મુસ્લિમ અમેરિકન મતદારોને રિઝવવા માટે ટ્રમ્પ શું-શું કરી રહ્યા છે?

આરબ મુસ્લિમ મહિલાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આરબ અમેરિકનો તથા મુસ્લિમોને આકર્ષવા માટે ટ્રમ્પ પ્રયાસ કરી રહ્યા છે

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમની મિશિગન ખાતેની રેલીમાં અનેક મુસ્લિમ નેતાઓને આમંત્રિત કર્યા હતા.

ટ્રમ્પે એ રેલીમાં કહ્યું હતું કે આરબ અમેરિકન તથા મુસ્લિમ મતદારો ઇઝરાયલ અને ગાઝા સંદર્ભે અમેરિકાની વિદેશનીતિને કારણે નિરાશ અને આક્રોશિત છે.

ટ્રમ્પે મિશિગનના ડિયરબૉર્ન શહેરના ડોટ્રૉઇટ સબઅર્બ ઑફ નોવીમાં શનિવારે કહ્યું, "અહીંના મુસલમાનો અમેરિકાની ચૂંટણીની બાજી પલટી શકે છે."

ગત વર્ષે અમેરિકાનું ડિયરબૉર્ન શહેર અમેરિકાનું મુસ્લિમ બહુમતીવાળું શહેર બની ગયું હતું. અહીં વસતા 55 ટકા લોકો મધ્ય-પૂર્વ કે ઉત્તર આફ્રિકન મૂળના છે.

અમેરિકામાં મુસ્લિમોની વસતી 1.1 ટકા જેટલી છે.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા અહીં ક્લિક કરો

મિશિગનમાં મુસ્લિમ મહાનુભાવોની મુલાકાત

ટ્રમ્પ અને મુસ્લિમ મતદારોની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પની મિશિગનની રેલીમાં મંચ ઉપર મુસ્લિમ અગ્રણીઓ હાજર રહ્યા હતા

ટ્રમ્પે તેમની મિશિગન ખાતેની રેલી પહેલાં મુસ્લિમ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. ટ્રમ્પના સભાસ્થળે મંચ ઉપર મુસ્લિમ નેતા હાજર હતા તથા અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિએ તેમની ઓળખ મિશિગનના મુખ્ય નેતા તરીકે આપી હતી.

ટ્રમ્પની સભામાં ઉપસ્થિત ઇમામ બેલાલ અલ્ઝુહારીએ ટ્રમ્પને શાંતિસમર્થક ગણાવ્યા હતા.

અલ્ઝુહારીએ કહ્યું, "અમે મુસ્લિમ મતદાતા મતાદરો તરીકે ટ્રમ્પની સાથે છીએ. ટ્રમ્પને શાંતિ પ્રસ્થાપિત કરવાની વાત કહી છે. યુદ્ધની નહીં."

"અમે ડોનાલ્ડ ટ્રમ્પનું સમર્થન કરીએ છીએ, કારણ કે તેમણે મધ્ય-પૂર્વ તથા યુક્રેનની જંગ ખતમ કરવાનો વાયદો કર્યો છે."

ટ્રમ્પ પર મુસલમાનોની મીટ

વીડિયો કૅપ્શન, Israel નો દાવો નસરલ્લાહનું મોત, હિઝબુલ્લાહના આ વડા કોણ છે?
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ટ્રમ્પ ગાઝામાં ઇઝરાયલી જંગની સ્પષ્ટપણે ટીકા નથી કરતા, પરંતુ દબાયેલા સ્વરે લોકો સાથે સંબંધો વિશે બોલે છે. ટ્રમ્પ અગાઉ ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને ત્યાંની સેનાને યુદ્ધને ઝડપભેર યુદ્ધનો ઉકેલ લાવવા કહી ચૂક્યા છે.

આ સિવાય ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન તથા ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસ ઉપર ઇઝરાયલનું પૂરતું સમર્થન નહીં કરવાનો આરોપ મૂકીને તેમની ટીકા કરી હતી.

જોકે, બાઇડન તથા કમલા હૅરિસના તંત્રે ઇઝરાયલની ટીકા નથી કરી તથા હથિયારો આપવાનું ચાલુ રાખ્યું છે.

હમાસના બંદૂકધારીઓએ ગત વર્ષે સાતમી ઑક્ટોબરના ઇઝરાયલમાં ઘૂસીને હુમલો કર્યો હતો, જેમાં સેંકડો લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ સાથે 100થી વધુ લોકોને ગોંધી રાખવામાં આવ્યા છે.

આ પહેલાં ટ્રમ્પે પહેલી વરસી નિમિતે કન્ઝર્વૅટવ રેડિયો હૉસ્ટ હ્યૂ હેવિટને ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જેમાં ટ્રમ્પે ગાઝાને રિયલ ઍસ્ટેટના દૃષ્ટિકોણથી જોયું હતું. ગાઝામાં 20 લાખ કરતાં વધુ પેલેસ્ટાઇવાસીઓ રહે છે.

ટ્રમ્પે આ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું, "જો તમે ડેવલ્પર તરીકે જુઓ તો તે ખૂબ જ સુંદર જગ્યા બની શકે છે. ચાહે તે મોસમ હોય કે હવાપાણી. તે ખૂબ જ સુંદરસ્થાન બની શકે છે."

ટ્રમ્પે તેમના રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળ દરમિયાન મુસિલમ બહુમતીવાળા ઇરાક, સીરિયા, ઈરાન, લિબિયા, સોમાલિયા, સુદાન તથા યમનના લોકોના અમેરિકામાં આવવા ઉપર પ્રતિબંધ લાદી દીધો હતો.

ટ્રમ્પે સીરિયાઈ શરણાર્થીઓના આગમન ઉપર અનિશ્ચિતકાળ માટે પ્રતિબંધ મૂકી દીધો હતો. આ સિવાયના તમામના શરણાર્થીઓના આગમન માટે ચાર મહિના માટે નિષેધ લાદ્યો હતો.

વર્ષ 2021માં બાઇડન સરકારે આ પ્રતિબંધ દૂર કર્યો હતો.

બાઇડનથી નારાજ મુસલમાનો

અમેરિકન મુસ્લિમની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડિયરબૉર્નની 55 ટકા વસતી મુસ્લિમ છે

અમેરિકા દ્વારા ઇઝરાયલને મોટાપાયે સૈન્યમદદ આપવામાં આવી રહી છે, જેના કારણે આરબ અમેરિકન તથા મુસ્લિમ મતદારો તેમનાથી નારાજ છે. ટ્રમ્પ આ નારાજગીને પોતાના પક્ષે કરવા માગે છે.

એવું માનવામાં આવે છે કે આરબ અમેરિકન તથા મુસ્લિમ મતદાતાઓમાં બાઇડન ઉપરાંત કમલા હૅરિસ પ્રત્યે નિરાશા પ્રવર્તે છે. એવું મનાય છે કે જે મતદાતાઓ ઇચ્છે છે કે યુદ્ધ તત્કાળ બંધ થાય, તેઓ ટ્રમ્પ જોડે જઈ શકે છે.

બીજી બાજુ, ઇઝરાયલી સમર્થકોને લાગે છે કે બાઇડનતંત્ર દ્વારા ઇઝરાયલને આપવી જોઈએ એટલી મદદ કરવામાં નથી આવતી.

ટ્રમ્પ ન કેવળ આરબ અમેરિકન અને મુસ્લિમ મતદારોને આકર્ષી રહ્યા છે, પરંતુ યહૂદીઓને પણ ચેતવી રહ્યા છે કે જો તેઓ (ટ્રમ્પ) હારી જશે, તો તેમણે ભારે કિંમત ચૂકવવી પડશે.

ટ્રમ્પે ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું, "યહૂદીઓ શા માટે કમલા હૅરિસને મત આપે? જો નવેમ્બર મહિનામાં મારો પરાજય થયો તો યહૂદીઓએ ભારે કિંમત ચૂકવવી પડશે."

કમલા હૅરિસ ગાઝામાં સંઘર્ષવિરામની હિમાયત કરે છે અને તેઓ પેલેસ્ટાઇન માટે અલગ દેશનું સમર્થન કરે છે.

પેલેસ્ટાઇન સમર્થકો તથા યુદ્ધવિરોધી કર્મશીલો અમેરિકાનાં ઉપ રાષ્ટ્રપતિ કમલા હૅરિસ ઉપર નિશાન સાધે છે. તેમનું પૂછવું છે કે મધ્ય-પૂર્વમાં ઇઝરાયલ સંબંધે બાઇડન સરકારની જે નીતિ છે, તેના કરતાં એમની (હૅરિસની) નીતિ કેવી રીતે અલગ હશે?

ટ્રમ્પે મિશિગન ખાતેની રેલીમાં કહ્યું, "મિશિગન સહિત દેશભરના મુસલમાન તથા આરબ મતદારો મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા અંતહીન યુદ્ધોની સમાપ્તિ ઇચ્છે છે. બધા ઇચ્છે છે કે શાંતિ અને સ્થિરતા આવે."

ટ્રમ્પે વાયદો કર્યો છે કે તેઓ સત્તા ઉપર આવશે તો યુદ્ધો અટકાવી દેશે. તેમના આ વચનની તરફેણ કરનારાઓનું કહેવું છે કે ટ્રમ્પ જ્યારસુધી રાષ્ટ્રપતિપદે હતા, તેમણે કોઈ નવું યુદ્ધ શરૂ થવા નહોતું દીધું. ટ્રમ્પ આરબ મુસલમાનો સમક્ષ પોતાને સારા વિકલ્પ તરીકે રજૂ કરી રહ્યા છે.

ટ્રમ્પ કેટલાક મુસ્લિમ દેશો ઉપર પ્રતિબંધ લાદશે

સાઉદી અરેબિયાના તત્કાલીન શાસક અને ડોનાલ્ડ ટ્રમ્પની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકે સૌ પહેલી યાત્રા સાઉદી અરેબિયાની ખેડી હતી

ગયા અઠવાડિયે ટ્રમ્પે ડેમૉક્રેટિક પાર્ટીનાં ઉમેદવાર કમલા હૅરિસનું સમર્થન કરી રહેલા મુસ્લિમ મતદારો ઉપર સવાલ ઉઠાવ્યા હતા.

અમેરિકાના પૂર્વ સાંસદ લિઝ ચેનીએ કમલા હૅરિસને સમર્થન જાહેર કર્યું હતું. ટ્રમ્પે તેની ઉપર સવાલ ઉઠાવતા કહ્યું, "કમલા હૅરિસ મુસલમાનો પ્રત્યે નફરત ધરાવનારાં લિઝ ચેનીને ગળે મળે છે. કોના પિતાએ મધ્યપૂર્વ ઉપર વર્ષો સુધી ચાલનારા યુદ્ધ અને મૃત્યુ થોપ્યાં હતાં?"

લિઝ ચેની અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ ડિક ચેનીનાં પુત્રી છે. અમેરિકાએ વર્ષ 2003માં ઇરાક ઉપર હુમલો કર્યો, ત્યારે ડિક ચેની ઉપરાષ્ટ્રપતિ હતા અને તેમણે ઇરાક ઉપર હુમલાનું સમર્થન કર્યું હતું.

એક તરફ ટ્રમ્પ મુસલમાનોને આકર્ષવાની વાત કરે છે, તો બીજી તરફ રાષ્ટ્રપતિ બન્યા બાદ મુસ્લિમ બહુમતીવાળા દેશોમાંથી નાગિરકોના અમેરિકામાં આગમન ઉપર પ્રતિબંધ લાદવાની વાતનો પણ પુનરુચ્ચાર કરે છે.

ટ્રમ્પે ગત વર્ષે 28 ઑક્ટોબરના રિપબ્લિક યહૂદી સમિટને સંબોધતા કહ્યું હતું, "શું તમને પ્રવાસ પરનો પ્રતિબંધ યાદ છે ? સત્તા ઉપર આવીને હું ફરીથી પ્રવાસીય પ્રતિબંધ લાગુ કરીશ. આપણે જે દેશના નાગરિકોને ઇચ્છતા ન હોઇએ અથવા તો જેઓ આપણા દેશને તારાજ કરવા માગે છે, તેમના માટે જ આપણી પાસે પ્રવાસીય પ્રતિબંધનો વિકલ્પ છે."

ટ્રમ્પે કહ્યું હતું, "અમારા ચાર વર્ષના કાર્યકાળ દરમિયાન આવી એકપણ ઘટના નહોતી થઈ, કારણ કે અમે એવા લોકોને દેશમાં પ્રવેશવા નહોતા દીધા."

ટ્રમ્પને સાઉદી અરેબિયાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા તે સમયની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પને સાઉદી અરેબિયાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા

ટ્રમ્પ અનેક વખતે ખુદને યુદ્ધવિરોધી રાષ્ટ્રપતિ તરીકે રજૂ કરે છે. ટ્રમ્પે કહ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન અમેરિકા કોઈ નવા યુદ્ધમાં ઉતર્યું ન હતું. ટ્રમ્પે મધ્ય-પૂર્વમાંથી અનેક સૈનિકોને પરત બોલાવી લીધા હતા અને અફઘાનિસ્તાનમાં યુદ્ધના અંતની જાહેરાત કરી હતી.

ટ્રમ્પે માર્ચ-2019માં ઇસ્લામિક સ્ટેટને પરાજિત કરવાની જાહેરાત કરી હતી. એ જ વર્ષે અમેરિકાની સેનાએ ઑક્ટોબર મહિનામાં આઈએસના નેતા અબુ બકર અલ-બગદાદીને મારી નાખવાની વાત કહી હતી.

આ સિવાય ટ્રમ્પ સરકારે જાન્યુઆરી-2020માં અમેરિકાએ ઇરાકમાં ઈરાનના સિનિયર જનરલ કાસિમ સુલેમાનીને મારી નાખ્યા હતા.

એવું લાગતું હતું કે ઈરાનના મામલે અમેરિકા પણ યુદ્ધમેદાનમાં ઉતરશે, પરંતુ તેણે શાંતિ જાળવી છે. કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે ટ્રમ્પને કોઈ નવું યુદ્ધ શરૂ નહીં થવા દેવાનો શ્રેય આપી શકો, પરંતુ તેમણે યુદ્ધ ફાટી નીકળે એવી શક્યતા હોય, એવા ભૌગોલિક વિસ્તારોમાં પણ હથિયાર વેચાણના કરાર કર્યા હતા.

ટ્રમ્પે રાષ્ટ્રપતિ તરીકેનો પહેલો વિદેશપ્રવાસ સાઉદી અરેબિયાનો ખેડ્યો હતો. સાઉદી અરેબિયા એ સમયે યમનમાં હૂતી વિદ્રોહીઓ સામે જંગ લડી રહ્યું હતું. ટ્રમ્પે એ યાત્રા દરમિયાન સાઉદી અરેબિયા સાથે 110 અબજ ડૉલરની હથિયાર ડીલ કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.