મધ્ય-પૂર્વ સંઘર્ષ : એ કારણો જેના લીધે સંકટ ખતમ નથી થઈ રહ્યું

આજે એક વર્ષ પછી પણ મધ્ય-પૂર્વ ક્ષેત્ર આગની જ્વાળાઓમાં લપેટાયેલું છે
ઇમેજ કૅપ્શન, આજે એક વર્ષ પછી પણ મધ્ય-પૂર્વ ક્ષેત્ર આગની જ્વાળાઓમાં લપેટાયેલું છે
    • લેેખક, પૉલ એડમ્સ
    • પદ, રાજદ્વારી બાબતોના સંવાદદાતા

એક વર્ષ પહેલાં તસવીરો હૃદયદ્રાવક હતી. ઇઝરાયલ તેના ઇતિહાસમાંના સૌથી ખરાબ હુમલા સામે ઝઝૂમી રહ્યું હતું અને ગાઝામાં પહેલેથી જ વિનાશક બૉમ્બમારો ચાલુ હતો ત્યારે તે એક ટર્નિંગ પૉઇન્ટ જેવું લાગ્યું હતું.

વર્ષોથી આપણી સ્ક્રીનમાં મોટાભાગે દેખાતો ન હતો તે ઇઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષ જબરા વિસ્ફોટની માફક દૃશ્યમાન થયો હતો.

તેનાથી લગભગ બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૅક સુલિવને હુમલાના એક સપ્તાહ પહેલાં જાહેર કર્યું હતું, "મધ્ય પૂર્વ ક્ષેત્ર આજે બે દાયકા કરતાં વધુ શાંત છે."

આજે એક વર્ષ પછી પણ એ ક્ષેત્ર આગની જ્વાળાઓમાં લપેટાયેલું છે.

પેલેસ્ટાઇનના 41,000થી વધુ લોકો માર્યા ગયા છે. 20 લાખ ગાઝાવાસીઓ વિસ્થાપિત થયા છે. વેસ્ટ બૅન્કમાં વધુ 600 પેલેસ્ટાઇનના લોકો માર્યા ગયા છે. લેબનોનમાં અન્ય 10 લાખ લોકો વિસ્થાપિત થયા છે અને 2,000થી વધુ લોકો માર્યા ગયા છે.

પહેલા જ દિવસે 1,200થી વધુ ઇઝરાયલીઓ માર્યા ગયા હતા. એ પછી ઇઝરાયલે ગાઝામાં 350 વધારે સૈનિકો ગુમાવ્યા છે. ગાઝાની નજીક અને લેબનોન સાથેની અસ્થિર સરહદે રહેતા બે લાખ ઇઝરાયલીઓને તેમના ઘરમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. હિઝબુલ્લાહના રૉકેટ હુમલાઓમાં આશરે 50 સૈનિકો અને નાગરિકો માર્યા ગયા છે.

સમગ્ર મધ્ય પૂર્વમાં અન્ય લોકો પણ આ લડાઈમાં સામેલ થયા છે. કટોકટીને ઘેરી બનતી રોકવા માટે અમેરિકાએ રાષ્ટ્રપતિના પ્રવાસ, સંખ્યાબંધ રાજકીય મિશન અને જંગી લશ્કરી સંસાધનો તહેનાત કરવા સહિતના પ્રયાસો કર્યા છે, પરંતુ એ બધા વ્યર્થ સાબિત થયા છે.

ઇરાક અને યમનમાં દૂર-દૂરથી રૉકેટ છોડવામાં આવ્યાં છે. નશ્વર શત્રુઓ ઇઝરાયલ તથા ઈરાને એકમેકને ફટકા માર્યા છે તથા વધારે હુમલા થશે તે નક્કી છે.

વૉશિંગ્ટન આટલું ઓછું પ્રભાવશાળી ક્યારેય ન હતું

ઇઝરાયેલીઓ 7મી ઑક્ટોબરે થયેલા હુમલાને એક વર્ષ પૂર્ણ થતા મૃતકોને યાદ કરી રહ્યાં છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલીઓ 7મી ઑક્ટોબરે થયેલા હુમલાને એક વર્ષ પૂર્ણ થતા મૃતકોને યાદ કરી રહ્યાં છે

સંઘર્ષના વિસ્તારની સાથે તેનું મૂળ કારણ, કોઈ કાર અકસ્માતનું દૃશ્ય વધુ મોટી આપદાની માફક આગળ વધી રહેલા કાફલાની માફક રિઅર વ્યૂ મિરરમાંથી અદૃશ્ય થઈ જાય તેમ ધૂંધળું પડી ગયું.

સાતમી ઑક્ટોબર પહેલાં અને પછીના ગાઝાવાસીઓને જીવનને લગભગ ભુલાવી દેવામાં આવ્યું છે, કારણ કે મીડિયા મધ્ય પૂર્વમાં "સંપૂર્ણ યુદ્ધ"ની આશંકા વ્યક્ત કરી રહ્યું છે.

એ ભયાનક દિવસે જે ઇઝરાયલીઓનું જીવન પણ ઊપરતળે થઈ ગયું હતું તેઓ પણ આ રીતે ઉપેક્ષિત હોવાની લાગણી અનુભવી રહ્યા છે.

બંધક બનાવવામાં આવેલા નિમરોદ કોહેનના પિતા યેહુદા કોહેને ગત સપ્તાહે ઇઝરાયલના કાન ન્યૂઝને કહ્યું હતું, "અમને બાજુ પર ધકેલી દેવામાં આવ્યા છે." તેમણે તેમની સામે "તમામ સંભવિત દુશ્મનોને ઊભા કરી દેનાર વ્યર્થ યુદ્ધ માટે" ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને જવાબદાર ગણાવ્યા હતા.

તેમણે કહ્યું હતું, "સાતમી ઑક્ટોબરની ઘટનાને એક નાનકડી ઘટનામાં પરિવર્તિત કરવા માટે તેઓ તેમનાથી બનતું બધું જ સફળતાપૂર્વક કરી રહ્યા છે."

સાતમી ઓક્ટોબર પહેલાં અને પછીના ગાઝાવાસીઓને જીવનને લગભગ ભૂલાવી દેવામાં આવ્યું છે

ઇમેજ સ્રોત, JOEL GUNTER/BBC

ઇમેજ કૅપ્શન, સાતમી ઑક્ટોબર પહેલાં અને પછીના ગાઝાવાસીઓને જીવનને લગભગ ભૂલાવી દેવામાં આવ્યું છે

યેહુદા કોહેનને આ દૃષ્ટિકોણ સાથે બધા ઇઝરાયલીઓ સહમત નથી. ઘણા લોકો એક વર્ષ પહેલાં હમાસે કરેલા હુમલાને, ઇઝરાયલને નષ્ટ કરવાના દુશ્મનોના વ્યાપક અભિયાનની શરૂઆત માની રહ્યા છે.

હકીકત એ છે કે ઇઝરાયલે પેજર વિસ્ફોટ, લક્ષિત હત્યાઓ અને દૂરનાં સ્થળો પર બૉમ્બમારા દ્વારા વળતો હુમલો કર્યો છે. પોતાના ગુપ્તચર તંત્રના નેતૃત્વ હેઠળ પાર પાર પાડવામાં આવેલાં ઑપરેશન્સ માટે લાંબા સમયથી ગર્વ કરતા રહેલા ઇઝરાયલે હમાસના હુમલાને કારણે એક વર્ષ પહેલાં ગુમાવેલા આત્મવિશ્વાસ પૈકીનો થોડો આ વળતા હુમલાથી પૂર્વવત થયો છે.

નેતન્યાહૂએ ગયા સપ્તાહે આત્મવિશ્વાસ સાથે જાહેરાત કરી હતી, "મધ્ય પૂર્વમાં એવી કોઈ જગ્યા નથી, જ્યાં ઇઝરાયલ પહોંચી ન શકે."

સાતમી ઑક્ટોબર પછીના અનેક મહિના સુધી વડા પ્રધાનનું પોલ રેટિંગ નીચલા સ્તરે હતું. હવે તે ફરી વધતું દેખાય છે. તે વધુ સાહસિક કાર્યવાહી માટેનો પરવાનો હશે?

સવાલ એ છે કે બધું કઈ દિશામાં આગળ વધી રહ્યું છે?

લેબનોનમાં ઇઝરાયલી ઍર સ્ટ્રાઇકના કારણે વ્યાપક નુકસાન થયું છે

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, લેબનોનમાં ઇઝરાયલી ઍર સ્ટ્રાઇકના કારણે વ્યાપક નુકસાન થયું છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઈરાનમાં બ્રિટનના ભૂતપૂર્વ રાજદૂત સાઇમન ગેસે ગુરુવારે બીબીસી ટુડે પૉડકાસ્ટમાં કહ્યું હતું, "આ બધું ક્યારે બંધ થશે અને એ સમયે બધા ક્યાં હશે તે આપણામાંથી કોઈ જાણતું નથી."

અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ (સેટકોમ)ના વડા માઇકલ કુરિલ્લાની ઇઝરાયલની મુલાકાત રાજદ્વારી નિરાકરણ કરતાં કટોકટી વ્યવસ્થાપન જેવી ભલે લાગતી હોય, પણ અમેરિકા હજુ પણ અહીં સંકળાયેલું છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી હવે માત્ર ચાર સપ્તાહ દૂર છે અને મધ્ય પૂર્વ પહેલાં કરતાં રાજકીય રીતે વધારે ઝેરીલું બન્યું છે. આ નવા અમેરિકન પગલાંની ક્ષણ જેવું લાગતું નથી.

હાલનો પડકાર વ્યાપક પ્રાદેશિક ભડકો અટકાવવાનો છે.

તેના સાથીઓમાં એવી ધારણા છે કે ઈરાને ગયા સપ્તાહે કરેલા બૅલિસ્ટિક મિસાઇલ હુમલાનો જવાબ આપવાનો ઇઝરાયલે અધિકાર છે અને તેની ફરજ પણ છે.

તે હુમલામાં કોઈ ઇઝરાયલી માર્યા ગયા ન હતા અને ઈરાનનું નિશાન લશ્કરી તથા ગુપ્તચર ઠેકાણાં હોવાનું જણાયું હતું. તેમ છતાં નેતન્યાહુએ આકરા જવાબની ખાતરી આપી હતી.

અનેક સપ્તાહની અદ્ભુત વ્યૂહાત્મક સફળતા પછી ઇઝરાયલના વડા પ્રધાનની મહત્ત્વાકાંક્ષા વધી હોય એવું લાગે છે.

ઈરાનના લોકોને કરેલા સીધા સંબોધનમાં તેમણે તહેરાનમાં શાસન પરિવર્તનનો સંકેત આપ્યો હતો.

તેમણે કહ્યું હતું, "ઈરાન આખરે મુક્ત થશે અને તે ક્ષણ લોકો વિચારે છે તેના કરતાં ઘણી વહેલી આવશે. બધું અલગ હશે."

ઈરાન દ્વારા ઇઝરાયલ પર છોડાયેલી મિસાઇલ નજરે પડે છે

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, ઈરાન દ્વારા ઇઝરાયલ પર છોડાયેલી મિસાઇલ નજરે પડે છે

કેટલાક નિરીક્ષકો માને છે કે નેતન્યાહૂનું કથન, 2003માં ઇરાક પરના અમેરિકાની આગેવાની હેઠળના આક્રમણના ભાગરૂપે અમેરિકન નિયોકન્ઝર્વેટિવ્સ દ્વારા આપવામાં આવેલા કારણના પડઘા જેવું હતું.

આ ક્ષણે તમામ જોખમો હોવા છતાં નાજુક ગાર્ડરેલ્સ હજુ પણ અસ્તિત્વમાં છે.

