ચંદ્રનો માલિક કોણ? કોઈ દેશ ચંદ્રનો માલિક બની શકે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, રેબેકા મોરેલે
- પદ, સાયન્સ ઍડિટર
ચંદ્ર માટે જોરદાર સ્પર્ધા ચાલી રહી છે. સંસાધનો અને અવકાશમાં પ્રભુત્વ મેળવવાની હોડમાં સંખ્યાબંધ દેશો તથા કંપનીઓની નજર ચંદ્રની સપાટી પર છે ત્યારે સવાલ થાય કે આપણે ચંદ્ર પર સંશોધનના નવા યુગ માટે તૈયાર છીએ?
ચંદ્ર પર લહેરાવવામાં આવેલા ચીની ધ્વજના ફોટોગ્રાફ્સ આ અઠવાડિયે પૃથ્વી પર મોકલવામાં આવ્યા હતા. આ ચીનનું ચંદ્ર પરનું ચોથું ઉતરાણ છે અને ચંદ્રની દૂરની બાજુએથી નમૂનાઓ લાવનારું પહેલું મિશન છે.
ભારત અને જાપાને પણ છેલ્લા 12 મહિનામાં ચંદ્રની સપાટી પર પોતપોતાનાં અંતરિક્ષ યાન ઉતાર્યાં છે. અમેરિકન ફર્મ ઇન્ટ્યૂટિવ મશીન ફેબ્રુઆરીમાં ચંદ્ર પર લૅન્ડર મોકલનારી પહેલી ખાનગી કંપની બની હતી અને આવા અનેક લૅન્ડર ચંદ્ર પર જવાનાં છે.
દરમિયાન, અમેરિકાની અવકાશ સંશોધન સંસ્થા નાસા મનુષ્યોને ચંદ્ર પર ફરી મોકલવા ઇચ્છે છે. તેના આર્ટેમિસ અવકાશયાત્રીઓનું લક્ષ્ય 2026માં ચંદ્ર પર ઊતરવાનું છે.
ચીનનું કહેવું છે કે તે 2030 સુધીમાં માણસને ચંદ્ર પર મોકલશે અને ટૂંકી યાત્રાઓને બદલે ત્યાં સ્થાયી એકમ બનાવવાની તેની યોજના છે.
મહાશક્તિના રાજકારણના નવા યુગમાં અંતરિક્ષમાં પહોંચવાની આ સ્પર્ધા પૃથ્વી પરના તણાવને ચંદ્ર સુધી લઈ જઈ શકે છે.
કેન્સસ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રી જસ્ટિન હોલકોમ્બ ચેતવણી આપે છે કે “ચંદ્ર સાથેનો આપણો મૂળભૂત સંબંધ બહુ ઝડપથી બદલાવવાનો છે. અંતરિક્ષ અન્વેષણની ગતિ હવે આપણા કાયદાઓથી આગળ નીકળી રહી છે.”
કોઈ દેશ ચંદ્રનો માલિક બની શકે?

ઇમેજ સ્રોત, Getty Images
સંયુક્ત રાષ્ટ્રસંઘના 1967ના એક કરાર મુજબ, કોઈ પણ દેશ ચંદ્રનો માલિક બની શકતો નથી. આઉટર સ્પેસ ટ્રીટી કહે છે કે ચંદ્ર બધાનો છે અને તેના પરનું કોઈ પણ સંશોધન સમગ્ર માનવજાતિના લાભ તથા તમામ દેશોના હિત માટે કરવું જોઈએ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ વાત બહુ શાંતિપૂર્ણ તથા સહયોગાત્મક લાગે છે અને ખરેખર એવું જ છે. આઉટર સ્પેસ ટ્રીટી પાછળની પ્રેરક શક્તિ સહયોગ ન હતી, પરંતુ શીતયુદ્ધનું રાજકારણ હતું.
બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચે તણાવ વધ્યો ત્યારે ડર હતો કે અવકાશ પણ યુદ્ધનું એક મેદાન બની શકે છે. તેથી એ સંધિનો મુખ્ય હિસ્સો એ હતો કે અંતરિક્ષમાં એક પણ અણુશસ્ત્ર મોકલી શકાશે નહીં. એ સંધિ પર 100થી વધુ દેશોએ હસ્તાક્ષર કર્યા હતા, પરંતુ આ નવો અંતરિક્ષ યુગ એ સમયના અંતરિક્ષ યુગ કરતાં અલગ દેખાઈ રહ્યો છે.
એક મુખ્ય ફરક એ છે કે આધુનિક સમયના મૂન મિશન્સ માત્ર વિશ્વના દેશોના જ પ્રોજેક્ટ્સ નથી. ખાનગી કંપનીઓના પણ છે.
પેરેગ્રીન નામના એક અમેરિકન કૉમર્શિયલ મિશને જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી કે તે માનવરાખ, ડીએનએ સૅમ્પલ્સ અને એક સ્પૉર્ટ્સ ડ્રીંક પણ ચંદ્રમા પર લઈ જશે. ઈંધણની ટાંકીમાં લીકેજને કારણે તે ચંદ્ર સુધી પહોંચી શક્યું ન હતું, પરંતુ તેના પગલે એવી ચર્ચા છેડાઈ હતી કે ચંદ્ર પર સંશોધન સમગ્ર માનવજાતને લાભકારી હોવું જોઈએ, તેવા સંધિના સિદ્ધાંત સાથે આવી સામગ્રી ચંદ્ર પર લઈ જવાનું કેટલું યોગ્ય છે.
એક અંતરિક્ષ વકીલ અને ઍપોલો લૅન્ડિંગ સાઇટ્સનું રક્ષણ કરવા ઇચ્છતા એક સંગઠન ફૉર ઑલ મૂનકાઇન્ડના સ્થાપક મિશેલ હેનલોન કહે છે, “આપણે ચંદ્ર પર સામાન મોકલવાનું શરૂ કરી રહ્યા છીએ, કારણ કે આપણે તે કરી શકીએ છીએ. ચંદ્રમા આપણી પહોંચમાં છે અને આપણે તેનો દુરુપયોગ શરૂ કરી રહ્યા છીએ.”
ચંદ્ર માટે ખાનગી ઉદ્યમ ભલે વધી રહ્યો હોય, પરંતુ તેમાં અંતિમ ખેલાડીઓ તમામ દેશો જ છે. લંડન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સ્પેસ પૉલિસી ઍન્ડ લૉના ડિરેક્ટર સઈદ મોસ્ટેશરના કહેવા મુજબ, કોઈ પણ કંપનીએ અંતરિક્ષમાં જવા માટે કોઈ દેશ સત્તાવાર સ્વીકૃતિ જરૂરી હોય છે, જે આંતરરાષ્ટ્રીય સંધિઓ પૂરતી મર્યાદિત હશે.
મૂન લૅન્ડર્સની કુલીન ક્લબમાં સ્થાન મેળવવાથી હજુ પણ બહુ પ્રતિષ્ઠા મળે છે. પોતાનાં સફળ મિશનો પછી ભારત અને જાપાન પણ વૈશ્વિક અંતરિક્ષ ખેલાડી હોવાનો દાવો કરી શકે છે.
એક સફળ અંતરિક્ષ ઉદ્યોગવાળો દેશ રોજગાર તથા ઇનોવેશનના માધ્યમથી અર્થતંત્રને મોટો વેગ આપી શકે છે, પરંતુ ચંદ્ર પર પહોંચવાની સ્પર્ધામાં વધુ એક મોટો પુરસ્કાર મળી શકે છે અને એ છે તેનાં સંસાધનો.
ચંદ્રનો ભૂભાગ બહુ વેરાન દેખાય છે, પરંતુ તેમાં રેર અર્થ્સ, લોખંડ તથા ટાઇટેનિયમ જેવી ધાતુઓ તેમજ હીલિયમ પણ સામેલ છે, જેનો ઉપયોગ સુપરકન્ડક્ટર્સથી માંડીને ચિકિત્સા ઉપકરણો સુધીની દરેક વસ્તુમાં કરવામાં આવે છે.
આ બધાનું મૂલ્ય અનુમાન કરતાં ઘણું વધારે, અબજોથી માંડીને ક્વાડ્રિલિયન્સ સુધીનું છે. તેથી કેટલાક લોકો ચંદ્રને પુષ્કળ પૈસા કમાવાની જગ્યા શા માટે માને છે તે સમજવું આસાન છે.
અલબત્ત, એ માટે બહુ જ લાંબા ગાળાનું રોકાણ કરવું પડશે અને ચંદ્ર પરથી સંસાધનો કાઢીને પૃથ્વી પર લાવવા માટે જરૂરી ટેકનોલૉજી હજુ શોધાઈ નથી, એ યાદ રાખવું જરૂરી છે.
આર્ટેમિસ સંધિમાં ચીનની ગેરહાજરી નોંધપાત્ર
1979માં એક આંતરરાષ્ટ્રીય સંધિ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે ચંદ્ર પરનાં સંસાધનોની માલિકીનો દાવો કોઈ દેશ કે સંગઠન કરી શકશે નહીં. જોકે, એ સર્વ સ્વીકાર્ય ન હતું, કારણ કે માત્ર 17 દેશો તેમાં પક્ષકાર છે અને ચંદ્ર પર ગયેલો અમેરિકા સહિતનો એકેય દેશ તેમાં સામેલ નથી.
વાસ્તવમાં અમેરિકાએ 2015માં એક કાયદો પસાર કર્યો હતો, જે તેના નાગરિકો તથા ઉદ્યોગોને કોઈ પણ અંતરિક્ષ સામગ્રી કાઢવાની, તેનો ઉપયોગ કરવાની અને વેચવાની છૂટ આપે છે.
મિશેલ હેનલોને મને કહ્યું હતું, “તેનાથી આંતરરાષ્ટ્રીય સમુદાયમાં ડર ફેલાયો હતો, પરંતુ બાદમાં અન્ય દેશોએ પણ આ પ્રકારના રાષ્ટ્રીય કાયદા બનાવ્યા હતા.” તેમાં ભારત, લગ્ઝમબર્ગ, યુએઈ અને જાપાનનો સમાવેશ થાય છે.
સૌથી વધુ માગ ધરાવતો એક આશ્ચર્યજનક સ્રોત છે પાણી.
નેશનલ હિસ્ટ્રી મ્યુઝિયમ ખાતે પ્લેનેટરી સાયન્સના પ્રોફેસર સારા રસેલ કહે છે, “ઍપોલોના અવકાશયાત્રી દ્વારા લાવવામાં આવેલા ચંદ્રના પથ્થરોનું વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે તે સંપૂર્ણ સુક્કા હોવાનું માનવામાં આવ્યું હતું, પરંતુ લગભગ 10 વર્ષ પહેલાં એક પ્રકારની ક્રાંતિ થઈ હતી અને આપણને જાણવા મળ્યું હતું કે એ પથ્થરોમાં ફોસ્ફેટ ક્રિસ્ટલમાં ફસાયેલા પાણીના નાના-નાના અંશો છે.”
તેમના કહેવા મુજબ, ચંદ્રના ધ્રુવો પર બીજું પણ ઘણું બધું છે. તેના કાયમી છાયાદાર ખાડાઓમાં વૉટર આઇસના ભંડારો ભરેલા છે. ભવિષ્યમાં ચંદ્રની મુલાકાતે જનારા લોકો તેનો ઉપયોગ પીવા માટે કરી શકે છે. તેનો ઉપયોગ ઓક્સિજન ઉત્પન્ન કરવા માટે કરી શકાય છે અને અવકાશયાત્રીઓ તેને હાઇડ્રોજન તથા ઓક્સિજનમાં વિભાજિત કરીને તેનો ઉપયોગ રોકેટનું ઈંધણ બનાવવા માટે પણ કરી શકે છે. આ રીતે તેઓ ચંદ્રથી મંગળ અને તેની આગળ સુધીની યાત્રા કરી શકે છે.
અમેરિકા હવે ચંદ્ર અન્વેષણ અને ચંદ્રદોહન સંબંધી માર્ગદર્શક સિદ્ધાંતો બનાવવાના પ્રયાસ કરી રહ્યું છે. કથિત આર્ટેમિસ સંધિમાં કહેવામાં આવ્યું છે કે ચંદ્ર પરથી સંસાધનો કાઢવાનું અને તેના ઉપયોગનું કામ આઉટર સ્પેસ ટ્રીટી અનુસાર થવું જોઈએ. જોકે, એ માટે કેટલાક નવા નિયમો પણ બનાવવા પડશે, એવું તેઓ જણાવે છે.
આ બિન-બંધનકારક સંધિ પર અત્યાર સુધીમાં 40થી વધુ દેશોએ હસ્તાક્ષર કર્યા છે, પરંતુ તે યાદીમાં ચીનની ગેરહાજરી નોંધપાત્ર છે. કેટલાક લોકો એવી દલીલ કરે છે કે ચંદ્ર અન્વેષણના નવા નિયમોનું નેતૃત્વ કોઈ એક દેશે કરવું ન જોઈએ.
ચીન અને અમેરિકા વચ્ચે નવી સ્પર્ધા

ઇમેજ સ્રોત, Reuters
સઈદ મોસ્ટેશેરે મને કહ્યું, “વાસ્તવમાં આ બધું સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા થવું જોઈએ, કારણ કે તેની અસર બધા દેશોને થાય છે.”
સંસાધનો સુધીની પહોંચ ટકરાવનું વધુ એક કારણ બની શકે છે.
ચંદ્ર પર બહુ જગ્યા છે, બરફ ભરેલા ખાડાઓ નજીકનું ક્ષેત્ર બહુ કિંમતી લુનાર રીઅલ એસ્ટેટ છે. તેથી કોઈ ચોક્કસ સ્થળે દરેક દેશ પોતાનો બેઝ સ્થાપવા ઇચ્છતો હશે તો શું થશે અને કોઈ દેશ પોતાનો બેઝ સ્થાપિત કરી લે પછી તેની નજીક પોતાનો બેઝ સ્થાપતાં અન્ય દેશને કોણ રોકી શકશે?
લંડન સ્કૂલ ઑફ ઇકૉનૉમિક્સ ખાતેના એક સ્પેસ પૉલિસી અને લૉ રિસર્ચર જિલ સ્ટુઅર્ટ કહે છે, “મને લાગે છે કે ઍન્ટાર્કટિકા તેનું રસપ્રદ ઉદાહરણ છે. તે મહાદ્વીપની માફક ચંદ્ર પર પણ રિસર્ચ બેઝીસ સ્થાપવામાં આવે તે શક્ય છે.”
જોકે, નવા લુનાર બેઝ કેટલાક ચોરસ કિલોમીટરમાં હશે કે કેટલાક હજાર કિલોમીટરમાં હશે તેનો નિર્ણય ત્યાં પહેલાં કોણ પહોંચે છે તેના પર નિર્ભર હશે.
જિલ સ્ટુઅર્ટ કહે છે, “ચંદ્ર પર પહેલા પહોંચનારને નિશ્ચિત રીતે લાભ થશે. તેથી કોઈ દેશ ત્યાં પહેલો પહોંચે અને કૅમ્પ સ્થાપિત કરે તો એ તેના ઝોનનો વિસ્તાર નક્કી કરી શકે છે. તેનો અર્થ એ નથી તે દેશ એ જમીનનો માલિક છે, પરંતુ તે એ પ્રદેશ પર કબજો જમાવી શકે છે.”
અમેરિકા અથવા ચીન ચંદ્ર પર પહેલા પહોંચશે, તેવી શક્યતા અત્યારે જણાય છે. પહેલાંથી જ તણાવપૂર્ણ સંબંધમાં તેનાથી સ્પર્ધાનું એક નવું આવરણ ઉમેરાશે. તેઓ જ ધારાધોરણો નક્કી કરે તેવી શક્યતા છે. જે દેશ ચંદ્ર પર પહેલો પહોંચશે તેના દ્વારા સ્થાપવામાં આવેલા નિયમો કાયમી બની રહે તે શક્ય છે.
આ બધું થોડું કામચલાઉ લાગતું હોય તો મેં જે અંતરિક્ષ નિષ્ણાતો સાથે વાત કરી છે તે પૈકીના કેટલાક માને છે કે હવે વધુ એક આંતરરાષ્ટ્રીય અવકાશ સંધિની શક્યતા નથી. ચંદ્ર અન્વેષણ માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તે સમજૂતી કરાર અથવા નવી આચારસંહિતા દ્વારા નક્કી કરવામાં આવે તેવી શક્યતા વધુ છે.
ઘણું બધું દાવ પર લાગેલું છે. ચંદ્ર આપણો કાયમી સાથી છે, કારણ કે આપણે તેને આકાશમાં ચમકવાની સાથે વિભિન્ન તબક્કામાંથી પસાર થતો જોઈએ છીએ.
આ નવી અંતરિક્ષ સ્પર્ધા શરૂ થઈ રહી છે ત્યારે આપણે એ વિચારવું પડશે કે આપણે તેને કેવી જગ્યા બનાવવા ઇચ્છીએ છીએ? તે અનેક સાંસારિક સ્પર્ધાનું કેન્દ્ર તો નહીં બની જાયને?












