જાપાને કોરોના વાઇરસને શું સ્પેશિયલ ઇમ્યુનિટીથી હરાવ્યો?

જાપાન અને કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, રુપર્ટ વિંગફિલ્ડ
    • પદ, બીબીસી ન્યૂઝ, ટોક્યો

જાપાનમાં કોવિડ-19થી કેમ બહુ ઓછી તબાહી થઈ? આ એક મોટો સવાલ છે, જેના અનેક જવાબ હોઈ શકે છે. તેનું કારણ જાપાની લોકોની રહેણીકરણી હોઈ શકે અથવા તેમની બહેતર ઈમ્યુનિટી એટલે કે શરીરની બહેતર રોગપ્રતિકારક ક્ષમતા હોઈ શકે.

જાપાનમાં કોવિડ-19નો મૃત્યુઆંક એ ક્ષેત્રનાં રાષ્ટ્રોમાં સૌથી ઓછો નથી. દક્ષિણ કોરિયા, તાઇવાન, હૉંગકૉંગ અને વિયેતનામમાં પણ મૃત્યુદર ઓછો છે.

2020ના શરૂઆતમાં જાપાનમાં કોવિડ-19ને લીધે સરેરાશ કરતાં પણ ઓછાં મૃત્યુ થયાં છે. અલબત, એપ્રિલમાં જાપાનમાં લગભગ 1000 વધુ મૃત્યુ થયાં હતાં. તેનું કારણ કદાચ કોવિડ-19 હશે. તેમ છતાં આખા વર્ષના આંકડા જોઈએ તો તે જાપાનમાં થતાં સરેરાશ મૃત્યુ 2019ની સરખામણીએ ઓછાં હોઈ શકે છે.

આ વાત ઉલ્લેખનીય છે, કારણ કે જાપાનમાં એવી અનેક પરિસ્થિતિ છે, જે તેને કોવિડ-19નો આસાન શિકાર બનાવી શકે. વળી કોવિડ-19ના રોગચાળાથી બચવાના જેટલા પ્રયાસ જાપાનના પાડોશી દેશોએ કર્યા છે એટલા પ્રયાસ જાપાને કર્યા નથી.

line

જાપાનમાં શું થયું?

જાપાન અને કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

ફેબ્રુઆરીમાં જે સમયે ચીનના વુહાન શહેરમાં કોવિડ-19નું સંક્રમણ ચરમસીમાએ હતું, વુહાનની તમામ હૉસ્પિટલો દર્દીઓથી ઊભરાતી હતી અને વિશ્વના મોટાભાગના દેશોએ ચીની પ્રવાસીઓ માટે પોતાના દરવાજા બંધ કરી દીધા હતા ત્યારે પણ જાપાને તેની સીમા બંધ કરી ન હતી.

કોરોના વાઈરસનો ચેપ ફેલાવાની શરૂઆત થઈ ત્યારથી જ એ સ્પષ્ટ થઈ ગયું હતું કે કોવિડ-19 વયોવૃદ્ધ લોકો માટે વધારે ખતરનાક સાબિત થઈ શકે છે. ખાસ કરીને વડીલો કોરોના વાઈરસનો ચેપ લાગ્યો હોય તેવી વ્યક્તિના સીધા સંપર્કમાં આવે ત્યારે એ વધારે ઘાતક સાબિત થઈ શકે છે.

અન્ય દેશોની સરખામણીએ જાપાનમાં વૃદ્ધ લોકોની સંખ્યા સૌથી વધારે છે અને એ પૈકીના મોટાભાગના લાકો ગીચ વસતીવાળાં શહેરોમાં વસવાટ કરે છે.

ગ્રૅટર ટોક્યોમાં લગભગ ત્રણ કરોડ 70 લાખ લોકો રહે છે. એ લોકો શહેરમાં આવવા-જવા માટે ભીડવાળી ટ્રેનોમાં પ્રવાસ કરે છે.

