કલ્પના ચાવલા : એ ભારતીય અવકાશયાત્રી જેમનું અંતરીક્ષયાન ધરતી પર ઊતરતી વેળાએ અગનગોળો બની ગયું

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
પહેલી ફેબ્રુઆરી 2003ના દિવસે ભારતીય મૂળનાં અવકાશયાત્રી ઉપરાંત છ સહાયાત્રિકો સાથેનું અવકાશયાન પૃથ્વી પર પરત ફરી રહ્યું હતું. વિશ્વભરમાં તેનું જીવંત પ્રસારણ ચાલી રહ્યું હતું.
હરિયાણા ખાતે ભારતીય અવકાશયાત્રીની શાળામાં પણ ટીવી પર જીવંત પ્રસારણ ચાલી રહ્યું હતું, અચાનક તે આગના ગોળામાં ફેરવાઈ ગયું. શાળામાં ખુશીનો માહોલ ગમગીનીમાં ફેરવાઈ ગયો. અમેરિકા અને ભારત સહિત વિશ્વના વિજ્ઞાની સમુદાયમાં શોકની લહેર ફરી વળી.
ધરતી ઉપર પુનરાગમન કરે તેની 16 મિનિટ પહેલાં જ સ્પેસશટલ કૉલમ્બિયા ધ્વસ્ત થઈ ગયું હતું અને તેનો કાટમાળ અમેરિકાનાં ત્રણ રાજ્યોમાં ફેલાઈ ગયો હતો.
કલ્પના ચાવલાની અવકાશી ઉડ્ડાણનો અંત આવી ગયો. તેમણે પહેલાં પણ એક ભારતીયે અવકાશમાં ભ્રમણની સિદ્ધિ હાંસલ કરી હતી અને તેમનાં પછી ગુજરાતી મૂળનાં અવકાશયાત્રીએ અવકાશમાં ઇતિહાસ રચ્યો હતો.

કલ્પના ચાવલાની ઉડાન

ઇમેજ સ્રોત, Getty Images
કલ્પનાનાં પિતા બંસીરામ અને માતા સંજ્યોતિ ચાવલા અવિભાજિત ભારતના સમયમાં હાલના પાકિસ્તાનમાં રહેતાં હતાં. વિભાજન પછી તેઓ ભારત આવી ગયાં. અહીં બંસીરામે પહેલાં કાપડનો અને પછી ટાયરનો વેપાર શરૂ કર્યો.
12 માર્ચ, 1962ના રોજ કલ્પનાનો જન્મ થયો હતો. નાનપણથી જ તેમની કલ્પનાની ઉડ્ડાણ ઊંચી હતી. તેઓ પિતાની સાથે ફ્લાઇંગ ક્લબમાં જતાં અને ત્યાં વિમાનોને ઉડ્ડાણ ભરતા જોતાં. તેઓ જેઆરડી ટાટાથી પણ ખૂબ જ પ્રભાવિત હતાં. તેમણે કરનાલની ટાગોર સ્કૂલમાંથી અભ્યાસ કર્યો. ત્યાંથી તેઓ પંજાબ યુનિવર્સિટીમાં ઍરોનોટિક્સનો અભ્યાસ કરવા માટે ગયાં. પ્રિન્સિપાલની ઇચ્છા હતી કે તેઓ ઍરોનોટિક્સ એંજિનિયરિંગ ન કરે. એ સમયે એ કોર્ષ એટલો આકર્ષક પણ ન હતો અને તેમાં ભવિષ્ય પણ દેખાતું ન હતું. જોકે, કલ્પના તેમની પસંદગીને વળગી રહ્યાં. તેઓ અવ્વલ નંબરે પાસ ન થતાં, પરંતુ ટોપ-5માં તેમનું નામ ચોક્કસથી રહેતું.
નજીકના મિત્રો કલ્પનાને 'કેસી' કહીને બોલાવતાં. ટૅક્સાસ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની પદવી મેળવવા માટે તેઓ અમેરિકા પહોંચ્યાં. હરિયાણાના રૂઢિચુસ્ત પરિવારે કલ્પનાની સાથે તેમના ભાઈ સંજયને પણ અમેરિકા મોકલ્યા અને આ શરતે જ તેમને જવાની મંજૂરી આપી હતી.
ઍરપૉર્ટ પર તેમની મુલાકાત જેન પેરી હૅરિસન નામના ફ્રૅન્ચ મૂળના શખ્સ સાથે મુલાકાત થઈ. જેઓ આગળ જતાં તેમના જીવનસાથી બન્યા. 1984માં તેમણે અનુસ્નાતકની પદવી મેળવી તથા 1988માં તેમણે કૉલોરાડો યુનિવર્સિટીમાંથી ઍરોસ્પૅસ એંજિનિયરિંગમાં પીએચડીની ડીગ્રી મેળવી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

નાસા, આશા અને નિરાશા

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકામાં કલ્પનાએ ગ્લાઇડર તથા ઍરોપ્લૅનનાં ઇન્સ્ટ્રક્ટર તરીકેની માન્યતા મેળવી. તેઓ સિંગલ તથા મલ્ટી એંજિન લૅન્ડ, સી-પ્લૅન, ગ્લાઇડરે ઉડાડવાનું લાઇસન્સ ધરાવતાં હતાં.
1988થી 1993 સુધી તેમણે નાસાના અલગ-અલગ પ્રોજેક્ટ્સ પર કામ કર્યું. 1993માં તેઓ એક ખાનગી કંપનીમાં વાઇસ-પ્રૅસિડન્ટ તરીકે પણ જોડાયાં હતાં. એ પછી તેઓ અમેરિકાની અવકાશસંસ્થા નાસામાં (નેશનલ ઍરોનોટિક્સ ઍન્ડ સ્પૅસ એજન્સી) અવકાશયાત્રી તરીકે પસંદ થયાં. લગભગ ત્રણ હજાર લોકોએ આને માટે અરજી કરી હતી.
કલ્પના અવકાશયાનની ઍક્સ્ટ્રા-વ્હિક્યુલર ઍક્ટિવિટી, રૉબૉટિક્સ તથા કમ્પ્યૂટર બાબતોનાં નિષ્ણાત હતાં. 1997માં તેમણે પ્રથમ વખત 16-દિવસીય અવકાશયાત્રા ખેડી અને કેટલાંક સમારકામ હાથ ધર્યાં. શાકાહારી પરિવારનાં કલ્પનાએ અવકાશયાત્રા દરમિયાન પણ શાકાહારી ભોજન જ કર્યું હતું.
કલ્પનાએ તેમની પહેલી અવકાશયાત્રા સ્પેસશટલ કૉલમ્બિયા મારફત ખેડી અને પૃથ્વીથી બહાર તેમનો છેલ્લો પ્રવાસ પણ કૉલમ્બિયામાં જ હતો. 16 જાન્યુઆરી 2003ના છ અન્ય અવકાશયાત્રીઓ સાથે કલ્પના બીજી વખત અવકાશયાત્રાએ નીકળ્યાં હતાં.
16 દિવસની અવકાશયાત્રા દરમિયાન અવકાશયાત્રીકોએ કુલ્લે 80 જેટલા પ્રયોગ કર્યા. તેઓ પહેલી ફેબ્રુઆરી 2003ના પૃથ્વી પર પરત ફરી રહ્યાં હતાં, ત્યારે ઉતરાણના 16 મિનિટ પહેલાં સ્પેસશટલ અગનગોળામાં ફેરવાઈ ગયું હતું અને કલ્પના ચાવલા તથા અન્ય ઍસ્ટ્રોનટ્સ તત્કાળ મૃત્યુ પામ્યાં હતાં.
પાંચ વર્ષની સઘન તપાસ બાદ નાસાએ વર્ષ 2008માં તેનો અહેવાલ રજૂ કર્યો. જેના તારણ મુજબ, જ્યારે સ્પેસશટલ લૉન્ચ થયું હતું, તેની 81 સેકંડ પછી બહારની ઇંધણની ટાંકી ઉપર લગાડવામાં આવેલા ઉષ્મારોધક ટુકડો તૂટીને શટલની ડાબી પાંખ ઉપર પડ્યો હતો.
આ ક્ષતિ ગ્રાઉન્ડ ઉપરથી તથા ક્રૂના સભ્યોના ધ્યાન બહાર રહી ગઈ હતી. મિશન પૂર્ણ કરીને જ્યારે સ્પેશશટલ પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ કરી રહ્યું હતું, ત્યારે વાતાવરણ સાથેના ઘર્ષણને કારણે ડાબી પાંખને નુકસાન પહોંચ્યું અને આખું અવકાશયાન ક્ષતિગ્રસ્ત થઈ ગયું.
આ બધું એટલું ઝડપથી થઈ ગયું કે અવકાશયાત્રિકોને તેમનું સુરક્ષા મૉડ્યુલ ઍક્ટિવેટ કરવાનો સમય પણ ન મળ્યો અને તેમનાં મૃત્યુ થઈ ગયાં. દુર્ઘટના સમયે યાનની ઝડપ અવાજ કરતાં 20 ગણી હતી. આ પછી નાસાએ તેના સંગઠનમાં તથા સ્પેસશટલ લૉન્ચની પ્રક્રિયામાં વ્યાપક ફેરફાર કર્યા હતા.
કલ્પના ચાવલા પહેલાં રાકેશ શર્મા નામના ભારતીયે અવકાશયાત્રા ખેડી હતી. કલ્પના પછી ગુજરાતી મૂળના દીપક પંડ્યાનાં પુત્રી સુનિતા વિલિયમ્સ અવકાશમાં રેકૉર્ડ સમય રહેનારાં અને સ્પૅસવૉક કરનારાં મહિલા બન્યાં હતાં. ભારતીય મૂળનાં સિરિસા બાંદલા અને રાજા ચારી પણ અવકાશયાત્રાઓ ખેડી ચૂક્યાં છે.
40 વર્ષની ઉંમરે ચાવલાનું અવસાન થયું, પરંતુ તેઓ ભારતની અનેક છોકરીઓને સપનાંની ઉડ્ડાણ ભરવાની અને કલ્પનાની જિંદગી જીવવાની પ્રેરણા આપી ગયાં.














