ઇઝરાયલ-હિઝબુલ્લાહ સંઘર્ષ : લેબનોનમાં ક્યાં લડાઈ ચાલી રહી છે, નકશામાં સમજો

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, વિઝ્યુઅલ જર્નલિઝમ ટીમ
- પદ, બીબીસી ન્યૂઝ
ઇઝરાયલે હિઝબુલ્લાહ સાથેના સંઘર્ષની તીવ્રતા વધી છે અને ઇઝરાયલે દક્ષિણ લેબનોન પર આક્રમણ કર્યું છે.
એક હવાઈ હુમલામાં ઈરાન સમર્થિત સશસ્ત્ર જૂથના નેતા હસન નસરલ્લાહ માર્યા ગયાના દિવસો પછી સોમવારે રાતે ઇઝરાયલે ગ્રાઉન્ડ ઑપરેશન શરૂ કર્યું હતું.
લેબનોન પર બે સપ્તાહથી બૉમ્બમારો કરવામાં આવી રહ્યો છે અને લેબનોનના સત્તાવાળાઓ અનુસાર એક હજારથી વધુ લોકો માર્યા ગયા છે અને 10 લાખ લોકોને તેમના ઘર છોડીને ભાગી જવાની ફરજ પડી છે. આ કારણસર હિઝબુલ્લાહે ઉત્તર ઇઝરાયલ પર સેંકડો રૉકેટ્સ છોડ્યાં હતાં.
ઇઝરાયલના હિઝબુલ્લાહ સાથેના સંઘર્ષનો એક દાયકા જેટલો લાંબો ઇતિહાસ છે, પરંતુ ગાઝા યુદ્ધે તેમની વચ્ચેની સીમા પારની લડાઈને લગભગ એક વર્ષથી વેગ આપ્યો છે.
લેબનોન ક્યાં આવેલું છે?

લેબનોન લગભગ 55 લાખ લોકોની વસ્તી ધરાવતો નાનો દેશ છે. તેની ઉત્તર તથા પૂર્વમાં સીરિયા, દક્ષિણમાં ઇઝરાયલ અને પશ્ચિમમાં ભૂમધ્ય સમુદ્ર આવેલો છે. તે સાયપ્રસથી લગભગ 170 કિલોમીટર દૂર આવેલું છે.
ઇઝરાયલ કેટલું આગળ વધ્યું છે?

ઇમેજ સ્રોત, Reuters
ઇઝરાયલી ડિફેન્સ ફોર્સિસ (આઈડીએફ)ના જણાવ્યા મુજબ, તે દક્ષિણ લેબનોનમાંના 'આતંકવાદી માળખાને તોડી પાડવા મર્યાદિત, સ્થાનિક અને લક્ષિત હુમલા' કરી રહ્યું છે.
બુધવારે લેબનોન પરના તેમના આક્રમણના બીજા આખા દિવસે ઇઝરાયલી સૈનિકોએ હિઝબુલ્લાહ લડવૈયાઓનો પ્રથમ વખત સામનો કર્યો હતો, એમ ઉત્તર ઇઝરાયમાં હાજર બીબીસી સંવાદદાતા નિક બીકે જણાવ્યું હતું.
આઈડીએફના જણાવ્યા મુજબ, સૈનિકોએ "દક્ષિણ લેબનોનના કેટલાક વિસ્તારોમાં કેટલાક ચોકસાઈભર્યા આક્રમણ અને નજીકની લડાઈમાં આતંકવાદીઓને ખતમ કર્યા હતા તેમજ આતંકવાદી માળખા તોડી પાડ્યાં હતાં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આઈડીએફે બાદમાં જાહેરાત કરી હતી કે તે કાર્યવાહીમાં આઠ સૈનિકો માર્યા ગયા છે. હિઝબુલ્લાહ લડવૈયાઓ દ્વારા છ સૈનિકો કથિત હુમલા કરવામાં આવ્યા હતા, જ્યારે બાકીના બે મોર્ટાર ફાયરમાં માર્યા ગયા હતા.
હિઝબુલ્લાહે જણાવ્યું હતું કે એક સરહદી ગામમાં અથડામણ દરમિયાન તેના લડવૈયાઓએ ઇઝરાયલી કમાન્ડો પર ટેન્ક-વિરોધી મિસાઇલનો મારો કર્યો હતો. હિઝબુલ્લાહે એવો દાવો પણ કર્યો હતો કે કફ્ર કિલાની સીમમાં અન્ય સૈનિકોને વિસ્ફોટકો તથા ગોળીબારનું નિશાન બનાવવામાં આવ્યા હતા.
ઇઝરાયલની ત્રણ મેરકાવા ટૅન્કનો મેરુન અલ-રાસ નજીક મિસાઇલ દ્વારા નાશ કરવામાં આવ્યો હતો અને અદૈસેહ તથા યારુનમાં પણ અથડામણ થઈ હતી.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
દક્ષિણ લેબનોનમાંનું ગ્રાઉન્ડ ઑપરેશન ઇઝરાયલ માટે ઘણું જોખમી છે. ગાઝાના સપાટ દરિયાકાંઠાનાં મેદાનોથી વિપરીત, દક્ષિણ લેબનોનમાં ચારે તરફ ટેકરીઓ અને કેટલોક પર્વતીય ભૂપ્રદેશ છે. તેમાં હુમલાના ડર વિના ટેન્કોને આગળ ધપાવવાનું મુશ્કેલ છે.
હિઝબુલ્લાહ પાસે આ પ્રદેશમાં ટનલ નેટવર્ક હોવાનું પણ માનવામાં આવે છે.
હિઝબુલ્લાહ 2006માં 34 દિવસના યુદ્ધ પછીથી ઇઝરાયલ સાથે બીજા સંપૂર્ણ કદના સંઘર્ષની તૈયારી લાંબા સમયથી કરી રહ્યું હતું.
આઈડીએફે દક્ષિણ લેબનોનનાં કેટલાંક ગામોમાં રહેતા લોકોને આ સ્થળ છોડી જવાનો આદેશ આપ્યો છે. બાકી રહેલા લોકોને તેમના ઘર છોડી દેવા અને "અવલી નદીની ઉત્તર તરફ તત્કાળ ચાલ્યા જવા" માટે જણાવ્યું છે. એ નદી ઇઝરાયલની સરહદથી લગભગ 50 કિલોમીટર દૂર સમુદ્રમાં ભળે છે.
આઈડીએફે લેબનોનના નાગરિકોને એવી ચેતવણી પણ આપી હતી કે તેઓ સરહદની ઉત્તરે લગભગ 30 કિલોમીટર દૂર આવેલી લિટા નદીની દક્ષિણે પહોંચવા માટે વાહનોનો ઉપયોગ ન કરે.
એક વર્ષ અગાઉ સંઘર્ષની તીવ્રતા વધી તે પહેલાં લગભગ 10 લાખ લોકો દક્ષિણ લેબનોનમાં રહેતા હતા. સપ્ટેમ્બરના અંતમાં આ ક્ષેત્ર પરના ઇઝરાયલના હુમલાઓમાં વધારો થયો છે ત્યારથી હજારો લોકો ઉત્તર તરફ ભાગી રહ્યા છે.
હસન નસરલ્લાહ અને ટોચના અન્ય ઈરાની કમાન્ડર્સની હત્યાનો બદલો લેવા માટે ઈરાન દ્વારા મંગળવારે રાતે 180થી વધુ બૅલેસ્ટિક મિસાઇલ્સ છોડવામાં આવી હતી, જે પૈકીની મોટાભાગનીને ઇઝરાયલે નકામી બનાવી દીધી હતી. તેના એક દિવસ પછી બુધવારે ઇઝરાયલી હવાઈ સંરક્ષણ ફરી એકવાર ઍક્શનમાં આવ્યું હતું.
