ઇઝરાયલ વિદેશી ધરતી પર ‘ખતરનાક’ મિશનોને કેવી રીતે અંજામ આપે છે

ઇમેજ સ્રોત, Getty Images
ગત કેટલાક મહિનાઓમાં વિદેશી ધરતી પર કરવામાં આવેલા હુમલાઓ પછી ઇઝરાયલની ગુપ્તચર ક્ષમતાને દુનિયાભરમાં વખાણવામાં આવી રહી છે અને આ ઑપરેશનોની સરખામણી જાસૂસી નવલકથાઓ સાથે કરવામાં આવી રહી છે.
ઇઝરાયલના હવાઈદળે દક્ષિણ બૈરૂતના દહિયા વિસ્તાર પર શુક્રવારે હુમલો કર્યો હતો. તેમાં હિઝબુલ્લાહના વડા હસન નસરલ્લાહ અને તેમના જૂથના અન્ય વરિષ્ઠ કમાન્ડરો માર્યા ગયા હતા.
હિઝબુલ્લાહના કૉમ્યુનિકેશન નેટવર્કને પણ ગયા સપ્તાહે જ નિશાન બનાવવામાં આવ્યું હતું અને સંગઠનના સભ્યો દ્વારા ઉપયોગમાં લેવાતાં પેજર તથા વૉકી-ટૉકીમાં વિસ્ફોટ થવાથી લગભગ 37 લોકો માર્યા ગયા હતા.
આ રીતે પાછલા કેટલાક મહિનાઓ દરમિયાન બનેલી ઘટનાઓ પર નજર કરીએ તો ઇઝરાયલ પર હુમલો કરનાર ચરમપંથી સંગઠન હિઝબુલ્લાહના અનેક વરિષ્ઠ કમાન્ડરો માર્યા ગયા છે, જેમનું ઇઝરાયલ સાથેનું 2006નું યુદ્ધ અનિર્ણિત રહ્યું હતું અને એ પૈકીના મોટાભાગના ગયા સપ્તાહમાં માર્યા ગયા હતા.
ઇઝરાયલે કોઈ અન્ય દેશની ધરતી પર સફળ ઑપરેશન હાથ ધર્યું હોય તેવી આ પહેલી ઘટના નથી. ઇઝરાયલ આ અગાઉ સીરિયા તથા ઈરાનમાં આ પ્રકારનાં ઑપરેશનો હાથ ધરી ચૂક્યું છે.
ઇઝરાયલે આ વર્ષે એપ્રિલમાં સીરિયાના દમિશ્ક શહેરમાંની ઈરાનની રાજદ્વારી ઈમારતને નિશાન બનાવી હતી અને તે હુમલામાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ્સના અધિકારીઓ સહિત 13 લોકો મૃત્યુ પામ્યાં હતાં.
એ સિવાય આ વર્ષે જુલાઈમાં તહેરાનમાં એક હુમલામાં પેલેસ્ટાઇની સંગઠન હમાસના વડા ઇસ્માઇલ હાનિયાનું પણ મોત થયું હતું.
તેમનાં મોતની જવાબદારી ઇઝરાયલે લીધી નથી, પરંતુ એ હુમલામાં ઇઝરાયલનો હાથ હતો એવું દેખાડવામાં આવી રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ બધી ઘટનાઓને ધ્યાનમાં લેતાં સવાલ થાય કે ઇઝરાયલ પોતાના દુશ્મનો વિરુદ્ધ આટલી સફળ કાર્યવાહી આખરે કેવી રીતે કરી શકે છે?
ઇઝરાયલનું ગુપ્તચર નેટવર્ક કેવી રીતે કામ કરે છે અને તેની પાસે કેટલી ક્ષમતા છે એ અમે તમને આ લેખમાં જણાવીએ છીએ.
મોસાદ

ઇમેજ સ્રોત, The IDF
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ઇઝરાયલ અસ્તિત્વમાં આવ્યાના લગભગ દોઢ વર્ષ પછી ડિસેમ્બર 1949માં દેશને બહારનાં જોખમોથી બચાવવાં માટે મોસાદની સ્થાપના કરવામાં આવી હતી. આ સંસ્થાની સ્થાપનાનો ઉદ્દેશ ઇઝરાયલનું અસ્તિત્વ બચાવવાનો પણ હતો.
