે?
માણસો માટે સુરક્ષાચક્ર

ઇમેજ સ્રોત, Science Photo Library
અનેક પ્રકારના વાઇરસનો ચેપ આપણને ચોક્કસ પ્રકારના રોગાણુથી બચાવે છે. જેમ કે, ડૅંગ્યુ માટે જવાબદાર વાઇરસનો દૂરનો સંબંધ GB વાઇરસ C આવો જ એક વાઇરસ છે, જેનાથી સંક્રમિત વ્યક્તિમાં AIDSની બીમારી ઝડપભેર નથી ફેલાતી. આ સિવાય ઇબોલાથી તેના મૃત્યુની શક્યતા પણ ઘટી જાય છે.
હર્પિઝ નામનો વાઇરસ આપણને પ્લેગ તથા લિસ્ટેરિયા જેવી બીમારીઓથી બચાવી શકે છે. જે ઉંદરને હર્પીઝનો ચેપ લાગ્યો હોય તેઓ આ બીમારીઓ માટે જવાબદાર બૅક્ટેરિયાના વાહક નથી બનતા.
વાઇરસ આપણને અનેક પ્રકારની બીમારીઓ સામે લડવાની દવા બનાવવામાં પણ મદદ કરી શકે છે. 1920માં સોવિયેટ સંઘમાં આ દિશામાં ખૂબ જ રિસર્ચ થયું. હવે ફરી એક વખત દુનિયાભરના વિજ્ઞાનીઓ એ દિશામાં સંશોધન કરવા માટે પ્રેરાયા છે.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
બૅક્ટેરિયા ધીમેધીમે ઍન્ટિબાયોટિકથી ઇમ્યુન થઈ રહ્યાં છે, એટલે આપણે ટૂંક સમયમાં તેના વિકલ્પ ખોળવા રહ્યા. વાઇરસ આ કામ કરી શકે તેમ છે. તે રોગ ફેલાવનાર બૅક્ટેરિયા કે કૅન્સરના કોશની નાબૂદીમાં મદદ કરી શકે છે.
કર્ટિસ સટલ કહે છે, "જે રીતે આપણે ગાઇડેડ મિસાઇલનો ઉપયોગ કરીએ છીએ, એવી જ રીતે આ રોગો સામે લડવામાં વાઇરસનો ઉપયોગ કરી શકીએ છીએ. જે સીધા જ નુકસાનકારક રોગાણુઓને નિશાન બનાવશે."
"તે બૅક્ટેરિયા કે કૅન્સરના કોષનો નાશ કરી દેશે. વાઇરસ દ્વારા જ તમામ પ્રકારના રોગનો ઇલાજ શોધીને આપણે નવી પેઢીની દવાઓ તૈયાર કરી શકીએ છીએ."
વાઇરસ સતત બદલાતા રહે છે, એટલે તેમની પાસે માહિતીની ખજાનો હોય છે, જે અન્ય કોશિકાઓમાં પ્રવેશ કરીને તેની જીન કૉપી કરવાની ક્ષમતાને કાબૂમાં કરી લે છે. એટલે વાઇરસનો જિનૅટિક કોડ હંમેશને માટે જે-તે જીવની કોશિકામાં પ્રવેશ મેળવી લે છે.

તો માણસો ઈંડાં મૂકતાં હોત

ઇમેજ સ્રોત, Getty Images
માણસોના આઠ ટકા જીન વાઇરસને આભારી છે. વર્ષ 2018માં વૈજ્ઞાનિકોની બે ટીમે અભ્યાસ દ્વારા શોધ કરી હતી કે કરોડો વર્ષ પૂર્વે વાઇરસ દ્વારા આપણને અમુક કોડ મળ્યા, જે આપણી યાદશક્તિને જાળવી રાખવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવે છે.
જો આજે માણસો ઈંડાં આપવાને બદલે ગર્ભધારણથી બાળકને જન્મ આપી શકે છે, તો તેના માટે પણ વાઇરસનો ચેપ જવાબદાર છે. આજથી લગભગ 13 કરોડ વર્ષ પૂર્વે આપણા પૂર્વજોમાં રેટ્રોવાઇરસનો ચેપ મોટાપાયે ફેલાયો હતો.
જેના માટે માણસોની કોષીમાં પ્રવેશેલ એક રંગસૂત્ર જવાબદાર હતો. તેના કારણે જ ગર્ભધારણ અને પછી ઈંડાં આપવાને બદલે બાળકને જન્મ આપવાની ખૂબી પેદા થઈ.
ધરતી ઉપર વાઇરસ અલગ-અલગ પ્રકારની ભૂમિકા નિભાવે છે, તેના વિશે વિજ્ઞાનીઓએ હજુ સંશોધન શરૂ કર્યું છે. જેમ-જેમ આપણને વધુ ને વધુ માહિતી મળશે, તેમ-તેમ આપણે વાઇરસનો વધુ સારી રીતે ઉપયોગ કરી શકીશું.
તેના થકી આપણને બીમારીઓ સામે લડવા માટેનું નવું માધ્યમ મળે અથવા તો એવી મદદ મળે કે જેનાથી માત્ર માનવજાત જ નહીં, પરંતુ સમગ્ર સૃષ્ટિને લાભ થાય.
આથી વાઇરસ પ્રત્યે નફરત કરવાને બદલે તેના વિશે સતત જાણવાનો પ્રયાસ કરવો જોઈએ.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














