રાજસ્થાન ઓડિયો ટેપ : 'ગજેન્દ્રબન્ના', જેમની પર કૉંગ્રેસની ગેહલોત સરકારને ઉથલાવવાનો આરોપ

ઇમેજ સ્રોત, Twitter/GajendraShekhawat
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
કેન્દ્ર સરકારમાં કૅબિનેટપ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવત પર રાજસ્થાનની અશોક ગેહલોત સરકારને ઉથલાવવાનો આરોપ કૉંગ્રેસે મૂક્યો છે.
એ પછી કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના 'લૉ-પ્રોફાઇલ' પ્રધાન અચાનક જ ચર્ચામાં આવી ગયા છે. હાલમાં તેઓ કેન્દ્ર સરકારમાં જળશક્તિ મંત્રાલયનો પ્રભાર સંભાળે છે.
શેખાવત આ આરોપોને નકારે છે અને તેને કૉંગ્રેસનો આંતરિકકલહ ગણાવે છે. આ આરોપો મુદ્દે રાજસ્થાન પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
શેખાવત વિદ્યાર્થીકાળથી જ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વિદ્યાર્થી પાંખ સાથે જોડાયેલા હતા, બાદમાં તેઓ સંઘમાં અને પછી ભાજપમાં આગળ વધ્યા.
શેખાવત અને ગેહલોત બંને રાજસ્થાનના જોધપુર જિલ્લાના છે. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન વૈભવ ગેહલોતને હરાવીને વધુ એક વખત પોતાની લોકપ્રિયતાનો પરચો આપ્યો હતો.

શેખાવત, ગેહલોત અને જોધપુર
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
2014માં પહેલી વખત કેન્દ્રમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપની સરકાર બની, ત્યારે તરત તો તેમને કોઈ પદ ન મળ્યું, પરંતુ જીતવાના માર્જિનને કારણે તેઓ ચર્ચામાં આવ્યા હતા.
નરેન્દ્ર મોદીની લહેરમાં તેમણે જોધપુરની બેઠક ઉપરથી કૉંગ્રેસના ઉમેદવાર ચંદ્રેશ કુમારીને રેકર્ડ ચાર લાખ 10 હજાર 51 મતે પરાજય આપ્યો હતો. રાજસ્થાનની તમામ 25 બેઠક ઉપર ભાજપનો વિજય થયો હતો.
સપ્ટેમ્બર-2017માં નરેન્દ્ર મોદીએ તેમની કૅબિનેટનું પુનર્ગઠન કર્યું, ત્યારે તેમને રાજ્યકક્ષાના કૃષિ તથા કૃષકકલ્યાણ પ્રધાન બનાવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડિસેમ્બર-2018માં રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી પ્રસ્તાવિત હતી એટલે રાજકીય વિશ્લેષકો દ્વારા તેમની પસંદગીને ઇલેક્શન સાથે જોડીને જોવામાં આવી.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 1
2019ની ચૂંટણીમાં શેખાવત ફરી એક વખત જોધપુરની બેઠક ઉપરથી વિજેતા થયા. આ વખતે જીતનું માર્જિન ઘટ્યું, પરંતુ તેમણે જે ઉમેદવારને પરાજય આપ્યો તેના કારણે ગજેન્દ્રસિંહ શેખાવત 'જાયન્ટ કિલર' તરીકે પ્રસ્થાપિત થયા.
શેખાવતની સામે અશોક ગેહલોતે પોતાના પુત્ર વૈભવને ટિકિટ અપાવી હતી.
ગેહલોતના ટીકાકારોના કહેવા પ્રમાણે, પુત્રને જિતાડવા તથા તેની રાજકીય કારકિર્દી ઘડવા પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું તથા અન્ય ઉમેદવારો ઉપર અપેક્ષા મુજબ ધ્યાન આપ્યું ન હતું.
2019માં ફરી એક વખત રાજસ્થાનની તમામ 25 બેઠક ઉપર કૉંગ્રેસનો પરાજય થયો, અલબત આ વિજય ભાજપનો નહીં, પરંતુ એન.ડી.એ. (નેશનલ ડેમૉક્રેટિક અલાયન્સ)નો હતો.
આ જીતે રાજસ્થાન કૉંગ્રેસમાં ઊભી તિરાડ પાડી દીધી હતી, જે આજની સ્થિતિ સુધી પહોંચી છે.

