કોરોના : જ્યારે અમદાવાદ બૉમ્બવિસ્ફોટના આરોપીની સિવિલ હૉસ્પિટલમાં સારવાર કરાઈ

ઇમેજ સ્રોત, Kalpit Bhachech
- લેેખક, ભાર્ગવ પરીખ
- પદ, બીબીસી ગુજરાતી માટે
અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા બૉમ્બબ્લાસ્ટના આરોપીની સિવિલ હૉસ્પિટલમાં સારવાર કરવાની અને સારવાર બાદ સાજા થવાની ઘટના ઘટી છે.
મૂળ મુંબઈના જાવેદ શેખ ઉર્ફે જાવેદ જુનિયર પર કેરળના વાગમોનમાં કથિત રીતે યોજાયેલા ઇન્ડિયન મુજાહિદીનના કૅમ્પમાં જઈને તાલીમ લેવાનો અને અમદાવાદમાં થયેલા વિસ્ફોટો માટે આરડીએકસ મોકલવાનો આરોપ છે. જાવેદ એ વખતે કર્ણાટકમાં ભણતા હતા. ધરપકડ વખતે જાવેદની ઉંમર 19 વર્ષની હતી. નોંધનીય છે કે ઇન્ડિયન મુજાહિદીનને ભારત સરકારે આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે.
અમદાવાદ સાબરમતી જેલના ડીવાયએસપી ડી.વી. રાણાએ જણાવ્યું, "જાવેદ જેલમાં હતો ત્યારે ખબર પડી કે એ અસ્થમાનો રોગી છે અને એને બે વખત અસ્થમાના માઇલ્ડ ઍટેક પણ આવ્યા હતા. આ મહિનાની શરૂઆતમાં એને શ્વાસની તકલીફ વધી ગઈ એટલે જેલની હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો. પણ તકલીફ વધી જતાં એને ખાનગીમાં કડક જાપ્તા હેઠળ સિવિલ હૉસ્પિટલમાં દાખલ કરવો પડ્યો."
"એ બાદ એની સારવાર શરૂ થઈ અને તપાસ કરાતા એ કોરોના પૉઝિટિવ હોવાનું માલૂમ પડ્યું. એના પર કોઈની નજર ન જાય એ માટે અમે આ વાત ખાનગી રાખી હતી. અમદાવાદ સિવિલમાં એને સીસીટીવી સર્વેલાન્સ હેઠળ રખાયો હતો અને આઠ-આઠ કલાકની અલગઅલગ પોલીસકર્મીની ડ્યૂટી રાખવામાં આવી હતી. આ ઉપરાંત એની સલામતીની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી."

જોકે, દરમિયાન ડીવાયએસપી પોતે કોરોના પૉઝિટિવ આવતા હાલમાં ક્વોરૅન્ટીન થયા છે.
સાબરમતી જેલમાં રાણાનો ચાર્જ સંભાળી રહેલા જેલના સિનિયર ઇન્સ્પેક્ટર વી.એલ. પટેલ જણાવે છે :
"જાવેદની હાલત ખરાબ થઈ ગઈ હતી. એનાં ફેફસાં પહેલાંથી જ નબળાં હતાં એટલે એની સારવાર વધુ ચાલી. અમારી જેલના તબીબો પણ એની મુલાકાત લેતા હતા. કડક સુરક્ષા હેઠળ અમે તેને રાખ્યો હતો. "
પટેલના જણાવ્યા અનુસાર ડૉક્ટરો અને જેલના કેટલાક અધિકારીઓ સિવાય કોઈને આ અંગે જાણ નહોતી કરાઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે, જાવેદને ક્યારે સિવિલમાં દાખલ કરાયા અને ક્યારે એમને જેલમાં લઈ જવાયા એ અંગે પટેલ કંઈ પણ કહેવાનો ઇન્કાર કરે છે અને આ માટે તેઓ સુરક્ષાનું કારણ આગળ ધરે છે.
જોકે, જેલમાં હવે જાવેદની કઈ રીતે સારવાર આપવામાં આવશે એ અંગે જણાવતા તેઓ કહે છે :
"સિવિલ હૉસ્પિટલમાંથી અમને જે ગાઇડલાઇન આપવામાં આવશે એ પ્રમાણે જેલની અંદર જ તેની પોસ્ટ કોવિડ-19 સારવાર કરીશું."
"એના માટે એક અલગથી 10x10ની કોટડી રાખવામાં આવી છે."

ઇમેજ સ્રોત, Getty Images
જાવેદના કોરોનાના ચેપની સારવાર કરનારા ડૉક્ટર તુષાર પટેલ આ અંગે વાત કરતાં જણાવે છે :
"જ્યારે આ દરદીને લાવવામાં આવ્યો ત્યારે અમને જાણ પણ નહોતી કે એ અમદાવાદ બૉમ્બ વિસ્ફોટનો આતંકવાદી છે."
"અમે એની સારવાર શરૂ કરી દીધી અને એની હાલત કથળી રહી હતી એટલે ઓક્સિજન પર લઈ લીધો."
"ડૉક્ટર તરીકે કોઈનો પણ જીવ બચાવવો એ અમારી પ્રાથમિકતા હતી. ગંભીર અસ્થમાને લીધે એનાં ફેફસાંની શક્તિ બહુ નબળી પડી ગઈ હતી."
"અમે એનાં ફેફસાંને ઓક્સિજન મળી રહે એ જોવાનું હતું. અમારા વરિષ્ઠ તબીબ રાજેશ સોલંકીએ મળીને ત્રણ અઠવાડિયાં સારવાર કરી હતી."
સુરક્ષા તથા વ્યવસાયની નૈતિકતાને કારણે આ અંગે વધુ કંઈ કહેવાનો ઇન્કાર કરતા ડૉક્ટર પટેલે કહ્યું કે "આતંકવાદી હોય કે સામાન્ય માણસ અમારા માટે દરદી એટલે દરદી છે અને અમે તેને બચાવવા માટે પૂરેપૂરી કોશિશ કરીએ છીએ."
અમદાવાદ સિવિલ હૉસ્પિટલના કાર્યકારી ડીન ડૉ. એમ. એમ. પ્રભાકરે બીબીસી ગુજરાતી સાથે વાતચીતમાં જણાવ્યું :
"મને પહેલાં દિવસથી ખબર હતી કે આ પેશન્ટ કોણ છે અને આ કેસ કેટલો સંવેદનશીલ છે, એટલે આ કેસમાં અમારા સિનિયર ડૉક્ટરને તહેનાત કરવામાં આવ્યા હતા."
"જાવેદનાં ફેફસાં નબળાં હતાં અને તેમને કોરોના થયો હતો, એટલે આ કેસ અમારા માટે ઘણો જ ક્રિટિકલ હતો."

ઇમેજ સ્રોત, Getty Images
આ અંગે ડૉ. પ્રભાકર ઉમેરે છે છે :
"સિવિલ હૉસ્પિટલમાં દાખલ થયેલો દરદી 2008માં શહેરમાં થયેલા બૉમ્બ બ્લાસ્ટનો આરોપી છે, એ વાત બહાર આવી જાય તો નવી સમસ્યા ઊભી થાય તેમ હતી. એટલે સારવારસમયે કોઈને અણસાર ન આવે, તેની કાળજી રાખી હતી."
ડૉ. પ્રભાકર કહે છે કે 'જ્યારે હું તેને મળ્યો હતો, ત્યારે એમણે જીવ બચાવવા બદલ અમારા તમામ ડૉક્ટરનો આભાર માન્યો હતો.'
જાવેદ પર અમદાવાદ વિસ્ફોટકેસમાં શહેરમાં આરડીએક્સ મોકલવાનો આરોપ છે અને હાલ તે અંડર-ટ્રાયલ કેદી છે.
થોડા વર્ષો પહેલાં સાબરમતી જેલમાંથી ભાગવા માટે કેટલાક કેદીઓએ સુરંગ ખોદી હોવાનો મામલો સામે આવ્યો હતો. એ મામલે પણ જાવેદ આરોપી છે.
જાવેદના મામલે જુલાઈમાં કોર્ટ ફેંસલો સંભળાવવાની હતી. જોકે, કોરોના વાઇરસની મહામારીને પગલે એમાં પણ મોડું થઈ રહ્યું છે.
વર્ષ 2008માં અમદાવાદમાં શ્રેણીબદ્ધ રીતે બૉમ્બ વિસ્ફોટ થયા હતા. જેમાં 50થી વધુ લોકો માર્યા ગયા હતા.




ઇમેજ સ્રોત, MohFW, GoI
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












