કોરોના વાઇરસ : જયારે લગ્નના બે દિવસમાં જ વરરાજાનું મૃત્યુ થયું અને સામે આવ્યા 111 પૉઝિટિવ કેસ

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, નીરજ પ્રિયદર્શી
- પદ, બીબીસી ગુજરાતી માટે
કોરોનાના સમયમાં પણ લગ્નો અટક્યાં નથી, જ્યાં સુધી લૉકડાઉન લાગુ હતું ત્યાં સુધી એકાદ-બે લગ્નોના સમાચાર સાંભળવા મળતા હતા. વળી એ લગ્નો પણ ઑનલાઇન થતા હતા.
પરંતુ અનલૉક-1 પછી 8 જૂનથી 50 મહેમાનોને સામેલ કરી લગ્નનું આયોજન કરવાની પરવાનગી આપવામાં આવી. પછી શું, છૂપી રીતે પણ અનેક અનેક જગ્યાએ લગ્નો પહેલાની જેમ થવા લાગ્યા.
કોઈ પૂછે તો લગ્નનું આયોજન કરનાર વ્યક્તિ એવો જ દાવો કરતા હતા કે 50થી ઓછા લોકોને આમંત્રણ આપ્યું છે. પટનામાં એ જ રીતે એક લગ્ન થયા જે આજે ચર્ચામાં છે.
પટનાના પાલીગંજમાં થયેલા એક લગ્ને તેના આયોજન પર પ્રશ્નો ઊભા કર્યા છે.
પટનાથી છપાતા સ્થાનિક અખબારોમાં મંગળવારે એક લગ્નના સમાચાર ચર્ચામાં રહ્યા. સમાચાર પત્રોના અહેવાલ અનુસાર આ આયોજન સાથે જોડાયેલાં 111 લોકો કોરોનાથી સંક્રમિત છે. જ્યારે વરરાજાનું લગ્ન પછી બે દિવસમાં મૃત્યુ થઈ ગયું છે.
સંક્રમિત થયેલાં તમામ લોકોનો સંબંધ એ જ મહોલ્લા સાથે છે જેમાં લગ્ન થયા હતા અથવા તે લગ્નના સમારોહનો ભાગ હતા.
પાલીગંજના આ લગ્નના કારણે સંક્રમિત થનારા એક વ્યક્તિને બિહટાના ઈએસઆઈસી હૉપિટલના આઇસોલેશન સેન્ટરમાં રાખવામાં આવી છે.
તેમણે બીબીસીને ફોન પર વાતચીત દરમિયાન કહ્યું, "મારો તે લગ્ન સાથે કોઈ સંબંધ ન હતો, ત્યાં સુધી કે હું સમારોહમાં સામેલ પણ નહોતો થયો, પરંતુ મારો સંપર્ક એ લોકો સાથે થયો જે લોકો સમારોહમાં સામેલ હતા અને હવે તે પણ સંક્રમિત છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના કહેવા પ્રમાણે સંક્રમણની ચેઇન એટલી લાંબી થઈ ગઈ છે કે લગ્નમાં આવેલાં રસોઈયા, ફોટોગ્રાફર મહોલ્લામાં કરિયાણાનો માલિક અને શાક વેચનાર તમામ સંક્રમણનો ભોગ બન્યા છે.
15 જૂને થયેલાં આ લગ્નની સૌથી મહત્ત્વની વાત એ છે કે વરરાજાનું મૃત્યુ બીજા જ દિવસે એટલે 17 જૂને એ સમયે થયું જ્યારે તે કથિત રીતે પેટમાં દુખાવાની ફરિયાદ પછી સારવાર માટે તેને પરિવારના સભ્ય પટનાની એઇમ્સ હૉસ્પિટલમાં લઈ ગયા હતા.
સંક્રમણનો શિકાર બનેલા વરરાજાના પિતા હાલ મસૌઢીની સ્થાનિક હૉસ્પિટલમાં બનેલા આઈસોલેશન કેન્દ્રમાં ભરતી છે.
તેમણે બીબીસીને ફોન પર વાતચીતમાં કહ્યું, "એઇમ્સના ગેટ પર પહોંચવું, ડ્રાઇવરનું ચાવી ફેરવીને ગાડીને બંધ કરવું અને મારા દીકરાનું મૃત્યુ તમામ વસ્તુ એક સાથે થઈ. જોકે અમે લોકો હૉસ્પિટલની અંદર બૉડી લઈ ગયા. જ્યાં ડૉક્ટરોએ તપાસ કરી અને મૃતક જાહેર કર્યો. અમને એક ચિઠ્ઠી આપવામાં આવી અને કહ્યું આ સર્ટિફિકેટ લેવાના કામમાં આવશે. હૉસ્પિટલમાંથી શબને ઘરે લાવીને અમે રીતિ રિવાજ પ્રમાણે તેના દેહની અંતિમવિધિ કરી દીધી."

