કોરોના વાઇરસ : મહામારીમાં ભાજપ-કૉંગ્રેસ કેવી રીતે કરશે ચૂંટણીપ્રચાર?

ચૂંટણીપ્રચાર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

એક તરફ ગુજરાતમાં આઠ બેઠકો પર પેટાચૂંટણીનું આયોજન થઈ રહ્યું છે અને બીજી તરફ કોરોના વાઇરસ રાજ્યમાં કાળો કેર વર્તાવી રહ્યો છે.

વિવિધ પાર્ટીઓની પેટાચૂંટણી માટે ઉમેદવાર નક્કી કરવાથી માંડીને પ્રચાર-પ્રસાર કઈ રીતે કરશે એની બેઠકો ચાલી રહી છે.

મોરબી, કરજણ(વડોદરા), કપરાડા(વલસાડ), લીમડી(સુરેન્દ્રનગર), ગઢડા(બોટાદ), ધારી(અમરેલી), અબડાસા(કચ્છ), ડાંગ; આ આઠ બેઠકો પર પેટાચૂંટણી યોજાનાર છે.

કોરોનાની મહામારી વચ્ચે ચૂંટણીપ્રચાર તેમજ જાહેરસભા અંગે ચૂંટણીપંચે રાષ્ટ્રીય તેમજ પ્રાદેશિક રાજકીય પાર્ટીઓના પ્રમુખ તેમજ સચિવોને પત્ર લખીને સૂચનો મગાવ્યા છે.

ચૂંટણીપંચે પત્રમાં લખ્યું છે કે કોરોના વાઇરસનું સંક્રમણ ન ફેલાય એ માટે ડિઝાસ્ટર મૅનેજમૅન્ટ ઍક્ટ-2005 મુજબ દેશમાં માર્ગદર્શિકા જાહેર થઈ જ છે. રાજ્યોએ પણ પોતાની રીતે સંક્રમણ સામે અટકાયતી નિર્દેશ જાહેર કર્યા જ છે.

પત્રમાં એવું પણ લખ્યું છે કે દેશનાં કેટલાંક રાજ્યોમાં વિભાનસભાની પેટાચૂંટણી તેમજ બિહારમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, જેથી રાજકીય પાર્ટીઓ સૂચનો 31 જુલાઈ પહેલાં મોકલી દે, જેથી કોરોનાના સમયમાં ચૂંટણી અને પ્રચાર માટેની એક માર્ગદર્શિકા નક્કી થઈ શકે.

ચૂંટણીપંચે પત્ર લખ્યો એ અગાઉ બીબીસીએ ગુજરાત કૉંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ સાથે વાત કરી હતી.

કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યા છે અને જાહેરસભા કે રેલીઓ કરવી શક્ય નથી ત્યારે પેટાચૂંટણીમાં તેઓ પ્રચાર માટે કેવાં આયોજનો વિશે વિચારી રહ્યા છે એ વિશે પૃચ્છા કરી હતી.

બંને મુખ્ય પાર્ટીઓ કૉંગ્રેસ અને ભાજપે એક સૂરમાં કહ્યું હતું કે પેટાચૂંટણીમાં પ્રચાર માટેનો મુખ્ય મંચ સોશિયલ મીડિયા હશે.

line

આ વખતની સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ

ડિજિટલ દુનિયા

ઇમેજ સ્રોત, iStock

ભાજપના આઈટી સેલ તેમજ સોશિયલ મીડિયાના સંયોજક પંકજ શુક્લાએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું: "આ વખતે કોરોનાની સ્થિતિ જોતાં મોટી સભાઓ કે રેલીની ગુંજાઇશ વર્તાતી નથી. તેથી ચૂંટણી પ્રચારમાં સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ થશે."

તેઓ આગળ કહે છે, "ચૂંટણીમાં સોશિયલ મીડિયાનું મહત્ત્વ હંમેશાં રહે જ છે. આઈટી અને સોશિયલ મીડિયા બંનેનું મહત્ત્વ અગાઉની ચૂંટણી કરતાં આ ચૂંટણીમાં ખૂબ વધારે રહેશે. અમારું આયોજન છે કે વર્ચ્યુઅલ રેલીના સ્વરૂપે અલગ-અલગ સોશિયલ મીડિયા મંચનો ઉપયોગ કરીએ."