આઈડીએફના જણાવ્યા મુજબ, સમગ્ર દિવસ દરમિયાન દક્ષિણ લેબનોનમાંથી ઇઝરાયલ પર 240થી વધુ રૉકેટ્સ છોડવામાં આવ્યાં હતાં.
ઇઝરાયલના હવાઈ હુમલાઓનું નિશાન શું-શું છે?

દેશભરમાંના હિઝબુલ્લાહના ગઢને નિશાન બનાવતા લગભગ બે સપ્તાહના તીવ્ર હવાઈ હુમલા પછી ઇઝરાયલે દક્ષિણ લેબનોન પર આક્રમણ કર્યું છે.
તેમાં દક્ષિણ લેબનોન સૌથી વધુ પ્રભાવિત થયું છે. ઇસ્ટર્ન બાકા વેલી અને બેરુતના દક્ષિણ ઉપનગરો પર પણ હુમલા કરવામાં આવ્યા છે.
ઇઝરાયલ કહે છે કે તે હિઝબુલ્લાહના ઠેકાણાઓને નિશાન બનાવી રહ્યું છે, જેમાં હથિયાર અને દારૂગોળાના ભંડારોનો સમાવેશ થાય છે, પરંતુ લેબનોનના અધિકારીઓ કહે છે કે 100થી વધુ મહિલાઓ અને બાળકો માર્યા ગયાં છે.
દક્ષિણ લેબનોનમાંથી ભાગવાનો પ્રયાસ કરતા લેબનોનના નાગરિકો માટે ઉત્તરમાં મુખ્ય માર્ગ કોસ્ટલ રોડ છે, જે દેશની લંબાઈ જેટલો વિસ્તરેલો છે, પરંતુ આ માર્ગ સાથેના કેટલાક વિસ્તારોને તાજેતરના હવાઈ હુમલાઓમાં નિશાન બનાવવામાં આવ્યા છે.
હિઝબુલ્લાહ દ્વારા તાજેતરમાં છોડવામાં આવેલા મોટાભાગના રોકેટ્સે ઈઝરાયલના ઉત્તરીય વિસ્તારોને નિશાન બનાવ્યા હતા, પરંતુ કેટલાંક રોકેટ્સ છેક દક્ષિણમાં પહોંચ્યા છે અને દરિયાકાંઠાના શહેર હાઈફા નજીકના કેટલાંક ઘરોને નુકસાન પહોંચાડ્યું છે.
બૈરુત પરના ઇઝરાયલના હુમલામાં દક્ષિણના ઉપનગર દહીહ પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે. દહીહ ગીચ વસ્તી ધરાવતો વિસ્તાર છે, ત્યાં હજારો લોકો રહે છે અને ત્યાં હિઝબુલ્લાહની મજબૂત હાજરી છે.
આગળ શું થઈ શકે?
ઇઝરાયલે હવે લેબનોન, ગાઝા, ઇરાક, સીરિયા અને યમનમાં કાર્યરત ઈરાન તથા સીરિયા સમર્થિત કેટલાંક સશસ્ત્ર દળો તથા નૉન-સ્ટેટ સશસ્ત્ર જૂથો સામે જંગ આદરી છે.
ઈરાન દ્વારા ઇઝરાયલ પરનો બૅલેસ્ટિક મિસાઇલ હુમલો એ તાજેતરની સૌથી મોટી ઉશ્કેરણી હતો.
આગળ શું થશે, તે અસ્પષ્ટ છે, પરંતુ ઇઝરાયલે વળતો હુમલો કરવાની ખાતરી આપી છે.
ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ તે હુમલાને "મોટી ભૂલ" ગણાવ્યો છે, જેની કિંમત ઈરાને "ચૂકવવી પડશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












