અંતરિક્ષમાં ફસાયાં સુનીતા વિલિયમ્સ અને વિલ્મોર, વધુ સમય રહેવાથી મગજ અને શરીરને કેવી ગંભીર અસર થશે?

સુનીતા વિલિયમ્સ અને બૅરી બુચ

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, સુનીતા વિલિયમ્સ અને બૅરી બુચ વિલ્મોર
    • લેેખક, જ્યોર્જિના રનાર્ડ
    • પદ, વરિષ્ઠ પત્રકાર, બીબીસી

ભારતીય મૂળનાં અમેરિકન અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સ અને બૅરી બુચ મહિનાઓથી અંતરિક્ષમાં ફસાયેલાં છે અને હજુ કેટલો સમય તેઓ પૃથ્વી પર પાછાં નહીં આવી શકે એ પણ સ્પષ્ટ નથી.

તેમને લઈ જનારા બોઇંગ સ્ટારલાઇનર મિશનમાં ખરાબી સર્જાવાને કારણે આ બંને અંતરિક્ષયાત્રીઓના પાછા ફરવાના કાર્યક્રમને નાસાએ ટાળી દીધો છે.

બુધવારે અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે હવે આના વિશે ઑગસ્ટ મહિનાના અંત સુધીમાં કોઈ નિર્ણય લેવામાં આવશે.

નાસાના મુખ્ય અંતરિક્ષયાત્રી જૉ એકાબાએ કહ્યું હતું કે, "સુનીતા વિલિયમ્સ અને બૅરી બુચ વિલ્મોર જેવાં યાત્રીઓ આ મિશનના વિભિન્ન વિષયો અને તેના કારણે પેદા થનારી સંભવિત પરિસ્થિતિઓથી સારી રીતે વાકેફ હતા."

તેમણે એમ પણ કહ્યું હતું કે આ અંતરિક્ષયાત્રીઓને મિશનમાં આવનારા પડકારોથી શારીરિક અને માનસિક રીતે વ્યાપકપણે તૈયાર કરવામાં આવ્યાં હતાં.

તેમણે કહ્યું કે, "આ મિશન એક ટેસ્ટ ફ્લાઇટ હતું. તેઓ જાણતા હતા કે આ મિશન પરફેક્ટ નથી."

તેમના અનુસાર, "માનવયુક્ત અંતરિક્ષયાન પોતે જ જોખમોથી ભરેલું હોય છે અને એક અંતરિક્ષયાત્રી તરીકે આ જોખમ એ અમારા કાર્યનો હિસ્સો હોય છે."

નાસાએ એમ પણ કહ્યું હતું કે, "બંને અંતરિક્ષયાત્રીઓ ત્યાં સારી રીતે રહે છે અને તેઓ આ જોખમી મિશનમાં જવા માટે તૈયાર હતા."

8 દિવસની યાત્રા 8 મહિનામાં બદલાઈ શકે

સુનીતા વિલિયમ્સ પહેલાં પણ અંતરિક્ષમાં જઈ ચૂક્યાં છે

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, સુનીતા વિલિયમ્સ પહેલાં પણ અંતરિક્ષમાં જઈ ચૂક્યાં છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અંતરિક્ષ એજન્સીના અધિકારીઓએ એમ પણ કહ્યું હતું કે અવકાશયાત્રીઓના સ્પેસસૂટ્સ કોઈ પણ વૈકલ્પિક અવકાશયાન માટે પણ કામ આપે એવા નથી. આથી, સ્ટારલાઇનરને બદલે તેમને અન્ય જગ્યાએ ઉપયોગમાં લઈ શકાય તેમ નથી.

ગત પાંચમી જૂનના રોજ વિલિયમ્સ અને વિલ્મોરે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માટે સ્ટારલાઇનરમાં ઉડાણ ભરી હતી અને આઠ દિવસ પછી તેમને પૃથ્વી પર પાછાં ફરવાનું હતું.

પરંતુ જ્યારે સ્ટારલાઇનર અવકાશયાન ISSની નજીક પહોંચ્યું, ત્યારે સમસ્યાઓ ઊભી થઈ અને તેના પાંચ થ્રસ્ટર્સ કે જે અવકાશયાનને દિશા આપવાનું કામ કરે છે તે બંધ થઈ ગયાં.

તેમાં રહેલું હિલિયમ પણ સમાપ્ત થઈ ગયું હતું, જેના કારણે તેને બળતણ પર નિર્ભર રહેવું પડ્યું હતું.

આ સમસ્યાઓનો અર્થ એ છે કે જ્યાં સુધી ઇજનેરો તેની ટેકનિકલ સમસ્યાઓ ઉકેલી ન શકે ત્યાં સુધી વિલિયમ્સ અને વિલ્મોરે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર રહેવું પડશે.

તેમના પાછા ફરવા માટેનો વધુ એક વિકલ્પ છે. તેના માટે આ વર્ષના છેલ્લા તબક્કામાં ત્યાં જનારા સ્પેસઍક્સ અવકાશયાનની મદદ લઈ શકાય તેમ છે.

જો આવું થાય તો તેઓ 2025ની શરૂઆતમાં જ પરત ફરી શકશે. અને એ રીતે આઠ દિવસનું આ મિશન આઠ મહિનામાં ફેરવાઈ જશે.

પરંતુ લાંબા સમય સુધી અવકાશમાં રહેવાથી માનવશરીર પર પણ વિપરીત અસર થાય છે. તેથી બંને અવકાશયાત્રીઓનું નિયમિત હૅલ્થ ચેકઅપ કરવામાં આવે છે.

નાસાએ આપ્યા ઊઠી રહેલા સવાલોના જવાબ

સુનીતા વિલિયમ્સ, અવકાશયાન, અંતરિક્ષ, નાસા, સ્પેસઍક્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સ્ટારલાઇનરના પાંચ થ્રસ્ટર્સ બંધ થઈ ગયાં જે અવકાશયાનને દિશા આપવાનું કામ કરે છે

એક પત્રકારે પૂછ્યું હતું કે શું સ્ટારલાઇનર હજુ પણ યાત્રીઓને ઇમરજન્સીમાં પાછા લાવવા માટે સુરક્ષિત છે?

તેના વિશે નાસાના પૂર્વ અંતરિક્ષયાત્રી બૉવરસૉક્સનું કહેવું છે કે 'તેને બે લોકો માટે હજુ પણ ઉપયોગમાં લઈ શકાય તેમ છે.'

તેમણે કહ્યું, "મને લાગે છે કે કટોકટીની સ્થિતિમાં બુચ અને સુનિતા વિલિયમ્સને તે વાહનમાં બેસાડવાનું જોખમ લેવામાં આવી શકે છે."

નાસાનું કહેવું છે કે જો સ્ટારલાઇનર અવકાશયાત્રીઓ વિના પરત ફરે છે, તો તેને 'મોટી દુર્ઘટના' તરીકે વર્ગીકૃત કરવાની કોઈ જરૂર નથી.

નાસાએ સ્ટારલાઇનરમાં પોતાના ભરોસાનો પુનરોચ્ચાર કર્યો હતો અને કહ્યું કે 'અવકાશયાત્રીઓ ISSમાં અનેક અઠવાડિયાં વિતાવી શકે છે અને આ સમય દરમિયાન તેઓ અવકાશયાનની તકનીકી સમસ્યાઓને ઉકેલવાનો પ્રયાસ કરશે.'

રસ્તો બદલવો આસાન નથી

સુનીતા વિલિયમ્સ, અવકાશયાન, અંતરિક્ષ, નાસા, સ્પેસઍક્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, અંતરિક્ષયાત્રી જે અવકાશયાનમાં ગયા હોય તેનો ખાસ સ્પેસસૂટ પહેરીને જ તેમાં યાત્રા કરી શકે છે.

અંતરિક્ષયાત્રીઓ કઈ રીતે પાછા આવે તેનો કોઈ એક સરળ રસ્તો નથી.

અધિકારીઓનું કહેવું છે કે અંતરિક્ષયાત્રીઓનો સ્પેસસૂટ એકબીજા સાથે બદલી શકાય નહીં.

જો તેઓ આ વર્ષે સ્પેસઍક્સની ફ્લાઇટથી પાછા આવે છે, તો તેમણે સ્પેકઍક્સ માટે બનાવેલા સૂટ વિના પાછા ફરવું પડશે, જેમાં હજુ પણ વધુ જોખમો રહેલા છે.

જો તેમને 2025ની શરૂઆતમાં મોકલવામાં આવનાર ઉડાણમાં પાછા લાવવાના હોય તો યોગ્ય સ્પેસસૂટ મોકલી શકાય છે.

ઓપન યુનિવર્સિટીના સ્પેસ સાયન્ટિસ્ટ સિમોન બાર્બરે બીબીસીને જણાવ્યું કે 'કોઈપણ રીતે અવકાશયાત્રીઓનું પરત આવવું એ માત્ર સ્પેસઍક્સ અવકાશયાનથી જ શક્ય છે.'

બોઇંગે સતત કહ્યું છે કે તેને સંપૂર્ણ વિશ્વાસ છે કે સ્ટારલાઇનર બંને અવકાશયાત્રીઓ સાથે સુરક્ષિત રીતે પરત ફરી શકે છે.

પ્રેસ કૉન્ફરન્સમાં અધિકારીઓએ કહ્યું કે નાસામાં અંતરિક્ષયાત્રીઓને પરત લાવવા અંગે 'ગંભીર ચર્ચા' ચાલી રહી છે.

એજન્સીએ પુનરોચ્ચાર કર્યો કે તેને વિશ્વાસ છે કે સ્ટારલાઇનર અવકાશયાત્રીઓને પરત લાવી શકશે અને તેમને સ્પેસઍક્સ દ્વારા પરત લાવવાની જરૂર રહેશે નહીં.

નાસાએ તેના અવકાશયાત્રીઓને અંતરિક્ષમાં લઈ જવા માટે બોઈંગ અને સ્પેસઍક્સને અબજો ડૉલરના કૉન્ટ્રેક્ટ આપ્યા છે.

અત્યાર સુધીમાં સ્પેસઍક્સે અવકાશમાં નવ માનવયુક્ત ઉડાણો હાથ ધરી છે, પરંતુ આ બોઇંગનું પ્રથમ માનવયુક્ત મિશન છે.

જો બંને અવકાશયાત્રીઓને સ્પેસઍક્સ સ્પેસક્રાફ્ટથી તેમના સ્પેસઍક્સ સૂટમાં પાછા ફરવું પડે તો તે બોઇંગ માટે મોટો ફટકો હશે.

યુએસ સ્પેસ એજન્સીના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેણે સ્પેસક્રાફ્ટની પ્રોપલ્શન સિસ્ટમની ખામી માટે ડેટાની તપાસ કરવા માટે બહારના નિષ્ણાતોની સલાહ માંગી છે.

નાસા નિર્ણય લેતાં પહેલાં તપાસ પણ ચાલુ રાખશે.

સ્ટારલાઇનરમાં શું ગડબડી થઈ?

પલ્લવ ઘોષ, વિજ્ઞાન સંવાદદાતા, બીબીસી ન્યૂઝ

સુનીતા વિલિયમ્સ, અવકાશયાન, અંતરિક્ષ, નાસા, સ્પેસઍક્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આંતરરાષ્ટ્રીય સ્પેશ સ્ટેશન પર અવકાશયાત્રીઓના નિયમિત હેલ્થ ચેકઅપ કરવામાં આવે છે.

જ્યારે સ્ટારલાઇનર મોકલવામાં આવ્યું ત્યારે તેમાં એક હિલિયમ લીક થવા લાગ્યું અને જ્યારે તે ISS પર પહોંચ્યું ત્યારે અન્ય બે હિલિયમ લીક થવાં લાગ્યાં.

લૉન્ચિંગ સમયે આ લીક નાનું હતું. પરંતુ બીજું લીક પાંચ ગણું મોટું હતું.

જેમ જેમ અવકાશયાન ISS ની નજીક પહોંચ્યું તેમ, 28 મૅન્યુઅરિંગ થ્રસ્ટર્સ બંધ કરવામાં આવ્યાં, જેમાંથી ચાર ફરીથી શરૂ થયાં. ત્યાર પછી પ્રૉપલ્શન સિસ્ટમમાં પણ વધુ બે જગ્યાએ હિલિયમ લીક મળી આવ્યાં હતાં.

જમીન પરની તપાસમાં જાણવા મળ્યું કે થ્રસ્ટરની સમસ્યા ગરમીને કારણે ટેફલૉન સીલ ફુલાઈ જવાને કારણે થઈ હતી. આ સીલ બળતણને કમ્બશન ચેમ્બરમાં પ્રવેશતા અટકાવે છે.

બોઇંગના માર્ક નેપીએ જણાવ્યું હતું કે આ સમસ્યાઓ ફક્ત માનવ સંચાલિત ઉડાણપરીક્ષણોમાં શોધી શકાય છે.

પરંતુ કેટલાક ઍન્જિનિયરો માને છે કે આ સમસ્યાઓ માનવરહિત પરીક્ષણ મિશન દરમિયાન અથવા વાહન ડિઝાઇનના પ્રારંભિક તબક્કામાં શોધી શકાઈ હોત.

બોઇંગના ઍરક્રાફ્ટમાં આ પહેલી સમસ્યા નથી.

તેની પ્રથમ માનવરહિત ફ્લાઇટ 2019માં થઈ હતી, પરંતુ સૉફ્ટવેરની ખામીને કારણે, ઍન્જિન શરૂ થઈ શક્યું ન હતું અને તે સ્પેસસ્ટેશન સુધી પહોંચી શક્યું ન હતું.

2022માં બીજો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સ્પેસક્રાફ્ટને ફરીથી કેટલાંક થ્રસ્ટર્સ અને વાહનની કૂલિંગ સિસ્ટમમાં સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.

તે દરમિયાન બોઇંગના હરીફ ઍલોન મસ્કના સ્પેસઍક્સે ચાર વર્ષ પહેલાં ડ્રેગન અવકાશયાન ISS સુધી પહોંચાડ્યું હતું અને ત્યારથી જ તેઓ અવકાશયાત્રીઓ અને સામાનને લાવવા અને લઈ જવાનું કામ કરે છે.

અને આ બધું ત્યારે થઈ રહ્યું છે જ્યારે જમીન પર ઊડતા બોઈંગના વિમાનોમાં ગેરરીતિઓને લઈને તપાસનો વ્યાપ વધી રહ્યો છે.

હવે એવું ચોક્કસ લાગે છે કે બોઇંગ સ્ટારલાઇનરને લૉન્ચપૅડ બનવા માટે લાંબી મજલ કાપવી પડશે.

અવકાશમાં રહેવાને કારણે મગજ અને આંખ પર અસર

માર્થા હૅનરિક્સ, બીબીસી ફ્યુચર પ્લૅનેટ

સુનીતા વિલિયમ્સ, અવકાશયાન, અંતરિક્ષ, નાસા, સ્પેસઍક્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, લાંબો સમય અવકાશમાં રહેવાથી કમર, ગરદન અને સાંધાને નિયંત્રિત કરતાં સ્નાયુઓ સૌથી વધુ પ્રભાવિત થાય છે.

સૌથી પ્રતિબદ્ધ અવકાશયાત્રીઓને પણ જો અવકાશમાં વધુ સમય વિતાવવો હોય તો કેટલાક પડકારોનો સામનો કરવો પડે છે.

તાલીમ દરમિયાન તેમને જે અનુભવો થાય છે તે વાસ્તવિક મિશનનો માત્ર ત્રણ ચતુર્થાંશ અનુભવ હોય છે.

પરંતુ જો નિર્ધારિત સમય કરતાં વધુ સમય પસાર કરવો પડે તો તેમનો ઉત્સાહ ઓછો થઈ જાય છે.

ઍન્ટાર્કટિકામાં સંશોધન કરી રહેલા વૈજ્ઞાનિકોને કેટલીકવાર ‘સાયકોલૉજિકલ હાઇબરનેશન’ નામની માનસિક સ્થિતિમાંથી પસાર થવું પડે છે, જેમાં વ્યક્તિ લાગણીહીન બની જાય છે અને સંપૂર્ણ રીતે એકલતા અનુભવવા લાગે છે.

સંશોધકોનું કહેવું છે કે ધ્રુવીય અને અવકાશ મિશન પર જતાં લોકોની સ્થિતિ સમાન હોય છે અને સારી ઊંઘ લઈને આ સમસ્યાઓ ઓછી કરી શકાય છે.

બીબીસી ફ્યુચર ઍડિટર રિચર્ડ ગ્રેના જણાવ્યા અનુસાર, અવકાશયાત્રીઓનું નિયમિત હૅલ્થ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. સૌથી વધુ ધ્યાન તેમની આંખો પર આપવામાં આવી રહ્યું છે.

ISS પર હાજર દરેક ક્રૂ મેમ્બરની આંખોના કૉર્નિયા, લેન્સ અને ઑપ્ટિક નર્વની તપાસ કરવામાં આવી રહી છે.

અવકાશયાત્રા આંખો પર તમે ન ધાર્યું હોય તેવી વિપરીત અસર કરી શકે છે.

ગુરુત્વાકર્ષણની અછતને કારણે આંખની પાછળ લોહી જમા થઈ શકે છે જેના કારણે સોજો આવી શકે છે ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થાય છે.

કૉસ્મિક કિરણો અને સૂર્યમાંથી ઉત્સર્જિત ઉચ્ચ ઊર્જાવાળા કણો રેટિના અને ઑપ્ટિક નર્વને નુકસાન પહોંચાડી શકે છે અને અન્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.

માનવશરીર પર બીજી શું અસર થઈ શકે?

સ્ટીફન ડૉવલિંગ, ડેપ્યુટી એડિટર, બીબીસી ફ્યુચર

સુનીતા વિલિયમ્સ, અવકાશયાન, અંતરિક્ષ, નાસા, સ્પેસઍક્સ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બોઇંગની પ્રથમ માનવરહિત ફ્લાઇટ 2019માં થઈ હતી, પરંતુ સૉફ્ટવેરની ખામીને કારણે, ઍન્જિન શરૂ થઈ શક્યું ન હતું અને તે સ્પેસસ્ટેશન સુધી પહોંચી શક્યું ન હતું.

મુશ્કેલ અવકાશયાત્રા દરમિયાન માનવ શરીર કેટલાક આશ્ચર્યજનક ફેરફારોમાંથી પસાર થાય છે.

પરત ફરતાં અવકાશયાત્રીઓને તેમના કેપ્સ્યુલ્સમાંથી ઉઠાવવામાં આવે છે કારણ કે અવકાશમાં રહેવાને કારણે તેમના સ્નાયુઓનું વજન ઘટી ગયું હોય છે.

કમર, ગરદન અને સાંધાને નિયંત્રિત કરતાં સ્નાયુઓ સૌથી વધુ પ્રભાવિત થાય છે. ખૂબ જ ઓછા ગુરુત્વાકર્ષણમાં તેનો ઉપયોગ થતો ન હોવાથી તે નબળા પડી જાય છે.

છ મહિના સુધી ચાલેલા મિશન પછી શરીરના સ્નાયુઓ અને વજનમાં 30 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે.

હાડકાંનું વજન પણ દર મહિને એકથી બે ટકા સુધી ઘટી જાય છે.

આ બંને મુસાફરોને આઠ મહિના સુધી અવકાશમાં રહેવાના કારણે આના જેવી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે તે સ્વાભાવિક છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.