નેપાળ બૉર્ડરથી ગુજરાત લવાતાં હથિયારોનું રૅકેટ કઈ રીતે પકડાયું?

ઇમેજ સ્રોત, Gujarat Police
- લેેખક, રોક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
ગુજરાત ATSએ હાલમાં જ ગેરકાયદેસર હથિયારોની હેરફેર કરતાં 23 લોકોની ધરપકડ કરી છે. તેમાંથી રાજ્યભરના અલગ-અલગ જિલ્લાઓમાંથી લોકોને પકડ્યા છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ આરોપીઓ ઉચ્ચ કક્ષાનાં હથિયારો નેપાળ બૉર્ડરથી સ્મગલ કરીને ગુજરાતમાં વેચતાં હતાં.
આ માટે ગુજરાત ATSએ મોરબીના હળવદમાં રહેતા દિગ્વિજયસિંહ ઝાલા સહિત ભુજ, અમદાવાદ, અબડાસા, મેઘપર, રાપર જેવા વિસ્તારોમાંથી લોકોની ધરપકડ કરી છે.
જો કે સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે દિગ્વિજયસિંહ ઝાલા હળવદની તાલુકા પંચાયતના ભાજપની સીટ ઉપરથી ચૂંટાયેલા સભ્ય રહી ચૂક્યા છે.
તેઓ ખણાદ, રણમલપુર અને એંજારની તાલુકા પંચાયતની સીટ પરથી ભાજપ તરફથી ચૂંટણી લડ્યા હતા અને જીતીને તાલુકા પંચાયતમાં ગયા હતા.
જો કે હાલમાં ગુજરાત ATSએ તેમની ધરપકડ કરી લીધી છે, અને હથિયારોની સ્મગલિંગમાં તેમની મુખ્ય ભૂમિકા છે, તેવું ગુજરાત પોલીસ માની રહી છે.
દિગ્વિજયસિંહ વિશે માહિતી મેળવવા જ્યારે બીબીસી ગુજરાતીએ હળદવ તાલુકા પંચાયતના હાલના પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલા સાથે વાત કરી.
તેમણે ખરાઈ કરી કે દિગ્વિજયસિંહ ઝાલા અગાઉ એક ટર્મ માટે ભાજપ તરફથી ચૂંટણી લડ્યા હતા અને તાલુકા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે. જો કે તેમણે કહ્યું કે હાલમાં તેઓ પાર્ટીમાં સક્રિય નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, facebook/Parsottambhai Sabariya
તેમણે એવું પણ કહ્યું કે તેઓ ધ્રાંગધ્રામાં સક્રિય હોઈ શકે.
બીબીસીએ આ માટે જ્યારે ધ્રાંગધ્રા ભાજપના પ્રમુખ ઘનશ્યામ સંઘાણી સાથે વાત કરી તો તેમણે કહ્યું કે તેઓ પાર્ટીમાં હતા, પરંતુ તેઓ હાલમાં કોઈ હોદ્દો સંભાળતા નથી.
હળવદ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા અને હળવદ કૉંગ્રેસના પ્રમુખ જટુભા ઝાલાએ બીબીસી ગુજરાતીને કહ્યું કે દિગ્વિજયસિંહ ઝાલા તાલુકા પંચાયતના સભ્ય રહી ચૂક્યા છે, હાલમાં તેઓ પ્રાઇવેટ ફાઇનાન્સ કંપની ચલાવે.
જેની મુખ્ય ઑફીસ હળવદમાં જ આવેલી છે.
2019માં હળવદના ધારાસભ્યની પેટાચૂંટણી વખતે ભાજપના ઉમેદવાર પરસોત્તમ સાબરીયાના ચૂંટણીપ્રચારમાં દિગ્વિજયસિંહ અનેક જગ્યાએ તેમની સાથે સ્ટેજ પર પણ દેખાયા હતા.
તેમણે ચૂંટણીપ્રચારમાં ઍક્ટિવ ભૂમિકા નિભાવી હતી. જ્યારે આ વિશે બીબીસીએ સાબરીયાને પૂછ્યું તો તેમણે કહ્યું કે હું તો કૉંગ્રેસથી નવો-નવો જ ભાજપમાં આવ્યો હતો, તો મને ખબર નહોતી કે મારા પ્રચારમાં કોણ-કોણ છે.
ગુજરાત ATSની તપાસમાં દિગ્વિજયસિંહ ઝાલાની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની હોઈ તેવું ખૂલ્યું છે.
આ વિશે વાત કરતાં તપાસઅધિકારી ડીવાયએસપી બી. પી.રો ઝીયાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે "દિગ્વિજયસિંહ એ ગુજરાત બહારના નેટવર્કનો એક મુખ્ય ભાગ છે."
"તેઓ બહારથી હથિયારો સ્મગલ કરીને અહીં સ્થાનિક ડીલરનાં સ્ટોકમાં બતાવી, તે ડીલરથી બિલિંગ કરાવીને વધુ ભાવમાં અલગ-અલગ લોકોને વેચતા હતા."
પોલીસ તપાસમાં ખૂલ્યું છે કે અમદાવાદના રામદેવનગરમાં આવેલા તરુણ ગનહાઉસના માલિક તરુણ ગુપ્તા પોતાને ત્યાંથી ખોટા બિલ બનાવીને આ હથિયારો વેચતા હતા.
ગુજરાત ATSએ રૂપિયા 1.5 કરોડની 51 હાઈ-ઍન્ડ રાઇફલ્સ, પિસ્તોલ વગેરે સીઝ કર્યાં છે.
ગુજરાત ATSના ડીઆઈજી હિમાંશુ શુક્લાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું કે આ આખું નેટવર્ક નેપાળ બૉર્ડરથી ચલાવવામાં આવી રહ્યું હતું.
તેમણે એવું પણ કહ્યું કે અમારી પાસે બીજાં નામો પણ આવી ચૂક્યાં છે, એ તમામ લોકો નેપાળના છે કે પછી ભારત ના જ છે, તેની તપાસ હજી થઈ નથી. પરંતુ અમે થોડા દિવસોમાં આ આખા નેટવર્કની દરેક કડીને શોધી કાઢીશું.