શબાક અથવા શિન બેટ
શબાક અથવા શિન બેટની સ્થાપના 1949માં કરવામાં આવી હતી. આ ગુપ્તચર એજન્સીની જવાબદારી દેશની આંતરિક સલામતી સુનિશ્ચિત કરવાની છે.
વૅસ્ટ બૅન્ક અને ગાઝાપટ્ટી ઇઝરાયલ માટેનાં જોખમો સામે એક ‘અદૃશ્ય ઢાલ’ હોવાનો દાવો શિન બેટ કરે છે.
અમન
AMAN એટલે કે અમન ઇઝરાયલની સૈન્ય ગુપ્તચર એજન્સી છે અને તે સલામતી દળોના જનરલ સ્ટાફ હેઠળ કામ કરે છે.
આ એજન્સીનું મુખ્ય કામ માહિતી એકત્ર કરવાનું, તેનું વિશ્લેષણ કરવાનું અને તે સૈન્ય કમાન્ડને ગુપ્તચર માહિતી પ્રદાન કરવાનું છે.
ઇઝરાયલમાં ગુપ્તચર એજન્સીઓનો ઇતિહાસ તેના અસ્તિત્વથી પણ જૂનો છે. બ્રિટિશ શાસન દરમિયાન 1922થી 1948 દરમિયાન અહીં ‘શાઈ’ નામની એક જાસૂસી સંસ્થા કામ કરતી હતી, જે ઝાયોની અર્ધસૈનિક સંગઠન ‘હગનાહ’ની ગુપ્તચર શાખા હતી. ઇઝરાયલના નિર્માણ પછી 'અમન'ની સ્થાપના ‘હગનાહ’ની માફક કરવામાં આવી હતી.
અમનમાં અનેક એકમો છે, પરંતુ તેનાં 8200, 9900 અને 504 સૌથી મહત્ત્વપૂર્ણ એકમો છે, જે ગાઝામાં ઇઝરાયલી યુદ્ધમાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે.
આ એકમોની જવાબદારી ઇઝરાયલ માટે ગુપ્તચર અને અન્ય જોખમોની જાણકારી મેળવવાની છે.
ગાઝામાં ઇઝરાયલી યુદ્ધ શરૂ થયા પહેલાં મીડિયામાં એવા સમાચાર આવ્યા હતા કે ઇઝરાયલે તેના ગુપ્તચર માળખામાં ‘બ્રાન્ચ 54’ નામના એક નવા એકમને સામેલ કર્યું છે.
આ એકમ દેશના મિલિટરી ડિરેક્ટોરેટના નિર્દેશ અનુસાર કામ કરશે અને ઈરાન તથા ખાસ કરીને રિવોલ્યુશનરી ગાર્ડસ સાથેના કોઈ પણ સંભવિત યુદ્ધની તૈયારી માટે જવાબદાર હશે, એવું જણાવવામાં આવ્યું હતું.
યુનિટ 8200
યુનિટ 8200ને ઇઝરાયલના ગુપ્તચર તંત્રના સૌથી વધુ મહત્ત્વના સ્તંભો પૈકીનું એક ગણવામાં આવે છે અને આ યુનિટ મારફત ઇઝરાયલી સૈન્ય ઇલેક્ટ્રોનિક જાસૂસી કરે છે.
ઇઝરાયલી સૈન્યના જણાવ્યા મુજબ, આ તેનું સૌથી મોટું અને મહત્ત્વપૂર્ણ મિલિટરી ઇન્ટેલિજન્સ યુનિટ છે.
અહેવાલો મુજબ, યુનિટ 8200માં દસ હજારથી વધુ લોકો કામ કરે છે અને તેના કર્મચારીઓની પસંદગી ચુનંદા તથા શિક્ષિત દળોમાંથી કરવામાં આવે છે.
આ યુનિટમાં કામ કરતા કર્મચારીઓની સંખ્યા મોસાદ તથા શિન બેટ કરતાં પણ વધુ હોવાનું કહેવાય છે.
ઇઝરાયલી સૈન્યના જણાવ્યા મુજબ, યુનિટ 8200 પર જાસૂસી માટે ડિજિટલ તથા ઇલેક્ટ્રોનિક ઉપકરણો વિકસાવવાની જવાબદારી છે. તેઓ માહિતી એકત્ર કરે છે, તેનું વિશ્લેષણ કરે છે અને એ સંબંધિત અધિકારીઓને મોકલે છે.