શુક્લા જણાવે છે કે "રેલીમાં અનેક લોકો એકસાથે એકસ્થળે હાજર હોય છે, વર્ચ્યુઅલ રેલીમાં સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક લોકો સાથે જોડાઈ શકાય છે. જેમાં અનેક લોકો એકસાથે તો હોય પરંતુ એકસ્થળે ન હોય."

"ઓડિયો બ્રીજ, ઓડિયો મૅસેજ વગેરેના ઉપયોગનું પણ આયોજન છે. ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ તો થવાનો જ છે, પણ સોશિયલ મીડિયાના સંદર્ભે સૌથી વધુ ઉપયોગ વૉટ્સઍપનો થશે. દરેક મતદાર સુધી વૉટ્સઍપ દ્વારા પહોંચી શકાય."

વૉટ્સઍપનો વ્યાપક ઉપયોગ થશે એવું ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના સોશિયલ મીડિયાના પ્રદેશ સંયોજક હેમાંગ રાવલ પણ માને છે.

તેમણે બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું કે "અમે પેટાચૂંટણીની આઠ બેઠકોને ત્રણ વિભાગોમાં વિભાજિત કરી છે, અર્બન એટલે કે શહેરી, સેમિઅર્બન અને રૂરલ એટલે કે ગ્રામીણ."

રાવલ કહે છે, "આ ત્રણેયની સોશિયલ મીડિયા પર પ્રચાર રણનીતિ અલગ-અલગ નિર્ધારિત કરવાનું આયોજન છે. છેવાડાના માણસ પાસે પણ ચાંપવાળો-આંકડાવાળો ફોન તો છે જ."

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસ : લૉકડાઉન બાદ ધર્મ કેવી રીતે બદલાશે?

"જેમની પાસે ટચસ્ક્રીનવાળો સ્માર્ટફોન નથી અને માત્ર આંકડાવાળો ફોન છે તો તેમના સુધી મૅસેજ(એસએમએસ) દ્વારા પહોંચી શકાય. મૅસેજમાં પણ પ્રાદેશિક ભાષાનો જો ઉપયોગ થાય તો વધુ લોકો સુધી પહોંચી શકાય. વૉઈસ મૅસેજનો પણ વિકલ્પ વિચારી રહ્યા છીએ."

તેઓ રણનીતિ વિશે કહે છે, "સેમિઅર્બન વિસ્તારોમાં અમે વૉટ્સઍપ પર વધુ ભાર મૂક્યો છે. જેમના મોબાઇલમાં વૉટ્સઍપ છે, એનો મતલબ એ કે તેમની પાસે ઇન્ટરનેટ છે."

"તેથી અમારા નેતાના વીડિયોની લિંક, લાઇવ કાર્યક્રમની લિંક વગેરે વૉટ્સઍપ દ્વારા મોકલીને તેમની સાથે સંપર્ક જાળવી રાખીશું. અમે જે-તે વિસ્તારના સ્થાનિક પ્રશ્નો જાણવા માટે પણ વૉટ્સઍપનો ઉપયોગ કરી રહ્યા જ છીએ."

શહેરી વિસ્તાર માટેની રણનીતિ વિશે કહે છે, "શહેરી વિસ્તારોમાં સોશિયલ મીડિયા થકી લોકો સાથે સ્થાનિક નેતા સંકળાયેલા હોય છે. તેથી ત્યાં સોશિયલ મીડિયાના વિવિધ પ્લૅટફૉર્મ્સના પ્રચૂર ઉપયોગનું આયોજન છે."

તેઓ આગળ ઉમેરે છે, "અત્યારે અમારી પાસે તાલુકાદીઠ અને બૂથદીઠ સોશિયલ મીડિયા વિભાગના માણસો છે. જે-જે વિધાનસભામાં પેટાચૂંટણી આવે છે, તેનાં ફેસબુક ઍકાઉન્ટ્સ તૈયાર થાય છે. બૂથના સ્તરે વૉટ્સઍપ ગ્રૂપ ખૂલી ગયાં છે."

રાવલ કહે છે, "સોશિયલ મીડિયામાં પણ અમે વિભાગ નક્કી કરેલા છે. જેમકે ઇન્સ્ટાગ્રામ સાથે યુવાનો મોટી સંખ્યામાં સંકળાયેલા છે, તેથી અમે ઇન્સ્ટાગ્રામ પર યુવા આધારિત મુદ્દા પર ફોકસ કરી શકીએ."

તેઓ આગળ જણાવે છે, "ફેસબુક પર પુખ્તવયના અને દરેક વયજૂથના લોકો સંકળાયેલા છે, તો ત્યાં દરેક પ્રકારના જનતાના સામાજિક મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું આયોજન છે."

line

'ધારાસભ્યોની સંખ્યા વધારવી છે કે મોત વધારવાં છે?'

વીડિયો કૅપ્શન, કોરોના મહામારી પછી સ્કૂલોમાં કેવી રીતે ભણાવાશે?

જે પ્રકારે કોરોના રાજ્યમાં મોટાં શહેરોથી ગામોમાં ફેલાઈ રહ્યો છે. એવા સંજોગોમાં ચૂંટણી યોજવી ઉચિત નથી, એવું કેટલાંક લોકોને લાગે છે.

કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી પણ આવું જ માને છે.

તેઓ આનું ઠીકરું સરકાર પર ફોડતાં કહે છે, "લૉકડાઉન અને અનલૉક પછી કોરોનાનું સંક્રમણ વધી ગયું છે, એવું સરકાર પોતે પણ સ્વીકારે છે."

દોશી કહે છે, "સંક્રમણ ફેલાઈ રહ્યું છે, ત્યારે પાયાનો સવાલ એ છે કે સરકારે સામાન્ય માણસની સુખાકારી જોવાની હોય કે સત્તાની સાઠમારી જોવાની હોય? સરકારે પોતાની પ્રાથમિકતા નક્કી કરવી જોઈએ."

તેઓ કહે છે, "પ્રાથમિકતાને આધારે સરકારે નક્કી કરવાનું છે કે ધારાસભ્યોની સંખ્યા વધારવી છે કે માણસોનાં મોત વધારવાં છે?"

ચૂંટણી તો ચૂંટણીપંચ નક્કી કરે છે ને? સરકાર એમાં ક્યાં સીધી જોડાયેલી છે?

આના જવાબમાં દોશી જણાવે છે, "કોરોનાના આ સંજોગમાં ચૂંટણી ન યોજાય એ માટે સરકાર ભલામણ કરી શકે છે. તેમણે કેન્દ્રીય ચૂંટણીપંચને ભલામણ કરવી જોઈએ."

"સરકાર કહી શકે કે કોરોના મહામારીને લીધે મર્યાદિત વહીવટી તંત્ર કામ કરી રહ્યું છે. તંત્રમાં જે છે એમાંના ઘણા કોરોના મહામારી સામેનાં કામમાં જોતરાયેલા છે. સરકારે મોકળા મને આ રજૂઆત કરવી જોઈએ."

ચૂંટણી પાછી ઠેલાય એ માટે વિપક્ષ તરીકે કૉંગ્રેસ પણ ચૂંટણી પંચને રજૂઆત તો કરી જ શકે ને?

મનીષ દોશી કહે છે કે "આ વાત અમારા તરફથી કહેવાય, એના કરતાં અમે અપેક્ષા રાખીએ છીએ કે સરકાર કહે તે યોગ્ય છે. કારણકે, સરકાર હોવાથી જવાબદારી તેમની છે. અમે તો કોરોનાની મહામારી સામે લડવામાં સરકારને સહયોગ આપી રહ્યા છીએ."

