ગાઝાને કેટલી મદદની જરૂર છે અને તેને કેટલી સહાય મળી રહી છે, અમેરિકાએ કેમ ઇઝરાયલને ચેતવણી આપવી પડી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જર્મી હૉવેલ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
અમેરિકાએ ઇઝરાયલ સરકારને જણાવ્યું છે કે ગાઝાપટ્ટીમાં માનવતાવાદી સહાય પહોંચાડવાની વ્યવસ્થા કરવા માટે તેની પાસે 30 દિવસનો સમય છે. એવું નહીં થાય તો કેટલીક લશ્કરી સહાય પર કાપ મૂકવામાં આવે તેવી શક્યતા છે.
સહાય એજન્સીઓએ ફરિયાદ કરી છે કે ઇઝરાયલ ઉત્તર ગાઝામાં ખોરાકની ડિલિવરી અટકાવી રહ્યું છે. એ વિસ્તારમાં પેલેસ્ટાઇનના લગભગ ચાર લાખ નાગરિકો છે અને તેઓ સંપૂર્ણપણે આ સહાય પર નિર્ભર છે.
સંયુક્ત રાષ્ટ્રસંઘની માનવતાવાદી સહાય એજન્સી ઓસીએચએ જણાવે છે કે ઑક્ટોબર 2023માં સંઘર્ષ શરૂ થયો તે પહેલાં રોજ સરેરાશ 500 ટ્રક પુરવઠો ગાઝામાં પ્રવેશતો હતો. સપ્ટેમ્બર 2024માં તેવી ટ્રકોનું પ્રમાણ ઘટીને રોજ સરેરાશ બાવન ટ્રક્સનું થઈ ગયું છે.
ઑગસ્ટમાં ગાઝામાં રોજ સરેરાશ 65 સહાય ભરેલી ટ્રક આવી હતી. જુલાઈમાં 79 ટ્રક્સ આવી હતી. એપ્રિલ પછી એક પણ મહિનો એવો નથી ગયો જ્યારે દિવસમાં સહાયની 100થી વધુ ટ્રક્સ ગાઝાપટ્ટીમાં પ્રવેશી હોય.
કેટલી સહાયની જરૂર, કેટલી મળે છે

સંયુક્ત રાષ્ટ્રસંઘના કહેવા મુજબ, સપ્ટેમ્બરના બે સપ્તાહમાં કોઈ ખાદ્ય સહાય ઉત્તર ગાઝામાં પહોંચાડવામાં આવી ન હતી અને ત્યાં રહેતા ચાર લાખ લોકો જીવનજરૂરી ચીજવસ્તુઓની અછતનો સામનો કરી રહ્યા છે.
ઓસીએચએના જણાવ્યા મુજબ, વિતરિત કરવામાં આવતી સહાયના અભાવનો અર્થ એ છે કે 96 ટકા વસ્તી એટલે કે 21.5 લાખ લોકો ખાદ્યસામગ્રીની જોરદાર અછતનો સામનો કરી રહ્યા છે.
22 ટકા વસ્તી એટલે કે 4.95 લાખ લોકો ખાદ્યસામગ્રીની અછતનો વિનાશક સામનો કરી રહ્યા છે. તેના પરિણામે ભૂખમરાની સ્થિતિ સર્જાઈ શકે છે.
2024માં 50,000થી વધુ બાળકોને તીવ્ર કુપોષણ માટેની સારવારની જરૂર છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગાઝામાં રહેતા 22.3 લાખ પેલેસ્ટાઇનીઓને મદદ કરવા માટે જવાબદાર સંયુક્ત રાષ્ટ્રસંઘની એજન્સી યુએનઆરડબલ્યુએના કહેવા મુજબ, ગાઝામાંના લગભગ 70 ટકા ખેતીલાયક ક્ષેત્રો સંઘર્ષમાં નાશ પામ્યાં છે. તેથી અહીં રહેતી લગભગ દરેક વ્યક્તિ ખાદ્ય સહાય પર નિર્ભર છે.