જાપાને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની 'ટેસ્ટ, ટેસ્ટ અને ટેસ્ટ' કરાવવાની સલાહ પણ માની નહોતી. અત્યારે પણ જાપાનમાં કુલ સાડા ત્રણ લાખ પીસીઆર પરીક્ષણ થયાં છે, જે જાપાનની કુલ વસતીના માત્ર 0.27 ટકા છે.

જાપાને યુરોપની માફક કડક લૉકડાઉન પણ લાદ્યુ નહોતું.

જાપાન સરકારે એપ્રિલમાં દેશમાં કટોકટી લાદવાનો આદેશ આપ્યો હતો, પણ લોકોને 'ઘરમાં જ રહેવાની વિનંતી' સ્વૈચ્છિક આધારે કરવામાં આવી હતી. સરકારે તેનું પાલન ધરાર કરાવ્યું ન હતું. જોકે, બિનજરૂરી બિઝનેસ બંધ કરવા જણાવવામાં આવ્યું હતું, પણ એવી દુકાનો ખોલનારાને કોઈ દંડ ફટકારવામાં આવ્યો નહોતો.

ન્યૂઝીલૅન્ડ અને વિયેતનામે આ મહામારી સામે જોરદાર સફળતા મેળવી છે અને તેના પર નિયંત્રણ મેળવી દેખાડ્યું છે. એ બન્ને દેશોએ પોતાની સીમા સીલ કરી હતી, લૉકડાઉન કે ક્વોરૅન્ટીનના આકરા નિયમો લાદ્યા હતા અને વ્યાપક પ્રમાણમાં કોવિડ-19નું ટેસ્ટિંગ હાથ ધર્યું હતું, પણ જાપાને એવાં પગલાં સુદ્ધાં લીધાં નહોતાં.

તેમ છતાં જાપાનમાં કોરોના સંક્રમણનો પહેલો કેસ બહાર આવ્યાના પાંચ મહિના પછી ત્યાં 20,000 કેસોની પુષ્ટિ થઈ છે અને કોવિડ-19ને લીધે ત્યાં 1000થી થોડાક વધુ લોકો મૃત્યુ પામ્યા છે.

જાપાનમાં કટોકટી ઉઠાવી લેવામાં આવી છે અને સામાન્ય જનજીવન બહુ ઝડપથી પાટા પર ચડી રહ્યું છે.

જાપાને કોરોના વાઈરસના સંક્રમણનો પ્રસાર ખરેખર રોકી દીધો હોવાના ઘણા વૈજ્ઞાનિક પુરાવા મળ્યા છે. ઓછામાં ઓછું હાલ તો એવું જ માનવામાં આવી રહ્યું છે.

જાપાનની ટેલિકૉમ કંપની સોફ્ટબૅન્કે તેના 40,000 કર્મચારીઓની કોવિડ-19 એન્ટીબોડી ટેસ્ટ કરાવી હતી. તેનાથી જાણવા મળ્યું હતું કે માત્ર 0.24 ટકા કર્મચારીઓ જ કોરોના વાઈરસના સંપર્કમાં આવ્યા હતા.

ટોક્યોમાં આકસ્મિક ટેસ્ટિંગ હેઠળ લગભગ 8,000 લોકોનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેમાંથી માત્ર 0.1 ટકા લોકો જ કોરોના પોઝિટિવ સાબિત થયા હતા.

જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબેએ ગયા મહિને કટોકટી હઠાવવાની જાહેરાત કરતી વખતે 'જાપાન મૉડલ'ની વાત ગર્વભેર કરી હતી અને કહ્યું હતું કે 'અન્ય દેશોએ પણ જાપાન પાસેથી શિખવું જોઈએ.'

line

જાપાનના કિસ્સામાં શું ખાસ છે?

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

જાપાનના નાયબ વડા પ્રધાન ટારો અસોએ કહ્યું હતું તેમ, જાપાનીઓની 'ઉચ્ચ ગુણવત્તાયુક્ત જીવનશૈલી'ને કારણે આ શક્ય બન્યું હતું.

આ મામલે તેમનું કહેવું છે કે 'બીજા કોઈ દેશની સરખામણીએ જાપાનના લોકો બહેતર જીવન જીવે છે અને સાંસ્કૃતિક રીતે બહેતર હોવાને કારણે એવું છે.'

અનેક લોકોએ ટારા અસોના આ નિવેદનની ટીકા કરતાં કહ્યું હતું કે 'પોતાના વંશને અન્ય કરતાં બહેતર માનવાની તેમની વિચારધારાને કારણે તેમણે આ નિવેદન કર્યું છે અને તે આંધળા રાષ્ટ્રવાદની નિશાની છે.'

અલબત, અનેક જાપાનીઓ અને વિજ્ઞાનીઓ માને છે તેમ જેને ઘણીવાર 'ઍક્સ ફૅક્ટર' કહેવામાં આવે છે એવું 'જાપાનમાં કંઈક ખાસ અલગ તો છે' જેણે કોવિડ-19ની મહામારીના વખતમાં પણ ત્યાંના લોકોને બચાવી લીધા.

એક શક્યતા એ છે કે જાપાની સમાજમાં ભેટવાનો કે મળતી વખતે એકમેકને ચૂમવા જેવો રિવાજ નથી. તેથી લોકો વચ્ચે ઘણા અંશે અંતર જળવાઈ રહે છે. તેને ફિઝિકલ ડિસ્ટન્સિંગ કે મહામારીના વખતમાં જેને સોશિયલ ડિસ્ટન્સિંગ નામ આપવામાં આવ્યું છે એ કહી શકાય. જાપાનમાં સામાન્ય રીત તેનું જ પાલન કરવામાં આવે છે.

જોકે, નિષ્ણાતો આ બાબતને જાપાનમાં સંક્રમણ મર્યાદિત રહેવાનું સાચું કારણ માનતા નથી.

line

જાપાનીઓ પાસે સ્પેશિયલ ઈમ્યુનિટી છે?

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

ટોક્યો યુનિવર્સિટીના પ્રોફેસર તાત્સુહિકો કોડામાએ જાપાની દર્દીઓનો અભ્યાસ કર્યો હતો. તેઓ માને છે કે જાપાનમાં થોડા સમય પહેલાંથી જ કોવિડ હતો.

તેમણે કહ્યું હતું કે 'કોવિડ-19 નહીં, પણ તેના જેવું જ કંઈક હતું અને તેની સામે લડવાની પ્રતિરોધક ક્ષમતા અનેક જાપાનીઓમાં પહેલાંથી જ હતી.'

તાત્સુહિકો કોડામાએ આ સવાલના જવાબમાં કહ્યું હતું કે 'કેટલાક નમૂના જોઈને અમે આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી કહીએ તો આ લોકોને અગાઉ ક્યારેક કોવિડનો ચેપ લાગ્યો હતો અને એ રોગ ઘણા અંશે હાલના કોરોના વાઈરસ જેવો જ હશે એવું નમૂનામાંથી જાણવા મળ્યું હતું.'

તેમણે કહ્યું હતું કે 'જાપાન કે આ ક્ષેત્ર જેમ કે ચીન, દક્ષિણ કોરિયા, તાઈવાન, હૉંગકૉંગ અને દક્ષિણ-પૂર્વ એશિયમાં સાર્સ જેવું વાઈરલ ઈન્ફેક્શન ફેલાયું હોય, તેનો મૃત્યુદર પણ ઓછો રહ્યો હોય અને તેને મહામારીનો દરજ્જો ન મળ્યો હોય એવી શક્યતા છે.'

જોકે, આ થિયરીના સંબંધે કેટલાક સવાલ થાય છે.

જેમ કે લંડનની કિંગ્ઝ કૉલેજના ડાયરેક્ટર પ્રોફેસર કૈંજી શિબુયાએ કહ્યું હતું કે 'કોઈ વાઈરલ સંક્રમણ એશિયામાં જ પ્રસરે અને ત્યાં જ સીમિત રહી જાય એવું કઈ રીતે બને?'

જોકે, જાપાનમાં એવી કોઈ ખાસ વાત છે, જેને લીધે ત્યાં સંક્રમણ આટલું મર્યાદિત રહ્યું, એ વાતનો પ્રોફેસર કૈંજી ઈનકાર કરતા નથી, પણ તેઓ જાપાનીઓમાં કોઈ 'ઍક્સ ફૅક્ટર' હોવાની વાત સાથે સહમત નથી.

તેઓ માને છે કે જે દેશો આ સંક્રમણ પર નિયંત્રણ મેળવી શક્યા છે, તેઓ એવું કરી શક્યા કારણ કે ત્યાંના લોકોએ કેટલાંક કામ ગંભીરતાપૂર્વક કર્યાં હતાં.

જાપાની લોકોમાં ચહેરા પર માસ્ક પહેરવાની આદત આજથી લગભગ 100 વર્ષ પહેલાંની છે. 1919માં ફ્લૂની મહામારીના સમયથી અને એ પછીથી લોકોએ માસ્ક પહેરવાનું છોડ્યું જ નથી.

જાપાની સમાજમાં એવી માન્યતા છે કે કોઈને શરદી-સળેખમ થાય તો તેણે તેની આજુબાજુના લોકોને ચેપથી બચાવવા માટે માસ્ક પહેરવાનું તરત શરૂ કરી દેવું જોઈએ.

હૉંગકૉંગ યુનિવર્સિટીમાં પબ્લિક હેલ્થ સ્કૂલના ડાયરેક્ટર કેઈજી ફુફુડાએ કહ્યું હતું કે 'સંક્રમણના ફેલાવાને રોકવામા માસ્ક ઘણો ઉપયોગી છે. તે લોકોને એવો સંકેત પણ આપે છે કે માસ્ક જોઈને સતર્ક રહો અને તમારી આસપાસ સંક્રમણ છે તે સમજો.'

1950ના દાયકામાં જાપાનમાં ટીબીનો ફેલાવો થવાને કારણે ત્યાં ઉત્તમ જાહેર આરોગ્યવ્યવસ્થા વિકસાવવામાં આવી હતી. એ વ્યવસ્થા મારફત કૉન્ટેક્ટ ટ્રેસિંગ કરવામાં આવતું હતું. કોઈ મહામારી સામે લડવા માટે આવી વ્યવસ્થા પણ મહત્વપૂર્ણ ચીજ છે.

line

જાપાન જલદી સમજી ગયું ત્રણ 'સી'ને

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

નિષ્ણાતો માને છે કે આ મહામારીની બે અત્યંત મહત્વપૂર્ણ પેટર્નને જાપાન બહુ ઝડપથી સમજી ગયું હતું.

ક્યોટો યુનિવર્સિટીના રિસર્ચર ડો. કુઝુઆકી જિન્દાઈએ કહ્યું હતું કે 'જાપાનમાં એક તૃતિયાંશથી વધુ ઈન્ફેક્શન એકસમાન જગ્યાઓ પરથી ફેલાયું હતું. ભીડ હતી, ધમાલ હતી એવી મ્યુઝિક પાર્ટીમાં ઘણા લોકોને ચેપ લાગ્યો હતો. એ બાબતે લોકોને ઝડપભેર જણાવવામાં આવ્યું હતું, જેથી તેઓ ત્યાં ન જાય.'

સંશોધકોની એક ટીમના તારણ મુજબ, 'મર્યાદિત જગ્યા હોય, ભીડભાડ હોય, શ્વાસ લેવાં મુશ્કેલી થાય અને જ્યાં લોકોએ એકમેકની તદ્દન બાજુમાં ઉભું રહેવું પડે તેમ હોય ત્યાં જોખમ વધારે છે.'

તેથી પાર્ટીઓ, જિમ, બાર, ક્લબ વગેરેને સૌથી વધુ જોખમી જગ્યાઓની શ્રેણીમાં રાખવામાં આવ્યાં હતાં.

સંશોધકોની ટીમને એ પણ જાણવા મળ્યું હતું કે જેમને હલકો ચેપ લાગ્યો છે, તેઓ બીજાને સંક્રમિત કરી શકતા નથી.