યુનિટ 8200 ઇઝરાયલનાં બધાં ક્ષેત્રોમાં સક્રિય છે અને યુદ્ધની પરિસ્થિતિમાં જાણકારી સુધીની પહોંચ માટે ઇઝરાયલી સૈન્યના વડામથક સાથે કામ કરે છે.
યુનિટ 8200ની જવાબદારી

ઇમેજ સ્રોત, THE IDF
યુનિટ 8200ની જવાબદારી આ પ્રમાણે છે.
સંચાર પ્રણાલીઓનું વાયરટૅપિંગ
ગુપ્તચર માહિતી અને સૈન્ય જાણકારીને ડિકોડ કરવી
સોશિયલ મીડિયા તથા ઇન્ટરનેટ પરથી માહિતી એકઠી કરવી
સાયબર જોખમોની ઓળખ કરવી
ગુપ્તચર માહિતી એકઠી કરવા માટે ઇલેક્ટ્રોનિક તથા સાયબર ઉપકરણો બનાવવા
યુનિટ 8200ની સરખામણી ટૅક્નિકલ રીતે વિશ્વની મોખરાની જાસૂસી એજન્સીઓ સાથે કરવામાં આવે છે. આ સંદર્ભમાં તેની સરખામણી અમેરિકાની રાષ્ટ્રીય સલામતી એજન્સી સાથે પણ કરવામાં આવે છે.
યુનિટ 8200ની ગતિવિધિઓને કાયમ ગુપ્ત રાખવામાં આવે છે, પરંતુ સૈન્ય તથા ગુપ્તચર નિષ્ણાતોનું કહેવું છે કે યુનિટ 8200એ ઇઝરાયલના રક્ષાત્મક અને આક્રમક બન્ને અભિયાનોમાં કેન્દ્રીય ભૂમિકા ભજવી છે.
2010માં ઈરાનની પરમાણુ સુવિધાઓ પરના સાયબર હુમલામાં યુનિટ 8200 સામેલ હોવાનું કહેવામાં આવે છે. યુનિટ 8200એ ઈરાની પ્રતિષ્ઠાનોને સંક્રમિત કરવા માટે સ્ટક્સનેટ નામના વાઇરસનો ઉપયોગ કર્યો હતો.
યુનિટ 8200ના ડેપ્યુટી કમાન્ડર ઉરી સ્ટિવે ઇઝરાયલી અખબાર 'હોરેત્ઝ' સાથેની એક મુલાકાતમાં કહ્યું હતું, “સાયબર ક્ષેત્રમાં ઈરાન સાથેના અમારા યુદ્ધનો જોટો જડે તેમ નથી.”
યુનિટ 8200 વર્ગીકૃત માહિતી સુધી પહોંચવા માટે સોશિયલ નેટવર્કમાં કાર્યરત વ્યક્તિઓ તથા ગ્રૂપ્સનો ઉપયોગ કરે છે.
યુનિટ 8200ની રચના 1952માં કરવામાં આવી હતી. એ પહેલાં તેને ‘સેકન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસીસ યુનિટ’ એવું નામ આપવામાં આવ્યું હતું. એ પછી તે 848 અથવા 515 નામે પણ ઓળખાતું હતું.
1967માં આરબ દેશો સાથેના છ દિવસના યુદ્ધ દરમિયાન ઇજિપ્ત અને સીરિયામાંથી ગુપ્તચર માહિતી એકઠી કરવામાં યુનિટ 8200એ કેન્દ્રીય ભૂમિકા ભજવી હોવાનું પણ કહેવાય છે.
એ યુદ્ધ ઇઝરાયલના વિજય સાથે સમાપ્ત થયું હતું.
ઑક્ટોબરમાં દક્ષિણ ઇઝરાયલ પર હમાસના હુમલા પછી યુનિટ 8200 ઇઝરાયલી મીડિયામાં સતત ચર્ચામાં છે.
અમેરિકન અખબાર 'ન્યૂ યૉર્ક ટાઇમ્સ'ના જણાવ્યા મુજબ, હમાસના હુમલાના એક વર્ષ પહેલાં યુનિટ 8200એ હમાસ રેડિયો પર નજર રાખવાનું બંધ કરી દીધું હતું.
યુનિટ 9900

ઇમેજ સ્રોત, THE IDF
યુનિટ 8200ને ઇઝરાયલના ‘કાન’ ગણીએ તો યુનિટ 9900ને ઇઝરાયલની ‘આંખ’ પણ કહી શકાય.