ઈરાની શાસકો ઇઝરાયલ વિનાની દુનિયાનું સપનું જોઈ શકે છે, પરંતુ તેઓ જાણે છે કે ખાસ કરીને તેના સાથી તેમજ કથિત "પ્રતિરોધની ધરી"માં તેમના પ્રતિનિધિ હિઝબુલ્લાહ અને હમાસને કચડવામાં આવી રહ્યા છે ત્યારે આ ક્ષેત્રની એકમાત્ર મહાશક્તિનો સામનો કરવા માટે ઈરાન બહુ નબળું છે.

ઈરાન દ્વારા સર્જવામાં આવેલા જોખમથી છૂટકારો મેળવવા ઇચ્છતું ઇઝરાયલ એ પણ જાણે છે કે તાજેતરમાં સફળતા મળી હોવા છતાં તે એકલું બધું કામ કરી શકે તેમ નથી.

સત્તા પરિવર્તન જો બાઇડનના કે તેમના વાઇસ પ્રેસિડેન્ટ કમલા હૅરિસના ઍજન્ડામાં નથી.

ડોનાલ્ડ ટ્રમ્પનો સવાલ છે ત્યાં સુધી એક સમયે એવું લાગતું હતું કે જુન 2019માં તહેરાને અમેરિકાનું એક સર્વેલન્સ ડ્રૉન તોડી પાડ્યું પછી તેઓ ઈરાન પર હુમલો કરવા તૈયાર હતા, પણ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખે છેલ્લી ઘડીએ પીછેહઠ કરી હતી. (તેમણે સાત મહિના પછી ઈરાનના ટોચના જનરલ કાસીમ સુલેમાનીની હત્યાનો આદેશ જરૂર આપ્યો હતો)

આયર્ન ડોમ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આયર્ન ડોમ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ

મધ્ય પૂર્વ દાયકાઓમાંની તેની સૌથી ખતરનાક ક્ષણ ભણી આગળ વધી રહ્યું હોવાની કલ્પના એક વર્ષ પહેલાં બહુ ઓછા લોકોએ કરી હશે, પરંતુ પાછલી ઘટનાઓને જોતાં લાગે છે કે છેલ્લા 12 મહિનામાં એક ભયાનક તર્કને અનુસરવામાં આવ્યો છે.

હવે સમગ્ર માર્ગ પર મોટા પ્રમાણમાં કાટમાળ વિખેરાયેલો છે અને ઘટનાઓ અત્યારે પણ એટલી ચિંતાજનક ઝડપે સામે આવી રહી છે કે નીતિ નિર્માતાઓ અને આપણા જેવા બાકીના લોકો તેનો તાગ મેળવવા સંઘર્ષ કરી રહ્યા છે.

ગાઝા સંઘર્ષના બીજા વર્ષમાં પહોંચી ગયું છે અને આગામી વર્ષો વિશેની બધી ચર્ચાઓ, લડાઈ ખતમ થશે ત્યારે ગાઝામાં કેવી રીતે પુનર્વસન કરવામાં આવશે અને કેવી રીતે શાસન કરવામાં આવશે એ વિશેની બધી ચર્ચાઓ બંધ થઈ ગઈ છે અથવા વ્યાપક લડાઈના ધૂમધડાકામાં ડૂબી ગઈ છે.

પેલેસ્ટાઇન સાથેના ઇઝરાયલના સંઘર્ષના સમાધાન વિશેની કોઈ સાર્થક ચર્ચાનું પણ એવું જ થયું છે.

કોઈક સમયે ઇઝરાયલને એવું લાગશે કે તેણે હમાસ અને હિઝબુલ્લાહને પૂરતું નુકસાન કર્યું છે, આ પ્રદેશ વધુ ઊંડા સંકટમાં સપડાશે નહીં એવું ધારીને ઇઝરાયલ અને ઈરાન બન્નેને પોતાનો મુદ્દો માંડવા મળશે અને અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી સમાપ્ત થઈ ગઈ હશે ત્યારે મુત્સદ્દીગીરીને બીજી તક મળી શકે છે.

જોકે, હાલ તો એ બધું ખૂબ જ દૂર લાગે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.