આત્મનિર્ભર ભારત : ગુજરાતમાં મજૂરોને યોજનાનો કેટલો લાભ મળ્યો ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રૉક્સી ગાગડેકર છારા
- પદ, બીબીસી સંવાદદાતા
ભારત સરકારની યોજના 'આત્મનિર્ભર ભારત' અંતર્ગત પ્રવાસી મજૂરોને વ્યક્તિદીઠ પાંચ કિલો ફૂડગ્રેઇન વિનામૂલ્યે આપવાની યોજના હતી. જોકે, અનેક મજૂરોની લાભ નહીં મળ્યો હોવાની ફરિયાદ છે.
અનેક મજૂરોની એવી ફરિયાદો છે એવી કે એપ્રિલ, મે અને જૂન મહિનાના સમયમાં જ્યારે આ સ્કીમ લાગુ હતી, ત્યારે પણ તેઓ આ યોજનાનો યોગ્ય ફાયદો લઈ શક્યા ન હતા.
ભારત સરકારની આ સ્કીમ પ્રમાણે એ તમામ પ્રવાસી મજૂરો કે જેમની પાસે NFSA કે Non-NFSA રૅશનકાર્ડ કે પછી કોઈ પણ રૅશનકાર્ડ ન હોય તેમણે રાજ્ય સરકાર વ્યક્તિદીઠ એપ્રિલ, મે અને જૂન મહિના દરમિયાન પાંચ કિલો અનાજ આપશે.
આ ઉપરાંત દાળ અને ચણા આપવાની પણ યોજના છે. આ માટે રાજ્ય સરકારોએ તેમના વિતરણ પ્રમાણે અનાજ ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાનાં ગોડાઉનો પરથી ઉપાડી લીધું છે.
ગુજરાતમાં એક તરફ સરકારનું કહેવું છે કે તેમણે અનાજનું વિતરણ અનેક જરૂરિયાતમંદો પ્રવાસી મજૂરોને કર્યું છે, જ્યારે બીજી તરફ ગ્રાઉન્ડ રિયાલિટી જરાક જુદી છે.

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ ભારતમાં રાજ્યોએ જે અનાજનો જથ્થો ઉપાડ્યો એમાંથી ફક્ત 13 ટકાનું જ વિતરણ પ્રવાસી મજૂરોને થયું.
એ અહેવાલમાં કેન્દ્ર સરકારે આપેલા આંકડાને આધારે કહેવાયું છે કે પ્રવાસી મજૂરોને અનાજનું વિતરણ કરવામાં ગુજરાતનું પડોશી રાજ્ય રાજસ્થાન સૌથી આગળ રહ્યું. રાજસ્થાને કુલ જથ્થા પૈકી 95 ટકા અનાજનું વિતરણ કર્યું. એ પછી હરિયાણા, હિમાચલ પ્રદેશ, આસામે અને કર્ણાટકએ સારો દેખાય કર્યો અને મજૂરોને અનાજ પહોંચાડ્યું.
જોકે, ઇન્ડિયન એક્સપ્રેસ મુજબ ગુજરાતનો સમાવેશ એ રાજ્યોમાં થાય છે કે જેમણે જૂન મહિનામાં કેન્દ્ર પાસેથી મેળવેલા કુલ અનાજના જથ્થામાંથી ફક્ત એક ટકો અનાજ જ વિતરણ કર્યુ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