જાપાનમાં એક પ્રારંભિક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે સાર્સ-કોવિડ-2 વગેરેથી સંક્રમિત લગભગ 80 ટકા લોકો બીજાને ચેપ લગાવી શકશે નહીં.

બાકીના 20 ટકા લોકોમાં સંક્રમણનું પ્રમાણ અત્યંત વધારે હતું.

આ તારણના આધારે જાપાન સરકારે કોવિડ-19નો પ્રસાર અટકાવવા માટેના પોતાના રાષ્ટ્રીય અભિયાનમાં નાગરિકોને ત્રણ 'સી'થી બચવાની સલાહ આપી હતી. તે આ મુજબ હતીઃ

  • બંધ અને ખરાબ વૅન્ટિલેશનવાળી જગ્યાએ જવાનું નહીં.
  • ભીડભાડવાળી જગ્યાએ જવાનું બને તેટલું ટાળવું.
  • એકમેકની બહુ નજીક બેસીને વાત નહીં કરવાની.

ડૉ. જિન્દાઈએ કહ્યું હતું કે 'માત્ર ઘરમાં બેઠા રહેવાની સલાહ આપવાને બદલે લોકોને સૂચિત કરવાની વ્યૂહરચના અમારા માટે વધુ ઉપયોગી સાબિત થઈ હતી.'

માર્ચની મધ્યમાં જાપાનના ટોક્યો શહેરમાં કોવિડ-19ના કેસની સંખ્યામાં એકવાર જોરદાર ઉછાળો નોંધાયો હતો અને એ ઉછાળો ઘણા અંશે ઇટાલીના મિલાન, બ્રિટનના લંડન અને અમેરિકાના ન્યૂયૉર્ક શહેરમાં નોંધાયેલા ઉછાળા જેવો જ હતો.

પછી પરિસ્થિતિ કઈ રીતે અંકુશમાં આવી? શું જાપાન નસીબવાન રહ્યું હતું? જાપાની લોકોએ સ્માર્ટ તરકીબો અપનાવી હતી? આ સવાલોના એક નહીં, અનેક જવાબ છે.

line

યોગ્ય સમયનો મુદ્દો

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રોફેસર કેન્જી શિબુયા માને છે કે જાપાન પાસેથી મળતો પદાર્થપાઠ અન્યત્રથી બહુ અલગ નથી. તેમના કહેવા મુજબ, તેમના માટે આ સમય અનુસાર પાઠ ભણવાની વાત હતી.

વડાપ્રધાન શિન્ઝો આબેએ સાતમી એપ્રિલે અબાધ્ય કટોકટી લાદતાં લોકોને શક્ય હોય તો ઘરમાં જ રહેવાની અપીલ કરી હતી.

એ સમયે પગલાં લેવામાં થોડો વિલંબ થયો હોત તો જાપાને પણ ન્યૂયૉર્ક કે લંડન જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હોત. અત્યારે જાપાનમાં મૃત્યુદર બહ ઓછો છે.

પ્રોફેસર કેન્જી શિબુયા કહ્યું હતું કે 'ન્યૂયૉર્કમાં બે સપ્તાહ વહેલું લૉકડાઉન લાદવામાં આવ્યું હોત તો હજારો લોકોના જીવ બચાવી શકાયા હોત. આ વાત કોલંબિયા યુનિવર્સિટીના તાજેતરના અભ્યાસમાં જણાવવામાં આવી છે.'

સંયુક્ત રાષ્ટ્રસંઘના 'સેન્ટર ફ#ર ડિસીઝ કંટ્રોલ ઍન્ડ પ્રિવેન્શન'ના તાજેતરના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે હૃદયસંબંધી બિમારી, મેદસ્વીતા અને ડાયાબિટીઝ ધરાવતા લોકોને હૉસ્પિટલમાં દાખલ કરવા પડે તેવી શક્યતા કોરોનાના બીજા દર્દીઓની સરખામણીમાં છ ગણી વધારે હોય છે. તેમાં મૃત્યુદર પણ 12 ગણો વધારે છે.

હૃદયસંબંધી રોગ અને મેદસ્વીતાની બાબતમાં અન્ય વિકસીત દેશોની સરખામણીએ જાપાન બહેતર સ્થિતિમાં છે. જાપાનમાં તેનું પ્રમાણ સૌથી ઓછું છે. તેમ છતાં વિજ્ઞાનીઓ માને છે કે તે બધા સવાલોનો જવાબ નથી.

પ્રોફેસર ફુકુડાનું કહેવું છે કે 'શારીરિક રીતે દૂર રહેવાથી થોડો ફરક પડી શકે છે, પણ બીજાં કારણો વધારે મહત્વનાં હોય એવું મને લાગે છે. દેખીતી તમામ વાતોનું સામાન્ય વિશ્લેષણ કરી શકાતું નથી, એ આપણે કોવિડમાં શિખ્યા છીએ. કોઈ ઘટના પાછળ અનેક કારણો કામ કરતાં હોય છે.'

line

સરકારે કહ્યું, લોકોએ સાંભળ્યું

કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

જાપાનના વડાપ્રધાન શિંજો આબેએ કરેલી 'જાપાન મોડેલ'ની વાતમાંથી શિખવા જેવું કંઈ છે ખરું?

જાપાન સંક્રમણને નિયંત્રિત કર્યું છે એ હકીકત છે. ત્યાં સંક્રમણનું પ્રમાણ અને તેને કારણે થતાં મૃત્યુનું પ્રમાણ ઘણું ઓછું છે.

તેમાંથી આગળનો કોઈ રસ્તો દેખાય છે? આ સવાલનો જવાબ છેઃ હા અને ના.

જાપાનમાં 'ઍકસ ફૅક્ટર' જેવી કોઈ ચીજ નથી. ત્યાં પણ સંક્રમણની ચેઈનને તોડવાની, તેને આગળ નહીં વધવા દેવાની ફૉર્મ્યુલા જ છે. જાપાનમાં ખાસ વાત એ છે કે ત્યાં લોકો સરકારની વાત પર ભરોસો કરે છે અને સરકારના નિર્દેશોનું પાલન કરે છે.

જાપાનની સરકારે તેના નાગરિકોને ઘરમાં પૂરાઈ રહેવા કહ્યું ન હતું. જાપાનની સરકારે કેટલાંક સૂચન કર્યાં હતાં. ભીડમાં અંતર રાખવા જણાવ્યું હતું. સામે પક્ષે જાપાની નાગરિકોએ પોતાના સ્તરે મહત્તમ તકેદારી રાખી હતી. સરકારે કહેલી તમામ વાતોને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લીધી હતી.

પ્રોફેસર શિબુયાએ કહ્યું હતું કે 'આ જાપાનનું સદભાગ્ય હતું અને દુનિયા માટે આશ્ચર્ય. જાપાનમાં લૉકડાઉન આંશિક કે હળવું રહ્યું, પણ તેની અસર કડક લૉકડાઉન કરતાં પણ વધારે થઈ. સરકારે લોકો પર નિયમ-કાયદા લાદવા ન પડ્યા. લોકોએ તેનું પાલન સ્વૈચ્છાએ કર્યું.'

અન્ય દેશોની માફક જાપાન સરકારે પણ તેના નાગરિકોને જણાવ્યું હતું કે માસ્ક પહેરો, ભીડવાળી જગ્યાએ ન જાઓ. દિવસમાં અનેક વખત હાથ ધુઓ. ફરક એટલો જ છે કે જાપાનના મોટાભાગના નાગરિકોએ આ સૂચનાઓનું પાલન કર્યું હતું.

પ્રોફેસર ફુકુડાએ કહ્યું હતું કે 'નાગરિકો સહકાર ન આપે તો કોઈ સરકાર કશું કરી શકતી નથી. કોઈ સંક્રમિત વ્યક્તિ અને કોઈ સ્વસ્થ વ્યક્તિના સંપર્કને અટકાવી શકાય? લોકોની સતર્કતા વિના તો નહીં જ અને જાપાનમાં જે થયું છે, બરાબર એવું જ કોઈ અન્ય દેશમાં થાય એ આસાન નથી.'

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો