ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનવાથી ભારતને આ મામલે સમસ્યાનો સામનો કરવો પડી શકે

અમેરિકાની ચૂંટણી 2024, ડોનાલ્ડ ટ્રમ્પ, કમલા હૅરિસ, ભારત, નરેન્દ્ર મોદી, કાશ્મીર વિવાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બનવા જઈ રહ્યા છે. કેટલાય મહત્ત્વનાં રાજ્યોમાં ટ્રમ્પને મળેલા વોટના કારણે રાષ્ટ્રપતિ તરીકે તેમનું પુનરાગમન નિશ્ચિત થઈ ગયું છે.

તેમનાં ડેમૉક્રૅટિક પ્રતિસ્પર્ધી અને વર્તમાન ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસે પણ આ ચૂંટણીઓમાં પોતાની હાર સ્વીકારી છે.

ટ્રમ્પ 2017થી 2021 સુધી અમેરિકાના 45મા રાષ્ટ્રપતિ હતા. તેમની નીતિઓ આખી દુનિયા જાણે છે અને ભારતની નરેન્દ્ર મોદી સરકારને ટ્રમ્પ સાથે ઘણી બાબતોમાં કામ કરવાનો અનુભવ છે.

ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘણી વખત પોતાના મિત્ર તો કહ્યા છે, પરંતુ સાથે સાથે તેઓ ભારતની નીતિઓ પર પણ પ્રહાર કરી રહ્યા છે. ટ્રમ્પે આ ચૂંટણીમાં ઘણી વખત પીએમ મોદીનું નામ લીધું છે.

શું ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનશે તો જો બાઇડનના સમયની ભારત માટેની નીતિઓ બદલાઈ જશે?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

આર્થિક અને વ્યાપારી સંબંધો

અમેરિકાની ચૂંટણી 2024, ડોનાલ્ડ ટ્રમ્પ, કમલા હૅરિસ, ભારત, નરેન્દ્ર મોદી, કાશ્મીર વિવાદ, બીબીસી ગુજરાતી

ડોનાલ્ડ ટ્રમ્પ જીતશે તો તેમની આર્થિક નીતિઓ 'અમેરિકા ફર્સ્ટ' પર કેન્દ્રિત રહેશે એવું માનવામાં આવે છે.

ટ્રમ્પે પોતાના પ્રથમ કાર્યકાળમાં અમેરિકન ઉદ્યોગોને રક્ષણ આપવાની નીતિ અપનાવી હતી. તેમણે ચીન અને ભારત સહિત ઘણા દેશોમાંથી આયાત પર ભારે ટેરિફ લાદ્યા હતા.

ઉદાહરણ તરીકે ટ્રમ્પે ભારતમાં અમેરિકાથી ઇમ્પૉર્ટેડ હાર્લી ડેવિડસન મોટરસાઇકલો પર ટેરિફ દૂર કરવા અથવા ઘટાડવાની માગણી કરી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ટ્રમ્પે 'અમેરિકા ફર્સ્ટ'નો નારો આપ્યો છે. તેઓ એવા દેશો સામે કાર્યવાહી કરી શકે છે જે અમેરિકન માલસામાન અને સર્વિસની આયાત પર ઊંચા ટેરિફ લાદે છે. ભારતને પણ તેની અસર થઈ શકે છે.

આંતરરાષ્ટ્રીય બાબતોના જાણકાર પત્રકાર શશાંક મટ્ટુએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું, “ટ્રમ્પની નજરમાં ભારત બિઝનેસના નિયમોનું મોટા પાયે ઉલ્લંઘન કરે છે. અમેરિકાની ચીજવસ્તુઓ પર ભારત દ્વારા અતિ ભારે ટેરિફ લાદવામાં આવે તે તેમને પસંદ નથી. ટ્રમ્પ ઇચ્છે છે કે તેમના દેશમાંથી આયાત થતા માલ પર માત્ર 20 ટકા સુધી જ ટેરિફ લાદવામાં આવે."

તેઓ લખે છે, "કેટલાક અર્થશાસ્ત્રીઓ માને છે કે ટ્રમ્પના ટેરિફના નિયમો લાગુ થશે તો 2028 સુધીમાં ભારતના જીડીપીમાં 0.1 ટકા સુધી ઘટાડો થઈ શકે છે. ભારત અને અમેરિકા વચ્ચે અત્યારે 200 અબજ ડૉલરનો વેપાર થાય છે. જો ટ્રમ્પ ટેરિફના દર વધારશે તો ભારતને ઘણું નુકસાન થઈ શકે છે."

ટ્રમ્પની બિઝનેસ નીતિથી ભારતની આયાત મોંઘી થઈ શકે છે. તેનાથી ફુગાવાનો દર વધશે અને વ્યાજદરમાં કાપ નહીં મૂકી શકાય. તેના કારણે ખાસ કરીને મધ્યમવર્ગના ગ્રાહકોની મુશ્કેલી વધી શકે છે, કારણ કે તેમની લોનનો ઈએમઆઈ વધી શકે છે.

બન્ને દેશો વચ્ચેના સંરક્ષણ સંબંધો કેવા રહેશે?

અમેરિકાની ચૂંટણી 2024, ડોનાલ્ડ ટ્રમ્પ, કમલા હૅરિસ, ભારત, નરેન્દ્ર મોદી, કાશ્મીર વિવાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, @rajnathsingh

ડોનાલ્ડ ટ્રમ્પને ચીનના કટ્ટર વિરોધી માનવામાં આવે છે. તેમના પ્રથમ કાર્યકાળ વખતે અમેરિકા અને ચીનના સંબંધો ઘણા કથળ્યા હતા.

આવી સ્થિતિમાં ભારત અને અમેરિકા વચ્ચે સંરક્ષણ સંબંધો વધુ મજબૂત બની શકે છે. પોતાની પ્રથમ ટર્મમાં ડોનાલ્ડ ટ્રમ્પ ક્વૉડને મજબૂત બનાવવા માટે ઘણા સક્રિય હતા. ક્વૉડ એ એશિયા-પેસિફિક ક્ષેત્રમાં અમેરિકા, ઑસ્ટ્રેલિયા, ભારત અને જાપાનનું ગઠબંધન છે.

ટ્રમ્પ રાષ્ટ્રપતિ બનશે તો ભારતને શસ્ત્રોની નિકાસ, સંયુક્ત યુદ્ધ અભ્યાસ અને ટૅક્નૉલૉજી ટ્રાન્સફરમાં બંને દેશો વચ્ચે વધુ સારો તાલમેલ જોવા મળી શકે છે. તેનાથી ચીન અને પાકિસ્તાન વિરુદ્ધ ભારતની સ્થિતિ વધારે મજબૂત બની શકે છે.

અમેરિકન થિંક ટૅન્ક રૅન્ડ કૉર્પોરેશનમાં ઇન્ડો-પેસિફિક ક્ષેત્રના વિશ્લેષક ડેરેક ગ્રોસમૅને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું, "જો ટ્રમ્પ જીતી જશે તો ભારત અને અમેરિકાની હાલની રણનીતિ ચાલુ રહેશે. તેમાં મૂલ્યોની ખાસ વાત નહીં થાય. એકંદરે ટ્રમ્પ ચૂંટાય તો આ મામલે ભારત ફાયદામાં રહેશે."

જોકે, શશાંક મટ્ટુ લખે છે, "રાષ્ટ્રપતિ તરીકે ટ્રમ્પે ભારત સાથે મોટા સંરક્ષણ કરાર કર્યા હતા. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે સારા સંબંધો સ્થાપ્યા અને ચીન વિરુદ્ધ કડક વલણ અપનાવ્યું હતું."

ટ્રમ્પની વિઝા નીતિ ભારતીયોને અસર કરશે

અમેરિકાની ચૂંટણી 2024, ડોનાલ્ડ ટ્રમ્પ, કમલા હૅરિસ, ભારત, નરેન્દ્ર મોદી, કાશ્મીર વિવાદ, બીબીસી ગુજરાતી

ઇમિગ્રન્ટ્સ માટે ટ્રમ્પની વિઝા નીતિ ઘણી તકલીફો પેદા કરી શકે છે. ટ્રમ્પ આ મામલે બહુ સ્પષ્ટ છે અને અમેરિકન ચૂંટણીમાં આ મહત્ત્વનો મુદ્દો હતો.

ટ્રમ્પે ગેરકાયદે આવેલા માઇગ્રન્ટ્સને તેમના દેશ પરત મોકલી દેવાની વાત કરી છે. તેમણે કહ્યું છે કે ગેરકાયદે આવેલા માઇગ્રન્ટ્સ અમેરિકાના લોકોની રોજગારી ખતમ કરી રહ્યા છે.

અમેરિકાના ટૅક્નૉલૉજી સૅક્ટરમાં મોટી સંખ્યામાં ભારતીયો કામ કરે છે અને તેઓ H-1B વિઝા પર ત્યાં જાય છે. ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળમાં H-1B વિઝાના નિયમો પર સખતાઈથી કામ લીધું હતું.

તેની અસર ભારતીય પ્રૉફેશનલ્સ અને ટૅક્નૉલૉજી કંપનીઓ પર જોવા મળી હતી.

જો આ નીતિ ચાલુ રહેશે તો અમેરિકામાં ભારતીયો માટે નોકરીની તકો ઓછી થઈ શકે છે.

અમેરિકાની કડક ઇમિગ્રેશન નીતિના કારણે ભારતીય ટૅક્નૉલૉજી કંપનીઓને યુએસ છોડીને અન્ય દેશોમાં રોકાણ કરવા વિચારી શકે છે.

માનવ અધિકારનો મુદ્દો

અમેરિકાની ચૂંટણી 2024, ડોનાલ્ડ ટ્રમ્પ, કમલા હૅરિસ, ભારત, નરેન્દ્ર મોદી, કાશ્મીર વિવાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ભારતના માનવ અધિકારના રેકૉર્ડ વિશે ટ્રમ્પે હજુ સુધી કંઈ કહ્યું નથી. ભારતની મોદી સરકાર માટે આ અનુકૂળ સ્થિતિ છે.

કાશ્મીરમાં પુલવામા હુમલા વખતે પણ ટ્રમ્પે ભારતના 'સ્વરક્ષણના અધિકાર'નું સમર્થન કર્યું હતું.

જોકે, બાઈડન સરકારે માનવ અધિકાર અને લોકશાહીના મામલે ભારત વિરુદ્ધ ઘણી વખત વાંધા ઉઠાવ્યા છે.

કમલા હૅરિસે 2021માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કહ્યું હતું કે, "આપણે પોતપોતાના દેશમાં લોકતાંત્રિક સિદ્ધાંતો અને સંસ્થાઓનું રક્ષણ કરીએ તે મહત્ત્વનું છે."

ડેમૉક્રૅટિક પાર્ટીના શાસન દરમિયાન લોકશાહી અને માનવ અધિકારના મુદ્દા પર વધુ ભાર મૂકવામાં આવ્યો છે. ટ્રમ્પની તુલનામાં ડેમૉક્રૅટિક રાષ્ટ્રપતિઓ માટે આ વધુ પ્રાથમિકતાના મુદ્દા રહ્યા છે.

ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશ મામલે ટ્રમ્પ શું કરશે?

અમેરિકાની ચૂંટણી 2024, ડોનાલ્ડ ટ્રમ્પ, કમલા હૅરિસ, ભારત, નરેન્દ્ર મોદી, કાશ્મીર વિવાદ, બીબીસી ગુજરાતી

કમલા હૅરિસ અને ટ્રમ્પ બન્ને ચીનને નિયંત્રિત કરવા માગશે અને તેમના માટે ભારત એશિયામાં સૌથી મહત્ત્વનો ભાગીદાર છે.

ટ્રમ્પ ચૂંટણી જીતે તો ચીન વિરુદ્ધ ભારતની સાથે તેમનો વ્યૂહાત્મક સહયોગ વધુ મજબૂત બનશે.

પરંતુ ટ્રમ્પ ઘણી વખત અમેરિકાના સહયોગી દેશો સાથે ઝઘડો પણ કરી બેસે છે.

શશાંક મટ્ટુ આ મામલે ટ્રમ્પના શાસન દરમિયાન જાપાન અને દક્ષિણ કોરિયા સાથે સંબંધોમાં આવેલા તણાવની યાદ અપાવે છે.

તેઓ લખે છે, "હજુ એ પણ સ્પષ્ટ નથી કે ચીનની વિરુદ્ધ તેઓ તાઇવાનનું રક્ષણ કરશે કે નહીં. આ પ્રકારના વલણથી એશિયામાં અમેરિકાનું ગઠબંધન નબળું પડશે. તેનાથી ચીનની સ્થિતિ મજબૂત બનશે, જે ભારતના હિતમાં નથી."

"તેમણે કાશ્મીર મામલે ભારત અને પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થી કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે ભારતને ગમ્યો નહોતો. તેમણે તાલિબાન સાથે સમજૂતિ કરી અને અફઘાનિસ્તાનથી અમેરિકન સેનાને પાછી બોલાવી લીધી. અમેરિકાનો આ દાવ દક્ષિણ એશિયામાં ભારતનાં હિતોની વિરુદ્ધ હતો."

બાંગ્લાદેશના મુદ્દે ટ્રમ્પે સ્પષ્ટ રીતે ભારતનો સાથ આપ્યો છે. ટ્રમ્પે બાંગ્લાદેશમાં લઘુમતીની સુરક્ષાને લઈને સવાલ ઉઠાવ્યા હતા.

તાજેતરમાં તેમણે બાંગ્લાદેશમાં હિન્દુઓ, ખ્રિસ્તીઓ અને બીજી લઘુમતી વિરુદ્ધ થયેલી હિંસા વિશે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર લખ્યું હતું, "બાંગ્લાદેશમાં હિન્દુઓ, ખ્રિસ્તીઓ અને બીજી લઘુમતી વિરુદ્ધ થયેલી હિંસા અને ટોળાએ કરેલી લૂંટફાટની આકરી ટીકા કરું છું. બાંગ્લાદેશમાં અત્યારે સંપૂર્ણ અરાજકતાની સ્થિતિ છે."

તેમણે લખ્યું કે, "જો હું રાષ્ટ્રપતિ હોત તો આવું બિલકુલ થયું ન હોત. કમલા અને જો બાઈડને આખી દુનિયામાં અને અમેરિકામાં હિન્દુઓની ઉપેક્ષા કરી છે. ઇઝરાયલથી લઈને યુક્રેન સુધી તેમની ભયંકર નીતિ રહી છે. પરંતુ અમે ફરી એક વખત અમેરિકાને મજબૂત બનાવીશું અને શાંતિ સ્થાપીશું."

તેમણે આગળ લખ્યું છે કે, "અમે કટ્ટરવાદી ડાબેરીઓના ધર્મ વિરોધી એજન્ડાથી અમેરિકન હિન્દુઓને બચાવીશું. મારા શાસન દરમિયાન હું ભારત અને મારા મિત્ર નરેન્દ્ર મોદી સાથે સંબંધોને વધુ મજબૂત બનાવીશ."

પાકિસ્તાનને લાગે વળગે છે ત્યાં સુધી નિષ્ણાતો માને છે કે અમેરિકાની ઇન્ડો-પેસિફિક નીતિ આ મુદ્દે સ્પષ્ટ નથી.

થિંક ટૅન્ક 'ધ વિલ્સન સેન્ટર'ના દક્ષિણ એશિયાના ડાયરેક્ટર માઇકલ કુગલમૅન લખે છે, "અમેરિકન અધિકારીઓ આ મામલે ભ્રમની સ્થિતિમાં છે. અમેરિકાની ઇન્ડો-પેસિફિક નીતિમાં પાકિસ્તાનની જગ્યા ક્યાં છે? પાકિસ્તાન ચીનનું મિત્ર છે અને અમેરિકા હવે અફઘાનિસ્તાનને પોતાની રણનીતિનો હિસ્સો નથી માનતું, કારણ કે ત્યાં તાલિબાન છે."

માઇકલ કુગલમૅનને જ્યારે ભારત અને રશિયાના સંબંધો પર અમેરિકાના દૃષ્ટિકોણ વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે રશિયા અને ભારતના સંબંધો પ્રત્યે ટ્રમ્પ વધારે ઉદાર થઈ શકે છે. પરંતુ બિઝનેસ અને ટેરિફના મુદ્દે ભારત સાથે તેઓ કડક વલણ અપનાવી શકે છે.

વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાત બ્રહ્મ ચેલાણીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર લખ્યું છે, "બાઇડન વહીવટીતંત્ર સાથે ભારતના નવા તણાવના કારણે જૂની થિયરી ફરી ચર્ચામાં આવી છે કે રિપબ્લિકન પાર્ટીના શાસનમાં ભારત અને અમેરિકાના સંબંધો વધુ સારા રહે છે."

"પરંતુ અમેરિકાની ચૂંટણીમાં ભલે ગમે તે ઉમેદવાર જીત્યા હોત, તેમાં ભારતનું કનેક્શન રહેવાનું હતું. કમલા હૅરિસ પ્રથમ ભારતીય મૂળનાં અમેરિકન રાષ્ટ્રપતિ બન્યા હોત, જ્યારે રિપબ્લિકન પાર્ટીના ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર જે ડી વેન્સનાં પત્ની ઉષા વેન્સ ભારતીય અમેરિકન મહિલા છે."

કાશ્મીર મામલે ટ્રમ્પનું વલણ

અમેરિકાની ચૂંટણી 2024, ડોનાલ્ડ ટ્રમ્પ, કમલા હૅરિસ, ભારત, નરેન્દ્ર મોદી, કાશ્મીર વિવાદ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, @realDonaldTrump

પાકિસ્તાન સાથે ટ્રમ્પ કેવું વલણ અપનાવે છે તેની સાથે પણ ભારતનાં હિતો સંકળાયેલાં છે. 2019ના જુલાઈ મહિનામાં પાકિસ્તાનના તત્કાલીન વડાપ્રધાન ઇમરાન ખાન અમેરિકાના પ્રવાસે ગયા હતા.

અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં ઇમરાન ખાનનું સ્વાગત કર્યું હતું.

તે દરમિયાન ટ્રમ્પે કાશ્મીર મુદ્દે મધ્યસ્થી કરવાની ઑફર કરી હતી. ટ્રમ્પે એટલે સુધી દાવો કર્યો હતો કે પીએમ મોદી પણ ઇચ્છે છે કે તેઓ કાશ્મીર મામલે દરમિયાનગીરી કરે.

ભારતે ટ્રમ્પનો આ દાવો નકારી કાઢ્યો અને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્રમ્પને આવું કંઈ કહ્યું ન હતું.

કોઈ અમેરિકન રાષ્ટ્રપતિએ કાશ્મીર મામલે મધ્યસ્થીની વાત કરી હોય તેવું કેટલાય દાયકા પછી થયું હતું. પાકિસ્તાને ટ્રમ્પના આ નિવેદનનું સ્વાગત કર્યું હતું જ્યારે ભારત તેનાથી નારાજ હતું. ભારતની એવી સત્તાવાર લાઇન રહી છે કે કાશ્મીર મુદ્દે તે કોઈની મધ્યસ્થી નહીં સ્વીકારે.

પાકિસ્તાનના સેનેટર મુશાહિદ હુસૈન સૈયદ માને છે કે ટ્રમ્પ રાષ્ટ્રપતિ બને તેનાથી પાકિસ્તાનને ફાયદો થશે. તેમણે 'ધ ઇન્ડિપેન્ડન્ટ' ઉર્દૂને જણાવ્યું કે, "મારા માનવા પ્રમાણે ટ્રમ્પ પાકિસ્તાન માટે યોગ્ય રહેશે. ઇઝરાયલના મામલે કોઈ ફરક નહીં પડે. ટ્રમ્પ નવું યુદ્ધ શરૂ નહીં કરે. તેમણે અફઘાનિસ્તાનથી પોતાના સૈનિકોને પાછા બોલાવી લીધા હતા. આ કામ ઓબામા પણ ન કરી શકે અને બાઇડનથી પણ ન થાય. યુક્રેનના યુદ્ધને ટ્રમ્પ જ ખતમ કરશે. છેલ્લાં 25 વર્ષમાં ટ્રમ્પ એવા પહેલા રાષ્ટ્રપતિ છે જેમણે કાશ્મીર પર મધ્યસ્થીની વાત કરી હતી. આ અગાઉ બિલ ક્લિન્ટને કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો."

હુસૈને જણાવ્યું કે, "ભૂતકાળમાં પણ રિપબ્લિકન પાર્ટી પાકિસ્તાનની નિકટ રહી છે. અમેરિકામાં રિપબ્લિકન પાર્ટીની સરકાર હંમેશાં પાકિસ્તાનની પડખે રહી છે. બાંગ્લાદેશને નોખું કર્યા પછી ઇંદિરા ગાંધી પાકિસ્તાન પર પણ હુમલો કરવા માંગતાં હતાં. પણ રાષ્ટ્રપતિ નિક્સને આવું થવા ન દીધું."

તેમણે ઉમેર્યું, "આપણે અમેરિકા સાથે આપણા ફાયદા માટે યોગ્ય રીતે સોદાબાજી નથી કરી શકતા. અમેરિકાએ આ પ્રદેશમાં બે મહત્ત્વના નિર્ણય લીધા છે. એક તો ભારતને તેણે પોતાનું વ્યૂહાત્મક સાથીદાર ગણાવ્યું છે."

"બીજું, ચીન તેનું દુશ્મન છે. આવામાં આપણે નિર્ણય લેવાનો છે કે આપણે શું કરવાનું છે. ચીન અડગ દીવાલની જેમ આપણી પડખે ઊભું છે, પરંતુ અમેરિકાને જ્યારે આપણી જરૂર પડે ત્યારે તે શરતો મૂકે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.