વરરાજાના મૃત્યુ પછી લગ્નની ચર્ચા

ઇમેજ સ્રોત, ANI
વરરાજાના મૃત્યુની સાથે જ આ લગ્નની ચર્ચા આસપાસ રહેનારા લોકોએ શરૂ કરી હતી.
પાલીગંજના સ્થાનિક પત્રકાર આદિત્ય કુમાર કહે છે, "વરરાજા ગુરૂગ્રામમાં ઇજનેર હતો. પોતાના લગ્ન માટે 23મેના રોજ કારથી અહીં આવ્યો હતો. લગ્ન તો યોગ્ય રીતે થઈ ગયા હતા. પરંતુ જેવું વરરાજાનું મૃત્યુ થયું વિસ્તારમાં હવા ચાલવા લાગી કે વરરાજા કોરોનાના કારણે મૃત્યુ પામ્યા છે. લોકો વિવિધ પ્રકારની વાત કરવા લાગ્યા. કોઈએ કહ્યું કે છોકરાની તબિયત ખરાબ રહેતી હતી, કોઈ કહી રહ્યું હતું કે આ વળગાડમાંથી છોડાવવાની ક્રિયા કરાવી રહ્યા હતા"
આદિત્ય આગળ કહે છે, "લોકોએ ડરીને જાતે જ મેડિકલ ટીમને બોલાવી. પહેલાં નવ સંક્રમિત નીકળ્યા, પછી 22 જૂને બીજા 15 લોકોનાં રિપોર્ટ પૉઝિટિવ આવ્યા. આ પછી વહીવટીતંત્ર હરકતમાં આવ્યું અને વિસ્તારને કન્ટેઇમેન્ટ ઝોન જાહેર કર્યો અને તમામનું સ્ક્રિનિંગ કર્યું. હવે આંકડો 111 એ પહોંચી ગયો છે. અનેકની તપાસ કરવાની બાકી છે."

વરરાજાનો કોરોના રિપોર્ટ ક્યાં?

ઇમેજ સ્રોત, ADITYA KUMAR
જ્યાં સુધી વાત વરરાજાના કોરોના રિપોર્ટની છે તો તેના પર અનેક પ્રશ્નો છે.
એક બાજુ વરરાજાના પિતા કહે છે, "મારો દીકરો એકદમ સ્વસ્થ હતો. ગુરુગ્રામમાં તેણે પોતાની તપાસ કરાવી હતી. કારથી બે ભાઈ અને બહેન-બાળકોની સાથે છ લોકો આવ્યા હતા. તમામે અમારા ઘરના સૌથી ઉપરના માળે 14 દિવસ સુધી ક્વોરૅન્ટીન સમયને પસાર કર્યો હતો. તે છ જૂને સામાન્ય લોકોની સાથે રહેવા લાગ્યા હતા કારણ કે આઠ જૂને તેની તિલકની વિધિ હતી."
વરરાજાના પિતાને એ વાતનું દુ:ખ છે કે તેમનો દીકરો મરી ગયો. પરંતુ એનાથી પણ વધારે દુ:ખ એ વાતનું છે કે સમાજમાં લોકો તેમના અને તેમના દીકરા વિશે કોરોનાને લઈને અનેક પ્રકારની વાતો કરી રહ્યા છે.
પિતા આગળ કહે છે, "લોકો મારી પર કલંક લગાવી રહ્યા છે. મેં હૉસ્પિટલના વહીવટીતંત્ર સાથે તેના મેડિકલ રિપોર્ટ માટે બે વખત વાત કરી પરંતુ તે હજી તૈયાર થયો નથી. આ દરમિયાન મારી પણ તપાસ કરાવવામાં આવી તો રિપોર્ટ પૉઝિટિવ આવ્યો. જેના કારણે હું રિપોર્ટ લેવા જઈ ન શક્યો કારણ કે 23 જૂનથી મને આઇસોલેશન સેન્ટરમાં રાખવામાં આવ્યો છે."
વરરાજાની કોરોનાની તપાસને લઈને એઇમ્સના ડિરેક્ટર પ્રભાત કુમાર સાથે બીબીસીએ વાત કરી. તેઓ આવા કોઈપણ પ્રકારના કેસની જાણકારી નહીં હોવા અંગે જણાવે છે.
પ્રભાત કહે છે, "જો અમારા રૅકર્ડમાં આવો કોઈ કેસ હોત તો મને જાણકારી હોત. જ્યાં સુધી હું જાણું છું કોરોના સાથે જોડાયેલો આવો કોઈ કેસ અમારા ત્યાં આવ્યો નથી."

અનલૉકના નિયમનું ઉલ્લંઘન
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આમ તો નિયમો પ્રમાણે અનલૉકમાં ભારતમાં લગ્નમાં માત્ર 50 લોકોને બોલાવવાનો નિયમ છે. પરંતુ પાલીગંજના આ લગ્ન સાથે જોડાયેલાં હાલ સુધી 400 જેટલાં સૅમ્પલ લેવામાં આવ્યા છે જેમાં 111 પૉઝિટિવ છે.
સૅમ્પલ ટેસ્ટના આંકડા જોઈને એવું લાગે છે કે લગ્નમાં સામેલ થનાર લોકોની સંખ્યા 50થી વધારે અથવા તેનાથી ઘણી વધારે હશે. એવામાં આ અનલૉકના નિયમોનું ઉલ્લંઘન છે.
પાલીગંજના પોલીસ સ્ટેશનના પ્રભારી સુનિલ કુમાર કહે છે, "પરવાનગી તો તેમણે 50 લોકોની લીધી હતી. પરંતુ હવે તપાસમાં ખબર પડી કે વધારે લોકો એકઠા થયા હતા. અમે એકઠા થયેલાં તમામ લોકોની ઓળખ કરીને તેમનું સ્ક્રિનિંગ કરી રહ્યા છીએ. કાર્યવાહી તો ત્યારે જ થશે જ્યારે તે ક્વોરૅન્ટીનનો સમય પૂર્ણ કરી લેશે. "
ત્યાંના બીડીઓ ચિરંજીવી પાંડે કહે છે, "સ્થાનિક હૉસ્પિટલની ટીમ સંક્રમિત લોકોના સંપર્કમાં આવેલાં લોકોને ઓળખવાનું કામ કરી રહી છે. સ્વાસ્થ્ય વિભાગની વિશેષ ટીમ તમામ વસ્તુઓની તપાસ કરશે. મોહલ્લાને સૅનિટાઇઝ કરવાનું કામ ચાલી રહ્યું છે. જે પ્રકારની લાંબી ચેણન છે, આશંકા છે કે સંક્રમિતોની સખ્યા હજુ વધી ન જાય."



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.












