આદિત્ય એલ-1 : ભારતનું મિશન મુકામ પર પહોંચ્યું, શું શું શોધ કરશે?

ઇમેજ સ્રોત, NASA-JHU-APL
આદિત્ય એલ-1 આશરે ચાર મહિના સુધી અંદાજે 15 લાખ કિલોમીટરની યાત્રા કરી શનિવારે તેની નિર્ધારિત કક્ષા લૅંગરૅંજ પોઇન્ટ પર પહોંચી ગયું છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પળને ઐતિહાસિક ગણાવી છે.
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લખ્યું, “ભારતનું પહેલું સોલાર ઑબઝર્વેટરી મિશન આદિત્ય એલ-1 તેના લક્ષ્ય સુધી પહોંચી ગયું છે. આ દર્શાવે છે કે કેવી રીતે આપણા વૈજ્ઞાનિકોના પ્રયાસ મુશ્કેલ અને જટીલ અંતરિક્ષ અભિયાનોને હકીકત બનાવી રહ્યા છે.”
તેમણે લખ્યું, “અમે માનવતાના હિતમાં વૈજ્ઞાનિક સીમાઓને વિસ્તારવાનું ચાલુ રાખીશું.”
આ અવકાશયાનને સપ્ટેમબર 2, 2023ના રોજ લૉન્ચ કર્યા પછી તે લગભગ ચાર મહિનાથી સૂર્ય તરફ આગળ વધી રહ્યું હતું.
સૌરમંડળના સૌથી મોટા સભ્યનું એટલે કે સૂર્યનું અવલોકન કરવા માટે લૉન્ચ કરેલા ઇસરોના આ મિશનનું નામ સૂર્યના પુત્ર અને હિન્દુ દેવ આદિત્ય પરથી રાખવામાં આવ્યું છે. એલ-1 એટલે લેગ્રેન્જ બિંદુ 1 જે સૂર્ય અને પૃથ્વી વચ્ચે રહેલું એવું બિંદુ જ્યાં આ અવકાશયાન જઈ રહ્યું છે.
એલ-1 પૃથ્વીથી 1.5 મિલિયન કિમી દૂર સ્થિત છે, જે પૃથ્વી-સૂર્યના અંતરના એક ટકા છે. ઇસરોએ તાજેતરમાં જણાવ્યું હતું કે અવકાશયાન તેના ગંતવ્ય સુધીનું મોટા ભાગનું અંતર કાપી ચૂક્યું છે.
ઇસરોના વડા એસ. સોમનાથે કહ્યું કે તેમણે અવકાશયાનને ભ્રમણકક્ષામાં મૂક્યા પછી તેને જરૂર પડ્યે ક્યારેક થોડુંક હલાવવું પડશે જેથી તે પોતાનું સ્થાન ભ્રમણકક્ષામાં જાળવી રાખે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક વાર આદિત્ય એલ-1 આ "પાર્કિંગ સ્પૉટ" પર પહોંચી જશે પછી તે પૃથ્વીની જેમ જ સૂર્યની પરિક્રમા કરી શકશે. આ અનુકૂળ બિંદુથી તે સૂર્યને ગ્રહણ દરમિયાન પણ સતત નિહાળી શકશે અને તેનો વૈજ્ઞાનિક અભ્યાસ કરી શકશે.
લેગ્રેન્જ પૉઇન્ટ શું છે?

ઇમેજ સ્રોત, ESA
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
કોઈ વસ્તુને કોઈપણ બે અવકાશી પદાર્થો જેમ કે સૂર્ય, ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો વગેરેની વચ્ચે અવકાશમાં મૂકવામાં આવે તો તે કોઈ એક તરફ વધારે આકર્ષાશે. જેના ગુરુત્વાકર્ષણનું જોર વધારે હોય તેના તરફ તે ખેંચાશે.
પરંતુ આવા કોઈ બે અવકાશી પદાર્થો વચ્ચે પાંચ જગ્યાઓ એવી હોય છે, જ્યાં બંનેનું ગુરુત્વાકર્ષણ શૂન્ય છે. તેમને લેગ્રેન્જ પૉઇન્ટ કહેવામાં આવે છે. આનો અર્થ એ થયો કે પૃથ્વી અને સૂર્ય વચ્ચે પણ પાંચ લેગ્રેન્જ પૉઇન્ટ આવેલા છે.
સૂર્ય ફરતે પૃથ્વીની પરિક્રમાનું વર્તુળ દોરીએ અને પછી બંને વચ્ચે સીધી રેખા દોરીને પૉઇન્ટ નક્કી કરવામાં આવે છે. બંનેને જોડતી સીધી રેખા દોરીએ, તેનો બરાબર વચ્ચેનો ભાગ અને હવે કુલ અંતરના દસમા જેટલો ભાગ પૃથ્વી તરફ ગણવાનો.
દસમા ભાગ જેટલું અંતર પૃથ્વી તરફ ખસેડીને પૉઇન્ટ મૂકાય ત્યાં લેગ્રેન્જ પૉઇન્ટ-1 કહેવાય.
એ જ રેખા પર પૃથ્વીની બીજી બાજુ દસમા ભાગે દૂર પૉઇન્ટ મૂકાય તેને પૉઇન્ટ-2 ગણવામાં આવે.
ભ્રમણકક્ષાના તદ્દન સામેના છેડા પર, સૂર્યથી દૂર પૉઇન્ટ-3 થાય. પૃથ્વી અને સૂર્યને પૉઇન્ટ ગણીને રેખા પર ત્રિકોણ દોરવામાં આવે ત્યારે તે ત્રિકોણના છેડે પૉઇન્ટ આવે તે 4 અને 5 થાય.
ઉપરની તરફ ત્રિકોણ દોરાય તે પૉઇન્ટ-4 અને નીચેની તરફ દોરાય તે પૉઇન્ટ-5.
આદિત્ય-L1 પૃથ્વી અને સૂર્ય વચ્ચેના લેગ્રેન્જ પૉઇન્ટ-1 નજીક વૅક્યૂમ ઑર્બિટમાં મૂકવામાં આવશે.
ફ્રેંચ ખગોળશાસ્ત્રી જોસેફ લૂઇ લેગ્રેન્જ નામ પરથી આ પૉઇન્ટને નામ આપવામાં આવ્યા છે.
શા માટે લેગ્રેન્જ પૉઇન્ટ અગત્યનાં છે?

ઇમેજ સ્રોત, ISRO
આ પ્રકારના લેગ્રેન્જ પૉઇન્ટ ખગોળશાસ્ત્રીય સંશોધન અને અવકાશમાં ભ્રમણ માટે અગત્યના ગણાય છે. ખાસ કરીને સૂર્ય પર સંશોધન માટે આ પૉઇન્ટ્સ નિર્ણાયક છે.
બ્રહ્માંડના દરેક અવકાશી પદાર્થ, એટલે કે સૂર્ય, પૃથ્વી, ચંદ્ર, ગ્રહો અને તારાઓ એ બધામાં ગુરુત્વાકર્ષણનું બળ છે. આ પદાર્થનું દળ કેટલું મોટું છે, તેના આધારે તેનું ગુરુત્વાકર્ષણ બળ નક્કી થાય છે. આનો અર્થ એ થયો કે સૂર્ય અને ગુરુ બહુ મોટા અવકાશી પદાર્થો છે, એટલે તેનું ગુરુત્વાકર્ષણ બળ વધારે હોય છે.
પૃથ્વી, શુક્ર, બુધ અને ચંદ્ર જેવા પ્રમાણમાં ઓછું દળ ધરાવતા ગ્રહો ઓછું ગુરુત્વાકર્ષણ બળ ધરાવે છે. સૂર્યમંડળના કુલ દળના 99.86 ટકા એકલા સૂર્યનો હિસ્સો છે. બાકીના તમામ ગ્રહો અને ઉપગ્રહોનું દળ માત્ર 0.14 ટકા છે.
સૂર્ય પૃથ્વી કરતાં 33,313 ગણો મોટો છે. આ રીતે સૂર્ય એટલો બધો વિશાળ છે કે સૂર્યનું ગુરુત્વાકર્ષણ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ કરતાં 27.9 ગણુ વધારે છે.
ચંદ્ર પૃથ્વી કરતાં નાનો હોવાથી ત્યાંનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના છઠ્ઠા ભાગનું છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળના પરિઘમાંથી બહાર નીકળીને અવકાશમાં જવા માટે રૉકેટને 11.2 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપે ઉપર જવું પડે છે. જો તમારે સૂર્યના ગુરુત્વાકર્ષણથી આગળ વધવું હોય તો... 615 કિલોમીટર પ્રતિ સેકન્ડની ઝડપ હાંસલ કરવી પડે.
તેથી આ બે ગુરુત્વાકર્ષણ ગરગડી એટલે વર્તુળ જ્યાં ભેગા થતા હોય ત્યાં સામસામા બળને કારણે સંતુલિત થાય છે. તેથી આદિત્ય-L1 જેવા યાનને બંને તરફથી સમાન બળ હોય તેવી જગ્યાએ એટલે લેગ્રન્જ પૉઇન્ટ પર મૂકવામાં આવે છે, જ્યાં પ્રમાણમાં સ્થિર રહીને અને ઓછા બતળણથી ફરતા રહીને સૂર્ય વિશે સંશોધન કરતા રહેવાય.
આદિત્ય એલ-1નો હેતુ શું છે?
ભારતીય અંતરિક્ષયાન કુલ સાત પેલોડ લઈને લૉન્ચ કરવામાં આવ્યું છે અને સૂર્યની સૌથી બહારની સપાટીનું અધ્યયન કરશે જે ફોટોસ્ફિયર અને ક્રોમોસ્ફિયરના નામે ઓળખાતું હતું.
આદિત્ય એલ-1 ઇલેક્ટ્રોમૅગ્નેટિક અને પાર્ટિકલ ફિલ્ડ ડિટેક્ટરોના માધ્યમ થકી સપાટી પર ઊર્જા અને અવકાશની હલચલની નોંધ રાખશે.
એ અવકાશના મોસમનો અભ્યાસ કરશે અને અવકાશની હલચલનું અધ્યયન કરશે. આ સિવાય સોલર વિંડ અને સોલર પ્રવાહ જેવી તમામ પ્રવૃત્તિઓને સમજવાની પણ કોશિશ કરશે. સોલર વિંડના કારણે જ પૃથ્વી પર સુંદર ઉત્તર અને દક્ષિણ પ્રકાશની ઘટનાઓ બને છે. સાથે જ એ ઇલેક્ટ્રોમૅગ્નેટિક વિચલનોનો પણ અભ્યાસ કરશે.
પોતાની અંતિમ કક્ષામાં પહોંચ્યા બાદ ઑબ્ઝર્વેટરીને સૂર્ય સ્પષ્ટ અને સતત દેખાશે.
ઇસરો અનુસાર, “આનાથી સૌર પ્રવૃત્તિઓનો નજીકથી અભ્યાસ અને રિયલ ટાઇમમાં તેની અવકાશ પર કેવી અસર પડે છે, એ વિશે જાણવામાં મદદ મળશે.”
આ મિશન દ્વારા વિકિરણનું અધ્યયન પણ થઈ શકશે જે કે પૃથ્વી સુધી આવતાં વાતાવરણના કારણે ફિલ્ટર થઈ જાય છે.
પોતાના વિશેષ સ્થાનેથી ઑબ્ઝર્વેટરીનાં ચાર ઉપકરણ સીધા જ સૂર્ય પર નજર રાખશે અને બાકીનાં ત્રણ ઉપરકરણ લેંગેરેંજ પૉઇન્ટ એલ-1ની આસપાસનાં ક્ષેત્રો અને કણોનો અભ્યાસ કરશે, જે આપણને આંતરગ્રહીય અવકાશમાં સૌર હલચલ વિશે વધુ જાણકારી આપશે.
ઇસરોને આશા છે કે આ મિશન એવી કેટલીક મહત્ત્વપૂર્ણ જાણકારીઓ આપશે જેનાથી સૂર્ય વિશે આપણી સમજ વધુ વિકસશે , જેમ કે કોરોના હીટિંગ, કોરોનલ માસ ઇજેક્શન, સોલર ફ્લેર અને એ બધાની વિશિષ્ટતા.
ચંદ્ર અને સૂર્યના અધ્યયન માટે ભારતનાં ઐતિહાસિક મિશન
23 ઑગસ્ટના રોજ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર યાન પહોંચાડીને ભારતે ઇતિહાસ સર્જી દીધો હતો. આ સાથે જ ભારત ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતરાણ કરનાર ચોથો દેશ બની ગયો હતો.
એ દિવસે સમગ્ર દેશમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
હવે આ ઐતિહાસિક સિદ્ધિના ગણતરીના દિવસો બાદ જ ભારતે અવકાશયાત્રાક્ષેત્રે નવાં કીર્તિમાન સ્થાપવા તરફ જાણે ફરી એક વાર દોટ મૂકી છે.
સપ્ટેમ્બર 2023ના ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ઇસરો)એ ચંદ્ર બાદ સૂર્યના બારીકાઈપૂર્ણ સંશોધનના હેતુસર આદિત્ય એલ-1 યાન સફળતાપૂર્વક લૉન્ચ કર્યું હતું.
નોંધનીય છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચંદ્રયાન-3ની સફળ લૅન્ડિંગ બાદ દક્ષિણ આફ્રિકાથી વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે જોડાઈને આ મિશનના મહત્ત્વ અને ઇસરોનાં આગામી લક્ષ્યોની જાણકારી આપી હતી.
જેમાં તેમણે કહ્યું હતું કે ઇસરો દ્વારા ટૂંક સમયમાં જ ચંદ્ર બાદ સૂર્યના સંશોધન માટે યાન મોકલવાની તૈયારી કરાઈ રહી છે.
ઇસરોએ આ મિશનના લાભ અંગે નિવેદનમાં જણાવ્યું હતું કે, "સૂર્ય-પૃથ્વી પ્રણાલીના લેગ્રેન્જ બિંદુ 1 (એલ-1)ની ચારેકોર અને પ્રભામંડલ કક્ષામાં એક ઉપગ્રહ રાખવાનો મુખ્ય ફાયદો એ થશે કે આનાથી સૌર હલચલનું નિકટથી અધ્યયન કરવા અને રિયલ ટાઇમમાં તેની અંતરિક્ષના મોસમ પર કેવી અસર પડે છે એ વિશે જાણવામાં મદદ મળશે."
અગાઉ પણ સૂર્યના અધ્યયન માટે કેટલાક દેશોએ મિશન લૉન્ચ કર્યાં છે.

અમેરિકાની શોધમાં કયાં રહસ્યો ઊઘડ્યાં?

ઇમેજ સ્રોત, S R HABBAL AND M DRUCKMÜLLER
અમેરિકાની સ્પેસ એજન્સી નૅશનલ ઍરોનોટિક્સ ઍન્ડ સ્પેસ ઍડમિનિસ્ટ્રેશન વર્ષ 2018માં પાર્કર સોલર પ્રોબ નામે મિશન લૉન્ચ કર્યું હતું.
પાર્કર સૂર્યના ઉપરના વાતાવરણ એટલે કે કોરોનામાંથી (તારાની આસપાસનો પ્રદેશ) પસાર થયું હતું.
દરમિયાન પાર્ટિકલ્સ અને મૅગ્નેટિક ફિલ્ડનો અભ્યાસ કરાયો હતો.
નાસાની આધિકારિક વેબસાઇટ પ્રમાણે સૂર્યને અડકવામાં કોઈ સ્પેસક્રાફ્ટ સફળ થયો હોય તેવો આ પ્રથમ બનાવ હતો.
એપ્રિલ 2021માં આ અવકાશયાને થોડા સમય માટે સૂર્યના કોરોનામાં ડૂબકી મારી હતી.
મહિનાઓ પહેલાં બનેલી ઘટનાની પુષ્ટિ છેક ડિસેમ્બર 2021માં ડેટા વિશ્લેષણ બાદ થઈ શકી હતી.
અવકાશયાને તીવ્ર ગરમી અને કિરણોત્સર્ગનો સામનો કરીને સૂર્ય કેવી રીતે કામ કરે છે તે અંગે વિગતો પૂરી પાડી હતી.
આ ઉપલબ્ધિને લઈને નાસાના હેલિયોફિઝિક્સ વિજ્ઞાન વિભાગનાં ડાયરેક્ટર નિકોલા ફોક્સે કહ્યું, "જેમ ચંદ્ર પર ઉતરાણથી વૈજ્ઞાનિકોને ચંદ્રની રચના કેવી રીતે થઈ તેની સમજ મળી હતી; તેમ સૂર્યને સ્પર્શ કરવો એ આપણા સૌથી નજીકના તારા અને સૂર્યમંડળ પર સૂર્યના પ્રભાવ વિશેની મહત્ત્વપૂર્ણ માહિતી ઉપરથી પડદો હઠાવવા માટેનું એક વિરાટ પગલું ગણાય."
પાર્કર સોલર પ્રોબ એ નાસાના અત્યાર સુધીના સૌથી સાહસિક મિશન પૈકીનું એક હતું.
તેનું ધ્યેય સૂર્યની બને તેટલી નિકટથી પસાર થવાનું હતું.
અવકાશયાન પાંચ લાખ કિલોમીટર પ્રતિ કલાક (3,20,00 માઈલ પ્રતિ કલાક)ની પ્રચંડ ઝડપે આગળ વધી રહ્યું હતું.
વર્ષ 2021માં 28 એપ્રિલે પાર્કરે આલ્ફવેન નામે ઓળખાતી નિર્ણાયક સીમાને ઓળંગી હતી.
આ કોરોનાની બહારની સીમા છે. તે એ બિંદુ છે જ્યાં સૌર સામગ્રી ગુરુત્વાકર્ષણ અને ચુંબકીય દળો દ્વારા સૂર્ય સાથે બંધાયેલી હોય છે અને તે અવકાશમાં બહાર વહેવા માટે મુક્ત થાય છે.
પાર્કરે સૂર્યની દૃશ્યમાન સપાટી અથવા ફોટોસ્ફિયરથી લગભગ 1.3 કરોડ કિલોમીટર (80 લાખ માઈલ) અંતરે સીમામાં ડૂબકી લગાવી હતી.
યુનિવર્સિટી ઑફ કૅલિફોર્નિયા, બર્કલેના સ્ટુઅર્ટ બેલના જણાવ્યા અનુસાર, ડેટા પૃથક્કરણ પરથી જણાય છે કે અવકાશયાન વાસ્તવમાં અલગઅલગ સમયે પાંચ કલાકમાં ત્રણ વખત સીમાની ઉપર અને નીચેથી પસાર થયું હતું.
"અમે પરિસ્થિતિઓ સંપૂર્ણપણે બદલાતી જોઈ છે. કોરોનાની અંદર, સૂર્યનું ચુંબકીય ક્ષેત્ર વધુ મજબૂત બન્યું છે અને તે ત્યાંના કણોની હિલચાલ પર પકડ ધરાવે છે. તેથી અવકાશયાન એવી સામગ્રીથી ઘેરાયેલું હતું જે વાસ્તવમાં સૂર્યના સંપર્કમાં હતું."
પાર્કરની વૈજ્ઞાનિકોની ટીમ વધુ ડેટા એકત્ર કરશે, કારણ કે ભવિષ્યમાં અવકાશયાન સૂર્યની હદમાં કોરોનાના વધુ ઊંડાણમાં ડૂબકી મારીને ડેટા લઈ આવશે, કેમ કે અવકાશયાન છેલ્લે 2025માં ફોટોસ્ફિયરના 70 લાખ કિલોમીટર (40 લાખ માઈલ) સુધી પહોંચી જશે.
પાર્કરની શોધખોળ અને જે અન્ય સૌર વેધશાળાઓમાંથી આવતી માહિતી પૃથ્વી પર રહેતી દરેક વ્યક્તિ સાથે સીધી નિસબત ધરાવે છે.
સૂર્ય તરફથી સૌથી મોટો વિસ્ફોટ આપણા ગ્રહના ચુંબકીય ક્ષેત્રને હલબલાવી શકે છે. પ્રક્રિયામાં સંચાર વિક્ષેપિત થઈ શકે છે, ઉપગ્રહો ઓફલાઇન થઈ શકે છે અને પાવર ગ્રીડ વિદ્યુત ઉછાળા માટે સંવેદનશીલ બની શકે છે.
વૈજ્ઞાનિકો આ "તોફાનો"ની આગાહી કરવાનો પ્રયાસ કરે છે અને પાર્કર તેમાં મદદ માટે નવી અને મૂલ્યવાન માહિતી પૂરી પાડી રહ્યું છે.
આ સિવાય ફેબ્રુઆરી 2020માં નાસાએ યુરોપિયન સ્પેસ એજન્સી સાથે મળીને સૂર્ય સોલર સિસ્ટમના હર ઘડી બદલાતી જતી સ્થિતિનું કઈ રીતે ઘડતર અને તેમાં બદલાવ કરે છે એ અંગે તપાસ કરવા સોલર ઑર્બિટર લૉન્ચ કર્યું હતું.
નાસાનાં અન્ય ઍક્ટિવ સોલર મિશનોની વાત કરીએ તો તેમાં 1997માં લૉન્ચ કરાયેલ ઍડ્વાન્સ્ડ કમ્પોઝિશન એક્સપ્લોર, 2006માં લૉન્ચ કરાયેલ સોલર ટેરેસ્ટ્રિયલ રિલેશન્સ ઑબ્ઝર્વેટરી, વર્ષ 2010માં સોલર ડાયનેમિક્સ ઑબ્ઝર્વેટરી અને વર્ષ 2013માં ઇન્ટરફેસ રીજન ઇમેજિંગ સ્પેક્ટ્રોગ્રાફ વગેરેનાં નામ સામેલ કરી શકાય.
ડિસેમ્બર 1995માં નાસા, યુરોપિયન સ્પેસ એજન્સી અને JAXAએ સાથે મળીને સોલર હિલિયોસ્ફેરિક ઑબ્ઝર્વેટરી લૉન્ચ કરી હતી.

જાપાને કરી પહેલ

ઇમેજ સ્રોત, GETTY IMAGES
સૂર્ય અંગે વધુ માહિતી મેળવવા માટે સંશોધન કરવાના આશયથી પહેલવહેલી વખત જાપાને મિશન સેટેલાઇટ લૉન્ચ કર્યો હતો.
જાપાન ઍરોસ્પેસ ઍક્સપ્લોરેશન એજન્સી – JAXAએ વર્ષ 1981માં સોલર ઑબ્ઝર્વેશન સેટેલાઇટ લૉન્ચ કર્યો હતો. જેનો હેતુ એક્સ-રેની મદદથી સૌરજ્વાળાનો અભ્યાસ કરવાનો હતો.
બાદમાં JAXAએ વર્ષ 1991માં યોહકોહ (સોલર-એ) નામનું સોલર એક્સપ્લોરેશન મિશન લૉન્ચ કર્યું હતું. 1995માં એજન્સીએ SOHO (નાસા અને યુરોપિયન સ્પેસ એજન્સી) નામનું મિશન લૉન્ચ કર્યું હતું.
ઉપરાંત JAXAએ નાસાના સહયોગથી વર્ષ 1998માં ટ્રાન્સિયન્ટ રિજન અને કોરોનલ એક્સપ્લોરર (TRACE) લૉન્ચ કર્યું હતું.
વર્ષ 2006માં એજન્સીએ હિનોડે (સોલર-બી) લૉન્ચ કર્યું હતું. એ પહેલાં પરિક્રમણ કરતી સોલર ઑબ્ઝર્વેટરી યોહકોહ (સોલર-એ) લૉન્ચ કરાયું હતું.
હિનોડેનો હેતુ પૃથ્વી પર સૂર્યની અસરનો અભ્યાસ કરવાનો હતો.

યુરોપ અને ચીન
ઑક્ટોબર 1990માં યુરોપિયન સ્પેસ એજન્સીએ સૂર્યના ધ્રુવોની ઉપર અને નીચેના અવકાશના વાતાવરણનો અભ્યાસ કરવા માટે યુલીસીસ નામનું મિશન લૉન્ચ કર્યું હતું.
નાસા અને જાપાનની સ્પેસ એજન્સી સાથે સંયુક્તપણે લૉન્ચ કરાયેલાં સૌર મિશનો સિવાય વર્ષ 2001માં યુરોપિયન સ્પેસ એજન્સીએ પ્રોબા-2 નામનું મિશન લૉન્ચ કર્યું હતું. પ્રોબા-2 પર ચાર પરીક્ષણો હતાં, જે પૈકી બે સોલર ઑબ્ઝર્વેશન પ્રયોગ હતા.
પ્રોબાનું આખું નામ પ્રોજેક્ટ ફૉર ઑન-બોર્ડ ઑટોનૉમી. આ સિવાય આગામી સમયમાં એજન્સીએ પ્રોબા-3 અને સ્માઇલ નામનાં મિશનો લૉન્ચ કરવાની છે.
આ સિવાય 2022માં ચાઇનીઝ એકૅડૅમી ઑફ સાયન્સીઝ (સીએએસ)ના નૅશનલ સ્પેસ સાયન્સ સેન્ટર ખાતેથી ધ ઍડ્વાન્સ્ડ સ્પેસ બેઝ્ડ સોલર ઑબ્ઝર્વેટરી સફળતાપૂર્વક લૉન્ચ કરી હતી.
