યુનિટ 9900ની જવાબદારીમાં ફૉટોગ્રાફિક તથા વીડિયો ઇન્ટેલિજન્સ એકત્ર કરવાનો સમાવેશ થાય છે. આ એકમ ગુપ્તચર માહિતી એકત્ર કરવા માટે ઉપગ્રહો, જાસૂસી વિમાનો અને ડ્રૉનનો ઉપયોગ કરે છે.
યુનિટ 9900ની જવાબદારીમાં ગુપ્તચર માહિતી એકત્ર કરવા ઉપરાંત નિર્ણયકર્તાઓ તથા સૈન્ય કમાન્ડરોને વિશ્લેષણાત્મક રિપોર્ટ આપવાનો પણ સમાવેશ થાય છે.
યુનિટ 9900 પાસે અત્યાધુનિક ટૅકનૉલૉજી છે, જેનો ઉપયોગ યુદ્ધરત ઇઝરાયલી સૈન્ય માટે થ્રી-ડી નકશા બનાવવા માટે કરવામાં આવે છે.
2020માં યુનિટ 9900ના વધુ એકમની રચના કરવામાં આવી હતી. આ નવું એકમ જાસૂસી ડ્રૉનની ગતિવિધિઓ વધારવા માટે જવાબદાર છે.
યુનિટ 9900ની ક્ષમતાના પ્રદર્શન માટે 2020માં એક કાર્યક્રમમાં પત્રકારોને બોલાવવામાં આવ્યા હતા. એ સમયે મીડિયાએ જણાવ્યું હતું કે નવા યુનિટની રચના શહેરી વિસ્તારોમાં ગુપ્તચર માહિતી એકઠી કરવાની પોતાની ક્ષમતા વધારવાના ઇઝરાયલી સૈન્યના પ્રયાસોનું પરિણામ હતી.
સૅટેલાઇટ મારફત ઈરાન પર નજર રાખવાની કથિત જવાબદારી પણ યુનિટ 9900ની છે. આ માટે ઇઝરાયલના જાસૂસી સૅટેલાઇટ હૉરાઇઝન 13નો ઉપયોગ કરવામાં આવે છે.
યુનિટ 504

ઇમેજ સ્રોત, Getty Images
યુનિટ 504ની રચના માનવ ગુપ્તચર માહિતી એકત્ર કરવા માટે કરવામાં આવી હતી. યુનિટની પ્રાથમિક જવાબદારી જોખમો પર નજર રાખવાની છે, પરંતુ આ યુનિટ ઇઝરાયલની સીમા બહાર પણ જાસૂસોની ભરતી કરે છે.
આ યુનિટ માટે કામ કરતા સૈનિકો તથા જાસૂસો ગાઝા સહિતના અન્ય દેશોમાં પણ ફરજ બજાવી રહ્યા છે.
ઇઝરાયલી સૈન્યના યુનિટ 504 બાબતે તેમનું કહેવું છે કે આ યુનિટે દેશની સલામતીમાં મુખ્ય ભૂમિકા ભજવી છે અને સેંકડો સફળ ઑપરેશનો પાર પાડ્યાં છે. તેમ છતાં તેની ગતિવિધિઓ બાબતે લોકો બહુ ઓછું જાણે છે.
યુનિટ 504 લોકો મારફત ગુપ્તચર માહિતી એકત્ર કરે છે અને પોતાની ફરજ બજાવવા માટે આ કર્મચારીઓએ મોસાદ અને શિન બેટ સાથે મળીને વારંવાર કામ કરવું પડે છે.
પોતાની અન્ય જવાબદારીઓ ઉપરાંત યુનિટ 504ને લેબનોન મોરચો પણ સોંપવામાં આવ્યો છે, જ્યાં તે ગુપ્તચર માહિતી એકત્ર કરે છે.
જોકે, સાતમી ઑક્ટોબરના હુમલા પછી યુનિટ 504એ દક્ષિણ ઇઝરાયલમાં પોતાનું કમાન્ડ હેડક્વાર્ટર સ્થાપિત કરીને હવે ગાઝા પર પણ ધ્યાન કેન્દ્રીત કર્યું છે.
ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ દરમિયાન ઇઝરાયલી સૈન્યએ શિફા હૉસ્પિટલને ઘેરી લીધી હતી ત્યારે ઇઝરાયલી મીડિયાએ જણાવ્યું હતું કે હૉસ્પિટલમાં હમાસની ગતિવિધિઓની જાણકારી યુનિટ મારફત મેળવવામાં આવી હતી.
એ સમયે કહેવામાં આવ્યું હતું કે યુનિટ 504ના કર્મચારીઓએ હૉસ્પિટલમાં પેલેસ્ટાઈનીઓને પૂછપરછ કરી હતી અને એવું તારણ કાઢ્યું હતું કે શિફા હૉસ્પિટલમાં હમાસના 80થી 100 સભ્યો હતા.
યુનિટ 504એ સીરિયાના આંતરવિગ્રહ દરમિયાન વિરોધ પક્ષ અને બળવાખોરો સાથે તણાવ ઘટાડવા માટે સીરિયાના રાષ્ટ્રપ્રમુખ બશર અલ-અસદને રાજી કરવામાં કેન્દ્રીય ભૂમિકા ભજવી હોવાનું કહેવામાં આવે છે.
ઇઝરાયલી સૈન્યએ ઉત્તર ઇઝરાયલમાં “આતંકવાદી હુમલાઓને નિષ્ફળ બનાવવા” માટે યુનિટ 504ની 2019માં પીઠ થાબડી હતી.
બ્રાન્ચ 54

ઇમેજ સ્રોત, Getty Images/BBC
ઇઝરાયલી મીડિયાએ જૂન 2023માં જણાવ્યું હતું કે ઈરાન તથા રિવોલ્યુશનરી ગાર્ડ્સ સાથેના સંભવિત યુદ્ધ પર નજર રાખવા માટે ઇઝરાયલી સૈન્યમાં એક નવા ગુપ્તચર એકમની રચના કરવામાં આવી હતી.
'YNet' નામની એક વેબસાઇટે સૌથી પહેલાં જણાવ્યું હતું કે બ્રાન્ચ 54 નામના એ યુનિટની સ્થાપના ઈરાનની સૈન્ય ગતિવિધિઓ તથા ટ્રેનિંગ ટૅકનિક્સ સંબંધી જાણકારી એકત્ર કરવા માટે કરવામાં આવી હતી.
એ અહેવાલ મુજબ, તે સમયે બ્રાન્ચ 54માં માત્ર 30 કર્મચારીઓ જ કામ કરતા હતા.
યુનિટના એક કમાન્ડરે જણાવ્યુ હતું કે બ્રાન્ચ 54ની સ્થાપનાથી એવો સંકેત મળે છે કે ઈરાની સૈન્ય ખતરા સંબંધે ઇઝરાયલી સૈન્યનો અભિપ્રાય બદલાઈ રહ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે ઈરાન સાથેના સંભવિત યુદ્ધમાં “હિઝબુલ્લાહ, હમાસ કે ઇસ્લામિક જેહાદ વિરુદ્ધના અમારા યુદ્ધ જેવું કશું નહીં હોય.”
બ્રાન્ચ 54ના કમાન્ડરના નામનો ખુલાસો મીડિયા રિપોર્ટ્સમાં કરવામાં આવ્યો ન હતો. પોતાના કામની વાત કરતાં તેમણે કહ્યું હતું, “અમારી જવાબદારી ઇઝરાયલી સૈન્યને ઈરાની સલામતી માળખા અને સૈન્ય ક્ષમતાઓ બાબતે માહિતી પ્રદાન કરવાની છે.”
આ ગુપ્તચર એકમનો એક હિસ્સો ઈરાનમાં એ સ્થાનોની ભાળ મેળવે છે, જ્યાં યુદ્ધની સ્થિતિમાં હુમલા કરી શકાય.
બ્રાન્ચ 54ના કમાન્ડરના જણાવ્યા મુજબ, તેમની ગતિવિધિ ઈરાનમાંના રિવોલ્યુશનરી ગાર્ડ્સ પર કેન્દ્રીત છે.
તેમણે કહ્યું હતું, “અમે દરરોજ ટાર્ગેટ્સની ઓળખ કરી રહ્યા છીએ અને તેમના પર કેવી રીતે હુમલો કરી શકાય તેની શોધ કરી રહ્યા છીએ. અમે ઈરાની ટાર્ગેટ્સની ઓળખ કરી લીધી છે, પરંતુ તેમની પાસે પરમાણુ શક્તિ છે કે કેમ તેની અમને પરવાહ નથી.”
તેમણે જણાવ્યું હતું કે ઈરાન સાથેના કોઈ પણ “સૈન્ય સંઘર્ષ”ની કહાણી અલગ હશે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)