કોરોનાની સ્થિતિ રાજ્યમાં નિરંતર ગંભીર થઈ રહી છે. આ સંજોગોમાં ચૂંટણી યોજાય તો કઈ રીતે યોજાય એ સવાલ પણ ઘેરો બની રહ્યો છે.

આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જ કેન્દ્રીય ચૂંટણીપંચે પ્રચાર કઈ રીતે કરવો એ માટે સૂચનો રાજકીય પાર્ટીઓ પાસેથી મગાવ્યા છે.

મનીષ દોશી જણાવે છે કે "જો ચૂંટણી જાહેર થઈ જાય તો સોશિયલ ડિસ્ટન્સિંગ અને કોરોના જાગૃતિઅભિયાનની સાથે-સાથે અમે પ્રચાર કરીશું."

"અમે જાહેરસભાઓ નહીં કરી શકીએ પણ અમારો પ્રયાસ રહેશે કે લોકોને વાસ્તવિકતાથી વાકેફ કરાવવા અમે સ્થાનિક સ્તરે નાના-નાના મેળાવડા કરીશું અને જાહેર આરોગ્ય ન જોખમાય એ રીતે પ્રયાસ કરીશું."

"આ સિવાય સોશિયલ મીડિયાનો તો અમે મહત્તમ ઉપયોગ કરીશું જ એવું આયોજન છે"

line

'કોરોનાને લીધે પ્રચાર પણ બદલાશે'

હાર્દિક પટેલ

ઇમેજ સ્રોત, Facebook/Hardik Patel

કોરોના વચ્ચે ચૂંટણીપ્રચાર માટે સોશિયલ મીડિયાના ક્યા વિકલ્પો બહેતર રહે એના પર ભાજપે કામ કરવાનું શરૂ કરી દીધું છે.

ભાજપના મુખ્ય પ્રવક્તા ભરત પંડ્યાએ બીબીસીને જણાવ્યું કે "કોરોનાની કપરી સ્થિતિમાં દરેક વ્યક્તિના આચારવિચાર બદલાયા છે, એવા સંજોગોમાં પ્રચારની પદ્ધતિ પણ બદલાશે."

"ચૂંટણીપંચની માર્ગદર્શિકા તેમજ કોરોના સામેની સાવચેતીના નિયમોને અનુસરીને ભાજપ પોતાની પ્રચારપદ્ધતિ ગોઠવશે."

પંડ્યા કહે છે, "ભાજપના કાર્યકરો બૂથશક્તિ કેન્દ્રમંડળ દ્વારા વીડિયો કૉન્ફરન્સ સંમેલન કહો કે વર્ચ્યુઅલ મિટિંગ કહો, એ પ્રમાણે સંવાદ કરતાં રહે એવું આયોજન છે."

"એ સિવાય અમારું સંગઠન ફેલાયેલું છે, તો તેમની સાથે પણ વીડિયોસંવાદ ચાલતાં રહે એવું વિચારી રહ્યા છીએ."

વિધાનસભા સંદર્ભેના આયોજન વિશે પંડ્યા કહે છે, "હવે જ્યારે વિધાનસભાની ચૂંટણી માટે ફૉકસ કરવાનું આવશે, ત્યારે અમે વિધાનસભાના કાર્યકરો સાથે સંવાદ કરીશું. આમાં દરેક વિધાનસભાનું એક સોશિયલ મીડિયા ગ્રૂપ બનશે અને એમાં બૂથપ્રમુખ, તાલુકાના હોદ્દેદારો વગેરે સાથે સંવાદ કરીશું."

વીડિયો કૅપ્શન, કોરોના વાઇરસ : પ્રેમ અને સેક્સની દુનિયામાં શું પરિવર્તન લાવશે?

તેઓ કહે છે, "અમે તેમની સાથે સંવાદ તો નિરંતર કરતાં જ રહીએ છીએ, હવે ચૂંટણીલક્ષી સંવાદ વધુ થશે. વીડિયો કૉન્ફરન્સ દ્વારા અમે આ સંવાદ કરીશું."

પંડ્યા ઉમેરે છે, "બીજી વાત એ કે રાજ્યમાં અમારી બૂથસમિતિ સક્રિય છે. જેમાં 13, 15, 21 કે 25 કાર્યકર હોય છે. એક બૂથમાં 800-900 મતદાર હોય છે."

"જેમાં 200 જેટલા પરિવાર આવે. અમે અમારી એ સમિતિને સક્રિય કરી દઈએ તો એ પદ્ધતિસર કામ કરી શકે છે."

પંડ્યા રણનીતિ વિશે વાત કરતાં કહે છે, "એવું પણ આયોજન છે કે અમે અલગ-અલગ જૂથ વિભાજિત કરીશું. જેમકે, ઓબીસી મોરચો, વેપારીમંડળ, સોસાયટીપ્રમુખ, મહિલામંડળ વગેરે."

"આ જૂથ સાથે વીડિયો કૉન્ફરન્સથી સંવાદ કરીશું. અમારી વાત આવા વિવિધ જૂથ દ્વારા દરેક માણસ સુધી પહોંચે એવા પ્રયાસ રહેશે."

"અમે દરેક વખતે અવનવા નુસખા અજમાવતાં હોઈએ છીએ, તો આ વખતે પણ કંઈક નવું આવશે. કાર્યકર્તા માટે ભાજપના ચિહ્નવાળા માસ્કનું આયોજન છે."

line

ઇન્ટરનેટ નથી, ત્યાં પ્રચાર કેવી રીતે થશે?

કૉંગ્રેસ

ઇમેજ સ્રોત, Getty Images

સેલ્યુલર ઑપરેટર્સ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાના અહેવાલ અનુસાર જૂન 2019માં ગુજરાતમાં છ કરોડ 80 લાખ મોબાઇલધારકો હતા.

નીતિઆયોગ અનુસાર ગુજરાતમાં 100 મોબાઇલધારકોમાંથી 42 લોકો જ પોતાના ઇન્ટરનેટ ધરાવે છે.

આ 16 સપ્ટેમ્બર 2019ના 'ટાઇમ્સ ઑફ ઇન્ડિયા'માં આ નોંધ વિશે એક અહેવાલ છપાયો હતો.

જો મોબાઇલધારકોમાંથી પચાસ ટકા કરતાં ઓછા લોકો મોબાઇલમાં ઇન્ટરનેટ ધરાવતાં હોય તો રાજકીય પક્ષો માટે સોશિયલ મીડિયા દ્વારા પ્રચારની એક મોટી મર્યાદા આવી જાય છે.

ત્યાં તેઓ SMS અને વૉઇસ મૅસેજ સિવાય કયો પ્રચારનો રસ્તો કાઢી શકશે એ એક સવાલ છે.

પંકજ શુક્લા કહે છે કે "આવા સ્થળોએ એસએમએસ વગેરેનો ઉપયોગ કરવાનું આયોજન છે. લોકોને કૉલ આવે અને એ લોકો સાંભળે એ રીતે પ્રચાર કરવાનું પણ વિચારીએ છીએ. ભૌગોલિક સ્થિતિ અને સંચાર ઉપકરણોનો વપરાશ જેવો હશે, એ રીતે અમે પ્રચાર કરીશું."

સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ થશે તો એનો કઈ રીતે ઉપયોગ કરવો એ માટે વર્કશોપના આયોજન વિશે શુક્લા જણાવે છે, "હાલમાં જ એક વર્કશૉપ થયું છે. આગામી દિવસોમાં પણ યોજાશે."

line

પક્ષાંતર કરી ગયેલા ધારાસભ્યો અંગે ઑનલાઇન પ્રચાર

ઍપ્સ

જે ધારાસભ્યો કૉંગ્રેસ છોડીને ભાજપમાં ચાલ્યા ગયા છે, તેમના પ્રત્યે કૉંગ્રેસ ભારે નારાજ છે.

સોશિયલ મીડિયામાં કૉંગ્રેસ જે પ્રચારનું આયોજન કરી રહી છે, એમાં પક્ષાંતર કરી ગયેલા ધારાસભ્યોને પણ અડફેટે લેવાનું વિચારી રહી છે.

