ઇઝરાયલનાં યુદ્ધો તેના અર્થતંત્રને કેવી રીતે નુકસાન કરી રહ્યાં છે?

ઇઝરાયલ, હમાસ, યુદ્ધ, અર્થતંત્ર, ઈરાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જેરેમી હોવેલ
    • પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ

ઇઝરાયલે છેલ્લા એક દાયકામાં ગાઝા તથા દક્ષિણ લેબનોનમાં હજારો સૈનિકો મોકલ્યા છે, તેના દુશ્મનો પર હવાઈ હુમલા કર્યા છે અને તેના પર છોડવામાં આવતી મિસાઇલો તથા ડ્રોનનો સામનો તેની ઍર ડિફેન્સ સિસ્ટમ વડે કરવા માટે લાખો ડૉલર ખર્ચ્યા છે.

ઇઝરાયલ સરકારનો અંદાજ છે કે હમાસ અને હિઝબુલ્લાહ સામેના તેના યુદ્ધમાં 60 અબજ ડૉલરથી વધારેનો ખર્ચ થઈ શકે છે. આ યુદ્ધો ઇઝરાયલના અર્થતંત્રને પહેલાંથી જ માઠી અસર કરી ચૂક્યાં છે.

ઇઝરાયલ તેના યુદ્ધની કેટલી કિંમત ચૂકવે છે?

ઇઝરાયલના નાણા પ્રધાન બેઝાલેલ સ્મોટ્રિચે સપ્ટેમ્બર, 2024માં દેશની સંસદને કહ્યું હતું, “આપણે ઇઝરાયલના ઇતિહાસનું સૌથી લાંબુ અને સૌથી મોંઘું યુદ્ધ લડી રહ્યા છીએ.”

તેમણે ઉમેર્યું હતું કે લશ્કરી કાર્યવાહીનો ખર્ચ 200થી 250 અબજ શૅકેલ્સ (એટલે કે 54થી 68 અબજ ડૉલર) સુધીનો થઈ શકે છે.

લેબનોન પરનો ઇઝરાયલનો બોમ્બમારો અને દેશની દક્ષિણે લશ્કરી આક્રમણ ઉપરાંત ઈરાનથી હવાઈ હુમલાના સામનામાં મિસાઇલો વડે વળતો હુમલો શરૂ કર્યો છે તેનાથી ઇઝરાયલના યુદ્ધના ખર્ચમાં વધારો થશે.

બ્રિટનની શેફિલ્ડ હલ્લામ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી ડૉ. અમર અલગર્હીના કહેવા મુજબ, યુદ્ધ વિસ્તર્યા પછી 2025ના વર્ષમાં પણ ચાલુ રહેશે તો ખર્ચ વધીને 93 અબજ ડૉલરના આંકને આંબી શકે છે.

તે ઇઝરાયલની વાર્ષિક રાષ્ટ્રીય આવક(જીડીપી)નો આશરે છઠ્ઠો ભાગ છે. ઇઝરાયલની જીડીપી 530 અબજ ડૉલરની છે.

ઇઝરાયલ યુદ્ધનો ખર્ચ કેવી રીતે કરી રહ્યું છે?

ઇઝરાયલ, હમાસ, યુદ્ધ, અર્થતંત્ર, ઈરાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેલ અવીવ સ્ટોક ઍક્સ્ચેન્જ અને વિશ્વનાં બાકીનાં શેરબજારોમાં વધારે સરકારી બૉન્ડ્સ વેચવામાં આવી રહ્યાં છે.

બૅન્ક ઑફ ઇઝરાયલે સરકારી બૉન્ડના વેચાણમાં વધારો કર્યો છે. યુદ્ધના ખર્ચ માટે તે લોન લઈ રહી છે. બૅન્કે માર્ચ 2024માં બૉન્ડના એક ઇસ્યૂમાંથી વિક્રમસર્જક આઠ અબજ ડૉલર એકત્ર કર્યા હતા.

ઇઝરાયલમાંના અને વિદેશી ધિરાણકર્તાઓને બૉન્ડ વેચવામાં આવે છે. તેમાં “ડાયાસ્પોરા બૉન્ડ”નો પણ સમાવેશ થાય છે, જે ઇઝરાયલની બહાર રહેતા યહૂદી લોકોને વેચવામાં આવે છે.

બૅન્ક ઑફ ઇઝરાયલના ડેટા દર્શાવે છે કે ઇઝરાયલના સરકારી બૉન્ડ ખરીદવા વિદેશીઓ બહુ રાજી નથી. બૅન્કના જણાવ્યા મુજબ, હમાસ સાથેનો ઇઝરાયલનો સંઘર્ષ શરૂ થયો તેના એક મહિના પહેલાં સપ્ટેમ્બર 2023ના 14.4 ટકાની સરખામણીએ માત્ર 8.4 ટકા સરકારી બૉન્ડ જ વિદેશમાં છે.

તેલ અવીવ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર મેન્યુઅલ ટ્રેજલેનબર્ગે કહ્યું હતું, “તેનું પરિણામ એ આવ્યું છે કે સરકારી બૉન્ડ માટેના વ્યાજના દરો વધ્યા છે, જે તેને વિદેશી રોકાણકારો માટે વધારે આકર્ષક બનાવે છે.”

“સરકારે જે લોન ચૂકવવાની છે તેની કિંમતમાં દોઢ ટકા વધારો થયો છે.”

એ ઉપરાંત ત્રણ મુખ્ય આંતરરાષ્ટ્રીય ક્રૅડિટ રેટિંગ એજન્સીઓ – મૂડીઝ, ફિચ અને સ્ટાન્ડર્ડ ઍન્ડ પૂઅર્સે ઑગસ્ટ 2024ની શરૂઆતથી જ ઇઝરાયલના સરકારી દેવા માટેના તેમના રેટિંગને ડાઉનગ્રેડ કર્યું છે.

ઇઝરાયલ, હમાસ, યુદ્ધ, અર્થતંત્ર, ઈરાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

તેલ અવીવ સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઑફ નૅશનલ સિક્યુરિટી સ્ટડીઝના ડૉ. ટૉમર ફેડલોને જણાવ્યું હતું કે એજન્સીઓએ ઇઝરાયલના રેટિંગમાં ઘટાડો કર્યો નહોતો, કારણ કે તેમને ભય હતો કે સરકાર બૉન્ડની ચૂકવણી કરી શકશે નહીં. ઇઝરાયલની સરકારી નાણાકીય સ્થિતિ એકદમ સ્વસ્થ હાલતમાં છે.

તેમના કહેવા મુજબ, “ક્રૅડિટ રેટિંગ એજન્સીઓએ તેમના અહેવાલમાં એટલું જ જણાવ્યું હતું કે તેઓ 2025 સુધીમાં ખર્ચના વ્યવસ્થાપન માટેની સરકારની ચોક્કસ નાણાકીય વ્યૂહરચના ન હોવાને કારણે ચિંતિત છે.”

ઇઝરાયલ ડેમૉક્રસી ઇન્સ્ટિટ્યૂટના અર્થશાસ્ત્રી અને બૅન્ક ઑફ ઇઝરાયલના ભૂતપૂર્વ ગવર્નર કર્નિત ફ્લગે જણાવ્યું હતું કે સરકાર બજેટમાં 9.9 અબજ ડૉલરનો ઘટાડો કરવા અને કર વધારવા તેમજ બજેટની ખાધને ઘટાડવાના પ્રયાસ કરી રહી છે.

“જોકે, કેટલાંક આયોજિત પગલાંઓનો કામદાર સંગઠનો અને સરકારી ગઠબંધનના કેટલાક સભ્યો વિરોધ કરે તેવી શક્યતા છે,” એમ તેમણે કહ્યું હતું.

કેટલાક અર્થશાસ્ત્રીઓ સરકારને, તેના વધતા લશ્કરી ખર્ચને સરભર કરવા માટે બચતનાં ચોક્કસ ધોરણો સાથેનું 2025નું બજેટ બનાવવા વિનંતી કરી રહ્યા છે.

જેરુસલેમની હિબ્રુ યુનિવર્સિટીના પ્રોફેસર ઍસ્ટેબન ક્લોરે કહ્યું હતું, “યુદ્ધના ખર્ચને પહોંચી વળવા માટે બજેટમાં કાપ મૂકવાની કોઈ ગંભીર યોજના નથી. લશ્કરી વ્યૂહરચનાની સાથે યુદ્ધ માટેની કોઈ આર્થિક વ્યૂહરચના પણ નથી.”

ઇઝરાયલના અર્થતંત્ર પર યુદ્ધની અસર

ઑક્ટોબર 2023 સુધી ઇઝરાયલનું અર્થતંત્ર મજબૂત રીતે આગળ વધી રહ્યું હતું, પરંતુ યુદ્ધ ફાટી નીકળ્યા પછી તે ઝડપથી સંકોચાઈ ગયું છે. વર્લ્ડ બૅન્કના જણાવ્યા મુજબ, સમગ્ર વર્ષ દરમિયાન તેની માથાદીઠ જીડીપીમાં 0.1 ટકા ઘટાડો થયો હતો.

બૅન્ક ઑફ ઇઝરાયલની આગાહી મુજબ, 2024માં ઇઝરાયલનું અર્થતંત્ર માત્ર 0.5 ટકા વૃદ્ધિ પામશે. આ તેણે જુલાઈમાં કરેલી આગાહી કરતા પણ વધારે ખરાબ છે. બૅન્કે જુલાઈમાં આગાહી કરી હતી કે 2024 માટે દેશનો આર્થિક વિકાસ દર 1.5 ટકાનો રહેશે.

છેલ્લા એક વર્ષમાં ઇઝરાયલમાં ઘણી કંપનીઓ પાસે કર્મચારીઓની અછત સર્જાઈ છે. તેને લીધે તેઓ મર્યાદિત બિઝનેસ જ કરી શકે છે.

તેનું કારણ એ છે કે ઇઝરાયલનાં સંરક્ષણ દળોએ હમાસ સાથેના સંઘર્ષની શરૂઆતમાં 3 લાખ 60 હજાર અનામત સૈનિકોને બોલાવ્યા હતા. એ પૈકીના ઘણાને ત્યારબાદ પરત મોકલવામાં આવ્યા હતા, પરંતુ લેબનોનમાં હાલના ગ્રાઉન્ડ ઑપરેશન માટે 15 હજાર અનામત સૈનિકોને બોલાવવામાં આવ્યા છે.

ઇઝરાયલ, હમાસ, યુદ્ધ, અર્થતંત્ર, ઈરાન, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

સરકારે સલામતીનાં કારણોસર ગાઝા અને વેસ્ટ બૅન્કના આશરે 2.20 લાખ પેલેસ્ટાઇની લોકોનાં કામ માટે ઇઝરાયલમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.

તેની ખાસ કરીને બાંધકામ ક્ષેત્રને અસર થઈ છે. બાંધકામ ક્ષેત્ર પેલેસ્ટાઇનના લગભગ 80 હજાર લોકોને રોજગાર આપતું હતું. તેમાં હવે ભારત, શ્રીલંકા અને ઉઝબેકિસ્તાન જેવા દેશોમાંથી હજારો બદલી કામદારોની ભરતી કરવામાં આવી રહી છે.

પ્રોફેસર ફ્લગે જણાવ્યું હતું કે યુદ્ધ પછી ઇઝરાયલનું અર્થતંત્ર મંદ પડ્યું છે, પરંતુ યુદ્ધ સમાપ્ત થયા પછી “તે મજબૂત રીતે બાઉન્સ બૅક થવાની સંભાવના છે.”

તે કંઈક અંશે ઇઝરાયલના વિકાસશીલ હાઇ-ટૅક સૅક્ટરને આભારી હશે. દેશના અર્થતંત્રમાં તે હવે પાંચમા ભાગનો હિસ્સો ધરાવે છે.

તેમના કહેવા મુજબ, “હકીકત એ છે કે આ યુદ્ધ અગાઉના યુદ્ધો કરતાં ઘણું લાંબુ ચાલ્યું છે અને તેની દેશની વસ્તીના મોટા હિસ્સાને અસર થઈ છે, જે રિકવરીને નબળી અને લાંબી બનાવી શકે છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.