અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીનાં પરિણામોથી મધ્યપૂર્વમાં યુદ્ધ અને સંઘર્ષ અટકશે?

ઇઝરાયલ, પેલેસ્ટાઇન, અમેરિકા, મધ્યપૂર્વ, ખાડીદેશો, યુદ્ધ, આંતરરાષ્ટ્રીય રાજકારણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, લ્યુસી વિલિયમસન
    • પદ, બીબીસી મઘ્યપૂર્વના સંવાદદાતા, જેરુસલેમ

છેલ્લે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા, ત્યારે ઇઝરાયલના વડા પ્રધાન એટલા ખુશ થયા હતા કે તેમણે એક વિસ્તારનું નામ તેમના નામ પર રાખી દીધું હતું.

એ વિસ્તાર છે ‘ટ્રમ્પ હાઇટ્સ’. તે ગોલાન હાઇટ્સના ખડકોવાળા વિસ્તારમાં અલગથી બનેલ પ્રિ-ફેબ્રિકેટેડ ઘરોની એક વસાહત છે.

અહીંના પ્રવેશદ્વારની સુરક્ષા કરવા માટે એક ઊંચું ગરુડ અને યહૂદીઓ જેમને પવિત્ર માને છે તે મેનોરાહની પ્રતિમા છે. આ ટ્રમ્પને અડધી સદી પછી અમેરિકાની નીતિ પલટવા માટે અને વ્યાપક આંતરરાષ્ટ્રીય સહમતીને બદલવા માટેનું ઇનામ હતું.

અમેરિકાના હવેના રાષ્ટ્રપતિ ચૂંટવા માટે 5 નવેમ્બરે મતદાન થશે. દુનિયાના અનેક દેશો સહિત મધ્યપૂર્વના લોકોની તેના પર ખાસ નજર હશે, કારણ કે આ ચૂંટણી અહીંના વિસ્તારોના ભવિષ્ય માટે મહત્ત્વની નીવડી શકે છે.

ટ્રમ્પે ઇઝરાયલના ગોલાન હાઇટ્સના દાવાને માન્યતા આપી હતી, જે વર્ષ 1967ના યુદ્ધમાં સીરિયા પાસેથી છીનવી લેવામાં આવ્યું હતું અને પછી ઇઝરાયલે તેના પર કબજો કરી લીધો હતો.

ત્યાં વસવાટ કરનાર 24 પરિવાર અને થોડા સૈનિકોને એ સવાલ છે કે આ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર ટ્રમ્પ કે ડેમૉક્રેટિક પાર્ટીનાં પ્રતિસ્પર્ધી કમલા હૅરિસથી આ વિસ્તારમાં ઇઝરાયલના હિત પર શું અસર થશે?

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

'નવું અમેરિકન પ્રશાસન સાચું કામ કરે'

ઇઝરાયલ, પેલેસ્ટાઇન, અમેરિકા, મધ્યપૂર્વ, ખાડીદેશો, યુદ્ધ, આંતરરાષ્ટ્રીય રાજકારણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, JOE MCNALLY/BBC

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલમાં રિક્વા જેવા ઘણા લોકો ઇચ્છે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જ આ ચૂંટણી જીતે

ઍલિક ગોલ્ડબર્ગ અને તેમનાં પત્ની હોદાયા પોતાનાં ચાર બાળકો સાથે એક નાના ગ્રામીણ સમુદાયની સુરક્ષા માટે ટ્રમ્પ હાઇટ્સ પર ચાલ્યાં ગયાં.

ગયા વર્ષે 7 ઑક્ટોબરે દક્ષિણ ઇઝરાયલમાં હમાસે હુમલો કર્યો હતો. ત્યારપછી આ વિસ્તારમાં યુદ્ધ સતત આગળ વધી રહ્યું છે. ઍલિક ગોલ્ડબર્ગે હમાસના સાથી હિઝબુલ્લાહ સાથે ઇઝરાયલના યુદ્ધને 10 માઇલ દૂર લેબનોનની સીમા સુધી ફેલાતા જોયું હતું.

ઍલિકનું કહેવું છે કે, "છેલ્લા એક વર્ષથી અમારી ખૂબ સુંદર લીલીછમ જગ્યાએ ધુમાડો જ ધુમાડો ફેલાયેલો છે અને હિઝબુલ્લાહ અમને જે રૉકેટ મોકલી રહ્યું છે, એ જ હવે અમારું સુંદર દૃશ્ય બની ગયું છે. આ એક યુદ્ધક્ષેત્ર છે અને અમને નથી ખબર આ ક્યારે પૂર્ણ થશે."

ઍલિકે અમને કહ્યું કે, તેઓ ઇચ્છે કે “નવું અમેરિકન પ્રશાસન સાચું કામ કરે".

જ્યારે મેં પૂછ્યું કે તેનો અર્થ શું છે? ત્યારે તેમણે જવાબ આપ્યો કે "તે ઇઝરાયલને સમર્થન આપે."

ઍલિકનું કહેવું છે "સારા લોકોનું સમર્થન કરે અને સાચા-ખોટાની સામાન્ય સમજ રાખે".

તમે ઇઝરાયલમાં આવી વાતો ઘણી વાર સાંભળી શકો છો અને ટ્રમ્પ પણ એ વાતને સમજે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે પહેલા કાર્યકાળ દરમિયાન ટ્રમ્પને ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂનું સમર્થન મળ્યું હતું, જ્યારે તેમણે ઈરાનની સાથે પરમાણુ કરારને રદ્દ કરી દીધો હતો.

આ કરારનો ઇઝરાયલ વિરોધ કરી રહ્યું હતું. ટ્રમ્પે જેરુસલેમને ઇઝરાયલની રાજધાનીના સ્વરૂપમાં માન્યતા આપી હતી. આ દાયકાઓ જૂની અમેરિકાની નીતિઓથી વિપરીત હતું.

ઇઝરાયલીઓની પસંદ કોણ?

ઇઝરાયલ, પેલેસ્ટાઇન, અમેરિકા, મધ્યપૂર્વ, ખાડીદેશો, યુદ્ધ, આંતરરાષ્ટ્રીય રાજકારણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, JOE MCNALLY/BBC

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

નેતન્યાહૂએ એક વાર ટ્રમ્પને "ઇઝરાયલના વ્હાઈટ હાઉસમાં અત્યાર સુધીના સૌથી સારા મિત્ર" કહ્યા હતા.

હવે જ્યારે અમેરિકા મતદાન કરવા માટે તૈયાર થઈ રહ્યું છે, ત્યારે ઇઝરાયલી નેતાએ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારની પોતે કરેલી પ્રશંસાને છુપાવી નથી.

હાલમાં જ કરવામાં આવેલા સર્વેક્ષણો અનુસાર બે તૃતીયાંશ ઇઝરાયલી લોકો ટ્રમ્પને ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે જોવા માગે છે. તેમાંથી 20%થી પણ ઓછા લોકો કમલા હૅરિસની જીત ચાહે છે. એક સર્વેક્ષણ અનુસાર બેન્જામિન નેતન્યાહૂના સમર્થકોમાંના માત્ર 1% લોકો જ કમલા હૅરિસની જીત ઇચ્છે છે.

જેરુસલેમના માચેન યેહુદાના બજારમાં શૉપિંગ કરી રહેલા ચોવીસ વર્ષીય ગિલી શમુલેવિટ્સનું કહેવું છે કે કમલા હૅરિસે એ સમયે "પોતાનો અસલી રંગ બતાવ્યો" જ્યારે તેઓ એક રેલીમાં એક પ્રદર્શનકર્તાથી સહમત દેખાયા, જેણે ઇઝરાયલ પર નરસંહારનો આરોપ લગાવ્યો હતો.

ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસે કહ્યું હતું કે, "આ પ્રદર્શનકર્તા જે વિશે કહી રહ્યા છે એ સાચું છે."

જોકે તેમણે પછી સ્પષ્ટ કર્યું હતું કે તેઓ નથી માનતાં કે ઇઝરાયલ નરસંહાર કરી રહ્યું છે.

ત્યાં જ નજીકમાં શૉપિંગ કરી રહેલાં રિવ્કાએ કહ્યું તેઓ 100% ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં છે.

રિવ્કાએ કહ્યું કે, "ટ્રમ્પ ઇઝરાયલની વધારે ચિંતા કરે છે. તેઓ અમારા દુશ્મનોની વિરુદ્ધમાં વધારે શક્તિશાળી છે, મને ખબર છે કે લોકો તેમને પસંદ નથી કરતાં પણ હું ઇચ્છું છું કે તેઓ ઇઝરાયલ માટે એક સારા સહયોગી બને."

'પેલેસ્ટાઈન દેશનું સ્વપ્ન’

ઇઝરાયલ, પેલેસ્ટાઇન, અમેરિકા, મધ્યપૂર્વ, ખાડીદેશો, યુદ્ધ, આંતરરાષ્ટ્રીય રાજકારણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નેતન્યાહુએ એકવાર ટ્રમ્પને વ્હાઇટ હાઉસમાં આવેલા ઇઝરાયલના અત્યાર સુધીના સૌથી સારા મિત્ર ગણાવ્યા હતા.

ગાઝાના યુદ્ધે ઇઝરાયલ અને તેના સહયોગી અમેરિકા વચ્ચે તણાવ પેદા કરવા માટે ભૂમિકા ભજવી છે.

કમલા હૅરિસ ગાઝામાં યુદ્ધવિરામ માટેની અપીલ કરવા માટે મોખરે રહ્યાં છે. તેમણે માનવતાના મુદ્દાઓ પર પણ વધુ ભાર આપ્યો છે.

જુલાઈ મહિનામાં અમેરિકાના રાષ્ટ્રપતિના કાર્યાલય વ્હાઇટ હાઉસમાં નેતન્યાહૂ સાથે મુલાકાત કર્યા બાદ કમલા હૅરિસે કહ્યું હતું કે તેઓ ગાઝાની સ્થિતિ વિશે ‘ચૂપ નહીં રહે.’

તેમણે નેતન્યાહૂ સમક્ષ માનવીય પીડાની વિશાળતા અને નિર્દોષ નાગરિકોના મોત વિશે પોતાની ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે કાયમ યુદ્ધના અંતને ઇઝરાયલની જીતના સ્વરૂપમાં જોયું છે અને ભૂતકાળમાં પણ તેઓ તત્કાળ યુદ્ધવિરામનો વિરોધ કરી ચૂક્યા છે.

ટ્રમ્પે કથિત રીતે નેતન્યાહૂને કહ્યું હતું કે, "તમારે જે કરવું હોય તે કરો."

પરંતુ આ મુદ્દે પેલેસ્ટાઇનના લોકોને કોઈ પણ ઉમેદવાર પ્રત્યે આશા નથી દેખાતી.

ઇઝરાયલના કબજામાં રહેલ વેસ્ટબૅન્કના એક પ્રતિષ્ઠિત પેલેસ્ટિનિયન વિશ્લેષક અને રાજકારણી મુસ્તફા બરગૌટીનું કહેવું છે કે, “તેમના માટે ડેમૉક્રેટિક પાર્ટી તો ખરાબ છે જ, પરંતુ જો ટ્રમ્પ ચૂંટણી જીતી જાય તો સ્થિતિ વધારે ખરાબ થશે.”

“તેમાં મુખ્ય અંતર એ છે કે કમલા હૅરિસ અમેરિકાની પ્રજાના અભિપ્રાયમાં બદલાવ પ્રત્યે અધિક સંવેદનશીલ છે. તેનો મતલબ એ છે કે એવી સંભાવના છે કે તેઓ યુદ્ધવિરામના પક્ષમાં વધુ છે.”

ગાઝાના યુદ્ધે પેલેસ્ટાઇન દેશની દિશામાં પ્રગતિ માટે સાઉદી અરેબિયા જેવા અમેરિકાના સહયોગીઓ પર પણ દબાણ વધારી દીધું છે.

પરંતુ કોઈ પણ ઉમેદવારે પેલેસ્ટાઇન રાજ્યની સ્થાપનાને પોતાના પ્રમુખ મુદ્દા તરીકે ન રાખ્યો.

જ્યારે રાષ્ટ્રપતિપદની ચર્ચા દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેઓ તેનું સમર્થન કરશે, ત્યારે તેમણે જણાવ્યું હતું કે "મારે જોવું પડશે"

હવે અનેક પેલેસ્ટાઇનના લોકોએ પેલેસ્ટાઇન દેશનું સ્વપ્ન છોડી દીધું છે અને અમેરિકાના સમર્થનની આશા પણ મૂકી દીધી છે.

મુસ્તફા બરગૌતીનું કહેવું છે કે, “સામાન્ય ધારણા એવી છે કે આંતરરાષ્ટ્રીય કાયદાની રક્ષા કરવામાં અમેરિકા અતિશય ખરાબ રીતે નિષ્ફળ રહ્યું છે, તેને ઘણી વાર પેલેસ્ટિનિયનોને નિરાશ કર્યા છે અને ઇઝરાયલ સાથે સંપૂર્ણ પક્ષપાત કરી તેનું સમર્થન કર્યું છે.”

તેમનું કહેવું છે, "પેલેસ્ટાઇનના અલગ દેશનો મુદ્દો એ એક નારા સિવાય બીજું કંઈ નથી."

ઈરાન સાથે સંબંધોનું ભવિષ્ય

ઇઝરાયલ, પેલેસ્ટાઇન, અમેરિકા, મધ્યપૂર્વ, ખાડીદેશો, યુદ્ધ, આંતરરાષ્ટ્રીય રાજકારણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલે એક વિસ્તારનું નામ જ ટ્ર્મ્પ હાઇટ્સ રાખી દીધું છે

ઈરાન જેવા વ્યાપક ક્ષેત્રીય મુદ્દા પર ટ્રમ્પ અને હૅરિસ બંને ઉમેદવારોનો દૃષ્ટિકોણ ઐતિહાસિક રીતે અલગ-અલગ રહ્યો છે.

ટ્રમ્પે હાલમાં જ ઇઝરાયલને સલાહ આપી હતી કે "તે પહેલાં પરમાણુ જગ્યાઓ પર હુમલો કરે અને બાકીની ચિંતા પછી કરે." આ મહિનાની શરૂઆતમાં જ તેમણે આ નિવેદન આપ્યું હતું.

જ્યારે ઇઝરાયલ પર ઈરાને કરેલા મિસાઇલ હુમલાઓ પછી ઇઝરાયલે વળતો પ્રહાર કર્યો ત્યારે તેમણે આવું નિવેદન કર્યું હતું.

અમેરિકામાં ઇઝરાયલના પૂર્વ રાજદૂત ડૈની અયાલોને કહ્યું હતું કે, “જો ટ્રમ્પ રાષ્ટ્રપતિ હોત તો કદાચ તેઓ વધુ કડક અભિગમ અપનાવત અને ઈરાનીઓએ હજુ હુમલો કરતાં પહેલાં વિચાર્યું હોત.”

પરંતુ તેમનું કહેવું છે કે બન્ને ઉમેદવારો વચ્ચે મતભેદને વધારી-વધારીને જણાવવા સહેલા છે.

હૅરિસ અને ટ્રમ્પ બંન્ને હવે ઈરાનના પરમાણુ હથિયાર બનાવવાના રસ્તાને રોકવા માટે નવો કરાર કરવા માટે વાત કરી રહ્યાં છે. બંને નેતા ઇઝરાયલ અને પાડોશી આરબ દેશો, ખાસ કરી સાઉદી અરેબિયા વચ્ચે નૉર્મલાઇઝેશન કરારને વિસ્તારવા માગે છે.

બંનેના વલણમાં શું તફાવત હશે?

ડૅની અયાલોનનું કહેવું છે કે, "મને લાગે છે કે જો કમલા હૅરિસ વ્હાઇટ હાઉસ પહોંચી જશે તો ગાઝા અને લેબનોનના યુદ્ધનો વિરામ પહેલા થશે. ત્યારબાદ ઈરાની કે અન્ય નવા પ્રાદેશિક જોડાણોના મોટા પ્રશ્નો પર વિચાર કરવામાં આવશે."

તેમણે કહ્યું કે ટ્રમ્પ જીતી જશે તો, "તેઓ સીધા જ ઈરાન તરફ નજર કરશે અને ત્યાંથી સંપૂર્ણ મધ્ય-પૂર્વમાં બધાં પાસાંનો ઉકેલ લાવવા પ્રયત્ન કરશે."

અયાલોનનું માનવું છે કે ઇઝરાયલમાં પ્રજાના મૂડ પર માત્ર નીતિઓનો જ પ્રભાવ પડે છે એવું નથી.

તેમણે કહ્યું કે જ્યારે વાત અમેરિકા-ઇઝરાયલના સંબંધોની આવે છે, ત્યારે જાહેર અભિવ્યક્તિ અને લાગણીઓ વધુ મહત્ત્વ ધરાવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.