હેમાંગ રાવલ જણાવે છે, "ગુજરાત પ્રદેશ કૉંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ 'બોલશે ગુજરાત' નામની એક ઝુંબેશ ચલાવી હતી. જેમાં વિદ્યાર્થીઓની ફી-માફી, નગરપાલિકાની વેરામાફી અને વીજળીબિલની માફી જેવા મુદ્દા સામેલ હતા."

"આ ઝુંબેશને ઘણું સારું લોકસમર્થન મળ્યું હતું. તેથી આ ઝુંબેશને પેટાચૂંટણીમાં લંબાવવાનું આયોજન છે."

ઝુંબેશ વિશે તેઓ જણાવે છે, "એમાં કોંગ્રેસના નેતા તો બોલશે જ. સાથોસાથ જનતા પણ પોતાના પ્રશ્નો એ સોશિયલ મીડિયા મંચ પર રજૂ કરે એ પ્રકારનું આયોજન છે."

પક્ષાંતર કરનારા ધારાસભ્યો વિશે કહે છે, "કૉંગ્રેસના ચૂંટાયેલા જે ધારાસભ્યો દ્રોહ કરીને અન્ય પક્ષમાં ગયા છે, તેમને પણ અમે સોશિયલ મીડિયાના વિવિધ મંચ પર રજૂ કરવાના છીએ. તેમણે જનતા સાથે દ્રોહ કર્યો છે, એ મુદ્દો પણ પેટાચૂંટણીના પ્રચાર દરમિયાન અગ્રેસર રહેશે."

line

ખેસ, ઝંડા બનાવનારાને ફટકો

પ્રચારસામગ્રી

ઇમેજ સ્રોત, Getty Images

અમદાવાદમાં કાપડઉદ્યોગ સાથે સંકળાયેલા અબુભાઈ કુચેરાવાલા ચૂંટણીપ્રચારની સામગ્રી, જેમકે ખેસ, ઝંડા, ટોપી વગેરે બનાવતા હોય છે.

તેઓ વર્ષોથી આ કારોબાર કરે છે, આ વખતે કોરોનાને લીધે તેમને બિહારની વિધાનસભાની ચૂંટણી માટે કે ગુજરાતની વિધાનસભાની પેટાચૂંટણી માટે પ્રચારસામગ્રી તૈયાર કરવાના ઑર્ડર મળ્યા જ નથી.

બીબીસી સાથે વાત કરતાં અબુભાઈ કહે છે, "ગુજરાતમાં પેટાચૂંટણી છે, ઉપરાંત અમદાવાદ કૉર્પોરેશનની ચૂંટણી પણ છે. બિહારમાં ચૂંટણી યોજાનાર છે અને મહારાષ્ટ્રમાં પણ કૉર્પોરેશનની ચૂંટણીઓ આવી રહી છે."

"એને ધ્યાનમાં રાખીને મેં કાપડનો જથ્થો લઈ રાખ્યો છે, પણ કોરોનાએ બધું ડામાડોળ કરી નાખ્યું છે."

તેઓ કહે છે, "સામાન્ય રીતે ચૂંટણી યોજાય તેના ચારથી પાંચ મહિના અગાઉ અમને ઑર્ડર મળતા હોય છે. હજી સુધી મને એક પણ ઑર્ડર મળ્યો નથી. કાપડનો જથ્થો છે, એ ઘરજમાઈની જેમ પડી રહ્યો છે."

તેઓ ઉમેરે છે, "અમને તો પંદર-વીસ નહીં પણ સો ટકાનો ફટકો પડ્યો છે. કારણકે ચૂંટણીપ્રચાર માટે પાર્ટીઓનાં ઝંડા, ખેસ કે ટોપી તૈયાર કરવાનું કામ જ નથી મળ્યું."

અબુભાઈ કહે છે, "કોરોનાને લીધે જો રાજકીય પાર્ટીઓ સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લૅટફૉર્મ્સ પર જ પ્રચારનો ભાર મૂકશે તો અમને ધંધો મળે એવું લાગતું નથી."

line
કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો