સ્પેસવૉક કરનાર એ અબજોપતિ જેણે 16 વર્ષની ઉંમરે એક સફળ કંપનીની સ્થાપના કરી હતી

જેરેડ આઇઝેકમેન, સ્પેસઍક્સ, અવકાશયાન, સ્પેસવૉક, ઇલોન મસ્ક, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જૅરેડ આઇઝેકમૅને 15 વર્ષની ઉંમરે શાળાએ જવાનું છોડી દીધું હતું.
    • લેેખક, નાદિન યુસુફ અને બ્રૅન્ડન ડ્રેનોન
    • પદ, બીબીસી ન્યૂઝ

અમેરિકન અબજોપતિ જૅરેડ આઇઝેકમૅન પ્રથમ એવી વ્યક્તિ બની ગયા છે, જેમણે અવકાશયાત્રી ન હોવા છતાં અંતરિક્ષમાં સ્પેસવૉક કરી છે.

અવકાશયાત્રા કરનાર 41 વર્ષીય આઇઝેકમૅને ‘પોલારિસ ડૉન મિશન’ને પોતે જ ફંડિંગ આપ્યું હતું. આ મિશનમાં તેમને અને અન્ય ત્રણ લોકોને સ્પેસઍક્સ ક્રૂ ડ્રેગન સ્પેસશિપમાં અવકાશમાં મોકલવામાં આવ્યા હતા.

આની પહેલાં જેટલા પણ લોકો અંતરિક્ષમાં ગયા અને સ્પેસવૉક કરી તે સરકારોના ખર્ચે ચાલતી સ્પેસ એજન્સીના મિશન હેઠળ ગયા હતા.

આઇઝેકમૅનના આ મિશન પાછળ લગભગ 1.9 અબજ ડૉલરનો ખર્ચ થયો હતો. તેમણે 16 વર્ષની ઉંમરે 1999માં સ્થાપેલી કંપની ‘શિફ્ટ ફૉર પેમેન્ટ્સ’ થકી જ આ ખર્ચ કાઢ્યો હતો. આ કંપની એક પેમેન્ટ પ્રોસેસિંગ કંપની છે.

ઉદ્યોગપતિ આઇઝેકમૅનને પહેલેથી જ ઊડવાનો ખૂબ શોખ હતો. તેમણે વર્ષ 2004માં પાઇલટ બનવા માટે ટ્રેનિંગ લીધી હતી. ત્યારબાદ તેમણે હળવા જેટ વિમાનમાં અવકાશી પરિભ્રમણ કરવાનો પણ રેકૉર્ડ બનાવ્યો હતો.

12 સપ્ટેમ્બરે અવકાશમાં પહેલીવાર પગ મૂકતાં આ ઉદ્યોગપતિએ કહ્યું હતું કે, "અહીંથી પૃથ્વી પરફેક્ટ વર્લ્ડ લાગે છે."

આઇઝેકમૅન પરત ફર્યા ત્યારપછી સ્પેસઍક્સનાં એન્જિનિયર સારાહ જિલિસે પણ સ્પેસવૉક કર્યું હતું.

જિલિસ એ વાયોલિનવાદક છે અને તેમાંથી તેઓ ઍરોસ્પેસ એન્જિનિયર બન્યાં છે અને તેઓ ‘પોલારિસ ડૉન મિશન’નાં સ્પેશિયાલિસ્ટ મનાય છે.

આઇઝેકમૅન પહેલાં પણ અવકાશમાં જઈ આવ્યા છે

જેરેડ આઇઝેકમેન, સ્પેસઍક્સ, અવકાશયાન, સ્પેસવૉક, ઇલોન મસ્ક, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Polarisprogram/X

ઇમેજ કૅપ્શન, અવકાશમાં આઇઝેકમૅનની તસવીર

જોકે, પોલારિસ ડૉન મિશન એ આઇઝેકમૅનનું પહેલું અવકાશ મિશન નથી. વર્ષ 2021માં તેમણે પોતાના જ પૈસે એક ટીમને લઈને પૃથ્વીની કક્ષા ફરતે પરિભ્રમણ કર્યું હતું.એ ક્રૂનું નામ ઇન્સ્પિરેશન-ફોર હતું.

તેઓ સ્પેસઍક્સ કૅપ્સ્યૂલમાં ફ્લોરિડાથી અવકાશમાં જવા નીકળ્યા હતા અને તેઓ પાછા ફરતી વખતે ઍટલાન્ટિક સમુદ્રમાં ઊતર્યા ત્યારે ત્રણ દિવસ અવકાશમાં પસાર કરીને આવ્યા હતા.

ટાઇમ મૅગેઝિનનું અનુમાન છે કે આઇઝેકમૅને સ્પેસઍક્સના માલિક ઇલોન મસ્કને આ મિશનમાં ચાર લોકોને અવકાશમાં લઈ જવા માટે અંદાજે 200 મિલિયન ડૉલરની ચૂકવણી કરી છે.

આઇઝેકમૅને તે સમયે ઊતર્યા પછી તરત જ રેડિયો સંદેશમાં કહ્યું હતું કે, "આ અમારા માટે એક આનંદદાયક સવારી હતી."

16 વર્ષની ઉંમરે કંપની સ્થાપી

આઇઝેકમૅનનો જન્મ ન્યૂજર્સી યુનિયનમાં થયો હતો. બાળપણથી જ તેઓ સામા પ્રવાહે તરનારા તથા પોતાની સીમાઓને તોડીને ઉંબરો ઓળંગવાનું વલણ ધરાવતા હતા.

15 વર્ષની ઉંમરે જ તેમણે હાઇસ્કૂલ જવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ તેમણે જીઈડી (હાઇસ્કૂલને સમકક્ષ પરીક્ષા) આપી હતી. આ વાતનો ઉલ્લેખ નેટફ્લિક્સની ડૉક્યુસિરીઝ ‘ઇન્સ્પિરેશન4: મિશન ટુ સ્પેસ’માં કરવામાં આવ્યો છે.

એ સિરીઝમાં આઇઝેકમૅન કહે છે, "હું ભણવામાં અતિશય નબળો હતો. અને મને શાળાએ જવું ગમતું પણ ન હતું."

શાળામાંથી ડ્રૉપ-આઉટ લીધાના એક વર્ષ બાદ જ તેમણે તેમની કંપની શિફ્ટ ફૉર પેમેન્ટ્સ લૉન્ચ કરી દીધી હતી. ફૉર્બ્સના અહેવાલ પ્રમાણે તેમણે આ કંપની તેમનાં માતાપિતાના રહેઠાણના બેઝમેન્ટમાં જ સ્થાપી હતી.

કંપનીની વેબસાઇટ પ્રમાણે હવે તે અમેરિકાની ત્રીજા ભાગની હોટેલો અને રેસ્ટોરાંના બિલોની કુલ 260 અબજ ડૉલરની ચૂકવણી પ્રોસેસ કરે છે. તેમના ક્લાયન્ટ્સમાં હિલ્ટન, ફૉર સિઝન્સ, કેએફસી અને આર્બિઝ જેવી કંપનીઓ સામેલ છે.

જેરેડ આઇઝેકમેન, સ્પેસઍક્સ, અવકાશયાન, સ્પેસવૉક, ઇલોન મસ્ક, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Polarisprogram/X

ઇમેજ કૅપ્શન, આઇઝેકમૅન પહેલાં પણ સ્પેસમાં જઈ આવ્યા છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આઇઝેકમૅન વર્ષ 2011માં ડ્રેકન ઇન્ટરનેશનલની સ્થાપના કરી હતી. આ કંપની એક ડિફેન્સ કંપની છે અને તે ઍરફૉર્સ પાઇલટને ટ્રેનિંગ આપવાનું કામ કરે છે. તે વિશ્વની સૌથી મોટી પ્રાઇવેટ મિલિટરી પાંખની પણ માલિક છે.

વર્ષ 2019માં આઇઝેકમૅને આ ડ્રેકન કંપનીનો મોટાભાગનો શેર બ્લૅકસ્ટોનને વહેંચી દીધો. ફૉર્બ્સ અનુસાર આ કંપની પણ નવ આંકડાનું ટર્નઓવર ધરાવતી વૉલસ્ટ્રીટ ફર્મ છે.

એક મૅગેઝિને તેમને 2020માં ‘થ્રિલ સીકર’ ગણાવ્યા હતા. તેમના વિશે લખવામાં આવ્યું હતું કે, "આઇઝેકમૅન મિગને અવાજની ઝડપ કરતાં પણ વધુ ઝડપે ચલાવી શકે છે અને અઠવાડિયામાં 80 કલાક કરતાં પણ વધુ કામ કરી શકે છે."

તેમણે ખૂબ ઝડપે વિમાન ઉડાવીને 2009માં વર્લ્ડ સ્પીડ રેકૉર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું હતું.

આ ડૉક્યુસિરીઝમાં આઇઝેકમેને કહ્યું હતું કે, "હું માનું છું કે જીવન જીવવાનો અને તેને ઉકેલવાનો તમને એકવાર જ મોકો મળે છે."

તેઓ કહે છે, "જ્યારે તમે આ રીતે જીવન જીવવાનો પ્રયત્ન કરો છો ત્યારે જ તમે જીવનને પૂર્ણ રીતે જીવી શકો છો. તમે ક્યારેય જાણતા નથી કે ક્યો દિવસ તમારો છેલ્લો દિવસ હોઈ શકે છે."

આઇઝેકમૅન વિવાહિત છે અને તેમને બે પુત્રીઓ છે. તેઓ તેમના પરિવાર સાથે ન્યૂ યૉર્કમાં રહે છે.

તેઓ અને પોલારિસ ડૉન મિશન પર ગયેલા લોકો શનિવારે 14મી સપ્ટેમ્બરે પાછા ફરશે તેવું અનુમાન છે.

પોલારિસ ડૉન મિશનમાં શું છે

સ્પેસઍક્સના વિશેષ સૂટમાં આઇઝેકમૅન અને તેમના સાથીઓ

ઇમેજ સ્રોત, SpaceX

ઇમેજ કૅપ્શન, સ્પેસઍક્સના વિશેષ સૂટમાં આઇઝેકમૅન અને તેમના સાથીઓ

મંગળવારના પ્રથમ ખાનગી અંતરિક્ષ મિશન પોલારિસ ડૉનને અમેરિકાના દક્ષિણ-પૂર્વીય રાજ્ય ફ્લોરિડાથી સ્પેસઍક્સ ફાલ્કન 9 રૉકેટ દ્વારા સફળતાપૂર્વક લૉન્ચ કરવામાં આવ્યું હતું.

જૅરેડ આઇઝેકમૅન સિવાય એક સેવાનિવૃત્ત પાઇલટ સ્કૉટ અને બે સ્પેસઍક્સ ઍન્જિનિયર અન્ના મેનન અને સારા ગિલિસ આ અંતરિક્ષયાનમાં સવાર હતાં.

રેઝિલિયન્સ નામના આ અંતરિક્ષયાને પૃથ્વીથી 1400 કિલોમીટર દૂર અંતરિક્ષમાં પ્રવેશ કર્યો. 1970ના દાયકામાં નાસાનું અપોલો મિશન પૂરું થયાં પછીથી કોઈ પણ મનુષ્યએ પૃથ્વીથી આટલી દૂર યાત્રા નહોતી કરી.

પોતાની યાત્રા દરમ્યાન અંતરિક્ષયાત્રી અવકાશના એ ભાગમાંથી પસાર થયા જેને વૉન એલન બેલ્ટ કહેવાય છે, જ્યાં ખૂબ ભારે પ્રમાણમાં રેડિયેશન હોય છે. પરંતુ અવકાશયાન અને ચાલકદળના ઉન્નત સ્પેસસૂટ તેમને બચાવી શકે છે.

આ ક્ષેત્રમાંથી પસાર થવામાં તેઓ એટલા રેડિયેશનના સંપર્કમાં આવશે જેટલા રેડિયેશનનો સામનો આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં રહેતા અવકાશયાત્રીઓ ત્રણ મહિનામાં કરે છે, રેડિયેશનનું આ સ્તર સ્વીકાર્ય મર્યાદાની અંદર છે.

આ અવકાશયાત્રાનો હેતુ માનવ શરીર પર રેડિયેશનની અલ્પકાલિક અસરનો અભ્યાસ કરવાનો છે.

રેઝિલિયન્સના યાત્રીઓ અવકાશમાં પોતાનો બીજો દિવસ ઉચ્ચતમ ઊંચાઈ પર વિતાવશે જે દરમિયાન તેઓ લગભગ 40 પ્રયોગ કરશે જેમાં ડ્રૅગન અંતરિક્ષયાન અને સ્પેસઍક્સના સ્ટારલિંક ઉપગ્રહોના સંગ્રહ વચ્ચે ઇન્ટરસૅટેલાઇટ લેઝર સંચાર સામેલ છે.

એક નવો રેકૉર્ડ

અવકાશયાત્રીઓએ વિશેષ સૂટ પહેર્યાં અને સમગ્ર અવકાશયાન બહારના વૅક્યુમના સંપર્કમાં હતું

ઇમેજ સ્રોત, SpaceX

ઇમેજ કૅપ્શન, અવકાશયાત્રીઓએ વિશેષ સૂટ પહેર્યાં અને સમગ્ર અવકાશયાન બહારના વૅક્યૂમના સંપર્કમાં હતું

આ મિશન પર અત્યાર સુધી બધું યોજના અનુસાર ચાલી રહ્યું છે અને આઇઝેકમૅન અને સારા ગિલિસે સ્પેસવૉકનો નવો રેકૉર્ડ બનાવ્યો છે.

આ સ્પેસવૉક પૃથ્વીની કક્ષામાં 700 કિલોમીટરની ઊંચાઈ પર કરવામાં આવી હતી. અવકાશયાત્રીઓએ પોતાના નવા સ્પેસસૂટનું પણ પરીક્ષણ કર્યું હતું, જે અવકાશયાનની બહાર કામ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યાં હતાં. આ સ્પેસઍક્સના ઇંટ્રાવેહિકલ ઍક્ટિવિટી (આઈવીએ) સૂટનું ઉન્નત સંસ્કરણ છે.

આ સ્પેસવૉકની એક ખાસ વાત છે કે અવકાશયાનમાં કોઈ ઍરલૉક નથી જે અંતરિક્ષના પ્રવેશ દ્વાર અને અંતરિક્ષયાનના બાકી ભાગો વચ્ચે એક સીલબંધ કક્ષના રૂપમાં કામ કરે છે.

અવકાશયાત્રીઓના પ્રવેશ કરવા અને બહાર નીકળતા પહેલાં ઍરલૉકને સામાન્ય રીતે ડિપ્રેશરાઇઝ કરવામાં આવે છે, પરંતુ લવચીકતાના મામલામાં સમગ્ર અવકાશયાનને ડિપ્રેશરાઇઝ કરવામાં આવશે અને અવકાશયાત્રીઓને અવકાશયાનની પરવા કર્યા વિના પૂર્ણ રીતે તૈયાર રહેવું પડશે.

આ રીતે આ મિશનમાં એક જ સમયમાં અંતરિક્ષના વૅક્યૂમમાં સૌથી વધુ લોકો હાજર રહેવાનો રેકૉર્ડ તૂટ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.