સુનીતા વિલિયમ્સને અંતરિક્ષમાં ભોજન કઈ રીતે મોકલવામાં આવતું?

ઇમેજ સ્રોત, NASA
ભારતીય મૂળનાં અંતરીક્ષયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર પૃથ્વી પર સ્પેસએક્સના અંતરીક્ષયાન ડ્રેગન મારફત પૃથ્વી પર પરત આવશે તે નક્કી થઈ ગયું છે.
વિલિયમ્સ તથા વિલમોરે 5 જૂને આઈએસએસ માટે ઉડાન ભરી હતી. પૂર્વનિર્ધારિત યોજના મુજબ બંને આઠ દિવસમાં મિશન પૂર્ણ કરીને પરત ફરવાનાં હતાં, પણ હવે તેમણે અંતરિક્ષમાં આઠ મહિના જેટલો સમય પસાર કરવો પડશે.
અવકાશમાં હોવા છતાં સુનીતા વિલિયમ્સ અને બૅરી બુચ વિલમોર પોતાની પસંદગીના ખોરાકનો આનંદ મેળવી રહ્યાં છે. તેઓ આપણી જેમ જ જમે છે, પણ તેમનું ભોજન ઘણી રીતે અલગ હોય છે.
તેમના દૈનિક ભોજનમાં દૂધ, કઠોળ, ફળ, શાકભાજી અને કોલ્ડ કૉફી જેવી વસ્તુઓ હોય છે. ઉપરાંત અવકાશયાત્રીઓને પસંદ હોય તે ખાવાનું પણ આઈએસએસમાં ઉપલબ્ધ હોય છે. વિવિધ દેશોનાં કેટલાંક ખાસ વ્યંજનો પણ અવકાશયાત્રીઓ માણતાં હોય છે.
આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં કામ કરતાં અવકાશયાત્રીઓ ભોજનની જરૂરિયાત કઈ રીતે પૂરી કરે છે? તેમનું ભોજન કઈ રીતે તૈયાર થાય છે અને કઈ રીતે મોકલવામાં આવે છે?
અંતરિક્ષયાત્રીઓનું ભોજન કેવું હોય છે?

ઇમેજ સ્રોત, NASA
આઈએસએસમાં ક્રૂ મેમ્બરો જે પ્રકારનો ખોરાક ખાય છે તે કોઈ અલગ વસ્તુ નહીં પરંતુ પૃથ્વી પર તૈયાર થયેલો ખોરાક જ હોય છે.
અવકાશયાત્રીઓ ભોજનના વિશાળ મેનુમાંથી પોતાની મનપસંદ ડિશ અને વાનગીઓ પસંદ કરતાં હોય છે. તેઓ સવાર, બપોર અને સાંજનું મેનુ નક્કી કરતાં હોય છે. ભોજન ઉપરાંત હળવો નાસ્તો પણ લેતાં હોય છે, જેનું પણ એક નક્કી મેનુ હોય છે.
અવકાશમાં શરીરની દૈનિક જરૂરિયાત પ્રમાણે વિટામિન્સ અને મિનરલ્સ અવકાશયાત્રીઓને મળી રહે તે પ્રમાણે સમગ્ર મેનુ તૈયાર કરવામાં આવે છે. વાનગી સ્વાસ્થ્યપ્રદ હોવાની સાથે-સાથે સરળતાથી પૅક થઈ શકે અને લાંબા સમય સુધી તાજી રહે એ રીતે બનાવાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આઈએસએસ અથવા અન્ય અવકાશ મિશન માટે ભોજન પર સંશોધન અને પરીક્ષણ કરવામાં આવે છે.
અમેરિકાના હ્યુસ્ટન સ્થિત જૉન્સન સ્પેસ સેન્ટરની સ્પેસ ફૂડ સિસ્ટમ્સ લૅબોરેટરીમાં ફૂડ સાયન્ટિસ્ટ, ડાયટિશિયન અને એન્જિનિયરો આ ભોજન પર સંશોધન કરતા હોય છે. લૅબોરેટરીમાં ભોજનનું ન્યૂટ્રીશન, સ્ટોરેજ અને પૅકેજિંગ પર વિવિધ પ્રકારે સંશોધન અને ટેસ્ટિંગ કરવામાં આવે છે.
અવકાશમાં મોકલાતું ભોજન ચાર પ્રકારનું હોય છે. રીહાયડ્રેટેબલ એટલે કે સૂકવેલું ભોજન, જેને પાણી નાખીને ખાવાલાયક બનાવવામાં આવે છે. દાખલા તરીકે શાક અથવા સલાડ.
બીજો પ્રકાર છે થર્મોસ્ટેબિલાઇઝડ, એટલે કે એવું ભોજન જેને ગરમ કરીને ખાઈ શકાય છે, જેમ કે પકવેલાં શાક. આ પ્રકારનું ભોજન માત્ર ગરમ કરવાથી તાજું બનેલું હોય તેવી અનુભૂતિ થાય છે.

ઇમેજ સ્રોત, NASA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ત્રીજો પ્રકાર છે ઇરરેડિયેટેડ ભોજન. આમાં ભોજનને રેડિયેશનમાંથી પસાર કરાવવામાં આવે છે. આમ કરવાથી ભોજનમાંથી સૂક્ષ્મ જીવો અને જીવાત દૂર થઈ જાય છે અને ભોજન લાંબા સમય સુધી સારું રહે છે. આ પ્રકારનું ભોજન સમાન્ય રીતે ડબ્બાબંધ હોય છે, જેમ કે શાક અને ફળો.
ચોથો પ્રકાર છે કુદરતી ભોજન. જેમ કે ટૉર્ટિલા અને મકાઈનો ચેવડો. આવા ભોજનને વિશિષ્ટ રીતે પૅક કરવામાં આવે છે જેથી તે બગડે નહીં અને અવકાશયાત્રીઓ લાંબા સમય સુધી ખાઈ શકે.
આઈએસએસમાં કામ કરતાં સ્ટાફનું દર આઠમા દિવસે મેનુ બદલાઈ જાય છે. મેનુમાં ક્યારેક વસ્તુ ઉમેરાય છે અને ક્યારેક કોઈ ડિશની બાદબાકી પણ કરવામાં આવે છે. સ્ટાફ માટેનું અડધું મેનુ અમેરિકન હોય છે અને અડધું રશિયન. અન્ય દેશોની વાનગીઓ પણ સામેલ કરવામાં આવે છે.
અવકાશમાં મોકલવામાં આવતું ભોજન ખાસ રીતે પૅક કરવામાં આવે છે. ભોજન નાસાની સ્પેસ ફૂડ સિસ્ટમ્સ લૅબોરેટરીમાં તૈયાર કરવામાં આવે છે. લૅબમાં ફીઝ થઈ શકે તેવું અને સૂકવેલું ભોજન તૈયાર કરીને પૅક કરવામાં આવે છે. ઉપરાંત બેવરેજ પાવડર, કૂકીઝ, કૅન્ડી અને અને ખાદ્ય પદાર્થ પણ પૅક કરાય છે.
અમુક ભોજનમાં સોસ અથવા ગ્રેવી હોય છે, તેને પૅક ખોલીને જ ખાઈ શકાય છે. કેટલુંક ભોજન ડિહાઈડ્રેટેડ હોય છે જેમાં પાણી નાખવાનું હોય છે. આ પ્રકારના ભોજનમાં પૅકની ઉપર એક નળી હોય છે જેના દ્વારા અંદર હળવું ગરમ પાણી નાખવામાં આવે છે.
ભોજન ડિસ્પોસેબલ કન્ટેનરમાં પૅક કરવામાં આવે છે જેથી ડિશ વૉશરની જરૂર ન પડે. દરેક વ્યક્તિ પોતાનું ભોજન બનાવી શકે છે. આઈએસએસમાં આવકાશયાત્રીઓ માટે પ્લેટ હોતી નથી, તેમને કાતર અને ચમચી આપવામાં આવે છે.
અંતરિક્ષમાં ભોજન કેવી રીતે મોકલવામાં આવે છે?

ઇમેજ સ્રોત, NASA
આઈએસએસમાં જનાર અવકાશયાત્રીઓને અવકાશમાં જવાના પાંચ મહિના પહેલાં પોતાનું મેનુ નક્કી કરવાનું હોય છે.
મેનુ નક્કી કર્યા બાદ તેમાં જરૂરી પોષણ છે કે કેમ તેની તપાસ કરાય છે. જો જરૂરી પોષણ ન હોય તો સુધારો કરવામાં આવે છે.
ફાઇનલ મેનુ વિશે અવકાશયાત્રીઓના અભિપ્રાય લેવા એક ખાસ ટ્રેનિંગ સેશન રાખવામાં આવે છે. આ સેશન રશિયામાં હોય છે જ્યાં અવકાશયાત્રીઓ ભોજનને ખાઈને ચેક છે. તેમના અભિપ્રાયો બાદ મેનુને આખરી ઓપ આપવામાં આવે છે.
ત્યારબાદ અમેરિકાના હ્યુસ્ટનના ફૂડ કૉન્ટ્રાક્ટરને તે પ્રમાણે ભોજન બનાવવાનું કહેવામાં આવે છે. અવકાશમાં મોકલવાના ત્રણ મહિના પહેલાં ફૂડ કૉન્ટ્રાક્ટરને મેનુ આપવામાં આવે છે.
અવકાશ લૉન્ચને એક મહિનો બાકી હોય ત્યારે તૈયાર ભોજનને હ્યુસ્ટનસ્થિત જૉન્સન સ્પેસ સેન્ટરમાં લાવવામાં આવે છે. અહીં ફૂડ લૉકર ટ્રેમાં તેને સંઘરવામાં આવે છે.
લૉન્ચનાં ત્રણ અઠવાડિયાં પહેલાં ફૂડ લૉકરોને ફ્લોરિડાના કૅનેડી સ્પેસ સેન્ટરમાં મોકલવામાં આવે છે. અહીં તેને ફ્રીઝમાં રાખવામાં આવે છે. લૉન્ચના બે અથવા ત્રણ દિવસ પહેલાં ફૂડ ટ્રેને સ્પેસ શટલની અંદર ગોઠવી દેવાય છે.
ફૂડ ટ્રેની સાથે-સાથે અવકાશયાત્રીઓ માટે ફ્રેશ ફૂડ લૉકર પણ સ્પેસ શટલની અંદર રાખવામાં આવે છે. ફ્રેશ ફૂડ લૉકર શટલની અંદર ટૉર્ટિલા, બ્રૅડ, બ્રૅકફાસ્ટ રોલ્સ, ફળો અને શાકભાજી હોય છે. લૉન્ચ થવાના 24થી 36 કલાકની વાર હોય ત્યારે ફ્રેશ ફૂડ લૉકર સ્પેસ શટલની અંદર મૂકવામાં આવે છે.
શટલની અંદર વધારાની ફૂડ ટ્રે પણ મૂકવામાં આવે છે. વધારાની ફૂડ ટ્રેમાં દરેક અવકાશયાત્રી માટે બે દિવસનું ત્રણ ટાઇમનું ભોજન હોય છે. આઈએસએસમાં કામ કરનાર અવકાશયાત્રીઓને કોઈ મુશ્કેલી ન થાય તે માટે દરેક સ્પેશ શટલમાં વધારનું ભોજન પૅક કરવામાં આવે છે. આઈએસએસમાં ભોજન સંઘરવા માટે કોઈ ખાસ ફ્રીઝર હોતું નથી.
સ્પેસ શટલ એક વખત આઈએસએસ પહોંચી જાય પછી ભોજનને બ્રૅકફાસ્ટ, લંચ અને ડિનર પ્રમાણે ક્રમ વાર ગોઠવી દેવામાં આવે છે. ચોક્કસ સમયગાળામાં સ્પેશ શટલ ભોજન લઈને આઈએસએસ માટે ઉડાન ભરે છે.
ભોજન બાદ જે પૅકેજિંગ મટીરિયલ બચે છે તેને પ્રોગ્રેસ વ્હીકલમાં જમા કરવામાં આવે છે. બાદમાં પ્રોગ્રેસ વ્હીકલને પૃથ્વી તરફ લૉન્ચ કરવામાં આવે છે. પૃથ્વીની હદમાં પ્રવેશ કરવાની સાથે જ આ વ્હીકલ બળીને ખાખ થઈ જતું હોય છે.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