લાંબી પ્રક્રિયા

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી ગુજરાતીએ આ માટે ઘણા પ્રવાસી મજૂરો સાથે વાત કરી અને તેમાંથી ઘણાનો અનુભવ સરકાર સાથે સારો રહ્યો નથી.
ઘણા મજૂરોને આ યોજનાનો લાભ લેવા માટે સરકારી કાગળ પર કામ કરવાની પ્રક્રિયા ખૂબ જ લાંબી લાગતી હોવાને કારણે તેનો ફાયદો લઈ શક્યા ન હતા.
બીબીસીએ જ્યારે બિહારથી આવીને અમદાવાદની એક કન્સ્ટ્રકશન સાઇટ પર કામ કરતા રામસેવક યાદવ સાથે વાત કરી તો તેમણે કહ્યું કે "તેમણે આત્મનિર્ભર ભારત યોજના માટે 15મી જૂનથી તમામ પ્રક્રિયા કરવાની શરૂઆત કરી હતી, જેમાં ફૉર્મ ભરવું, ફૉર્મ સાથે તમામ કાગળો ઍટેચ કરવા, તેમજ તેને સરકારી કચેરીમાં જમા કરવા સુધીની તમામ પ્રક્રિયા કરી દીધી છે."
"આ માટે મને લગભગ 10 દિવસ લાગી ગયા હતા. જૂન 25મી સુધી મને એક ઓ.ટી.પી. આપવા જવાનું હતું, પરંતુ મને કોઈ ઓ.ટી.પી. મળ્યો નથી. આ ઓ.ટી.પી.ની મદદથી મને કોઈ પણ સરકારી અનાજની દુકાનથી 5 કિલો અનાજ મળી શકે છે પણ આ આટલી લાંબી પ્રક્રિયા કર્યા પછી પણ હજી સુધી મને કોઈ અનાજ મળ્યું નથી."
યાદવ હાલમાં અમદાવાદના સેટેલાઇટ વિસ્તારની એક કન્સ્ટ્ર્કશન સાઇટ પર બીજા લગભગ 9 લોકો સાથે રહે છે. આ તમામ લોકોએ રૅશન માટે રજૂઆતો કરી લીધી છે, પરંતુ બધાને યાદવની જેમ જ રૅશન નથી મળ્યું. હાલમાં તેઓ તમામ લોકો પોતાના ખર્ચે જ બજારથી રૅશન ખરીદીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.
આવી જ રીતે મધ્ય પ્રદેશના ઝાંબુઆથી અમદાવાદમાં કામ કરતા 21 વર્ષના કમલેશ મુજાંટાએ પણ આત્મનિર્મભર ભારત હેઠળ વિનામૂલ્ય રૅશન લેવાની અરજી કરી હતી, પરંતુ તેમનો મોબાઇલ ફોન ખોવાઈ ગયો હોવાથી તેમન ખબર નથી કે તેની પર ઓ.ટી.પી. આવ્યો છે કે નહીં.
બીબીસી ગુજરાતી સાથે વાત કરતા તેમણે કહ્યું કે તેમણે લગભગ 25મી જૂનના રોજ પ્રથમ વખત અરજી કરી હતી, પરંતુ હજી સુધી તેમને જૂન મહિનામાં મળવાપાત્ર રૅશન મળ્યું નથી. તેઓ તેમના પરિવાર સાથે 10 લોકો અમદાવાદમાં રહે છે અને હાલમાં પોતાનું ગુજરાન પોતાની મજૂરીની કમાણીમાંથી જ કરે છે.
આ વિશે જ્યારે બીબીસી ગુજરાતીએ આજીવિકા બ્યુરો નામની એક સંસ્થા (કે જે પ્રવાસી મજૂરોના હક્કો માટે કામ કરે છે)ના ગુજરાત પ્રદેશના પ્રમુખ મહેશ ગજેરા સાથે જ્યારે વાત કરી તો તેમણે કહ્યું કે "આત્મનિર્ભર ભારતની વિનામૂલ્યે રૅશન આપવાની યોજના ખૂબ જ સારી છે અને તેની ખૂબ જ જરૂરિયાત હતી. પરંતુ આ યોજનાનો ફાયદો ઘણા લોકોને નથી મળ્યો અને તેઓ રજૂઆત કરી શકે તેવું કોઈ સ્થળ પણ નથી."
ગજેરાએ અનેક લોકોને તેમનાં ફૉર્મ ભરવા માટે મદદ કરી છે. એમનું કહેવું છે કે "ઘણા લોકો હજી રૅશનની રાહ જોઈ રહ્યા છે, પરંતુ તેમને મળ્યું નથી"

શુ કહેવું છે સરકારનું?

ઇમેજ સ્રોત, Social Media
આ વિશે જ્યારે બીબીસી ગુજરાતીએ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગના સચિવ મોહમ્મદ શાહીદ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો.
જોકે આ ખાતાના મંત્રી જયેશ રાદડિયાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે "એપ્રિલ મહિનામાં 7 લાખ લોકોને અને મે મહિનામાં 6 લાખ પ્રવાસી મજૂરોને સરકારની યોજના અતંર્ગત વિનામૂલ્યે રૅશન આપવામાં આવ્યું છે."
તેમણે કહ્યું કે 30મી જૂન પછી આ યોજના બંધ કરી દેવામાં આવી છે અને કેન્દ્ર સરકાર તરફથી હજી સુધી આ યોજનાને લંબાવવા માટે કોઈ મૅસેજ મળ્યા નથી.
કેન્દ્ર સરકારની એક પ્રેસ રિલીઝ પ્રમાણે, વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશઓએ 6.39 લાખ મેટ્રિક ટન ફૂડ ગ્રેઈન્સ ઉપાડ્યા છે. તેમાંથી 1,06,141 MT અનાજ લગભગ 121.00 લાખ પ્રવાસી મજૂરોને મે મહિનામાં અને 91.29 લાખ પ્રવાસી મજૂરોને જૂન મહિનામાં આપવામાં આવ્યું છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો














