સુનીતા વિલિયમ્સને પૃથ્વી પર પાછાં લાવવા ડ્રેગન કૅપ્સ્યૂલ અંતરિક્ષમાં પહોંચ્યું, ક્યારે પાછાં આવશે?

ઇમેજ સ્રોત, NASA
- લેેખક, ક્રિસ્ટી કૂની
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
જૂન મહિનાથી અંતરિક્ષમાં ફસાયેલાં ભારતીય મૂળનાં અમેરિકન અંતરિક્ષયાત્રી સુનીતા વિલિયમ્સ અને બૅરી બુચ વિલ્મોરને પાછાં લાવવા માટે સ્પેસ ઍક્સનું ડ્રૅગન કૅપ્સ્યૂલ રવિવાર વહેલી સવારે આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન(આઈએસએસ) પહોંચ્યું હતું.
અમેરિકાના ફ્લોરિડા સ્થિત કૅપ કાર્નિવલથી ડ્રૅગન કૅપ્સ્યૂલ લૉન્ચ કરવામાં આવ્યું હતું. નાસાના અંતરિક્ષયાત્રી નિક હૅગ અને રશિયન અવકાશયાત્રી ઍલેક્સઝેન્ડર ગર્બુનોવ ડ્રૅગન કૅપ્સ્યૂલ લઈને આઈએસએસમાં ગયા છે.
ડ્રૅગન કૅપ્સ્યૂલ ગુરુવારે લૉન્ચ થવાનું હતું પરંતુ હૅલેન વાવાઝોડાના કારણે તેને શનિવાર સુધી મુલતવી રાખવું પડ્યું હતું. આઈએસએસ પહોંચ્યા બાદ બંને અંતરિક્ષયાત્રીઓએ તસવીરો પણ શૅર કરી હતી.
અત્રે નોંધનીય છે કે કૅપ્સ્યૂલમાં બે સીટ ખાલી છે જેમાં બેસીને સુનીતા વિલિયમ્સ અને બૅરી બુચ વિલ્મોર પૃથ્વી પર પાછાં આવશે. નાસા પ્રમાણે ફેબ્રુઆરી 2025 બંને પરત ફરી શકે છે.
તારીખ પાંચ જૂનના રોજ બૉઇંગની નવી સ્ટારલાઇનર અવકાશયાનમાં સુનીતા વિલિયમ્સ અને બૅરી બુચ વિલ્મોર અંતરિક્ષમાં ગયાં હતાં. બંને અવકાશયાત્રીઓ આઠ દિવસમાં સંશોધન પૂર્ણ કરીને પૃથ્વી પર પરત આવવાનાં હતાં પરંતુ આટલા દિવસો બાદ પણ તેઓ પરત ફરી શક્યાં નથી. સ્ટારલાઇનર અવકાશયાનમાં ટૅક્નિકલ ખામી સર્જાવાને કારણે આમ થયું છે.
સ્ટારલાઇનરમાં શું ગડબડી થઈ?

ઇમેજ સ્રોત, NASA
જ્યારે સુનીતા વિલિયમ્સ અને બૅરી બુચ વિલ્મોરને લઈને સ્ટારલાઇનર અવકાશયાન આઈએસએસની નજીક પહોંચ્યું, ત્યારે સમસ્યાઓ ઊભી થઈ અને તેનાં પાંચ થ્રસ્ટર્સ કે જે અવકાશયાનને દિશા આપવાનું કામ કરે છે તે બંધ થઈ ગયાં.
જોકે, લૉન્ચ બાદ ખબર પડી હતી કે અવકાશયાનમાંથી ઓછી માત્રામાં હિલિયમ ગૅસ લીક થઈ રહ્યો છે. લીકેજ નાનું હોવાથી ઍન્જિનિયરનું અનુમાન હતું કે તેનાથી અવકાશયાત્રાને કોઈ અસર થઈ નહીં થાય.
હિલિયમ ગૅસ થ્રસ્ટર ઍન્જિનને જરૂરી બળ આપે છે જેના બળ વડે અવકાશયાન અંતરિક્ષથી પૃથ્વીની ભ્રમણકક્ષામાં પ્રવેશ કરે છે. પ્રવેશ કરતી વખતે અવકાશયાનની ગતિ ઓછી થઈ જાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અવકાશયાત્રા શરૂ થયાં બાદ સ્ટારલાઇનરમાં વધુ ચાર લીકેજ સામે આવ્યાં હતાં. ઇન્ટરનેશનલ સ્પેસ-સ્ટેશન પહોંચતા અવકાશયાનનાં 28માંથી પાંચ થ્રસ્ટર ખરાબ થઈ ગયાં. જોકે, બાદમાં પાંચમાંથી ચાર થ્રસ્ટરનું સફળતાપૂર્વક રિપેરિંગ કરવામાં આવ્યું છે અને હાલ તેઓ કાર્ય કરી રહ્યા છે.
સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર આઠ દિવસ માટે ગયાં હતાં પરંતુ ટૅક્નિકલ ખામીઓના કારણે તેમનાં પરત આવવાની તારીખ લંબાતી ગઈ.
નાસાએ જાહેરાત કરી હતી કે સ્ટારલાઇનર 26 જૂનના રોજ રાત્રે 10 વાગ્યે પૃથ્વી પર પરત ફરશે પરંતુ ટૅક્નિકલ ખામીઓના કારણે આમ થઈ શક્યું નહીં.
સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને ઇન્ટરનેશનલ સ્પેસ-સ્ટેશન પહોંચીને ત્રણ મહિના કરતાં વધુ સમય થઈ ગયો છે અને નાસા વિવિધ ટેસ્ટ કરી રહી છે જેથી ટૅક્નિકલ ખામીઓ દૂર કરી શકાય અને બંને અવકાશયાત્રીઓને પરત લાવી શકાય.
સ્ટારલાઇનરની સમસ્યા

ઇન્ટરનેશનલ સ્પેસ-સ્ટેશનમાં અવકાશયાત્રીઓને મોકલવા માટે નાસા સંસ્થા બે ખાનગી કંપનીઓ સાથે કામ કરી રહી છે. એક કંપની છે સ્પેસ ઍક્સ અને બીજી કંપની છે બૉઈંગ.
પોતાનું અવકાશયાન બનાવવાની અને ઑપરેટ કરવાની જગ્યાએ નાસા ખાનગી કંપનીઓની મદદ લઈ રહી છે. નાસા સંસ્થા અનુસાર અવકાશયાત્રાનો ખર્ચ ઘટાડવા માટે અને કૉમર્શિયલ સ્પેસ ઇન્ડસ્ટ્રી ઊભી કરવા માટે તે આમ કરી રહી છે.
અત્રે નોંધનીય છે કે 2015માં સ્ટારલાઇનર પોતાની પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ પર જવાનું હતું પરંતુ સૉફ્ટવેરમાં તકનીકી ખામીના કારણે 2019 સુધી ટેસ્ટ ફ્લાઇટ શક્ય બની નહોતી. અંતે આ પ્રોજેક્ટને અટકાવી દેવો પડ્યો હતો.

ઇમેજ સ્રોત, NASA/Boeing
ઑગસ્ટ 2021માં ફરીથી સ્ટારલાઇનરને અવકાશયાત્રાએ મોકલવાનું નક્કી થયું હતું. પરંતુ મે 2022 સુધી પ્રોજેક્ટ ફળીભૂત થયો નહોતો. ત્યારે નાસાએ કારણ આપ્યું હતું કે સ્ટારલાઇનરની થ્રસ્ટ સિસ્ટમમાં ખામી હોવાના કારણે ટેસ્ટ ફ્લાઇટ શક્ય બની નથી.
આ બધી ખામીઓ ઉપરાંત સ્ટારલાઇનરની વાયરિંગ અને પૅરાશૂટમાં પણ ખામી સર્જાતા અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં લઈ જવાની યોજનામાં સતત વિલંબ થતો ગયો.
બાદમાં નાસાએ દાવો કર્યો કે સ્ટારલાઇનરની દરેક ખામી સુધારી લેવામાં આવી છે. જાહેર કરવામાં આવ્યું કે તારીખ સાતમી મેના રોજ અવકાશયાન પ્રથમ ટેસ્ટ ફ્લાઇટ માટે ટેકઑફ કરશે. પરંતુ લૉન્ચ થવાના 90 મિનિટ પહેલાં જાહેરાત થઈ કે ટૅક્નિકલ સમસ્યાના કારણે લૉન્ચ રદ કરવામાં આવ્યું હતું.
સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર સ્ટારલાઇનરમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી જતાં યાત્રા રદ કરવામાં આવી હતી.
વિવિધ પ્રકારના ટેસ્ટ બાદ 5મી જૂનના રોજ સ્ટારલાઇનર અવકાશયાનને સફળતાપૂર્વક લૉન્ચ કરવામાં આવ્યું હતું.
અવકાશમાં રહેવાને કારણે મગજ અને આંખ પર અસર

ઇમેજ સ્રોત, Reuters
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સૌથી પ્રતિબદ્ધ અવકાશયાત્રીઓને પણ જો અવકાશમાં વધુ સમય વિતાવવો હોય તો કેટલાક પડકારોનો સામનો કરવો પડે છે.
તાલીમ દરમિયાન તેમને જે અનુભવો થાય છે તે વાસ્તવિક મિશનનો માત્ર ત્રણ ચતુર્થાંશ અનુભવ હોય છે.
પરંતુ જો નિર્ધારિત સમય કરતાં વધુ સમય પસાર કરવો પડે તો તેમનો ઉત્સાહ ઓછો થઈ જાય છે.
ઍન્ટાર્કટિકામાં સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોને કેટલીકવાર ‘સાયકોલૉજિકલ હાઇબરનેશન’ નામની માનસિક સ્થિતિમાંથી પસાર થવું પડે છે, જેમાં વ્યક્તિ લાગણીહીન બની જાય છે અને સંપૂર્ણ રીતે એકલતા અનુભવવા લાગે છે.
સંશોધકોનું કહેવું છે કે ધ્રુવીય અને અવકાશ મિશન પર જતાં લોકોની સ્થિતિ સમાન હોય છે અને સારી ઊંઘ લઈને આ સમસ્યાઓ ઓછી કરી શકાય છે.
બીબીસી ફ્યુચર એડિટર રિચર્ડ ગ્રેના જણાવ્યા અનુસાર, અવકાશયાત્રીઓનું નિયમિત હૅલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. સૌથી વધુ ધ્યાન તેમની આંખો પર આપવામાં આવી રહ્યું છે.
ISS પર હાજર દરેક ક્રૂ મેમ્બરની આંખોના કૉર્નિયા, લેન્સ અને ઑપ્ટિક નર્વની તપાસ કરવામાં આવી રહી છે.
અવકાશયાત્રા આંખો પર તમે ન ધાર્યું હોય તેવી વિપરીત અસર કરી શકે છે.
ગુરુત્વાકર્ષણની અછતને કારણે આંખની પાછળ લોહી જમા થઈ શકે છે જેના કારણે સોજો આવી શકે છે ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થાય છે.
કૉસ્મિક કિરણો અને સૂર્યમાંથી ઉત્સર્જિત ઉચ્ચ ઊર્જાવાળા કણો રેટિના અને ઑપ્ટિક નર્વને નુકસાન પહોંચાડી શકે છે અને અન્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












