કોરોના વાઇરસ : અમદાવાદમાં સતત ઘટી રહેલા કેસો પાછળ કારણ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, તેજસ વૈદ્ય
- પદ, બીબીસી સંવાદદાતા
છેલ્લા વીસ દિવસના આંકડા જોઈએ તો અમદાવાદમાં કોરોના કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે.
જૂન મહિનાના પહેલા સપ્તાહમાં રોજ અમદાવાદમાં સરેરાશ 270-280 કેસ નોંધાયા હતા, તો એની સામે જુલાઈ માસના પહેલા સપ્તાહમાં 70-80 કેસનો રોજિંદો ઘટાડો જોવા મળ્યો છે. જુલાઈના પહેલા સપ્તાહમાં રોજના સરેરાશ 170-180 જેટલાં કેસ નોંધાયા છે.
જૂનના ત્રણ સપ્તાહ સુધી એટલે કે 1 જૂનથી 20 જૂન સુધી અમદાવાદમાં રોજ નવા નોંધાતા કેસની સંખ્યા સરેરાશ 280-300 રહી, જ્યારે કે 23 જૂને 230 નવા કેસ નોંધાયા એ પછી ઉત્તરોત્તર ઘટાડો જોવા મળ્યો છે.
છેલ્લા 10 દિવસમાં રોજના સરેરાશ 175-180 નવા કેસ શહેરમાં નોંધાયા છે. જૂનમાં કેસનો આંકડો 250 આસપાસ રહેતો હતો તે હવે 200થી ઓછો થઈ ગયો છે.

અમદાવાદમાં કેસોની સંખ્યા

હૉસ્પિટલમાં નહીં ઘરે ઇલાજ

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે એનું કારણ શું એ વિશે શ્વસનતંત્રના રોગોના નિષ્ણાત એવા અમદાવાદનાં ડૉ. પાર્થિવ મહેતા સાથે બીબીસી ગુજરાતીએ વાત કરી.
ડૉ. પાર્થિવ મહેતાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, "કોરોનાને ત્રણેક મહિના જેટલો સમય ગાળો થયો છે તેથી લોકો જાગૃત થયા છે."
"કોરોના બાબતે લોકોએ અગાઉ સરકારી હૉસ્પિટલ ભરોસે જ રહેવું પડતું હતું, હવે ફૅમિલી-ડૉક્ટરસ્તરે માઇલ્ડ કે અસિમ્પ્ટોમૅટિક (તાવ,શરદી, ઉધરસ જેવાં લક્ષણ ન ધરાવતાં) કોરોના પૉઝિટિવ વ્યક્તિનું નિદાન શરૂ થઈ ગયું છે. આને લીધે અમદાવાદમાં કેસ ઘટ્યા છે."
ડૉ. પાર્થિવ માને છે કે, "પચાસ વર્ષથી નીચેના જે લોકો છે અને જેમને કોઈ ડાયાબિટીસ કે બ્લડપ્રેશર કે અન્ય કોઈ બીમારી નથી, તેઓ જરૂરી તકેદારી લઈ રહ્યા છે, કંપનીઓમાં પણ કામ કરવાની ઢબ બદલાઈ છે, કોરોનાને તેઓ હળવાશથી નથી લઈ રહ્યા. કોઈને તાવ કે ઉધરસ હોય તો કંપની જ કહી દે છે કે તમારે ઘરે જ રહેવાનું છે, કૉર્પોરેટ કંપનીઓએ કર્મચારીને મદદ કરવા માટે મેડિકલ નિષ્ણાત રાખ્યા છે. આવા ઘણા ઉપક્રમો અમદાવાદ શહેરમાં અપનાવાઈ રહ્યા છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઉપરની વાતોનો આધાર આપીને ડૉ. પાર્થિવ મહેતા કહે છે, "છેલ્લા 3 મહિનામાં કોરોના સામે સાવધ રહેવા માટે અમદાવાદીઓ ઘણું શીખ્યા છે. જનતાની આ જાગૃતિની મોટી ભૂમિકાને પગલે જ કોરોનાના નવા કેસ શહેરમાં ઘટી રહ્યા છે."
ગીચ વસતીમાં કેસ ઘટ્યા