જોધપુરમાં 'ગજેન્દ્રબન્ના'

ઇમેજ સ્રોત, Nur Photo
ગજેન્દ્રસિંહ શેખાવતનો જન્મ તા. ત્રીજી ઑક્ટોબર 1967ના રોજ રાજસ્થાનના જેસલમેર જિલ્લામાં શેખાવત રાજપૂત પરિવારમાં થયો હતો.
વિદ્યાર્થીકાળમાં જ તેમની રુચિ રાજકારણ તરફ હતી અને તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આર.એસ.એસ.)ની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થીપરિષદ (એ.બી.વી.પી.)માં જોડાયા હતા.
વર્ષ 1992માં તેઓ જોધપુરની જય નારાયણ વ્યાસ યુનિવર્સિટીના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા, ત્યારે તત્કાલીન મુખ્ય પ્રધાન ભૈરોસિંહ શેખાવતે તેમને શપથ લેવડાવ્યા.
ભૈરોસિંહે રાજસ્થાનમાં મુખ્ય પ્રધાન હતા. જનસંઘના સમયથી જ તેઓ કૉંગ્રેસવિરોધી વિચારસરણી સાથે જોડાયેલા હતા અને દેશના ઉપરાષ્ટ્રપતિ પણ બન્યા.
અહીં તેમણે ફિલૉસૉફીમાં અનુસ્નાતક અને બાદમાં એમ. ફિલ. (માસ્ટર ઑફ ફિલૉસૉફી)નો અભ્યાસ કર્યો.
શેખાવત સંઘની સરહદી વિસ્તારની પાંખ 'સીમા જનકલ્યાણ સમિતિ'ના મહાસચિવ બન્યા, જે પાકિસ્તાન સાથે જોડાયેલી રાજસ્થાનની સરહદના ચાર જિલ્લા તથા 17 તાલુકામાં સક્રિય છે. સંગઠનની 40 શાળા તથા 4 હૉસ્ટેલ કાર્યરત્ છે.
રાજસ્થાનના બાડમેર, બિકાનેર, જેસલમેર તથા ગંગાનગર જિલ્લા પાકિસ્તાન સાથે જોડાયેલા છે, જે સિંધ પ્રાંતથી પંજાબ સુધી વ્યાપ્ત છે.
આ સંગઠન યુવાનોને સેના, સશસ્ત્રબળો કે અર્ધલશ્કરી બળો જેવાં સંગઠનોમાં જોડાવા માટે તૈયાર કરે છે અને માર્ગદર્શન આપે છે.

ઇમેજ સ્રોત, Getty Images
સ્વદેશી વસ્તુઓ તથા ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે હેતુસર 'સ્વદેશી જાગરણ મંચ'ના નેજા હેઠળ જોધપુરમાં 'સ્વદેશી મેલા'ની શરૂઆતમાં ચાવીરૂપ ભૂમિકા ભજવી. વર્ષ 2000-2006 દરમિયાન શેખાવત તેની સાથે સક્રિય રીતે જોડાયેલા રહ્યા.
સંઘની સામાન્ય પરંપરાથી વિપરીત તેઓ જિન્સ પણ પહેરતા હોય, 'જિન્સવાળા સ્વદેશીઆગ્રહી' તરીકે ઓળખાવા લાગ્યા.
સંઘના અનેક કાર્યકર્તાઓની જેમ શેખાવતના સામાજિક જીવનનો આગામી પડાવ સંઘની રાજકીય પાંખ ભારતીય જનતા પક્ષ (ભાજપ) હતો.
રાજસ્થાન ભાજપ તથા જોધપુરમાં પાર્ટીના કાર્યકર્તા, શુભેચ્છકો તથા મિત્રવર્તુળમાં તેઓ 'ગજેન્દ્રબન્ના' તરીકે ઓળખાય છે.
જયપુર, જોધપુર તથા આસપાસના વિસ્તારમાં રાજપૂત યુવકોને સન્માનપૂર્વક સંબોધન માટે 'બન્ના', 'બન્નાજી' કે 'બન્નાસા'નો ઉપયોગ કરવામાં આવે છે.
અભ્યાસકાળમાં શેખાવતે બાસ્કેટબૉલની યુનિવર્સિટીને 'ઑલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી' સ્પર્ધામાં રિપ્રેઝન્ટ કરી અને નેશનલ લેવલની સ્પર્ધામાં ભાગ લીધો.
વિદ્યાર્થીકાળમાં ગૉલ કરવાના જે ગુણ તેઓ શીખ્યા હતા, તે રાજકારણમાં પણ કામ લાગ્યા.
જોધપુરની ચૂંટણી અને કૉંગ્રેસનો કલહ

ઇમેજ સ્રોત, Nur Photo
ડિસેમ્બર-2019માં કૉંગ્રેસને રાજસ્થાન વિધાનભાની ચૂંટણીમાં 200માંથી 107 બેઠક મળી. આપબળે જ કૉંગ્રેસે 101નો બહુમતીનો આંકડો હાંસલ કરી લીધો હતો.
આ સિવાય નાના પક્ષો અને અપક્ષો સહિત 15 ધારાસભ્યોએ કૉંગ્રેસને સમર્થન આપ્યું.
અશોક ગેહલોત અને સચીન પાઇલટ વચ્ચે મુખ્ય પ્રધાનપદ માટે સ્પર્ધા જામી, પરંતુ ગેહલોત ફાવી ગયા અને યુવા પાઇલટે નાયબમુખ્ય પ્રધાનપદથી સંતોષ માનવો પડ્યો. એ વાતનો રંજ તેમના તથા સમર્થકોમાં રહી જવા પામ્યો.
મે-2019માં શેખાવતની બેઠકના ચૂંટણી તથા સર્વાંગી પરિણામોએ રાજસ્થાન કૉંગ્રેસમાં પડેલી ઊભી તિરાડને પહેલી વખત જાહેર કરી દીધી.
ચૂંટણીપરિણામો બાદ મુખ્ય પ્રધાન ગેહલોતે જોધપુરની બેઠક ઉપર પુત્ર વૈભવ ગેહલોતના પરાજયનો અપયશ સચીન પાઇલટને આપ્યો. સચીન પાઇલટ એ સમયે રાજસ્થાન પ્રદેશ કૉંગ્રેસ કમિટીના અધ્યક્ષ હતા.
આ સિવાય તેમણે ચૂંટણીની કમાન સંભાળી હતી અને રાજ્યના નાયબમુખ્ય પ્રધાનપદ ઉપર પણ હતા. પાઇલટે જાહેરમાં કોઈ નોંધપાત્ર નિવેદન આપવાનું ટાળ્યું, પરંતુ ગેહલોતના ટીકાકારોએ પુત્રમોહમાં અન્ય બેઠકોની અવગણના કરવાનો મુદ્દો હાઈકમાન્ડ સમક્ષ ઉઠાવ્યો.
જોધપુર બેઠકનાં પરિણામોએ રાજસ્થાન કૉંગ્રેસને 'પાઇલટ કૅમ્પ' અને 'ગેહલોત' જૂથ એમ બે છાવણીમાં વિભાજિત કરી નાખી અને તેમની વચ્ચે યુદ્ધરેખા ખેંચાઈ ગઈ.
મોદી, શેખાવત અને મંત્રીપદ

ઇમેજ સ્રોત, Quora
એ પહેલાં તેઓ પાર્ટીના 'કિસાન મોરચા'ના મહાસચિવ હતા. કૃષિક્ષેત્રમાં ટેકનૉલૉજીનો ઉપયોગ કરનાર પ્રગતિશીલ ખેડૂત તરીકેની કામગીરીને કારણે આ કામગીરી તેઓ સારી રીતે કરી.
2014માં પ્રથમ વખત લોકસભા ચૂંટણી જીતીને તેઓ પ્રથમ વખત સંસદનાં પગથિયાં ચડ્યા. સંસદસભ્યોની કામગીરી ઉપર નજર રાખતી સ્વૈચ્છિક સંસ્થા પી.આર.એસ. લૅજિસ્ટલેટિવ રિસર્ચના અહેવાલ પ્રમાણે, તેમની હાજરી 91 ટકા (રાષ્ટ્રીય સરેરાશ 80%, રાજસ્થાનની સરેરાશ 88 %) હતી.
16મી લોકસભા દરમિયાન તેમણે 320 ચર્ચામાં ભાગ લીધો, જેની સામે રાષ્ટ્રીય સરેરાશ 54.5 તથા રાજસ્થાનની સરેરાશ 122.4ની હતી.
સંસદસભ્ય તરીકે ટ્રેનમાં જ અવરજવર કરતા અને સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે સપ્તાહના અંત ભાગમાં તેઓ મતક્ષેત્રમાં પહોંચી જતા. કાર્યકરોમાં લોકપ્રિયતા તથા મતદારોમાં ઉપલબ્ધતાને પગલે તેમને 2017માં પ્રધાનપદ પણ મળ્યું.
સામાન્ય રીતે રાજનેતાઓ ફેસબુક, ટ્વિટર કે ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ નેટવર્કિંગ સાઇટ ઉપર સક્રિય હોય છે, પરંતુ શેખાવત પ્રશ્નોત્તરીના પ્લૅટફૉર્મ 'ક્વૉરા' ઉપર સક્રિય હતા અને તેની ઉપર બ્લૂ ટીકવાળી 'વેરિફાઇડ પ્રોફાઇલ' ધરાવે છે.
ટ્વિટર ઉપર તેમના બે લાખ 20 હજાર જેટલા ફૉલોઅર્સ છે, જ્યારે ઓછી પ્રચલિત સાઇટ 'ક્વૉરા' ઉપર તેમના 86 હજાર 700 જેટલા ફૉલોઅર્સ. તેમણે આપેલા જવાબ અત્યાર સુધીમાં 75 લાખ કરતાં વધુ વખત જોવાઈ ગયા છે.
17મી લોકસભામાં વિજય બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પ્રધાનમંડળનું ગઠન કર્યું, ત્યારે તેમણે અનેક પ્રધાનોને પડતા મૂક્યા.
જોકે, શેખાવતને તેમણે રીપિટ કર્યા, એટલું જ નહીં. બઢતી આપીને કૅબિનેટકક્ષાના પ્રધાન પણ બનાવ્યા.
એન.ડી.એ. 2.0માં નરેન્દ્ર મોદીએ પાણીને લગતાં તમામ મંત્રાલયને એક કરીને 'જળશક્તિ મંત્રાલય'ની સ્થાપના કરી.
જળસંસાધન તથા સેનિટેશન અને 'નમામિ ગંગે' જેવા પ્રોજેક્ટ્સ પણ આ મંત્રાલયને આધીન મૂકવામાં આવ્યા.
મોદી સરકારે તેમના 2019ના ચૂંટણીઢંઢેરામાં વર્ષ 2022માં તમામ ઘર સુધી નળ દ્વારા પાણી પહોંચાડવાનું લક્ષ્યાંક મૂક્યું છે, જેની જવાબદારી શેખાવત પર છે.
આ મંત્રાલય પાણીને લગતી આંતરરાજ્ય, રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય વિવાદ અને યોજનાઓ ઉપર કામ કરે છે.
બાસ્કેટબૉલ પ્રત્યેનો શેખાવતનો શોખ જળવાઈ રહ્યો અને તેઓ ઑલ ઇન્ડિયા કાઉન્સિલ ઑફ સ્પૉર્ટ્સ તથા બાસ્કેટબૉલ પ્લેયર્સ ઍસોસિયેશન ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ પણ છે.
કૉંગ્રેસના આરોપ

ઇમેજ સ્રોત, FACEBOOK/CHHOTU VASAVA
કૉંગ્રેસના મીડિયા ઇન્ચાર્જ રણદીપ સુરજેવાલાએ શુક્રવારે પત્રકાર પરિષદ સંબોધી, જેમાં તેમણે વાઇરલ ઓડિયોટેપનો ઉલ્લેખ કર્યો. આ ટેપમાં કૉંગ્રેસના ધારાસભ્ય ભંવરલાલ શર્મા તથા ભાજપના નેતા સંજય જૈનનો અવાજ છે.
આ ટેપને ટાંકતાં કૉંગ્રેસે જૈન, શર્મા તથા કેન્દ્રીય પ્રધાન શેખાવતની સામે તપાસની માગ કરી અને તેમની ઉપર ગેહલોત સરકારને અસ્થિર કરવાના પ્રયાસ કરવાનો આરોપ મૂક્યો.
રાજસ્થાન સરકારે આ ટેપની તપાસ સ્પેશિયલ ઑપરેશન્સ ગ્રૂપને સોંપી છે, જે તેની સત્યતાની ચકાસણી કરશે. આ મુદ્દે એફ.આઈ.આર. દાખલ કરી દેવામાં આવી છે.
જયપુર એસ.ઓ.જી.ના આઈ.જી. (ઇન્સ્પેક્ટર જનરલ) અશોક કુમાર રાઠોડે પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું, "ત્રણ શખ્સો વિરુદ્ધ આઈ.પી.સી. (ઇન્ડિયન પીનલ કોડ, ભારતીય દંડ સંહિતા)ની કલમ 124-અ તથા 120-બ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે."
"જે ઓડિયોટેપના આધારે આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે, તેની સત્યતાની તપાસ અમારી ટીમ દ્વારા કરવામાં આવશે."
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ, 2
કોઈની સામે નામજોગ એફ.આઈ.આર. (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) દાખલ કરવામાં નથી આવી અને વિવરણમાં તેમનો ઉલ્લેખ 'એ' વ્યક્તિ અને 'બી' વ્યક્તિ તરીકે કરવામાં આવ્યો છે.
કૉંગ્રેસનો આરોપ છે કે પાઇલટે 'ખરીદવા માટે' ધારાસભ્યોની યાદી ભાજપને આપી હતી.
ભાજપના સહયોગી પક્ષ રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક હનુમાન બેનિવાલનો આરોપ છે કે વસુંધરારાજે સિંધિયા તથા ગેહલોત ભળેલા છે અને સિંધિયા સિકર તથા નાગૌર વિસ્તારના કૉંગ્રેસના ધારાસભ્યોને પ્રભાવિત કરવા માટે પ્રયાસરત છે.
શેખાવતે પોતાની ઉપરના આરોપોને નકારતાં કહ્યું, "આ મારો અવાજ નથી. તપાસ માટે હું તૈયાર છું."
આ પહેલાં તેઓ ટ્વીટ કરીને ગેહલોતે સરકાર ઉપરના સંકટ માટે કૉંગ્રેસની આંતરિક જૂથબંધીને જવાબદાર ઠેરવી ચૂક્યા છે.
શુક્રવારે શેખાવતે ટ્વિટર ઉપર ગૂઢ રીતે લખ્યું यतो धर्मस्ततो जयः (મતલબ કે જ્યાં ધર્મ હોય છે, તેની જીત થાય છે.) તેમણે આ ટ્વીટને પીન કર્યું છે.



આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો












