બાંગ્લાદેશના હિન્દુઓ અને પીએમ મોદી પર ડોનાલ્ડ ટ્રમ્પે આપેલા નિવેદન પાછળનું કારણ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે દિવાળી સંદેશમાં બાંગ્લાદેશી હિન્દુઓ અને પીએમ મોદીને લઈને સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટ લખી છે. આ પોસ્ટને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.
પાંચ નવેમ્બરે અમેરિકામાં રાષ્ટ્રપતિપદ માટે ચૂંટણી થવાની છે અને દક્ષિણ એશિયાઈ મૂળના મતદારોને રિઝવવા માટે, ડેમૉક્રેટિક અને રિપબ્લિકન પાર્ટીના બંને ઉમેદવારો પ્રયત્ન કરી રહ્યા છે.
ટ્રમ્પની હાલની આ પોસ્ટને પણ આ જ કોશિશના ભાગરૂપે જોવામાં આવે છે.
ડેમૉક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર કમલા હૅરિસ ખુદને ભારતીય અને આફ્રિકન મૂળનાં હોવાની વાત કરીને પોતાની બઢત મેળવવાની કોશિશ પહેલાં જ કરી ચૂક્યાં છે.
ટ્રમ્પે શું લખ્યું છે?

ઇમેજ સ્રોત, Getty Images
પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ અને રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય અલ્પસંખ્યકો સાથે થયેલી કથિત હિંસા પર એક પોસ્ટ મૂકી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક પોસ્ટમાં લખ્યું, "હું બાંગ્લાદેશમાં હિન્દુઓ, ખ્રિસ્તીઓ અને અન્ય અલ્પસંખ્યકો સામેની ક્રૂર હિંસાની સખત નિંદા કરું છું. ભીડ તેમની પર હુમલો કરી રહી છે, લૂંટફાટ કરી રહી છે, જે સંપૂર્ણ અરાજકતાભરી સ્થિતિ છે."
પોતાની પોસ્ટમાં ડેમૉક્રેટિક ઉમેદવાર કમલા હૅરિસ અને વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઇડનને ઘેરતાં ટ્રમ્પે લખ્યું કે "મારા કાર્યકાળમાં આવું ક્યારેય ન થયું હોત. કમલા અને જો (જો બાઇડન)એ અમેરિકા સમેત આખી દુનિયામાં હિન્દુઓની અવગણના કરી. તેઓ ઇઝરાયલથી લઈને યુક્રેન અને આપણી પોતાની દક્ષિણ સીમા પર તબાહી મચાવી ચૂક્યા છે, પણ આપણે અમેરિકાને ફરીથી મજબૂત બનાવીશું અને તાકતના માધ્યમથી શાંતિ લાવીશું."
ટ્રમ્પે લખ્યું, "અમે કટ્ટરપંથી વામપંથીઓના ધર્મવિરોધી ઍજન્ડા સામે હિન્દુ અમેરિકનોની પણ રક્ષા કરીશું. અમે તમારી આઝાદી માટે લડીશું. મારા શાસન હેઠળ અમે ભારત અને મારા સારા મિત્ર, વડા પ્રધાન મોદી સાથે પોતાની મહાન ભાગીદારીને મજબૂત બનાવીશું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડોનાલ્ડ ટ્રમ્પે દિવાળીની શુભકામના આપતાં આ વાત લખી છે.
તેમણે એ પણ લખ્યું કે "મને આશા છે કે પ્રકાશનું પર્વ બૂરાઈ પર સારાઈની જીત તરફ લઈ જશે."
આ વર્ષે જૂનમાં બાંગ્લાદેશમાં અનામતવિરોધી આંદોલનને કારણે સ્થિતિ બગડી હતી. એટલે સુધી કે તત્કાલીન વડાં પ્રધાન શેખ હસીનાએ દેશ છોડવા મજબૂર થવું પડ્યું હતું.
એ સમયે બાંગ્લાદેશમાં મોટા ભાગની જગ્યાએ અલ્પસંખ્યકો, ખાસ કરીને હિન્દુ સમુદાય પર હિંસાના અનેક અહેવાલો સામે આવ્યા હતા.
ટ્રમ્પના નિવેદન પર પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ત્રિપુરાના મંત્રી સુધાંગ્શુ દાસે ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી આ પોસ્ટના વખાણ કરતા ઍક્સ પર લખ્યું, “બાંગ્લાદેશમાં હિન્દુ અને અન્ય લઘુમતીઓની પીડા સમજવા અને હિન્દુત્વના મૂલ્યોને વૈશ્વિક મંચ પર લાવવા માટે હું બહુમુખી નેતા ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર પ્રગટ કરું છું.”
“તેમના શબ્દ, હિન્દુ ધર્મના તમામ પ્રાણીઓ માટે શાંતિ, કરૂણા અને આદરની સ્પષ્ટ પ્રતિબદ્ધતા પ્રતિ સન્માન દેખાડે છે.”
સંરક્ષણ વિશેષજ્ઞ બ્રહ્મ ચેલાનીએ લખ્યું છે, “બની શકે કે ટ્રમ્પ ભારતીય અમેરિકન વોટરોને આકર્ષવા માટે કોશિશ કરી રહ્યા હોય. પરંતુ તેઓ અમેરિકાના પહેલા નેતા છે જેમણે બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો સામે અત્યાચાર પર કંઇક કહ્યું હોય. પોતાની હિન્દુ જડ હોવા છતાં હૅરિસે તેના પર મૌન જાળવ્યું હતું. જો ટ્રમ્પ જીતે છે તે બાઇડનની જીત પર યુનૂસના ખેલનો અંત આવી શકે છે.”
ચર્ચીત પત્રકાર રાના ઐય્યુબે કટાક્ષ કરતાં લખ્યું, “ભારતમાં ટ્રમ્પના કટ્ટર સમર્થક હિન્દુ રાષ્ટ્રવાદી, જે મોદી-ટ્રમ્પની જોડીની કાગડોળે રાહ જુએ છે. આ ટ્વીટ પર તેઓ ઓવારી જશે.”
તેમણે ઍક્સ પર ટ્રમ્પની પોસ્ટનો સ્ક્રિનશૉટ પણ મૂક્યો હતો.
'સ્ટોપ હિન્દુ જેનોસાઇડ'એ ઍક્સ પર લખ્યું, “બાંગ્લાદેશમાં બર્બર હિંસાનો સામનો કરી રહેલા હિન્દુઓની મુશ્કેલીઓ પર વાત કરવા માટે વૈશ્વિક હિન્દુ સમુદાય ટ્રમ્પનો આભાર વ્યક્ત કરે છે. ટ્રમ્પ તરફથી માત્ર અમેરિકાના હિન્દુઓ માટે જ નહીં પરંતુ દુનિયાભરના હિન્દુઓ માટે આ સૌથી શ્રેષ્ઠ દિવાળીની ભેટ છે.”
બાંગ્લાદેશમાંથી પણ ટ્રમ્પ પર પ્રતિક્રિયાઓ આવી છે. પોતાને ફૅક્ટ ચેકર ગણાવતા 'સ્વાધીન બાંગ્લા બેતાર કેન્દ્ર'એ ઍક્સ એકાઉન્ટ પરથી પોસ્ટ લખી છે, “મિસ્ટર ટ્રમ્પ તમે બાંગ્લાદેશની ખોટી છબી પેશ કરો છો. આ પ્રૉપેગૅન્ડા છે. દેશ તમામ નાગરિકોનું સંરક્ષણ કરે છે. હિન્દુ વોટ પર તમારું આ ધ્યાન ખોટી સૂચનાઓને ફેલાવે છે. અમેરિકામાં તે અરાજકતાનું કારણ બની શકે છે.”
'મોદી ઍન્ડ ઇન્ડિયા'ના લેખક અને પત્રકાર રાહુલ શિવશંકર જણાવે છે, “દિવાળીના દિવસે અને ચૂંટણીના પાંચ દિવસ પહેલાં ટ્રમ્પનું આવેલું આ નિવેદન જતાવે છે કે અમેરિકાની ચૂંટણીમાં સ્વિંગ સ્ટેટમાં ભારતીય અમેરિકન મતદારોનું મહત્ત્વ કેટલું છે. આ ટ્રમ્પનો સ્પષ્ટ સંદેશ છે.”
અમેરિકામાં હિન્દુ સંગઠનોનું અભિયાન

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાનાં હિન્દુ સંગઠનો પણ આ મામલો જોરશોરથી ઊઠાવી રહ્યાં છે. ‘સ્ટોપ હિન્દુ જેનોસાઇડ’ તો બાંગ્લાદેશના આર્થિક બહિષ્કારની માગણી કરી રહ્યું છે.
આ સંગઠને ગત દિવસોમાં એક વિમાનની મદદ વડે ન્યૂ યૉર્કમાં એક બૅનર લહેરાવ્યું હતું. તેમાં બાંગ્લાદેશની સરકારને હિન્દુઓનું રક્ષણ કરવા કહેવામાં આવ્યું હતું.
એ વેબસાઈટ ચલાવતા લોકોએ, બીબીસી દ્વારા વારંવાર પૂછવામાં આવ્યું હોવા છતાં કેટલાક સવાલોના કોઈ જવાબ આપ્યા ન હતા.
આ સંગઠનની વેબસાઈટ પર વિશ્વ હિન્દુ પરિષદનાં કાર્યોનો ઉલ્લેખ હતો. વિશ્વ હિન્દુ પરિષદ એ જ સંઘ પરિવારનો હિસ્સો છે, જેની સાથે ભારતીય જનતા પાર્ટી જોડાયેલી છે.
વૉશિંગ્ટન સ્થિત હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન નામની સંસ્થાએ પણ બાંગ્લાદેશમાં બનતી હિંસક ઘટનાઓ બાબતે અમેરિકામાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
આ સંગઠન વિશે એવું કહેવાય છે કે તેને ભારતનાં હિન્દુવાદી સંગઠનો અને ભારત સરકાર તરફથી મદદ મળે છે.
આ ફાઉન્ડેશનના મૅનેજિંગ ડિરેક્ટર સમીર કાલરાએ તેમના સંગઠનને ભારત સરકાર સાથે કોઈ પ્રકારના સંબંધ હોવાના દાવાને ખોટો ગણાવ્યો હતો.
તેમણે વીડિયો કૉલ પર મને કહ્યું હતું, “અમારું સ્વતંત્ર સંગઠન છે. અમે કોઈ વિદેશી સરકાર સાથે મળીને કામ કરતા નથી.”
સમીર કાલરાએ કહ્યું હતું, “અમે બાંગ્લાદેશ હિન્દુ-બૌદ્ધ-ક્રિશ્ચિયન એકતા પરિષદ સાથે કામ કરી રહ્યા છીએ અને જમીની સ્તર પર તે અમારા ડેટાનો મુખ્ય સ્રોત છે. અમારો પ્રયાસ એ હોય છે કે અમેરિકન નેતાઓ આ હિંસાને સમજે અને બાંગ્લાદેશની વચગાળાની સરકાર પર દબાણ લાવે, જેથી બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતી કોમ સલામત રહી શકે.”
હિંસા, ભય અને અનિશ્ચિતતાની ચર્ચા વચ્ચે મારી મુલાકાત ઢાકામાં એક નોકરિયાત વ્યક્તિ સ્વરૂપ દત્ત સાથે થઈ હતી.
તેમના ઘરે મોડી રાતે વાતચીત દરમિયાન મેં તેમને પૂછ્યું હતું કે બાંગ્લાદેશમાં એક હિન્દુ નાગરિક હોવાને લઈને તેમને પોતાનું અને પોતાના પરિવારનું ભવિષ્ય કેવું લાગે છે?
તેમણે કહ્યું હતું કે તેઓ વિરોધ પ્રદર્શનોનું સમર્થન કરે છે, કારણ કે “વિરોધ એકમાત્ર એવી બાબત છે, જેના વડે અમે અમારો અવાજ ઊઠાવી શકીએ તેમ છીએ.”
તેઓ માને છે કે શાંતિપૂર્ણ, સન્માનજનક અને ધર્મનિરપેક્ષ બાંગ્લાદેશની યાત્રા આસાન નહીં હોય.
સ્વરૂપ દત્તે કહ્યું હતું, “હું આશાવાદી વ્યક્તિ છું. આ એક સુંદર દેશ છે. અહીંના લોકો મિલનસાર અને શાંતિને ચાહતા લોકો છે. અહીંના 99 ટકા લોકો બાંગ્લા બોલે છે. આ દેશને વધારે બહેતર શા માટે ન બનાવવો જોઈએ? મને લાગે છે કે તે શક્ય છે.”
ભારતીય મતદારોનું મહત્ત્વ
અમેરિકાના આંકડા પ્રમાણે વર્ષ 2020માં ભારતીય મૂળના અમેરિકનોની સંખ્યા લગભગ 44 લાખ હતી. આમ ભારતીય મૂળના મતદારોની સંખ્યા લગભગ એક ટકો થવા જાય છે.
અમેરિકાના ચૂંટણી ગણિત પ્રમાણે એક ટકા મતદારોનું મહત્ત્વ ઘણું હોય છે.
સ્વિંગ સ્ટેટ્સ મનાતા અમેરિકાનાં સાત રાજ્યોમાં પરિણામો અમેરિકાના રાષ્ટ્રપતિની હાર કે જીતનો નિર્ણય કરે છે.
મનાય છે કે પેન્સિલવેનિયામાં ટ્રમ્પ અને હૅરિસ વચ્ચે કાંટાની ટક્કર છે. તેવામાં ભારતીય મૂળના મતદારો નિર્ણાયક સાબિત થાય તેમ છે.
વર્ષ 2024ના એએપીઆઈ ડેટા પ્રમાણે ભારતીય અમેરિકનોમાંથી અડધાથી વધુ એટલે કે 55 ટકા ડેમૉક્રેટ્સ જ્યારે કે 26 ટકા રિપબ્લિકન પાર્ટી તરફ ઝુકાવ ધરાવે છે.
ગત રવિવારે કાર્નેગી ઍન્ડોમૅન્ટ ફૉર ઇન્ટરનેશનલ પીસ ઍન્ડ યૂગવેએ એક સર્વે જાહેર કર્યો હતો. જે પ્રમાણે 61 ટકા રજિસ્ટર્ડ ભારતીય અમેરિકન મતદાતાઓની યોજના હૅરિસ માટે મતદાન કરવાની છે.
જ્યારે કે 32 ટકા મતદાતાઓની ઇચ્છા ટ્રમ્પ માટે મતદાન કરવાની છે.
જોકે. ભારતીય અમેરિકનોનો ઝુકાવ ડેમૉક્રેટ્સ તરફ હોવા છતાં 2020થી તેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