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદમાં કોરોનાના કેસ જે વિસ્તારોમાં સૌથી વધારે કેસો અચાનક આવવા લાગ્યા હતા એ વિસ્તાર એટલે સેન્ટ્ર્લ ઝોન.
ગાંધીનગરસ્થિત 'ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ'ના ડિરેક્ટર ડૉ. દિલીપ માવળંકર બીબીસીને જણાવે છે : "ઝોન મુજબ જુઓ તો ગીચ વસતી ધરાવતા સૅન્ટ્રલ ઝોનમાં હવે કેસ ઓછા થઈ ગયા છે.""મને એવું લાગે છે કે ત્યાં જે મહત્તમ લોકોને કોરોના થવાનો હતો તે થઈ ગયો છે. લોકોમાં પણ હવે વધુ જાગૃતિ આવી છે. હવે અન્ય વિસ્તારોમાં ફેલાઈ રહ્યો છે."
"શહેરના જે વિસ્તારોમાં હવે ફેલાઈ રહ્યો છે ત્યાં સૅન્ટ્રલ ઝોન જેટલી વસતીગીચતા નથી. આ રોગ મૂળે ગીચ વસતી-વિસ્તારનો છે. અમદાવાદ જિલ્લામાં શહેરની સરખામણીએ ગ્રામીણ વિસ્તારોમાં કોરોના ઓછો ફેલાયો છે એનું કારણ જ આ છે."
"મને તો એવું લાગે છે કે સૅન્ટ્રલ અમદાવાદમાં કોરોનાની એક ચરમસીમા યાને કે પીક પૉઈન્ટ આવી ગયો છે."
સૅન્ટ્રલ ઝોનના દરિયાપુર, શાહપુર, જમાલપુર, દુધેશ્વર, ખાડિયા, દાણીલીમડા વગેરે વિસ્તારોમાં મે માસમાં કોરોનાએ માઝા મૂકી હતી. હવે આ વિસ્તારોમાં નવા કેસ ઓછા આવે છે.
મધ્ય-અમદાવાદ પીક-પૉઇન્ટ પર?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
ડૉ. દિલીપ માવળંકર શહેરનાં ગીચ ગણાતા સૅન્ટ્રલ ઝોનમાં કોરોનાના કેસનો પીક-પૉઇન્ટ આવી ગયો છે, એવી જે વાત કરે છે એની સાથે ડૉ. પાર્થિવ મહેતા પણ સહમતી દાખવે છે.
ડૉ.પાર્થિવ મહેતા કહે છે કે "સૅન્ટ્ર્લ અમદાવાદમાં હવે એક પીક પૉઇન્ટ આવી ગયો છે એવું કહી શકાય, કારણ કે ત્યાં જે પ્રમાણે વસતી છે એ પ્રમાણે ત્યાં કોરોના જેટલો ફેલાઈ શકે એમ હતો એટલો ફેલાઈ ચૂક્યો છે. હવે અપવાદને બાદ કરતાં કોરોના ત્યાં વધારે ફેલાવાની શક્યતા વર્તાતી નથી. તેથી હવે ત્યાં વધારે કેસ કદાચ જોવા નહીં મળે."
હર્ડ ઇમ્યુનિટીનો સવાલ