એજન્સીએ જણાવ્યું છે કે ઑગસ્ટમાં દસ લાખ લોકોને ફૂડ ડિલિવરી મળી ન હતી અને સપ્ટેમ્બરમાં 14 લાખ લોકો ભોજનસહાય વિહોણા રહ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
યુએનઆરડબલ્યુએના જણાવ્યા મુજબ, પ્રવેશ પ્રતિબંધો, ક્ષતિગ્રસ્ત માર્ગો અને કાયદો તથા વ્યવસ્થાની ચિંતાને કારણે એક લાખ ટન ખાદ્યસહાય ગાઝામાં પ્રવેશી શકે તેમ નથી.
ઓસીએચએ કહે છે, ઇઝરાયલનાં સશસ્ત્ર દળોના કૉ-ઑર્ડિનેશન ઍન્ડ લાયઝન ઍડમિનિસ્ટ્રેશન (સીએલએ) દ્વારા “લૉજિસ્ટિકલ, ઑપરેશનલ અથવા સલામતીનાં કારણોસર” ગાઝામાં સંખ્યાબંધ સહાય પહોંચાડવાનો ઇનકાર કરવામાં આવ્યો છે.
તેણે સપ્ટેમ્બર 2024માં જણાવ્યું હતું કે સહાય એજન્સીઓએ ઉત્તર ગાઝામાં 175 ડિલિવરી મિશન માટે સીએલએ પાસેથી પરવાનગી માંગી હતી, જેમાંથી 78ને પરવાનગી આપવામાં આવી હતી.
એ જ મહિનામાં તેમણે દક્ષિણ ગાઝામાં 491 સહાય મિશન બનાવવા જણાવ્યું હતું, જેમાંથી 227 માટે મંજૂરી આપવામાં આવી હતી.
અમેરિકા દ્વારા નિર્મિત ઘાટ સહાય પહોંચાડવામાં કેટલો ઉપયોગી?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકાનાં સશસ્ત્ર દળોએ દરિયાઈ માર્ગે સહાય પુરવઠો લાવવા માટે ગાઝા શહેરની દક્ષિણે સમુદ્રતટ સાથે જોડાયેલો એક લાંબો તરતો ઘાટ બનાવ્યો છે.
સત્તાવાર રીતે જૉઇન્ટ લૉજિસ્ટિક્સ ઑવર-ધ-શોર (જેએલઓટીએસ) નામે ઓળખાતા તે ઘાટનો ઉપયોગ 17, મેથી શરૂ થયો હતો.
સાયપ્રસથી સહાય ભરેલી ટ્રક્સને નૌકાદળનાં જહાજોમાં આ ઘાટ સુધી પહોંચાડવામાં આવે છે અને તે સહાયને દરિયા કિનારા પરના માર્શલિંગ યાર્ડમાં ઉતારવામાં આવતી.
ત્યારે અમેરિકાના સૈન્યએ જણાવ્યું હતું કે આ ઘાટ મારફતે રોજ લગભગ 90 સહાય ટ્રક આવશે અને તે આંકડો એક દિવસ દૈનિક 150ના સ્તરે પહોંચશે.
જોકે, 28 મેના રોજ દરિયો તોફાને ચડતાં ઘાટ તૂટી પડ્યો હતો અને નકામો થઈ ગયો હતો. તેના હિસ્સાઓને સમારકામ માટે ઇઝરાયલના અશ્દોદ બંદરે લઈ જવા પડ્યા હતા.
તેનો ઉપયોગ મે, જૂન અને જુલાઈમાં થોડીક સહાય પહોંચાડવા માટે થઈ શક્યો હતો.
તે શરૂ કરવામાં આવ્યો એ પહેલાં ઍક્શનઍઇડ, બ્રિટન ખાતેના માનવતાવાદી નીતિના વડા ઝિયાદ ઇસાએ કહ્યું હતું, “તે સંપૂર્ણપણે કાર્યરત હશે તો પણ આ માર્ગ દ્વારા રોજ માત્ર 150 સહાય ટ્રક્સ જ મોકલી શકાશે. ગાઝા માટેની સહાયમાં વધારો આવકાર્ય છે, પરંતુ તે જરૂરિયાત કરતાં બહુ જ ઓછી છે.”
અમેરિકાએ શા માટે ઇઝરાયલને ચેતવણી આપી?

અમેરિકાના વિદેશ પ્રધાન ઍન્ટોની બ્લિંકન અને સંરક્ષણ પ્રધાન લૉઇડ ઑસ્ટિને ઇઝરાયલ સરકારને એક પત્ર લખ્યો છે. તેમાં જણાવવામાં આવ્યું છે, “ગાઝામાં વણસતી જતી માનવતાવાદી પરિસ્થિતિ વિશેની અમેરિકન સરકારની ઊંડી ચિંતાને રેખાંકિત કરવા અને આ પરિસ્થિતિને ઉલટાવવા તમારી સરકાર દ્વારા આ મહિને તત્કાળ પગલાં લેવામાં આવે તે માટે આ પત્ર લખી રહ્યા છીએ.”
આ પત્રમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે ઇઝરાયલી દળોએ સપ્ટેમ્બરમાં ગાઝાના ઉત્તર અને દક્ષિણ વચ્ચેનો 90 ટકા માનવતાવાદી ટ્રાફિક અટકાવી દીધો હતો.
પત્ર જણાવે છે, ઇઝરાયલે સહાય પુરવઠાને વેગ આપવા માટે “અત્યારથી શરૂ કરીને 30 દિવસની અંદર” જરૂરી પગલાં લેવાં પડશે. તેમ કરવામાં ઇઝરાયલ નિષ્ફળ જશે તો અમેરિકા દ્વારા નીતિવિષયક પગલાં લેવામાં આવશે. અમેરિકન માનવતાવાદી સહાયમાં અવરોધ સર્જતા દેશોના સૈન્યને લશ્કરી સહાય અટકાવી દેવા વિશેના કાયદાને ટાંકીને તેમણે આમ જણાવ્યું હતું.
આ પત્ર ઍક્સિઓસ સામયિકમાં પ્રકાશિત થયો હતો. અમેરિકન સરકારે જણાવ્યું હતું કે આ પત્ર સાર્વજનિક કરવા માટે ન હતો.

ઇમેજ સ્રોત, JOEL GUNTER/BBC
ઇઝરાયલે જણાવ્યું છે કે ગાઝામાં સહાયના વિતરણના પ્રમાણ પર કોઈ મર્યાદા નથી. સહાયનું યોગ્ય વિતરણ કરવા નિષ્ફળ રહેવાના દોષનો ટોપલો તેમણે સંયુક્ત રાષ્ટ્રસંઘની એજન્સીઓ પર ઢોળ્યો હતો. હમાસ સહાયસામગ્રીની ચોરી કરતું હોવાનો આરોપ પણ ઇઝરાયલે કર્યો હતો, જેને હમાસે નકાર્યો છે.
ગાઝામાં ઍઇડ ક્રૉસિંગનું સંકલન કરતી એજન્સી કોગાટે મે, 2024માં બીબીસીને જણાવ્યું હતું કે સહાય એજન્સીઓ ઉપરાંત ઘણી કૉમર્શિયલ ટ્રક્સ પણ આ પ્રદેશમાં પુરવઠો પહોંચાડે છે.
ઇઝરાયલ સરકારના એક પ્રવક્તાને એવું કહેતા ટાંકવામાં આવ્યા હતા કે વહીવટીતંત્ર અમેરિકાના પત્રની સમીક્ષા કરી રહ્યું છે અને ઇઝરાયલ આ બાબતને “ગંભીર ગણે છે” તેમજ અમેરિકાની “ચિંતાનું નિવારણ” કરવા ઇચ્છે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