કેવી રીતે મળી હતી પ્રથમ કડી?
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
8મી જૂન 2020ના રોજ કચ્છ પોલીસે એક બાતમીને આધારે એક કારમાં જતા 29 વર્ષના અનવર લોહાર અને 30 વર્ષના એકરમ થેબાને લાઇસન્સ વગરની 0.22 સ્પોર્ટિંગ રાઇફલ તથા એક દેશી હાથ બનાવટની બંદૂક તથા કાર્ટીજ સાથે પકડી પાડ્યા હતા.
તેમની કારમાં એક શિકાર કરીને મારી નાખેલી ઢેલ પણ મળી આવી હતી.
પોલીસે તેમની ધરપકડ કરીને પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે તેમણે આ હથિયારો તરુણ ગુપ્તા નામના અમદાવાદમાં રહેતા એક વ્યક્તિ અને તરુણ ગનહાઉસના માલિક પાસેથી ખરીદી છે.
પોલીસની આ પ્રાથમિક તપાસ બાદ બીજા અનેક લોકોનાં નામ ખૂલ્યાં હતાં અને આ તપાસ અંતે ગુજરાત ATSને આપવામાં આવી હતી.
જ્યાર બાદ ATSનાં અધિકારીઓએ ગુજરાતભરમાં અનેક જિલ્લાઓમાંથી બીજા આરોપીઓની ધરપકડ કરી હતી.

શું આ કોઈ આતંકવાદી કૃત્ય છે?
ના, હજી સુધી પોલીસ તપાસમાં ક્યાંય એવું જાણવા નથી મળ્યું કે આ હથિયારો આતંકવાદની કોઈ ઘટનાને અંજામ આપવા માટે ગુજરાતમાં મંગાવવામાં આવ્યાં છે.
આ તમામ હથિયારો સ્પોર્ટિંગ હથિયારો છે, ફૅશનેબલ છે અને પોલીસની પ્રાથમિક તપાસ પ્રમાણે આ લોકોએ માત્ર શોખ માટે અને સ્ટેટસ માટે આ હથિયારો ખરીદ્યાં છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