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદમાં ઘટી રહેલા કેસો બાબતે બે વાતો અચૂક ચર્ચામાં આવે છે. એક તો હર્ડ ઇમ્યુનિટી અને બીજું ટેસ્ટિંગનો આંકડો. પહેલાં વાત કરીએ હર્ડ ઇમ્યુનિટીની.
અભ્યાસ કહે છે કે હર્ડ ઇમ્યુનિટી લોકોના શરીરમાં તૈયાર થઈ ગઈ હોય પછી કેસની સંખ્યા ધીમે ધીમે ઘટે છે. તો શું અમદાવાદમાં પણ લોકોમાં હર્ડ ઇમ્યુનિટી નિર્માણ પામી રહી છે અને તેથી કેસ ઘટી રહ્યા છે? ડૉ. પાર્થિવ મહેતા કહે છે કે એવું નથી.
ડૉ. મહેતાનું કહેવું છે, "અમદાવાદમાં કોરોનાનો સમયગાળો અત્યાર સુધી ત્રણ કે બહુ બહુ તો ચાર મહિનાનો જ છે. સમાજમાં વ્યાપક હર્ડ ઇમ્યુનિટી ત્યારે આવે જ્યારે સમાજમાં છથી નવ મહિનાનો કોરોનાનો સમયગાળો થઈ ગયો હોય. જે આપણે ત્યાં હજી નથી થયો."
"શરૂઆતના બે મહિના તો આપણે ત્યાં કમ્યુનિટી સ્પ્રેડિંગ એટલે કે સમુદાયિક સંક્રમણ પણ નહોતું. સમુદાયમાં કોરોના એપ્રિલના મધ્ય કે અંતમાં આવ્યો. મે માસથી ગણીએ તો મે-જૂન એમ બે મહિના થાય."
"સમુદાયમાં કોરોનાના ગાળાને છ મહિના થાય એ પછી એની હાજરી એટલી જોવા મળે કે કોઈ વ્યક્તિની આકસ્મિક ચકાસણી કરવામાં આવે તો 100માંથી 35-40 વ્યક્તિમાં ઍન્ટિબૉડી ઉત્પન્ન થયેલા દેખાય."

ઇમેજ સ્રોત, Getty Images
આ વાતને સમજાવતા ડૉ. પાર્થિવ મહેતાએ કહ્યું કે "ઍન્ટિબૉડી ઉત્પન્ન થાય એ માટે ઓછામાં ઓછા ત્રણ અઠવાડિયા નીકળી જાય. એ પછી જો પૂરતાં ઍન્ટિબૉડી ઉત્પન્ન થયેલાં હોય તો વ્યક્તિને પોતાની રોગપ્રતિકારક શક્તિનું સ્ટેટસ મળી જાય કે એ રોગ સામે એને રક્ષણ મળશે. તેથી હર્ડ ઇમ્યુનિટી શહેરમાં આવી ગઈ છે એમ કહેવું ઉતાવળ ગણાશે."
હર્ડ ઇમ્યુનિટી માપવાનું એક પરિમાણ ઍન્ટિબૉડી ટેસ્ટિંગ છે અને જે આપણે નથી કરી રહ્યા એવું પણ ડૉ. પાર્થિવ મહેતા કહે છે.
વાઇરસનો પ્રકોપ ઓછો નથી થયો
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
અમદાવાદ સુધરાઈ દ્વારા 2 જુલાઈએ એક વીડિયો સંદેશ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.
એ વીડિયો સંદેશમાં સુધરાઈના મેડિકલ ઑફિસર ભાવિન સોલંકીએ કહ્યું હતું કે "અમુક વ્યક્તિઓ હર્ડ ઇમ્યુનિટી અને વાઇરસ નબળો પડ્યો હોવાની વાત કરે એ ખરી નથી."
એમણે નાગરિકોને સચેત રહેવાની અપીલ કરતા કહ્યું કે, કોરોના સંક્રમણની શરૂઆતથી અત્યાર સુધી ભારત જ નહીં દુનિયાના કોઈ પણ દેશમાં હર્ડ ઇમ્યુનિટી પેદા થઈ ગઈ હોવાનો દાવો કરવામાં આવ્યો નથી. હર્ડ ઇમ્યુનિટી માટે 70-90 ટકા વસતીને એક યા બીજી રીતે સંક્રમણની અસર થવી જોઈએ. હર્ડ ઇમ્યુનિટીની વાત અમદાવાદના પરિપ્રેક્ષ્યમાં ખોટી અને તથ્યવિહીન છે.
ભાવિન સોલંકીએ એમ પણ કહ્યું, "અમદાવાદ સુધરાઈ દ્વારા હજારોની સંખ્યામાં ઍન્ટિબૉડી ટેસ્ટ કરાવીને આ વાતનું સમર્થન કરવામાં આવ્યું છે અને વાઇરસની તીવ્રતા ઘટ્યાની વાત પણ સત્ય નથી."

ટેસ્ટિંગનો દાવો અને આંકડા

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદમાં કોરોનાના નવા કેસની સંખ્યા ઘટી રહી છે, પરંતુ અમદાવાદ સુધરાઈ ટેસ્ટિંગના આંકડા જાહેર કરતી નથી. તેથી સુધરાઈ કોરોનાના નવા ઘટી રહેલા કેસની સંખ્યા જાહેર કરે છે એની સામે પણ સવાલ ઊભા થાય છે.
ડૉ. દિલીપ માવળંકરે કહ્યું હતું, "સરકાર ક્યાંક્યાં કેટલા ટેસ્ટ કર્યા? ખાનગી લૅબોરેટરીમાં કેટલા ટેસ્ટ થયા? સરકારી હૉસ્પિટલોમાં કેટલા ટેસ્ટ થયા? અમદાવાદમાં ક્યાં વૉર્ડમાં કેટલા ટેસ્ટ થયા એની વિગતો જો જાહેર કરે, તો એક સ્પષ્ટ ચિત્ર સામે આવે. "
ડૉ. દિલીપ માવળંકરનું કહેવું છે કે સરકાર જે રીતે મૃત્યુ પામનાર દરદીઓની માહિતીમાં ડાયાબિટીસ કે બ્લડપ્રેશર વગેરે જેવી અન્ય બીમારી યાને કે કૉ-મૉર્બિડિટીની વાત જાહેર કરે છે, એ જ વિગતો પૉઝિટિવ કેસોમાં પણ જાહેર કરે તો આ સ્થિતિને વધારે સારી રીતે સમજી શકાય."
2 જુલાઈના વીડિયો સંદેશમાં અમદાવાદ સુધરાઈના મેડિકલ ઑફિસર ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે "મોટા પાયે ખાનગી હૉસ્પિટલોનું રિક્વિઝિશન, રોજ 125 જેટલાં ધનવંતરી રથમાં દસ હજારથી વધુ ઓ.પી.ડી. (આઉટપેશન્ટ ડિપાર્ટમેન્ટ) ખાનગી દવાખાનાઓની એક લાખથી વધુ ઓ.પી.ડી., 104 હેલ્પલાઈન દ્વારા ડૉક્ટરની ઘરઆંગણે સેવા, રોજ એકથી સવા લાખ લોકોની હેલ્થ સર્વેલન્સની કામગીરી અને મોટા પાયે ટેસ્ટિંગને લીધે અમદાવાદ શહેરમાં કેસની સંખ્યા ઘટી છે."
અમદાવાદમાં કોરોનાના કેસ ઘટ્યા છે એનાં કેટલાંક કારણમાંનું એક કારણ ભાવિન સોલંકી મોટાપાયે ટેસ્ટિંગ જણાવે છે. જોકે, સુધરાઈ ટેસ્ટિંગના આંકડા જાહેર કરતી નથી તેથી એ વાત કેટલી ભરોસાપાત્ર છે તે એક સવાલ છે.
કેન્દ્રના આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલ કોરોનાની સ્થિતિનો તાગ મેળવવા 26 જૂને અમદાવાદ આવ્યા હતા.
તેમણે અમદાવાદમાં ઘાટલોડિયા, ગોતા, માનસી સર્કલ વગેરે વિસ્તારની મુલાકાત લીધી હતી.
સુધરાઈ દ્વારા આયુર્વેદિક વગેરે દવા આપવા તથા ઓ.પી.ડી. માટે ધન્વંતરીરથ શહેરમાં વિવિધ સ્થળે લઈ જવામાં આવે છે.
એ વખતે લવ અગ્રવાલે અધિકારીઓને પૂછ્યું હતું કે, 'જો ધન્વંતરી રથમાં કોરોનાનું ટેસ્ટિંગ ન થતું હોય તો તેનો શું મતલબ?'
રાજ્યમાં કોરોનાની સ્થિતિની માહિતીનો સૌથી મોટો આધાર ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતા આંકડા છે અને એ આંકડા હાલ તો એ જ કહી રહ્યા છે કે અમદાવાદમાં કેસો ઘટી રહ્યા છે અને સુરત તથા જ્યાં કોરોના ન હતો ત્યાંથી વધારે કેસો બહાર આવી રહ્યા છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












